બાકીના બધા અક્ષરો તો ભારતની બધી ભાષાઓમાં હોય છે, પણ ગુજરાતી ભાષાના આ બે અક્ષરો, 'ળ' અને 'ણ' બીજી ભાષાઓમાં કાં તો નથી અથવા તો ઓછા વપરાશમાં આવે છે. આ વિશેષતાનો આપણે પૂરેપુરો ઉપયોગ કરીને ગુજરાતી ભાષાની લાક્ષણિકતા જાળવી રાખવી જોઈએ. આ વાત મારા મનમાં ત્યારે આવી, જ્યારે બજારમાં મળતી ગોળ-કેરીના અથાણાની શીશી પર 'ગોર-કેરી' કે 'ગોડ-કેરી' એવું વાંચવામાં આવ્યું. વોકલ ફોર લોકલ કરવું હોય તો 'ળ' અને 'ણ' ને આપણે ભૂલવા ન જોઈએ. જો ગુજરાતીમાં પ્રીન્ટ કરવાનું હોય તો, 'પાણી-પુરી' કે 'ભેળ-પૂરી' ને 'પાની-પૂરી' કે 'ભેલ-પૂરી' શા માટે કહેવું? વાત નાની છે પણ તેની શક્તિ 'લોકલ' ને 'ગ્લોબલ' બનાવી શકશે. "વોકલ ફોર લોકલ" આપણે થયા નહીં તેને લીધે જે વસ્તુઓ આપણા લેખક-કવિઓએ વર્ણવી છે તે ક્યાં છે તે અથવા તે જગાઓ જોવાનું પણ આપણને કુતુહલ થતું નથી. તેથી જ તો તે તે સ્થળોનો પર્યટન-મથક તરીકે પણ વિકાસ થતો નથી. દાખલા તરીકે, જુનાગઢના જોવા લાયક ઐતિહાસિક સ્થળો જો ગુગલમાં શોધશો તો અડીકડીની વાવ કે નવઘણ કૂવો તમને નહીં મળે અને વઢવાણની માધાવાવ કે સતી રાણકદેવીનું મંદીર પણ નહીં મળે. જુનાગઢના કવિ નરસિંહ મહેતા કે વઢવાણના કવિ દલપત રામ વગેરેએ તેમના સમયે ઐતિહાસિક રીતે અગત્યની સ્થાનિક વાતો સમેટીને કવિતાઓ લખી અને તે વાતો પ્રખ્યાત પણ થઈ. તેઓ લોકલ માટે વોકલ થયા. આજે પણ તેવું કરવાની જરુર છે. આપણા દેશમાં તો જ્યાં નજર પડે ત્યાં ઇતિહાસ પડ્યો છે, આપણે બસ જરુર થોડાક વોકલ-બોલતા થવાની જ છે.
લખું છું એટલા માટે કે મારે કાંઈ કહેવું છે I write because I want to say something.
Sunday, November 8, 2020
Thursday, March 22, 2018
Friday, March 9, 2018
Sunday, February 18, 2018
વિવિધતામાં એકતાનું દર્શન
ભારતમાં કહેવાય છે કે દર બાર ગાઉએ બોલી બદલાય છે, વેષ-ભૂષા અને ખાન-પાન
બદલાય છે. પરંતુ આપણે ઘણા ના મોઢે એવું સાંભળ્યું છે કે ભારત દેશની એ વિશિષ્ટતા છે
કે અહીંના લોકોમાં ભલે ગમ્મે તેટલી વિવિધતાઓ દેખાય પણ તેઓમાં એકતા નું એક અદ્રષ્ટ
ઝરણું વહે છે. પણ એક વિચાર મનમાં જરૂર ઉભો થાય કે વિવિધતા અને એકતા એ બેઉ તો પરસ્પર
વિરોધી છે. જ્યાં વિવિધતા હોય ત્યાં એકતા સંભવી જ કેમ શકે? તો ભારત દેશની આ એકતા
નું રહસ્ય શું છે?
રંગરંગીત સુંદર મણકા થી બનેલી માળા કેટલી મનોહર
લાગે છે? એ સુંદર માળા નો દરેક મણકો એક અદ્રષ્ય તંતુ થી જોડાએલો છે. આ તંતુ ભલે
આંખોથી દેખાતો નથી પરંતુ માળાના અસ્તિત્વનું તે જ ખરૂં કારણ છે. આપણે સહુ ભલે જુદી
ભાષાઓ બોલતા હોઈએ, અલગ અલગ ધર્મોના અનુયાઈ હોઈએ, ઓછા-વત્તા ધનીક હોઈએ પણ એક જ મા,
મા ભારતી ના આપણે પુત્ર-પુત્રીઓ છીએ. વિશ્વ આખા માં બીજો કોઈ દેશ એવો નથી કે જે
દેશની સંસ્કૃતી એવું સમજાવે છે કે ઈશ્વર કણે કણમાં બધે જ વસેલો છે. તે આપણા સહુમાં,
પ્રાણીથી લઈ વનસ્પતિ, નદી-નાળા અને પર્વતોમાં એમ બધે વસે છે. આ સંદેશની શક્તિ જોઈલો,
તે શક્તિને પ્રતાપે આપણને સહુ લોકો આપણા જ હોય તેવું લાગે છે. વળી આપણા પૂર્વજોએ वसुधैव कुटुम्बकम् કહીને આખું વિશ્વ મારો જ પરિવાર છે તેવું આપણા
જીવનમાં સહજ વણી દીધું છે. આવી મૌલીક વિચારધારા આપણને બીજા દેશોના નાગરિકો કરતા
વધુ સહિષ્ણુ બનાવે છે. વળી તેને જ લીધે નાના-મોટા વિખવાદો નું રૂપાંતર મોટા ઝગડા
કે ઝેરીલા સંઘર્ષમાં થતું નથી અને આપણું ઐક્ય ભાંગતુ નથી.
ભારતમાં આપણા સહુની માતૃભાષાઓ ભલે વિવિધ હોય પણ
તે સહુ ભાષાની જનની તો એક જ છે ને? તે એટલે આપણી સંસ્કૃત ભાષા. એ સંસ્કૃત
ભાષામાંથી જ હિંદી, ગુજરાતી, મરાઠી કે મલયાલમ એમ ભારતની બધી ભાષાઓ કાળક્રમે ઊદભવી
છે. ભાષાવિદોના કહેવા પ્રમાણે તામીલ ભાષાના લગભગ અડધોઅડધ શબ્દો તો સંસ્કૃત ના જ
છે. હજારો વર્ષોથી ખેડાએલી આ સંસ્કૃત ભાષામાં વિપુલ સાહિત્ય છે. જે તત્ત્વજ્ઞાન,
જે આચારવિચારો સંસ્કૃત ભાષાને લીધે આપણા આ ભૂમિખંડમાં સ્થિર થયા છે તેને જ આપણે “સંસ્કૃતી”
કહીએ છીએ. આ પ્રમાણે સંસ્કૃતમાંથી આવેલી છે તેને જ ખરેખર સંસ્કૃતી કહેવાય. આપણી
માતૃભાષા સંસ્કૃતમાંથી આવેલી છે માટે તેમાંનું તત્ત્વજ્ઞાન, આચારવિચાર, નૃત્ય,
સંગીત જાણે અજાણ્યે આપણા સહુના લોહીમાં આવી વસ્યું છે. ભલે આપણામાં થી કોઈ ઊત્તરથી
આવ્યો હોય કે દક્ષિણથી, પૂર્વથી કે પશ્ચિમથી પરંતુ તે પણ આપણી જેમ માતૃ દેવો ભવ એમ
જ કહેવાનો, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ એવું જ બોલવાનો. આખા
ભારતની બાળવાર્તાઓમાં ચાંદા મામા હશે અને સુરજ દાદા હશે, કારણ કે આપણા સહુની મૂળ
સંસ્કૃતી એક જ છે.
વ્યક્તિ કાશ્મીરનો હોય કે કેરળનો, તેના માટે પણ
સત્યવાદીનો આદર્શ હરીશચન્દ્ર જ હોય, પુત્રનો શ્રવણ, યોદ્ધાનો અર્જુન, રાજ્ય વ્યવસ્થાનો
રામરાજ્ય જ હોય. માણસ ગુજરાતનો હોય કે અરૂણાચલનો, હિંમત અને વીરતા માટે રાણા
પ્રતાપ, શિવાજી મહારાજ, ભગતસિંહ કે રાણી લક્ષ્મીબાઈને જ યાદ કરતો હશે. આવી અનેક એક
સરખી વાતોથી આપણે એકતાનો અનુભવ કરીએ છીએ.
