Sunday, May 28, 2023

વિરોધીઓને અણધાર્યો આંચકો અને ભાજપને છપ્પરફાડ લાભ -- વાત છે સમાજમાં એકાએક ઉપસ્થિત થયેલા "સેંગોલ" અને "ચોલા રાજવંશ"ના વાર્તાલાપની

 


જ્યારે તેમણે નવી સંસદ ભવનના ઉદ્ઘાટન અંગે વિવાદ ઉભો કર્યો ત્યારે વિરોધ પક્ષોને સહેજ પણ અંદાજ નહોતો કે તેમણે અજાણતા એવી ચાંપ દબાવી દીધી છે કે જેનાથી આખા ભારતમાં ભારતીય પુરાતન સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસ વિશે લોકોમાં ન શમી શકે તેવો રસ જાગૃત થઈ જશે.


૨૪ કલાકથી ઓછા સમયમાં, વિસ્ફોટક ગતિથી  પ્રાચીન તમિલ ભાષાનો શબ્દ “સેંગોલ” અને પ્રાચીન તમિલ સંસ્કૃતિ આપણા દેશની જાહેર ચર્ચામાં અચાનક જ પ્રવેશી ગયા છે. ચોલ સામ્રાજ્ય, રાજ-ધર્મ, સેંગોલ (રાજ-દંડ), તેના પર સ્થાપિત શિવ ભક્ત નંદી, નંદીનો સત્ય, સચ્ચાઈ, ધૈર્ય, શાંતિ, શક્તિ, રાષ્ટ્ર પ્રત્યે વફાદારી અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત સેવાની ભાવનાનો સંદેશ, વગેરે જેવા વિષયો માટે સમાજમાં જે ઉત્સાહ ઊભો થઈ ગયો છે તે ભાજપ જેવા રાષ્ટ્રવાદી લોકોને ભલે ખૂબ ગમશે પણ તેમના વિરોધીઓ, સામ્યવાદીઓ અને તેમના જેવા સમાન વિચારધારા ધરાવતા પક્ષોને ઘણો ખટકશે. ભારતની ભોળી પ્રજાને પ્રાચીન સંસ્કૃતિથી વિમુખ કરવાના પ્રયાસ અનઅપેક્ષીત રીતે જાણે ઘરાશાયી થઈ ગયા. આવું  દુઃસ્વપ્ન તો તેમણે કદી વિચાર્યું નહીં હોય.


જાણે કે આ આંચકો પૂરતો ન હતો તેમ, ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની રાત્રે સત્તા સ્થાનાંતરણ વખતે ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુએ પવિત્ર સેંગોલ ધારણ કર્યાના ઈતિહાસને નકારી કાઢતાં લગભગ ૨૦ જેટલા વિપક્ષીઓને કાપે તો લોહી ન નીકળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ જ્યારે સંશોધનકર્તાઓએ તે કાળના  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેસમાં, વૃત્તપત્રોમાં વગેરેમાં પ્રસિદ્ધ થયેલા ઐતિહાસિક અહેવાલ અને ફોટોગ્રાફ્સ સમાજ સમક્ષ મુક્યા. ભારતની સામાન્ય પ્રજાએ પણ જોયું કે રાજ-દંડની વાતને તે કાળના વૃતાંતમાં સારી રીતે આવરી લેવામાં આવ્યું હતું. જવાહરલાલ નેહરુના વંશજોને જ જો આ મહત્વપૂર્ણ સત્યની જાણ સુદ્ધાં ન હોય તો તે વાત ભારે શરમજનક કહેવાય.