આપણામાં આટલી બધી વિવિધતાઓ હોવી તે જગતના લોકો
માટે આ મોટો અચંબો છે. વિશ્વના બીજા દેશમાં કાં તો એક કે બે ભાષાઓ ચાલતી હોય અથવા
એકાદ જ મુખ્ય ધર્મ હોય જ્યારે અહીં તો ૨૨-૨૩ મુખ્ય
ભાષાઓ અને જગતના બધાય ૫-૬ ધર્મો!! તેમાંય ૧૨૭ કરોડની વિશાળ જનસંખ્યા અને લગભગ ૩૩
લાખ વર્ગ કીમી ક્ષેત્રફળ વાળો મોટો દેશ. પરદેશીઓના મનમાં એ પ્રશ્ન હોય છે કે અધધ આવડા
વિશાળ ભારતમાં કેટલી બધી વિવિધતાઓ છે અને તે છતાં સહુ એકબીજા સાથે હળીમળીને કેમ
રહી શકતા હશે?
મેઘધનુષ્ય જેવી વિવિધતા અને છતા પાષાણ જેવી
એકતા સહેલી નથી. તેના માટે આપણે સંસ્કૃતીના રચયીતાઓને દાદ આપવી જોઈએ. તેઓ ૠગવેદ
દ્વારા એક તરફ તો એમ કહે છે કે “आ नो भद्राः क्रतवो
यन्तु विश्वतः” એટલે કે, વિશ્વ
આખા માંથી વિવિધ મંગલમય વિચારો ને આવવા દો અને સાથે સાથે બીજી તરફ ઉપનિષદમાં એમ
સમજાવ્યું કે, “समानी व आकूति: समाना
हृदयानि व: समानमस्तु वो मनो यथा व: सुसहासति” એટલે કે હૈયાથી અને ઈરાદાથી આપણે સહુ એક બની રહીએ.
આ પ્રમાણે વિવિધતા અને ઐક્ય બેઉને આપણે હજારો વર્ષોથી સ્વિકાર્યા છે અને
વિવિધતામાં એકતા હોવી તે ભારતમાં આપણા માટે સ્વાભાવિક બની ગયું છે.
આપણે બીજા કોઈ દેશોના આચાર-વિચાર જોઈએ તો એક વાત સ્પષ્ટ દેખાશે કે સહુ
પોતપોતાનો વિકાસ, પોતાનો જ વિજય, બીજાની હાર, પોતે જ સાચા, બાકી બધા ખોટા, બસ એવી જ
ઈચ્છા, દુવા-પ્રાર્થના કરતા હોય છે. આપણે ત્યાં એવું નથી. આપણી તો પ્રાર્થના,
ઊપનિષદમાં એમ કહે છે કે, “ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत् । ॐ शान्तिः शान्तिः शान्तिः॥“ હે પ્રભુ, મારા એકલાનું જ નહીં પરંતુ સહુ લોકો
સુખી રહે, સહુનું સ્વાસ્થ્ય સારુ રહે, બધે શાન્તિ બની રહે.
બીજા દેશોમાં પોતાના શીવાય
બીજા માટે પ્રેમ, સદભાવના અને આદર નૈસર્ગીક રીતે સંસ્કૃતીમાં મળતા ન હોવાથી તે
દેશોને કેટકેટલીય સંસ્થાઓ, ફોરમો જેવી કે, “Inter-religious
Dialogues” “Sustaining Multi-culturalism”, “Respect for Diversity” “Tolerance for
other religious/ethnic groups” વગેરે ઉભી કરીને હળીમળીને રહેતા શીખવાડવું પડે છે. વિવિધતામાં
એકતા આપણા વીચારશીલ પૂર્વજો, ૠષીઓએ કરેલા અથાગ પરિશ્રમને લીધે આપણને ગળથુથીમાં મળી
છે.
પરદેશમાં કોઈ અજાણ્યા ને પણ જો આપણી ભાષામાં
બોલતો જોઈએ તો તે આપણો લાગે. જો તે મુશ્કેલીમાં હોય તો સ્વાભાવિક જ આપણને મદદ
કરવાનું મન થાય. પરાયો ક્યારે આપણો લાગે તેનું વિજ્ઞાન સાવ સહેલું છે. જ્યારે સમજાય
કે તે અજાણ્યો તો આપણો જ છે કે તરત તેના તરફની આપણી ઉદાસીનતા ઘટી જશે અને મમતા
પોતમેળે ઉભી થશે. કહેવું પણ નહીં પડે. વિશ્વ એક કુટુંબ છે એવું મનમાં લાગે ત્યારે
થાય કે અજાણ્યો અજાણ્યો નથી પણ તે આપણો છે. ભાઈ-ભાંડુઓમાં વિવિધતા હોય જ. રંગ-રૂપ,
ભણતર, આવક, પસંદ-નાપસંદ એમ બધું જુદું જુદું હોય પણ સહુની બા, સંસ્કૃતી માતા એક
હોવાથી આપણામાં અનેકાનેક વિવિધતા દેખાતી હોવા છતાં આપણામાં એકતા છે. ભારત માટે સાચું
જ કહેવાયું છે કે અહીં અનેકતામાં એકતા છે. અદૃષ્ય વહેતા એકતાના આ સ્રોત નું દર્શન,
અર્થાત તેની સમજ, તે સમજને કહી શકાય વિવિધતામાં એકતાનું દર્શન.
Thursday, December 31, 2015
ક્રેનબેરી અને શીંગોડા
(સાહિત્યની ભૂમિ
એવી ફળદ્રુપ છે કે અશક્ય લાગતું બધું જ તેમાં શક્ય બને છે. બાકી ક્યાં ક્રેનબેરી
અને ક્યાં શીંગોડા. ક્રેનબેરી, એ અતિ-થંડા પ્રાંતનું ફળ અને શીંગોડા, તે ગરમ
પ્રાંતનું ફળ. બેઉ નિસર્ગમાં કદી ભેળા ન થાય પરંતુ વાર્તા માં? આ વાર્તા
લખતાં લખતાં તેથી જ તો લેખકને એ બ્રહ્મજ્ઞાન લાધ્યું કે એમ શા માટે કહેવાતું હશે કે “જ્યાં ન
પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”)
અમેરિકા
(યુ.એસ.એ.) અને કેનેડા મળીને જે ભૂભાગ બને તે ઉત્તર-અમેરિકા. આ ભૂભાગના પશ્ચિમ
કિનારે પાસિફિક-પ્રશાંત મહાસાગર. સુર્ય-પ્રકાશ, સુંદર દરિયા-કિનારો, અને બારે
મહિના ખુશનુમા આબોહવા ના આશિર્વાદના પ્રતાપે હોલીવુડ અને સીલીકોન-વેલીનું તે ઘર
બન્યું છે. લોસએંજીલીસ, સાનફ્રાન્સીસ્કો, સાનહોસે, સીઆટલ અને વાનકુવર જેવા
પ્રસિધ્ધ શહેરો આ કિનારે વસ્યા છે.
ઊર્મિલા બહેનની
પહેલી પૌત્રી કેનેડા વસવાટ કરવા આવી ત્યારે શરૂઆતનાં ત્રણ-ચાર વર્ષ તે વાનકુવરનાં મોંઘાદાટ
રીચમંડ વિસ્તારમાં રહેતી. રીચમંડ હજી હમણાં સુધી અતિ ફળદ્રૂપ ખેતરો માટે જાણીતું
હતું. આ ખેતરોના મોટા ભાગના માલીકો ભારતથી આવી વસેલા મહેનતુ શિખ લોકો છે. પણ જેમ જેમ ચીનની સમૃધ્ધિ વધતી ગઈ તેમ તેમ ત્યાંનાં
ધનવાન માણસોએ પણ અહીં જમીનો લઈ, ઘરો બાંધી વસવાનું ચાલૂ કર્યું. આ નવા વસેલા ‘કેશ-રિચ’
ચીનાઓને લીધે ઉત્તર-અમેરિકામાં વાનકુવર સૌથી મોંઘુ શહેર બની ગયું છે. અને
વાનકુવરમાં, રીચમંડ વિસ્તાર સૌથી વધુ મોંઘો. ત્યાં ધીરે ધીરે ખેતરો ઘટતા ગયા છે
અને તેની જગ્યાએ મકાનો વધતાં ગયા છે.
ઊર્મિલા બહેનની
પહેલી પૌત્રીનો બાપ એટલે ઊર્મિલા બહેનનો મોટો દીકરો જેને આપણે ઊમોદી તરીકે જાણીએ
છીએ. ઊર્મિલા બહેનનો ઊ, મોટાનો મો અને દીકરાનો દી લઈએ એટલે ટૂંકામાં તે બને ઊમોદી.
તે ઊમોદી આજે પોતાના પૌત્રને ફિલ્ડ-ટ્રિપ માટે લઈ જઈ રહ્યો છે. ફોક્સવેગન કારના
સ્ટિયરીંગ પર તે અને પાછળ કાર સીટ પર તેનો પૌત્ર છે. હાઈવે-૯૧ની બન્ને બાજુએ વિશાળ ખેતરો છે. નવેમ્બર
મહિનાના શરૂઆતના દિવસો છે. મકાઈનો પાક લણ્યા પછી સાફ થયેલા ખેતરો હજુ ખાલી જ પડ્યા
છે. બ્લ્યુબેરીની વાડીઓ સુની પડી છે. તેમાં આવતા ઊનાળા સૂધી ધ્યાન આપવાની જરૂર
નહીં. હવે આવતા જૂલાઈ-ઓગસ્ટમાં બ્લ્યુબેરીના તે જ છોડ પર ફળ પાકશે. પણ પેલા દૂરના
મોટા ખેતરોમાં પાણી ભરાયું હોય તેવું કેમ લાગે છે? આપણે તો ડાંગરના ખેતરોમાં પાણી
ભરાયેલા જોયા છે. તો શું આ ડાંગરના ખેતરો હશે? અહીં?
આ ઋતુમાં? એ તો ના બને. અને તે પાણી લાલ રંગનું કેમ છે? મા ઊર્મિલા બહેને કહેલી વાત
તેને યાદ આવી ગઈ. વિદર્ભના કે છત્તીસગઢના કોઈ નાનકડા ગામડાના તળાવમાં શીંગોડા
જ્યારે ઉગ્યા હોય ત્યારે તળાવ કેવું લાલ દેખાતુ તેની વાત તેઓ ઘણી વાર કરતાં. જો કે
ઊમોદીને ખબર છે કે વાનકુવરમાં તો શીંગોડાની ખેતી થાય જ નહીં. ક્યાં શીંગોડા
માટેનું વિષુવવૃત્તીય વાતાવરણ અને ક્યાં આ વાનકુવરનું શંકુદ્રુમ હવામાન. તેથી લાલ
પાણી વાળું શીંગોડાનું ખેતર તો હોઈ જ ન શકે. તો એ રાતા પાણી વાળું ખેતર હશે
શાનું?
લાલ પાણી ભરેલા
ખેતરની નજીક પંહોચીને નિરીક્ષણ કર્યું ત્યારે ખ્યાલ આવી ગયો કે તે ચણી-બોર જેવા
ક્રેનબેરી ફળની વાડી હતી. ક્રેનબેરી ફળની વિશેષતા એ છે કે તે માત્ર
ઉત્તર-અમેરિકામાં જ થાય છે અને તેમાં પારાવાર માત્રામાં સી-વિટામિન હોય છે. તેની
બીજી ખાસીયત એ છે કે તે બોર જેવા ફળમાં થોડીક હવા નૈસર્ગીક રીતે ભરાયેલી રહેતી
હોવાને કારણે તે કદી પાણીમાં ડુબતું નથી. તરતા રહેવાના તેના એ ગુણધર્મનો લાભ
ખેડૂતો તેને સહેલાઈથી ચૂંટી લેવા માટે કરે છે. જ્યારે ફળ પાકીને સરસ લાલઘૂમ થાય તે
સમયે ખેડૂત આખા ખેતરને પાણીથી ભરી દે. અંદર રહેલી સહેજ હવાને કારણે ક્રેનબેરી ડૂબી
જવાના બદલે પાણી ઉપર તરતી રહે અને ફળ ચૂંટનારના હાથમાં
સહેલાઈ આવે. આમ થવાથી તેને બહુ ઝડપથી વીણી લઈ શકાય. ક્રેનબેરીના રાતા રંગને લીધે ખેતર
જાણે રાતા રંગ ના પાણી થી ભરેલું ન હોય તેવું જ દેખાય. એટલે, પાણી તો પાણી જેવું જ
હોય, તેનો રંગ ખરેખર બદલાયો ન હોય પણ તેની ઉપર તરતા લાલ ક્રેનબેરીઓને લીધે તે પાણી
લાલ દેખાય. ક્રેનબેરી વીણાઈ જાય પછી પાણી લાલ ન દેખાય. આપણા શીંગોડાનું પણ કાંઈક
એવું જ હોય છે. ત્યાં પણ પાણી તો પાણી જેવું જ હોય પણ શીંગોડાની તરતી લાલ ડાખળીઓને
લીધે પાણી લાલ દેખાય. આપણે ત્યાં બે પ્રકારના શીંગોડા થાય છે. એક પ્રકાર જે હમણાં
વર્ણવ્યો તે. તેની ફસલ દિવાળી દરમિયાન આવે. તેની છાલ કઠણ હોય અને તેને કાંટા પણ
હોય. બીજા પ્રકારના શીગોડા ચોમાસામાં આવે તેની છાલ બહુ કઠણ ન હોય અને તેને કાંટા
પણ ન હોય. આ પ્રકારના શીંગોડા જે તળાવમાં ઊગે તે તળાવનું પાણી લાલ ન દેખાય પણ
લીલું દેખાય કારણ કે આ પ્રકારના શીંગોડાના ડાખળાં લીલા રંગના હોય છે.
કેનેડાના હાઈ-વે
પર ૯૦ કિલોમિટરની સ્પીડ-લિમિટ છે. દુનિયાના બીજા દેશો કરતાં ઓછી કહેવાય. ઊમોદીને
બહુ વધારે ગતિથી કાર ચલાવવાનો કોઈ વિશેષ શોખ નથી પણ તેને ૯૦ની સ્પીડ તો બહુ ઓછી
લાગતી. પણ એ ‘ધીમી’ ગતિ જાણે તેના મગજને બીજા વિચારો કરવા અવકાશ આપી રહી હતી.
તેને પ્રશ્ન થયો
કે શીંગોડાને અંગ્રેજીમાં ‘વોટર-ચેસ્ટનટ’ શા માટે કહેવું? યુરોપના લોકો ૨૦૦-૩૦૦
વર્ષ પૂર્વે જ્યારે ભારતમાં તેમ જ અગ્નિ-એશિયામાં આવ્યા હશે ત્યારે તેમણે તળાવમાં
ઊગતા શીંગોડા કદાચ પહેલી જ વાર જોયા હશે. તે ફળ નો દેખાવ તેમને યુરોપના ફળ ‘ચેસ્ટનટ’ને
મળતો લાગ્યો. ચેસ્ટનટ વૃક્ષ પર ઊગે અને શીંગોડા પાણીમાં. તેથી ગોરીયાઓએ શીંગોડાનું
નામકરણ ‘વોટર-ચેસ્ટનટ’ કર્યું હશે. ઊમોદીને થયું કે આપણે ત્યાં ક્રેનબેરી કે
ચેસ્ટનટ થતા નથી તેથી આપણી ભાષામાં જ્યારે તે ફળોની વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે
આપણે તો તેમનું કોઈ જૂદું નામકરણ, ‘તરતા-બોર’ કે ‘વૃક્ષીય-શીંગોડા’ કે એવું કાંઈ
કરતા નથી. તો આ ગોરાઓ આપણાં આવા વિશિષ્ટ ફળોને પણ આપણી જ ભાષામાં ઓળખે તો કેવું
સારૂં? ‘વોટર-ચેસ્ટનટ’ કહેવાને બદલે ‘SHINGODA’-શીંગોડા એમ જ ન કહેવું જોઈએ?
અમેરિકાની
સીલીકોન-વેલીનું મુખ્ય શહેર સાન-હોસે. આ તે જ શહેર જ્યાં ૨૦૧૫માં નરેન્દ્ર મોદી
ફેસબુક, ગુગલ, ટેસ્લા વગેરે કંપનીઓના વડાઓને અને અમેરિકામાં વસતા ૪૦-૪૫ હજાર
ભારતીય મૂળના માણસોને મળીને એક ઇતિહાસ રચેલો.
તે સાન-હોસે શહેરનું નામ મેક્સિકો દેશથી આવીને અમેરિકામાં વસેલા સ્પેનિશ
ભાષી લોકોએ આપેલું છે. આ મેક્સિકન પ્રજા અમેરિકામાં ‘હિસ્પેનિક’ તરીકે ઓળખાય છે.