જો કે, હજી તો શરમના મુગટ પરની કલગીની વાત કરવાની બાકી છે. પ્રયાગરાજના જે અલ્પ-પ્રસિદ્ધ પ્રાંતીય  સંગ્રહાલયમાં સેંગોલ રાજ-દંડ રાખવામાં આવેલ ત્યાં એક કાગળ કે પુંઠાની ચબરખી પર સત્તાવાર નોંધ હતી- પં જવાહરલાલ નેહરુને ભેટમાં આપેલી "ગોલ્ડન વૉકિંગ સ્ટીક" 


સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાનને સત્તા સ્થાનાંતરિત કરવા માટે છેલ્લા બ્રિટિશ વાઇસરોય માઉન્ટબેટન દ્વારા એક સત્તાવાર સમારોહમાં, તમિલનાડુના એક પ્રાચીન મંદિરના આદરણીય વિદ્વાન સંતો દ્વારા યોગ્ય રીતે પવિત્ર કરાયેલા સેંગોલ રાજ-દંડને કોઈ ગૌણ સંગ્રહાલયમાં વર્ષો સુધી ગોંધી મૂકવામાં આવે છે અને તેને "વૉકિંગ સ્ટીક" કહેવામાં આવે છે. આવું જોઈને સાંભળીને શું દેશપ્રેમી લોકોના કાળજા ચિરાઈ ન જાય?


લાગે છે કે વિપક્ષને નૂતન-સંસદ ઉદઘાટન બહિષ્કાર કરવાનો સોદો મોંઘો પડી ગયો.


Saturday, March 4, 2023

મારા નવા પુસ્તક “ઊર્મિલાનો મોટો દીકરો એટલે ઊમોદી” નું આજે પ્રકાશન થયું છે.

 

મારાં અગાઉનાં પુસ્તકો અંગ્રેજી ભાષામાં છે, પણ આ મારું ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક છે. (સાથે સાથે ચપટીભર અંગ્રેજી, ફ્રેંચ, સ્પેનિશ, ડચ, સંસ્કૃત, હિન્દી, મરાઠી, સ્વાહિલી અને અરબી ભાષાઓનો ઉપયોગ પણ થયો છે.) 

 

ઊર્મિલાનો મોટો દીકરો એટલે ઊમોદી

 આ પુસ્તકમાં રાજકારણ, યુદ્ધો, જાસૂસી, ભાંગફોડ, ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ઉદ્યોગો, વૂડૂ બ્લેક મેજિક, સ્વાસ્થ્ય, પરંપરાઓ, રીતરિવાજો, તહેવારો, ભાષાઓ, સંબંધો, રસોઈ, ખોરાક, વગેરે જેવા વિધવિધ વિષયોને આવરી લેતી વાસ્તવિક જીવનની સત્ય વાર્તાઓ વાંચવા મળે છે. સેંકડો એવા વિષયો છે કે જેની સાહિત્યમાં ભાગ્યે જ ચર્ચા થાય છે તેવી વાતોને લીધે વાચકને આ નવું પુસ્તક રસપ્રદ લાગશે. વિષય પ્રસ્તુતિ પણ સામાન્ય પુસ્તક કરતાં સાવ અલગ રીતે થયેલી છે. આ વાર્તા એક ખરેખર પ્રેરણાદાયી સ્ત્રી, ઊર્મિલાની આસપાસ વણાયેલી છે, જે ચાર બાળકોની સરેરાશ મધ્યમ વર્ગની માતા અને આનંદી પત્ની હોવાની સાથે, પોતાની રીતે એક મૌન ક્રાંતિકારી કરતાં જરાય ઓછી નહોતી. તે એક, બે એવા પાઠ આપે છે કે કેવી રીતે 'નારીવાદી (Feminist) બન્યા' વિના કેવી રીતે સૌમ્યતાથી નારીવાદી બનવું, અને કેવી રીતે 'પીડિત' (Victimhood) માનસિકતાનો ભોગ ન બનવું. તેણીનો જન્મ આજે 1933 માં થયો હતો, જો તે જીવતી હોત તો આજે તેનો ૯૧મો જન્મદિવસ તે ઉજવતી હોત. 

અધ્યયન અને સામાન્ય જ્ઞાનની દૃષ્ટિએ આ પુસ્તક મૂલ્યવાન છે. તેથી જ તો, શૈક્ષણિક પુસ્તક પ્રકાશક, ક્રિએટિવ પ્રકાશને આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક એક સારું વાંચન તો છે જ પણ તે સાથે જન્મદિવસ કે કોઈ સારા પ્રસંગે એક સારી ભેટ આપવા લાયક પુસ્તક પણ છે. 