‘સાન હોસે’ શબ્દની રોમન-લીપીમાં જોડણી ‘SAN JOSE’ (સાન-જોસ) છે. નહીં કે ‘SAN HOSEY’ (સાન-હોસે). તેમ છતાં પણ અમેરિકાના પ્રમુખથી
માંડીને કોઈ સામાન્ય માણસ પણ તે શહેરને સાન-હોસે તરીકે જ ઓળખે છે કારણ કે સ્પેનિશ
ભાષામાં ‘J’
નો ઉચ્ચાર ‘H’ થાય અને તેથી ‘SAN JOSE’ નો ઉચ્ચાર ‘સાન-હોસે’ એમ થાય છે. પણ જો આ હિસ્પેનિકોએ અંગ્રેજી પ્રમાણે
‘સાન-જોસ’ બોલવાનું કર્યું હોત તો તેમના પર રાજ કરતી અને વધારે પ્રભાવશાળી
અંગ્રેજી-ભાષી પ્રજા અને સરકાર તે શહેરને આજે સાન-જોસ કરીને જ ખપાવતે. એ લોકોએ
પહેલેથી જ સાન-હોસેનું સાન-જોસ ન થવા દીધું. (તે પ્રમાણે મેક્સિકન વાનગીઓમાં
વપરાતા મરચાની રોમન જોડણી જેલેપીનો-JALAPENO- છે પણ તે બોલાય છે ‘હેલેપીનો’). આપણી તો વાત જ ન્યારી છે. આપણે ‘મુંબઈ’ નામ
પકડી ન રાખ્યું અને તેને ‘બોમ્બે’ થવા દીધું. પરદેશીઓએ આપણને આપેલા નામો આપણે તો કહ્યાગરા-ગુલામની
જેમ વધાવી લીધા. આજે પણ જો કોઈ મૂળ નામ વાપરવાનો પ્રયત્ન કરે તો આપણે હજુ ય માલિકને-વફાદાર-ગુલામની
જેમ સાચા શબ્દ પ્રયોગ કરનારની ઠેકડી ઊડાડીએ. આપણી આવી માનસિકતાને લીધે જ તો આપણા
પર આક્રમણ કરનારાઓ અને દગો કરીને આપણને ગુલામ બનાવનારાઓ આપણા નામો બદલાવી શક્યા. વાત
ત્યાં જ અટકી નહીં પણ સ્વાતંત્ર્ય પછી દેશપ્રેમીઓને મૂળ નામ પુનઃ સ્થાપિત કરવા ઘણી
જહેમત લેવી પડી કારણ કે મનથી ગુલામ આપણને બરોડા, બોમ્બે, બનારસ, વગેરે બોલવું
અડવું લાગતું જ નથી. કોઈ કહેશે કે આપણે
બાયલા છીએ, આપણામાં દમ નથી પણ ઊમોદીને થતું કે આપણા માણસોનો ખરેખર વાંક નથી, તેઓને
ખોટું શિક્ષણ મળ્યું છે. જે દિવસે તેમને સાચો ‘ગુરુ’ મળશે અને બાપદાદાના અમૂલ્ય
વારસાની કિંમત સમજાશે તે દિવસે તે રાતોરાત બદલાઈ જશે. પણ તે માટે ગુરુ બદલાવવો
પડશે. સ્વાધ્યાય વાળા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ તેમના પ્રવચનમાં એક વાર જ્યોતિષી-શાસ્ત્રનો
દાખલો આપીને હળવા અંદાજમાં સરસ સમજાવેલું. આપણી સુર્યમાળાના બધા ગ્રહોમાં ગુરુ
સહુથી મોટો ગ્રહ છે. જ્યોતિષીઓ કહે છે કે વ્યક્તિની કુંડળીમાં ગુરુના ગ્રહનું
સ્થાન બહુ અગત્યનું છે. કુંડળીમાં જો ગુરુ બદલાય તો તેનું ભાગ્ય પણ તે પ્રમાણે
બદલાય. આપણને તો એવા ગુરુઓ મળેલા છે જેઓ પોતાની વસ્તુઓ માટે ગૌરવના બદલે ક્ષોભ
અનુભવતા હોય છે અને એમને માત્ર પરદેશી ચીજો જ યોગ્ય લાગે છે. પરંતુ આપણને જો સરખો સંસ્કૃતી-પ્રેમી
ગુરુ મળી રહેશે તો આપણી પણ દૃષ્ટિ બદલાશે અને ભાગ્ય પણ.
પાંચ વર્ષના પૌત્રને
ફિલ્ડ-ટ્રિપ માટે રિચમંડના ટેરા-નોવા-પાર્કમાં લઈ જવાનો છે. એ ૬૩ એકરનો વિશાળ
પાર્ક છે પણ તે જોવાનું આજનું ધ્યેય નથી. પાર્કમાં ઘણી નાની-મોટી સંસ્થાઓ
સમાજોપયોગી પ્રવૃત્તિઓ ચલાવે છે. આમાંની એક સંસ્થાનું નામ છે, ‘The Sharing Farm’-‘ધ શેરિંગ ફાર્મ’, જે જોવા આ બેઉ નીકળ્યા છે. આ
ફાર્મ એક ખેતર છે. અહીં કોઈ કામદાર નથી પણ સ્વયંસેવકો ખેતી કરે છે. રોજ એક જૂદી
ટોળી ત્યાં સેવા આપવા આવે. બધાને વારા બંધી આપ્યા હોય. ઋતુ પ્રમાણે બટાકા, ટામેટા,
ગાજર, લસણ, ડુંગળી, ફુદીનો, વટાણા, કોબી, વગેરે શાક-ભાજી અને ગુલાબ, ટ્યુલિપ વગેરે
જેવા ફુલ ની ઊપજ ત્યાં થાય છે. તેમની મોટા ભાગની ઊપજ સરકાર દ્વારા ચલાવાતા ગરીબો
માટેના સૂપ-કિચનમાં આપવામાં આવે છે. વધારાની ઊપજ તેઓ બજારમાં વેચે તેમ જ તેમનું
કામ જોવા આવનારા પર્યટકો થોડી-ઘણી ખરીદી જાય. આમ થતી આવક વડે સંસ્થા ચાલે છે.
શાળાઓએ ફરજીયાત
આવી ફિલ્ડ-ટ્રિપ યોજવી પડે જેમાં બાળ-મંદિરના બાળકોથી માંડી ૯મી-૧૦મી સુધીના
વિદ્યાર્થીઓ અહીં આવે. અહીં તેમને ખેતીવાડી, બીયારણ, કોંપોસ્ટ-ખાતર, અળસીયા,
પતંગીયા, મધમાખી, પાંદડાના વિવિધ આકારો, રંગો અને સુગંધો વગેરે બતાડીને પરોપકારી
સંસ્થાના સ્વયંસેવકો બાળકોની નિસર્ગ સાથે ‘મૈત્રી’ કરાવે. આમ બે-ત્રણ કલાકના
કાર્યક્રમ પછી તેમની શાળાના શિક્ષક સાથે બાળકોનો ગ્રુપ-ફોટો પાડે અને બાળકોને
વિદાય આપતી વેળાએ ટામેટા કે વટાણાના બીયા અથવા રંગ-રંગના ફુલોના બીયા ભરેલું
પડીકું આપે જે વડે બાળકો ઘેર જઈ પોતપોતાના ઘેર કુંડામાં કે જમીનમાં ઊગાડી શકે. આ
કામમાં બાળકને ઘેરે મા-બાપની સહાયતાની પણ જરુર પડે. આવી ટ્રિપના બે-ત્રણ દિવસો પછી
તેમને ગ્રુપ-ફોટો પણ મળી રહે. આવી રીતે પોતાને ઘેર પણ બાળક અને તેના મા-બાપ સુધ્ધા
નિસર્ગ સાથેનો સંબંધ જાળવી રાખી શકે.
શેરિંગ ફાર્મ
જોઈને સ્વાધ્યાય વાળા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનો ‘યોગેશ્વર-કૃષિ’ યાદ આવવો
સ્વાભાવિક જ હતો કારણ તે તેમાં પણ વારાફરતી દરરોજ સ્વાધ્યાયીઓની જુદી જુદી ટોળીઓ
કૃતિ-ભક્તિ માટે આવીને ખેતી કરતા હોય છે. જો કે આમ સરખી દેખાતી બન્ને પ્રવૃત્તિઓ
વચ્ચે મોટો તાત્વિક ફરક છે. એકની પ્રેરણા ગરીબો માટે કાંઈ કરી છૂટવાની છે જ્યારે
બીજામાં પ્રભુ પરત્વેની કૃતજ્ઞતા નિભાવવાની છે. આવી કોઈ પ્રવૃત્તિઓ જો આસપાસમાં ચાલતી
હોય તો આપણે અને આપણા બાળકોએ ત્યાં અવશ્ય જવું જ જોઈએ એવું આપણને લાગ્યા વગર ન
રહે.
આવી બધી વાતો કરી
સૌને નિત-નવી જાણકારી આપવી તે ઊર્મિલા બહેનનો સ્થાયી સ્વભાવ છે. આજે તેઓ ૮૩-૮૪
વર્ષના છે, સ્વાસ્થ્ય પણ સાથ નથી આપતું, છતાં પણ મુંબઈમાં ઊમોદીના ઘરની સામેના વિશાળ
પીપળા પર નવી કુંપળ ફૂટે કે કોયલ ટહુકે કે દૂર ક્યાંકથી મોરનો હળવો કેકારવ સંભળાય ત્યારે
ત્યારે, ઊર્મિલા બહેન જરૂર તેની નોંધ લે છે અને ભલે કોઈ સાંભળે કે ન સાંભળે પણ અવશ્ય
તેનો ટહુકો કરી જણાવી દે. હા, તેમનો ટહુકો પૌત્રી-પ્રપૌત્રો સુધી પંહોચવો સહેજ કઠણ
છે કારણકે તેઓ હજારો કિલોમિટર દૂર, પરદેશમાં રહે છે. પહેલા તો પૌત્રી તેમને
વિમાનની ટિકિટ મોકલાવીને બા ને બોલાવી શકતી હતી પણ હવે નાદુરસ્ત સ્વાસ્થ્યનો સામનો
કરી રહેલા બા કેમ વાનકુવર આવે?
Sunday, August 30, 2015
અનુક્રમણિકા
૧- 'નરેન્દ્ર
મોદી, ઊમોદી, ઊમોદીદી અને ઊર્મિલા બહેન પ્રકરણ' અથવા કહો 'રાજકારણ પ્રકરણ'… એક સત્ય કથા
http://nileshmshukla.blogspot.in/2014/12/blog-post.html
http://nileshmshukla.blogspot.in/2014/12/blog-post.html
૩- 'ડાહ્યાભાઈનું ભૂત પ્રકરણ' કહો અથવા કહો 'દક્ષિણ આફ્રિકાનું ઝિંબાબ્વે પ્રકરણ'.. એક સત્ય કથા
http://nileshmshukla.blogspot.in/2015/01/blog-post_25.html
http://nileshmshukla.blogspot.in/2014/11/blog-post.html
૬ - ક્રેનબેરી અને શીંગોડા...સત્ય કથા
http://nileshmshukla.blogspot.ca/2015/12/blog-post.html
Thursday, July 23, 2015
ઊમોદીને પાકિસ્તાનમાં બોધ....એક સત્યકથા
ઊમોદીને પાકિસ્તાનમાં
બોધ....એક સત્યકથા
ઊર્મિલા બહેનનો મોટો દીકરો એટલે કે ઊ, મો અને દી.
તે ઊમોદીના સસરાની મૂળ કર્મભૂમિ કરાચી. પણ દેશના ભાગલા થયા પછી મારાકાપી વચ્ચે
ત્યાં રહેવું એ લગભગ અશક્ય જણાયુ. તેમાંથી બચવા વેષ પલટો કરીને જીવના જોખમે થોડા
મહિના તેમણે કરાચીમાં છુપા રહીને વિતાવેલા. ઘણા વખતે જ્યારે મુંબઈ જતી સ્ટીમરમાં
જગ્યાની વ્યવસ્થા થઈ ત્યારે એક નિરાશ્રિત તરીકે તેઓ ભારત પહોંચેલા. મુંબઈના
ચુનાભઠ્ઠી વિસ્તારમાં સરકારે તેમને આશરો આપ્યો હતો. તે વાતને પચાસેક વર્ષ વિત્યા
હશે અને આજે તેમનો જમાઈ, ઊમોદી, હાથે કરીને ભાલામાં ભરાવા કરાચી એરપોર્ટે ઊતર્યો
છે. તેની પાસે પાકિસ્તાનમાં પ્રવેશ માટે વિસા સુધ્ધાં નથી. ભારતીય નાગરિકોને
પાકિસ્તાનના વિસા સહેલાઈથી નથી મળતા. બહુ જ તપાસ કર્યા બાદ અને વાજબી કારણ હોય તો
જ વિસા મળે. પાકિસ્તાનમાં ઊમોદીના મિત્રો ઘણાં પણ તેમાંના કોઈની એવી વગ નહીં કે
હીંદુસ્તાનીને વિસા કોઈ અપાવી શકે. પણ તેણે મગજ દોડાવ્યું અને વગર વિસાએ પણ પાકિસ્તાન
કેમ જવાય તે માટેની એક યુક્તિ શોધી કાઢી. એવી ટ્રાન્ઝીટ ફ્લાઈટ લેવાની કે જેમાં
કનેક્ટીંગ ફ્લાઈટ બે-ત્રણ દિવસ પછી હોય. આમ થાય તો કદાચ પ્રવાસીને કનેક્ટીંગ ફ્લાઈટ
પકડવા માટે પાકિસ્તાનમાં બે-ત્રણ દિવસ રોકાણ મળે. આ યોજનામાં તે ફાવશે કે નહીં તે
બાબતે શંકા-કુશંકાઓ કરતા કરતા પ્રભુનું નામ લઈ તેણે તો પાકિસ્તાન ઈન્ટરનેશનલ
એરલાઈન્સ, પીઆઈએની કરાચી જતી ફ્લાઇટ પકડી લીધી. હવે આગે આગે ગોરખ જાગે.
સ્વાધ્યાય વાળા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી ના બાલસંસ્કાર કેન્દ્રની સંચાલીકા બહેનોને એક વાત
ખાસ કહેવામાં આવે છે કે તમે જ્યારે ઇતિહાસના કોઈ પણ પાત્ર વિષે બાળકોને કહી રહ્યા
હો તો તે માટે સારી પૂર્વ તૈયારી કરીને જવું અને વાત એટલી જીવ ઘાલીને કહેવી કે
બાળકના મન પર તે પાત્રનું શબ્દ-ચિત્ર અંકાઈ જાય અને તેને થાય કે, “અરે વાહ, મોટો
થઈને હું પણ તે પાત્રના જેવો બનીશ”. આજકાલ ‘વ્યક્તિપૂજા’ એ શબ્દ કોઈને ગમતો નથી
કારણકે તેનો અર્થ ‘કોઈ વ્યક્તિની ચાપલૂસી કરવી’ એટલો જ રહ્યો છે. પણ જે લોકો
તેંદુલકરના કે અક્ષયકુમારના કે નરેન્દ્ર મોદીના પ્રશંસક ‘ફેન’ હોય તે પણ એક રીતે
‘વ્યક્તિપૂજા’ જ કરતા કહેવાય. આપણે સહુ સભાન રીતે કે અભાન રીતે કોઈક ને પણ ‘હીરો’
માનતા હોઈએ જ છીએ અને નાના-મોટા અંશે જીવનમાં તેનું અનુકરણ પણ કરતા હોઈએ જ છીએ. આમ
‘વ્યક્તિપૂજા’ મનની એક નૈસર્ગિક પ્રવૃત્તિ હોય છે અને તેનો ઉપયોગ વ્યક્તિના વિકાસ
માટે, તેના ચારિત્ર્ય ઘડતર માટે કરી લેવો જોઈએ એવું દાદાના પ્રવચનમાં ક્યાંક
સાંભળ્યું હતું પરંતુ, પ્રવચનમાં સાંભળેલી એ વાતની સ્પષ્ટતા પાકિસ્તાનના કરાચી
શહેરમાં થશે તેવી તો સહેજેય કલ્પના નહોતી.