 

નીચે આપેલી લિંકને અનુસરીને તમારી નકલ મેળવી શકશો. એકાદ અઠવાડિયામાં એમેઝોન ઉપર પણ આ પુસ્તકની વિગતો અપલોડ થઈ જશે. ISBN:978-93-95389-01-3. Creative Prakashan Email:www.creativeprakashan9@gmail.com. Price:  Rs. 450/- * (ભારતમાં) $ 15/-* (પરદેશમાં) આજે જ ઘરબેઠા પ્રાપ્ત કરો

 https://creativeprakashan.spayee.com/courses/------63fb1192e4b07965060d7062#description





 

Sunday, April 25, 2021

વોકલ ફોર લોકલ ૨ - તમારું હોય તેનું જતન તમારે જ કરવું જોઈએ.

 


લોકલનું મહત્વ વધારવા પરદેશની મોટી કંપનીઓ પોતાની ઘણી વસ્તુઓના મોડેલના નામ પોતાના દેશ, ગામ, પર્વત, નદી વગેરે ઉપર આપતા જોઈ શકાય છે. ટેકોમા (Tacoma), સીએના (Sienna), ટસ્કન (Tuscan), પ્લાયમાઉથ (Plymouth) જેવા અનેક મોટરકારોના મોડેલો આપણે સાંભળ્યા છે. આ બધા નામ અમેરિકા અને યુરોપનાં ગામોના નામ છે. મોટરકાર આવી તે પહેલાનાં સાયકલ યુગમાં રેલી (Raleigh) નામની એક બહુ પ્રખ્યાત સાયકલ આવતી હતી, આજે પણ આવે છે તે રેલી પણ અમેરિકાના એક ગામનું નામ છે. કેન્ટ, કેનમોર વગેરે એપલાયન્સીસ બ્રાન્ડ પણ ગામના જ નામ છે. આપણે પણ જો આવું અનુકરણ કરી ભારતના ગામ, નદી, પર્વત વગેરેના નામ આપી શકીએ તો તેમને દેશ-પરદેશમાં જાણીતા બનાવી શકાય. ભારતની મોટી કંપનીઓ અને ઉદ્યોગપતિઓ જો આવું કરવા તરફ થોડું ધ્યાન આપશે, એટલે કે જો 'વોકલ' બનશે તો સહેલાઈથી આપણાં લોકલ સ્થાનો જાણીતા થશે. બોલે તેના બોર વેચાય.


Sunday, November 8, 2020

વોકલ ફોર લોકલ (૧) – તમારું હોય તેનું તમે જતન કરો

 બાકીના બધા અક્ષરો તો ભારતની બધી ભાષાઓમાં હોય છે, પણ ગુજરાતી ભાષાના આ બે અક્ષરો, 'ળ' અને 'ણ' બીજી ભાષાઓમાં કાં તો નથી અથવા તો ઓછા વપરાશમાં આવે છે. આ વિશેષતાનો આપણે પૂરેપુરો ઉપયોગ કરીને ગુજરાતી ભાષાની લાક્ષણિકતા જાળવી રાખવી જોઈએ. આ વાત મારા મનમાં ત્યારે આવી, જ્યારે બજારમાં મળતી ગોળ-કેરીના અથાણાની શીશી પર 'ગોર-કેરી' કે 'ગોડ-કેરી' એવું વાંચવામાં આવ્યું. વોકલ ફોર લોકલ કરવું હોય તો 'ળ' અને 'ણ' ને આપણે ભૂલવા ન જોઈએ. જો ગુજરાતીમાં પ્રીન્ટ કરવાનું હોય તો, 'પાણી-પુરી' કે 'ભેળ-પૂરી' ને 'પાની-પૂરી' કે 'ભેલ-પૂરી' શા માટે કહેવું? વાત નાની છે પણ તેની શક્તિ 'લોકલ' ને 'ગ્લોબલ' બનાવી શકશે. "વોકલ ફોર લોકલ" આપણે થયા નહીં તેને લીધે જે વસ્તુઓ આપણા લેખક-કવિઓએ વર્ણવી છે તે ક્યાં છે તે અથવા તે જગાઓ જોવાનું પણ આપણને કુતુહલ થતું નથી. તેથી જ તો તે તે સ્થળોનો પર્યટન-મથક તરીકે પણ વિકાસ થતો નથી. દાખલા તરીકે, જુનાગઢના જોવા લાયક ઐતિહાસિક સ્થળો જો ગુગલમાં શોધશો તો અડીકડીની વાવ કે નવઘણ કૂવો તમને નહીં મળે અને વઢવાણની માધાવાવ કે સતી રાણકદેવીનું મંદીર પણ નહીં મળે.  જુનાગઢના કવિ નરસિંહ મહેતા કે વઢવાણના કવિ દલપત રામ વગેરેએ તેમના સમયે ઐતિહાસિક રીતે અગત્યની સ્થાનિક વાતો સમેટીને કવિતાઓ લખી અને તે વાતો પ્રખ્યાત પણ થઈ. તેઓ લોકલ માટે વોકલ થયા. આજે પણ તેવું કરવાની જરુર છે. આપણા દેશમાં તો જ્યાં નજર પડે ત્યાં ઇતિહાસ પડ્યો છે, આપણે બસ જરુર થોડાક વોકલ-બોલતા થવાની જ છે.


Sunday, February 18, 2018

વિવિધતામાં એકતાનું દર્શન


ભારતમાં કહેવાય  છે કે દર બાર ગાઉએ બોલી બદલાય છે, વેષ-ભૂષા અને ખાન-પાન બદલાય છે. પરંતુ આપણે ઘણા ના મોઢે એવું સાંભળ્યું છે કે ભારત દેશની એ વિશિષ્ટતા છે કે અહીંના લોકોમાં ભલે ગમ્મે તેટલી વિવિધતાઓ દેખાય પણ તેઓમાં એકતા નું એક અદ્રષ્ટ ઝરણું વહે છે. પણ એક વિચાર મનમાં જરૂર ઉભો થાય કે વિવિધતા અને એકતા એ બેઉ તો પરસ્પર વિરોધી છે. જ્યાં વિવિધતા હોય ત્યાં એકતા સંભવી જ કેમ શકે? તો ભારત દેશની આ એકતા નું રહસ્ય શું છે?

 

રંગરંગીત સુંદર મણકા થી બનેલી માળા કેટલી મનોહર લાગે છે? એ સુંદર માળા નો દરેક મણકો એક અદ્રષ્ય તંતુ થી જોડાએલો છે. આ તંતુ ભલે આંખોથી દેખાતો નથી પરંતુ માળાના અસ્તિત્વનું તે જ ખરૂં કારણ છે. આપણે સહુ ભલે જુદી ભાષાઓ બોલતા હોઈએ, અલગ અલગ ધર્મોના અનુયાઈ હોઈએ, ઓછા-વત્તા ધનીક હોઈએ પણ એક જ મા, મા ભારતી ના આપણે પુત્ર-પુત્રીઓ છીએ. વિશ્વ આખા માં બીજો કોઈ દેશ એવો નથી કે જે દેશની સંસ્કૃતી એવું સમજાવે છે કે ઈશ્વર કણે કણમાં બધે જ વસેલો છે. તે આપણા સહુમાં, પ્રાણીથી લઈ વનસ્પતિ, નદી-નાળા અને પર્વતોમાં એમ બધે વસે છે. આ સંદેશની શક્તિ જોઈલો, તે શક્તિને પ્રતાપે આપણને સહુ લોકો આપણા જ હોય તેવું લાગે છે. વળી આપણા પૂર્વજોએ वसुधैव कुटुम्बकम् કહીને આખું વિશ્વ મારો જ પરિવાર છે તેવું આપણા જીવનમાં સહજ વણી દીધું છે. આવી મૌલીક વિચારધારા આપણને બીજા દેશોના નાગરિકો કરતા વધુ સહિષ્ણુ બનાવે છે. વળી તેને જ લીધે નાના-મોટા વિખવાદો નું રૂપાંતર મોટા ઝગડા કે ઝેરીલા સંઘર્ષમાં થતું નથી અને આપણું ઐક્ય ભાંગતુ નથી.