પાકિસ્તાન એટલે ભારતનો કટ્ટર વેરી દેશ. વિસા
લઈને જાવ તોય ભારતના યાત્રીઓને ત્યાં ત્રાસ ભોગવવો પડતો હોય છે. તેવા દેશમાં આને
વગર વિસાએ જવું તું. એક તો તે ભારતીય વળી તેમાંય, હિંદુ, તેથી તેના માટે તો તે
મોટું સાહસ ગણાય. આ વાતને આજે લગભગ પચીસેક વર્ષ થયા. અધિકારીઓએ કરાચી એરપોર્ટ પર
તેની ઘણી ચકાસણી કરી, પાસપોર્ટના પાને પાના તપાસ્યા, સામાન ફેંદ્યો, ફરી ચકાસ્યો,
ફરી સામાન ફેંદ્યો પણ અંતે કરાચી શહેરમાં દાખલ થવાની રજા આપી. જોકે અધિકારીઓએ તેનો
પાસપોર્ટ બાના તરીકે પોતાની પાસે રાખી લીધો.
કરાચીમાં ઊમોદીનો એક મિત્ર સારું ભણેલો સુસંસ્કૃત
મેમણ હતો. એક સમયે તે અને તેનો નાનો ભાઈ પાકિસ્તાનની યુનાઈટેડ બેંકના પાર્ટનર-ડીરેક્ટર
હતા. પણ ૧૯૭૧માં જ્યારે પાકિસ્તાની સરકારે બેંકનું રાષ્ટ્રિયકરણ કર્યું ત્યારે તેમણે
તેમનો બેંકિંગનો મુળ વ્યવસાય છોડીને બીજા ક્ષેત્રમાં ઝંપલાવવું પડ્યું હતું.
અત્યારે તેઓ એક એર-કન્ડીશનર કંપની ચલાવે છે. તે કંપનીના મૂળ માલિકો પારસી હતા જેઓ
હવે કેનેડામાં સ્થાયી થયા છે. રાજકીય અસ્થિરતા અને ઉગ્ર કોમવાદી સામાજ હોવાથી, સુન્ની
મુસલમાનો સિવાય બીજા કોઈ પણ લોકો માટે પાકિસ્તાનમાં રહેવું તે લોઢાના ચણા ચાવવા
સમાન છે. સવારે છાપું વાંચતી વખતે ઊમોદીની નજર અનાયાસે જ પાકિસ્તાન-રેલવેની મોટી
જાહેરખબર પર પડી હતી. ભંગી તરીકેની નોકરી મેળવવામાં કયા ઊમેદવારો સફળ થયા છે તેની
તેમાં લાંબી સૂચિ હતી. ભારતમાં સંડાસ સફાઈ કરતા કામદારને જાહેરખબરમાં જો ‘ભંગી’
તરીકે ઓળખાવાય તો તે મોટો ગુનો ગણાય છે પણ પાકિસ્તાનમાં તેવું નથી. સૂચિ જોઈને
ઊમોદીને ઘણું જ અચરજ થયું. શું તે એક યોગાનુયોગ જ હશે કે સૂચીમાં બધા જ હિંદુઓ હતા?
કેમ એક પણ મુસલમાન તે માં ન જડ્યો? તેને રંજ થાય તે સ્વાભાવિક હતું.
ઊમોદી માટે રોજ સવાર-સાંજ શાકાહારી ભોજનની
જવાબદારી પેલા મોટા ભાઈની પત્નીએ ઉપાડી લીધેલી. તે પોતે જ ટિફિન લઈને તેમની સદર
સ્થિત ઓફિસમાં આવી જતી. સદર વિસ્તાર મુંબઈના મુખ્ય બજારો કાલબાદેવી, નળ-બજાર, લુહાર-ચાલ,
જેવો લાગે. જોકે ચહેલપહેલ મુંબઈના પ્રમાણમાં ઘણી ઓછી. જમતી વખતે ઘણી ચર્ચાઓ થતી. ઊમોદી
સાથે તેઓ ગુજરાતીમાં જ સાહજિક રીતે વાત કરતા અને ‘ડોન’ સમાચારપત્રની ગુજરાતી
આવૃત્તિ વાંચતા. એક દિવસ જ્યારે તેમનો કોલેજ જતો પુત્ર બાપની જોડે ઓફિસે આવેલો
ત્યારે ઊમોદીએ પુછ્યું, “તમારો દીકરો પણ તમારા જેવું ગુજરાતી જાણે?” આ નિર્દોષ
પ્રશ્નનો જે ઉત્તર મળ્યો તેનાથી પાકિસ્તાનનું રાજકીય ચિત્ર ઘણું સ્પષ્ટ થયું. તેમણે
કહ્યું: “ઘરમાં અમે મા-બાપ ગુજરાતીમાં વાત કરીએ તેથી તે ગુજરાતી સમજે ખરો પણ અમે
તેને ગુજરાતીનો બહુ ઉપયોગ કરતા અટકાવીએ કારણકે ગુજરાતી બોલતા માણસની ઓળખ અહીં
મુજાહીર (ભારતથી આવેલા ભારરૂપ નિરાશ્રિતો) તરીકેની છે. અમે કરાચીમાં દસ પેઢી
કરતાંય વધુ સમયથી ઠરીઠામ થયા છીયે તોય તેઓને દરરોજ વગર મફતનું અપમાનિત થયા કરવું
પડતું હોય છે તેથી ઘરની બહાર તો સહુ ઉર્દૂ જ બોલવાનું કરે. અમારા દેશની એક
શોકાંતિકા તો એ છે કે ઉર્દૂ, જે અમારા દેશના એક પણ પ્રાંતની ભાષા ન હોવા છતાં તેને
રાષ્ટ્રભાષાનો દરજ્જો છે. ઉર્દૂ તો ભારતીય ભાષા છે. ભાગલાના કાળે ભારતથી અહીં
આવીને વસેલા લોકોની તે ભાષા છે. પાકિસ્તાનની મૂળ ભાષાઓ તો પંજાબી, સિંધી, બલોચ,
પુશ્તુ વગેરે છે, ઉર્દૂ નહીં. કરાચીમાં ગુજરાતીઓ ઘણા પણ ગુજરાતી ભાષા તો બસ અહીં
અમારી પેઢી છે ત્યાં સુધી રહેશે અને તે પછી જો એ લુપ્ત ન થાય તો એક આશ્ચર્ય ગણાશે.”
વચ્ચે એક રવિવાર આવ્યો, તે દિવસે કરાચીમાં
ભ્રમણ કર્યું. ક્લિફ્ટન નો દરિયા કિનારો મુંબઈના નરીમાન-પોઈન્ટ સાથે લોકો સરખાવતા
હોય છે. દાઊદ ઈબ્રાહિમ હજુ મુંબઈમાંથી જ બેઠો બેઠો પોતાના કાળા કરતુતોને અંજામ
આપતો હતો. પણ ૧૯૯૩ પછી જ્યારે તે પાકિસ્તાન નાસી ગયો ત્યારથી આજ સુધી તેને પોતાનું
રહેઠાણ આ ક્લિફ્ટન વિસ્તારમાં જ રાખ્યું છે. ક્લિફ્ટન પહોંચતા પહેલા બેનાઝીર
ભુત્તોનો મોટો બંગલો આવ્યો. તે કાળે બેનાઝીર ત્યાં નહોતી. પિતા ઝુલ્ફીકાર ભુત્તોને
જનરલ ઝીયાએ ફાંસી આપી પછી પોતાની સલામતી માટે દુબાઈમાં અને લંડનમાં દેશવટો ભોગવતા
ભોગવતા પોતાના બાળકોને નિશાળમાં શિક્ષણ અપાવી રહી હતી. તેના બંગલાને અડોઅડ
ઊંચી-ઊંચી દિવાલની વાડ વાળુ રશિયા દેશનું રાજદૂતાવાસ છે. ક્લિફ્ટનનો સમુદ્ર કિનારો
માણીને કરાચી શહેરમાં અમસ્તું જ ડ્રાઈવ કર્યું અને સદરના તીન-તલવાર રાઉન્ડઅબાઉટ થી
વળીને પાછા આવ્યા. પાકિસ્તાનના રસ્તાઓ ઉપર ચાલતી બસો અને ખટારાઓ આપણું ધ્યાન
આકર્ષિત કરે. જાણે મંડપમાં જતી નવવધૂ હોય તેમ વાહનોને શણગારેલા હોય.