ભારતમાં આપણા સહુની માતૃભાષાઓ ભલે વિવિધ હોય પણ તે સહુ ભાષાની જનની તો એક જ છે ને? તે એટલે આપણી સંસ્કૃત ભાષા. એ સંસ્કૃત ભાષામાંથી જ હિંદી, ગુજરાતી, મરાઠી કે મલયાલમ એમ ભારતની બધી ભાષાઓ કાળક્રમે ઊદભવી છે. ભાષાવિદોના કહેવા પ્રમાણે તામીલ ભાષાના લગભગ અડધોઅડધ શબ્દો તો સંસ્કૃત ના જ છે. હજારો વર્ષોથી ખેડાએલી આ સંસ્કૃત ભાષામાં વિપુલ સાહિત્ય છે. જે તત્ત્વજ્ઞાન, જે આચારવિચારો સંસ્કૃત ભાષાને લીધે આપણા આ ભૂમિખંડમાં સ્થિર થયા છે તેને જ આપણે “સંસ્કૃતી” કહીએ છીએ. આ પ્રમાણે સંસ્કૃતમાંથી આવેલી છે તેને જ ખરેખર સંસ્કૃતી કહેવાય. આપણી માતૃભાષા સંસ્કૃતમાંથી આવેલી છે માટે તેમાંનું તત્ત્વજ્ઞાન, આચારવિચાર, નૃત્ય, સંગીત જાણે અજાણ્યે આપણા સહુના લોહીમાં આવી વસ્યું છે. ભલે આપણામાં થી કોઈ ઊત્તરથી આવ્યો હોય કે દક્ષિણથી, પૂર્વથી કે પશ્ચિમથી પરંતુ તે પણ આપણી જેમ માતૃ દેવો ભવ એમ જ કહેવાનો, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ એવું જ બોલવાનો. આખા ભારતની બાળવાર્તાઓમાં ચાંદા મામા હશે અને સુરજ દાદા હશે, કારણ કે આપણા સહુની મૂળ સંસ્કૃતી એક જ છે.

વ્યક્તિ કાશ્મીરનો હોય કે કેરળનો, તેના માટે પણ સત્યવાદીનો આદર્શ હરીશચન્દ્ર જ હોય, પુત્રનો શ્રવણ, યોદ્ધાનો અર્જુન, રાજ્ય વ્યવસ્થાનો રામરાજ્ય જ હોય. માણસ ગુજરાતનો હોય કે અરૂણાચલનો, હિંમત અને વીરતા માટે રાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ભગતસિંહ કે રાણી લક્ષ્મીબાઈને જ યાદ કરતો હશે. આવી અનેક એક સરખી વાતોથી આપણે એકતાનો અનુભવ કરીએ છીએ.

 

 

આપણામાં આટલી બધી વિવિધતાઓ હોવી તે જગતના લોકો માટે આ મોટો અચંબો છે. વિશ્વના બીજા દેશમાં કાં તો એક કે બે ભાષાઓ ચાલતી હોય અથવા એકાદ જ મુખ્ય ધર્મ હોય જ્યારે અહીં તો ૨૨-૨૩ મુખ્ય ભાષાઓ અને જગતના બધાય ૫-૬ ધર્મો!! તેમાંય ૧૨૭ કરોડની વિશાળ જનસંખ્યા અને લગભગ ૩૩ લાખ વર્ગ કીમી ક્ષેત્રફળ વાળો મોટો દેશ. પરદેશીઓના મનમાં એ પ્રશ્ન હોય છે કે અધધ આવડા વિશાળ ભારતમાં કેટલી બધી વિવિધતાઓ છે અને તે છતાં સહુ એકબીજા સાથે હળીમળીને કેમ રહી શકતા હશે?

મેઘધનુષ્ય જેવી વિવિધતા અને છતા પાષાણ જેવી એકતા સહેલી નથી. તેના માટે આપણે સંસ્કૃતીના રચયીતાઓને દાદ આપવી જોઈએ. તેઓ ૠગવેદ દ્વારા એક તરફ તો એમ કહે છે કે “आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः” એટલે કે, વિશ્વ આખા માંથી વિવિધ મંગલમય વિચારો ને આવવા દો અને સાથે સાથે બીજી તરફ ઉપનિષદમાં એમ સમજાવ્યું કે, “समानी व आकूति: समाना हृदयानि व: समानमस्तु वो मनो यथा व: सुसहासति” એટલે કે હૈયાથી અને ઈરાદાથી આપણે સહુ એક બની રહીએ. આ પ્રમાણે વિવિધતા અને ઐક્ય બેઉને આપણે હજારો વર્ષોથી સ્વિકાર્યા છે અને વિવિધતામાં એકતા હોવી તે ભારતમાં આપણા માટે સ્વાભાવિક બની ગયું છે.

 

આપણે બીજા કોઈ દેશોના આચાર-વિચાર જોઈએ તો એક વાત સ્પષ્ટ દેખાશે કે સહુ પોતપોતાનો વિકાસ, પોતાનો જ વિજય, બીજાની હાર, પોતે જ સાચા, બાકી બધા ખોટા, બસ એવી જ ઈચ્છા, દુવા-પ્રાર્થના કરતા હોય છે. આપણે ત્યાં એવું નથી. આપણી તો પ્રાર્થના, ઊપનિષદમાં એમ કહે છે કે, “ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत् । ॐ शान्तिः शान्तिः शान्तिः॥“ હે પ્રભુ, મારા એકલાનું જ નહીં પરંતુ સહુ લોકો સુખી રહે, સહુનું સ્વાસ્થ્ય સારુ રહે, બધે શાન્તિ બની રહે.

 

બીજા દેશોમાં પોતાના શીવાય બીજા માટે પ્રેમ, સદભાવના અને આદર નૈસર્ગીક રીતે સંસ્કૃતીમાં મળતા ન હોવાથી તે દેશોને કેટકેટલીય સંસ્થાઓ, ફોરમો જેવી કે, “Inter-religious Dialogues” “Sustaining Multi-culturalism”, “Respect for Diversity” “Tolerance for other religious/ethnic groups” વગેરે ઉભી કરીને હળીમળીને રહેતા શીખવાડવું પડે છે. વિવિધતામાં એકતા આપણા વીચારશીલ પૂર્વજો, ૠષીઓએ કરેલા અથાગ પરિશ્રમને લીધે આપણને ગળથુથીમાં મળી છે.

 

પરદેશમાં કોઈ અજાણ્યા ને પણ જો આપણી ભાષામાં બોલતો જોઈએ તો તે આપણો લાગે. જો તે મુશ્કેલીમાં હોય તો સ્વાભાવિક જ આપણને મદદ કરવાનું મન થાય. પરાયો ક્યારે આપણો લાગે તેનું વિજ્ઞાન સાવ સહેલું છે. જ્યારે સમજાય કે તે અજાણ્યો તો આપણો જ છે કે તરત તેના તરફની આપણી ઉદાસીનતા ઘટી જશે અને મમતા પોતમેળે ઉભી થશે. કહેવું પણ નહીં પડે. વિશ્વ એક કુટુંબ છે એવું મનમાં લાગે ત્યારે થાય કે અજાણ્યો અજાણ્યો નથી પણ તે આપણો છે. ભાઈ-ભાંડુઓમાં વિવિધતા હોય જ. રંગ-રૂપ, ભણતર, આવક, પસંદ-નાપસંદ એમ બધું જુદું જુદું હોય પણ સહુની બા, સંસ્કૃતી માતા એક હોવાથી આપણામાં અનેકાનેક વિવિધતા દેખાતી હોવા છતાં આપણામાં એકતા છે. ભારત માટે સાચું જ કહેવાયું છે કે અહીં અનેકતામાં એકતા છે. અદૃષ્ય વહેતા એકતાના આ સ્રોત નું દર્શન, અર્થાત તેની સમજ, તે સમજને કહી શકાય વિવિધતામાં એકતાનું દર્શન.