વચ્ચે એક દિવસ પાકિસ્તાન બાબતે વાત કરતા કરતા એક
ભાઈ એવું બોલી ગયો, જે અનપેક્ષિત તો હતું જ પણ તે કહેવા પાછળ તેનું જે ચિંતન હતું
તેનાથી ઊમોદી વિચાર કરતો થઈ ગયો અને ભારતને નવોદિત માનથી જોતો કરી દીધો. વાતમાં ને
વાતમાં તે બહુ સહજ ભાવે બોલી ઊઠ્યો કે પાકિસ્તાન બહુ લાંબુ નહીં ટકે. ઊમોદીએ
આશ્ચર્યથી પુછ્યું કે એમ શા પરથી કહો છો? જે વિગતવાર તર્કસંગત જવાબ એણે આપ્યો તે
સહુએ સમજવા જેવો છે. તેણે કહ્યું, “એક તો એ કે દેશની સફળતા માટે તેની આગવી ઓળખ
હોવી જોઈએ અને બીજું તે દેશના પોતાના ઈતિહાસમાં કે દંતકથાઓમાં એવા હીરાઓ હોવા જોઈએ
કે જે બાળકોને પોતાના લાગે અને તેમની વાતો સાંભળીને તેના જેવા મહાન બનવાનું મન થાય.
અમારે ત્યાં આ બન્ને તત્ત્વનો અભાવ છે.”
મૌલિકતાની પહેલી વાત સ્પષ્ટ કરતા તેણે કહ્યું,
“અમારી ઉર્દૂ ભાષાની લીપી અરબી કે ઈરાની, શબ્દો ઈરાની કે હિંદુસ્તાની અને વ્યાકરણ
હિંદુસ્તાની, અમારું કાંઈ નહીં. અમે બિરયાની, દાળ-કરી, કોફ્તા કે કોઈ પણ અમારી
રસોઈ બનાવીએ તો પરદેશીઓ એને ઇંડિયન-ફુડ જ કહે. અમારા સારા સારા કલાકારો અમારું
ક્લાસિકલ સંગીત વગાડે તો પણ તે કહેવાય ભારતીય, અરે અમારો પહેરવેશ સુધ્ધાં લોકો
ભારતીય ગણાવતા તેથી સરકારે સાડીના બદલે પંજાબી સુટનો આગ્રહ રાખ્યો છે, પણ અંતે તો
તે ય પણ ભારતીય જ ને?”. “એટલે કે અમારું પાકિસ્તાનનું ખાસ શું? પાકિસ્તાનની જ ગણાય
તેવી અમારી આગવી વિશેષતા શું? વિશ્વફલક પર અમારી આઈડેન્ટીટી શું? આવો દેશ કેમ ટકે
જેના નાગરિકોની પાસે પાકિસ્તાની હોવાનો સંતોષ કે ગૌરવ કે કારણ ન હોય. બસ, ભારતની
સાથે વેર તે જ એક સહુને બાંધતો ગુંદર છે”. મિત્રનો બળાપો સાચો હતો. ઊમોદીએ પોતાના
અનેક વિદેશ પ્રવાસોમાં તે અનુભવ્યું હતું કે પરદેશમાં પાકિસ્તાનીઓ પોતાની નાગરિકતા
કે વતન માટે ક્ષોભ અનુભવતા હોય છે અને તેથી છૂપાવવાનો ભરચક પ્રયાસ કરતા હોય તેવું દેખાય
છે. તેઓ પોતાને ‘ઇંડિયન’ અથવા ‘સાઉથ એશિયન’ તરીકે ખપાવવા મથતા હોય છે. ‘સાઉથ
એશિયા’ એટલે ચાર-પાંચ દેશોનો એ સમૂહ, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ,
નેપાળ વગેરે દેશોનો સમાવેશ થાય. તેથી ‘સાઉથ
એશિયન’ કહે તો પોતે પાકિસ્તાની છે એવી સ્પષ્ટતા કરવામાંથી બચી જવાય. ઊમોદીએ જાતે લંડન,
ગ્લાસગો, બ્રસેલ્સ વિગેરે શહેરોમાં જ્યાં અનેક પાકિસ્તાની અને બંગલાદેશીઓ વસે છે
ત્યાં પોતાને અને પોતાની રેસ્ટોરાંને ઇંડિયન રેસ્ટોરાં એમ તેમને કહેવડાવતા જોયા
છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે કોઈ પણ અજાણ્યાને પૂછો કે તમારું મૂળ વતન કયું?
અને જો જવાબ મળે કે “સાઊથ એશિયા” તો નક્કી એમ માનવું કે તે પાકિસ્તાની જ હશે.
ભારતનો માણસ તો ગર્વથી કહેશે કે તે “ઇંડિયન” છે.
બે ક્ષણ વિરામ લઈને તેણે આગળ ચલાવ્યું, “આજના બાળકો કાલે મોટા થઈ દેશ ચલાવવાના
છે. કેવો ચલાવશે? પ્રજાનું કેટલું ભલું કરશે? આનો અંદાજ તેમના ચારિત્ર્ય ઘડતર પરથી
આંકી શકાય. અને ચારિત્ર્ય ઘડતરનો આધાર બચપણમાં તેઓએ કેવા આદર્શો મનમાં કેળવ્યા હોય
તેના પર છે. નાનપણમાં બાળકને મા અને બાપ ‘હીરો’ કે આદર્શ જણાય, મોટો થાય ત્યારે
કોઈ શિક્ષક, સ્પોર્ટ્સમેન કે ઐતિહાસિક વ્યક્તિ તેના રોલ-મોડેલ બને છે અને તેનાં
જેવું બનવાનો પ્રયત્ન જાણેઅજાણે તે બાળક જીવનભર કરે છે. તમારે ત્યાં કેવા ચમકતા હીરાઓ છે, ગાંધીજી,
રવિન્દ્રનાથ ટાગોર, પુરાતન કાળ ના રાજા હરીશચંદ્ર કે મહાભારતના ભીમ, અર્જુન વગેરે.
પણ કમનસીબે અમારે ત્યાં એવું કોઈ નથી”. મિત્રની આ વાત પર ઊમોદીને વિશ્વાસ ન આવ્યો.
તેને આ ભારે અતિશયોક્તિ ભરેલું લાગ્યું. તેણે વિરોધ દર્શાવતા વચ્ચેથી અટકાવીને
પુછ્યુ, “એમ કેમ બને? શું મહમ્મદ અલી ઝીણા, મુસ્લિમ બાદશાહો, ઈસ્લામના મોટા માણસો એ
બધામાંથી તમને કોઈ એવા નથી લાગતા કે જે અનુકરણીય હોય, જે ને આદર્શ માની શકાય?“
ઊમોદીની મંદ સમજણ માટે કે એવા બીજા કોઈ કારણસર, મોટો ભાઈ જવાબ દેતાં જાણે સહેજ
અકળાયો હોય તેવું લાગ્યું. તેણે કહ્યું, “બધાને ખબર છે કે મહમ્મદ અલી ઝીણા
‘મોડર્ન’ હતા, દેશને ‘સેક્યુલર’ બનાવવા માગતા હતા, પોતે ન તો રોજા રાખતા, કે ન
નમાઝ નિયમિત અદા કરતા અને ઇસ્લામના શિક્ષણની સાવ વિરુદ્ધ રોજ શરાબ પીતા. હવે કહો,
શું ઇસ્લામના સોગંદ લેવાવાળાઓના તે રોલ-મોડેલ બની શકે?” નાના ભાઈને ખબર હતી કે
મોટા ભાઈના મનમાં યોગ્ય સારા રોલ-મોડેલ નું ન હોવું તે બહુ જ મોટી ખામી છે અને તેથી
હવે વાત લાંબી ચાલશે. પણ ટૂંકમાં પતાવવા, વાતનો દોર નાના ભાઈએ પોતાના હાથમાં લઈ
લીધો. તેણે ઉમેર્યુ, “બાળકોને બ્રિટિશ કાળ, મોગલ કાળ, અને તે પહેલાના મુસલમાન
બાદશાહો વિષે ઈતિહાસમાં ભણાવે તો ખરા પણ તેમાં વાતો તો દિલ્હી, આગ્રા કે લખનૌ, કાનપુરની
જ હોય ને? જુના કાળના રાજ્યકર્તાઓ કરાચી-રાવલપીંડીં, પેશાવર લાહોરની ઓછા હોય?
વિદ્યાર્થીઓ વધુ વિચારે તો એમના ખ્યાલમાં તરત જ આવી જાય કે તે પાકિસ્તાનના નહીં પણ
ભારતનાં બાદશાહો વિશે ભણી રહ્યા છે અને પોતાના
દેશનું તો કોઈ નોંધપાત્ર મોટું પાત્ર તો છે જ નહીં. તે સિવાયના બીજા, જેવા કે
તૈમુર, નાદીર, ગઝનવી, ધોરી વગેરે તો તુર્કી, મોંગોલ કે ઈરાની હુમલાખોર હતાં, જે
ભારતની દોલત લુંટવા વખતો વખત ભારત પર ચઢાઈ કરતા. આમાં પાકિસ્તાનનું ગૌરવ વધે તેવું
કોઈ પાત્ર નથી હા, ઈસ્લામના ઇતિહાસમાં ઘણી મોટી હસ્તીઓ છે. પરંતુ તેઓ કોઈ ને કોઈ
વિવાદમાં પડેલી દેખાય છે. ખલીલ જીબ્રાન, સાદી, હાફીઝ, ઈબ્ન સીના, જેવા વિચારકોએ
મુલ્લાઓની થોડીક ઠેકડી ઊડાડી હોવાથી તે લોકો સર્વમાન્ય નથી, વળી અમૂક શીયા પંથને
માન્ય હોય પણ અમારા સુન્ની પંથ વાળા તેને દુશ્મનાવટ ભરી નજરથી જોતા હોય છે. તમને કદાચ
ખબર નહીં હોય પણ અમારા પવિત્ર કુરાનેશરીફ પર સારામાં સારા પુસ્તકો હિંદુસ્તાનના જ વિદ્વાન
લેખકોએ લખેલા હોય છે જે હજી પણ અમે મંગાવીએ છીએ. અને તેમ છતાં, ખુદા ન ખાસ્તા જો કોઈ માણસ હિંદુસ્તાનના શખ્સના વખાણ ભૂલથી પણ કરે તો અહીંના લોકો
તેને ઇંડીયાનો એજન્ટ કહીને બદનામ કરે. આમ અમારો સમાજ દિશાવિહીન થઈ ભટકી રહ્યો છે.
અમને કોઈ સારો નેતા મળ્યો નથી."........ વાતો તો લાંબી ચાલી પણ, ઊમોદી તો સ્વગત
સ્વાધ્યાય વાળા પાંડુરંગ દાદાનું એક પ્રવચન વાગોળવામાં પડી ગયો હતો. જન્મજાત દરેક
માનવી, વીરતા, સત્ય, ખુમારી જેવા સદગુણો નો પૂજક હોય છે. આવા ગુણો ના દર્શન તેને
જે વ્યક્તિમાં થાય તે તેનો હીરો કે આદર્શ બની જાય છે. માનવના તે નૈસર્ગીક ગુણનો
ઊપયોગ ઋષિઓએ માનવીના સર્વાંગીણ વિકાસ હેતુ થાય તે માટે માતૃદેવો ભવથી શરુ કરી મુર્તિ-પુજા
સુધીની જે વ્યવસ્થા ભારતમાં નિર્માણ કરી છે તેની અતુલનીયતાનું દર્શન થયું. સમજમાં
આવવા લાગ્યું કે તે દેશ કેમ કોઈ વિશ્વસ્તરીય લીડર, સાહિત્યકાર, ચિત્રકાર કે
ફિલોસૉફર-ચિંતક હજુ પેદા કરી શક્યો નથી. તેમણે બંગલાદેશ કેમ ગુમાવ્યું અને આજ દિવસ
સુધી લોકશાહી કેમ ત્યાં સ્થિર નથી થઈ શકી. કોઈ તેજસ્વી ચમકતો હીરો કેમ ત્યાં
દેખાતો નથી.
તેને સ્મરણ થઈ આવી એક જૂની વાત, સત્યના પૂજારી તરીકે વિશ્વમાં નામના મેળવનાર
ગાંધીજીએ સત્યની પ્રેરણા બાળપણમાં ‘રાજા હરીશચંદ્ર’ નામના નાટકમાંથી મેળવી હતી. કદાચ
બીજા ઘણા સત્યના ઉપાસકો દુનિયામાં હશે પણ સુર્યવંશનો તે રાજા ગાંધીજીને પોતીકો
લાગ્યો, અનુકરણીય લાગ્યો. ભારતીય પુરાતન સંસ્કૃતીની રચના કરનારા ઋષિઓ માટે ઊમોદીનો
આદર બેવડો થયો.
કરાચીથી આગળ જતી કનેક્ટીંગ ફ્લાઈટનો દિવસ અને સમય આવ્યે તેણે પોતાના
પાકિસ્તાની મિત્રોની રજા લીધી. વિમાન અધ્ધર થયું અને દક્ષિણ દિશાનો રસ્તો પકડ્યો.
પૂર્વ ક્ષિતિજ પર નજર પડતાં જ ભારતના કચ્છ-સૌરાષ્ટ્રનો કિનારો દૃષ્ટિગોચર થયો. મુંબઈની
અને તેમાં બેઠેલી પોતાની મા ઊર્મિલા બહેનની યાદ આવી, નાનપણમાં કેવી કેવી રોમાંચક
વાર્તાઓ તે કહેતી. શિવાજીના સેનાપતી તાનાજી જ્યારે પાટલા-ઘો ને સહ્યાદ્રિના કોઈ ગઢ
પર નાખીને તેને બાંધેલા દોરડાથી ગઢ ચડતો ત્યારે ઊમોદી પણ તાનાજીની પાછળ પાછળ
કિલ્લાના કાંગરા સુધી પહોંચી જતો. શિવાજીએ જ્યારે કહ્યું કે “ગઢ આલા પણ સિંહ ગેલા”
ત્યારે જાણે શિવાજીના દરબારમાં ઊમોદી તેમની સામે જ બેઠો હતો. રાણા પ્રતાપ જ્યારે
ઘાસનો રોટલો બનાવીને ખાતો ત્યારે ઊમોદી પણ નક્કી કરી લેતો કે અકબરને સલામ ભરીને
રાજમહેલમાં મિષ્ટાન્નના ભોજન કરતા પોતાનું અને પોતાની સંસ્કૃતિનું ગૌરવ જાળવતા
ઘાસનો સૂકો રોટલો ખાવો વધુ શ્રેયસ છે. પૃથ્વિરાજ ચૌહાણ, પોરસ, રાણી લક્ષ્મી બાઈ,
અહલ્યા બાઈ, વગેરે સહુ તેને પોતીકા લાગતા. ૩૦-૩૨,૦૦૦ ફુટની ઊંચાઈએ સલવાર-કમીઝમાં
સજ્જ પીઆઈએની એરહોસ્ટેસે જોયું કે બારીની બહાર જોઈ રહેલા ઊમોદીની આંખો એકાએક ભીની
થઈ ગઈ હતી. કદાચ પ્રકાશ આકરો લાગ્યો હશે, તેણે સહેજ સ્મિત આપીને બારી પરનું શટર અડધું બંધ કરી આપ્યું.
---- ---- ----
પોસ્ટ-સ્ક્રિપ્ટ, લેખકે પાછળથી જોડેલી એક-બે
વાત: પાકિસ્તાનના તે બેઉ ભાઈઓના પરિવારોની સલામતી જોખમાય નહીં તે શુભ હેતુથી તેમના
નામ ગુપ્ત રાખ્યા છે. તેઓએ હવે કરાચીને કાયમ માટે છોડી દીધું છે અને હાલ દુબાઈમાં રહે
છે. ઉમર પ્રમાણે નાદુરસ્ત સ્વાસ્થ્ય રહેતું હોવા છતાં વારે તહેવારે, દુબાઈમાં
યોજાતા ગુજરાતી નાટકો કે મુશાયરામાં તેમની મુલાકાત હજુ થઈ જાય છે. કરાચીના ‘ભંગીઓ’
બાબતે લેખકનું જે પ્રથમ-દર્શી અવલોકન હતું તે પાકું થયું. લેખિકા એલાઈસ આલ્બિના
રચીત ૨૦૦૮ના પ્રસીધ્ધ પુસ્તક ‘એમ્પાયર્સ ઓફ ઇંડસ’ માં લેખિકાએ હિંદુ ભંગીઓનું
વર્ણન કર્યું છે. એલાઈસની નજર કરાચીમાં રસ્તાપર પડી જ્યાં મેનહોલમાંથી એક માણસ
ગટરના ગંઘાતા પાણીથી નીતરતો બહાર નીકળી રહ્યો હતો. તે એને મળી અને સાંજે તેમની
વસાહતમાં જઈને અનેક ‘ભંગી’ઓના તેણે ઈંટરવ્યુઓ લીધા અને તેનો સાર પોતાના પુસ્તકમાં
લખ્યો છે. ૮૪ વર્ષના વયોવૃધ્ધ ઊર્મિલા બહેન હજુ છે અને મળો તો હજુ અલકમલકની
પ્રેરણાદાયી વાત કરશે. 🚩
Subscribe to:
Posts (Atom)

