Monday, December 8, 2025

માઓવાદી વચ્ચે નરેન્દ્ર મોદી, તીર કામઠા... વનવાસીઓ... પાતળી લાકડીના તીર... કપડું ય લૂંટી લેશે (પ્રકરણ 41, પુસ્તક ઊમોદી Umodi)

Chp 41 Book UMODI 

ઘરમાં એવું કાંઈ બન્યુ નહોતું પણ જે રીતે તે ઘરમાં ગોળ ગોળ આંટા મારી રહી હતી તે જોતાં, ચોક્કસ, ઊર્મિલા કોઈ ચિંતા માં હતી. ઊમોદીથી રહેવાયું નહીં. તેણે મા ને પૂછી જ નાખ્યું. ઊર્મિલા પોતાની સૃષ્ટિમાં હતી. તે કાંઈક બોલી. અસ્પષ્ટ હતું: “તીર કામઠા... વનવાસીઓ... પાતળી લાકડીના તીર…. કપડું ય લૂંટી લેશે, દાંતેવાડ Dantewada બહુ ખરાબ...”. ઊમોદી ખાસ સમજ્યો નહીં. ઊર્મિલાએ ભારતના મધ્ય ભાગમાં આવેલા ગામો, શહેરો, પર્વતો, જંગલો અને નદીઓ વિષે ઘણી વાતો ઊમોદીને કરી હશે પણ આજ સુધી ‘દાંતેવાડ’ એમ નામ લઈને કોઈ વાત નહોતી કરી. ઊમોદીએ દાંતેવાડ નામ છાપામાં વાંચ્યું હતું અને તેને એમ લાગતું હતું કે તે જગા તો માઓવાદીઓને કારણે જાણે હાલમાં જ જાણીતી થઈ હતી, તો પછી મા તે જગાને કેવી રીતે જાણે? વળી, થોડા વખત પહેલા તે પોતે જ્યારે Maoist માઓવાદીના ભયંકર વિસ્તારમાં કામ માટે ગયો હતો ત્યારે પણ માએ દાંતેવાડની વાત કરી નહોતી. આજે ૨૦૧૫ માં ઊર્મિલાને દાંતેવાડ ક્યાંથી અને કેમ કરતાં યાદ આવ્યું હશે? અને કોણે તીર વાગી જશે તેની ચિંતા તેને સતાવતી હતી? Dementia ડિમેન્શિયા-સ્મૃતિવિભ્રમથી પીડાતી ઊર્મિલાના મગજમાં શું ચાલી રહ્યું હશે તે કેમ કહી શકાય? ઊમોદીને તેણે વિચારતો કરી મૂક્યો. ઊમોદી માઓવાદીઓ થી ત્રસ્ત વિસ્તારમાં કામ કરવા ૨૦૧૧માં ગયો હતો. એક મલેશિયન કોન્ટ્રાક્ટરે Chandrapur ચંદ્રપુર જીલ્લાના Warora વરોરા ગામમાં ૬૦૦ મેગા વોટ નો શક્તિશાળી થર્મલ-પાવર પ્લાન્ટ બનાવવાનો કરાર કર્યો હતો. પરંતુ ત્રાસવાદીઓની ધમકીઓ, મનમાગી ખંડણી, પોલીસની ઊઘરાણી, રાજકીય નેતાઓની દખલ, સરકારી ઓફિસરોની લાંચની સતત માંગ અને કામદારોના રોજીંદા ઉભા થતા પ્રશ્નોથી તેઓ થાકી ગયા હતા. તે બધી કઠણાઈમાંથી કંપનીને ઉગારવાનું બીડુ ઊમોદીએ ઊપાડેલું. અહીં “માન ન માન મૈં તેરા મહેમાન”ની જેમ તમારે રોમાંચિત થવું હોય કે ન હોય પણ રોમાંચનો ડોઝ ઊમોદીને રોજ મળી જ રહેતો. “માઓ-વાદી” શબ્દ વારંવાર સમાચારમાં હોય છે. જે વખતે ચીન ના રાજા Chuang-Kai-Shaik ચિયાંગ-કાઈ-શેકનું રાજ હતું, તે વખતે માઓ-ત્સે-તુંગ નામના માણસે લોકોને બળવો કરવા પ્રેર્યા અને તે બળવાની નેતાગીરી તેણે કરી. પણ આ બળવો સામાન્ય બીજા બળવા કરતાં બહુ જ વધારે પડતો ક્રૂર હતો. રાજા અને સેના ઉપર હુમલો થાય તે સમજી શકાય, પણ પોતે સામ્યવાદી હોવાના કારણે ગામેગામના સરકારી કારકૂનો, ધનિકો, મોટા ખેડૂતો, વેપારીઓ એમ બધાનો અંધાધુંધ સંહાર કરીને અને વ્યાપક અરાજકતા પ્રસરાવીને માઓએ રાજ્ય ક્રાંતિ કરેલી. બાળકને રાંધીને તેનું માંસ બળજબરીથી મા ને ખવડાવવા જેવી ભીષણ ક્રૂરતા માઓ-વાદી ક્રાંતિમાં સામાન્ય વાત હતી. ૧૯૪૫ થી ૧૯૪૯ સુધી ચાલેલા આ બળવામાં લગભગ ૧૫ લાખ માણસોએ પ્રાણ ખોયા. અંતે રાજા ચિયાંગ-કાઈ-શેક હારીને Taiwan તાઈવાન ટાપુ પર ભાગી ગયો અને ચીનમાં હાલની જે સરકાર છે તે સત્તા પર આવી હતી. એ જ વિચારધારા વાળા સામ્યવાદીઓએ ભારતમાં CPI (Maoist) નામે રાજકીય પક્ષ સ્થાપેલો અને વર્ષોથી ભારતમાં ચીનના જેવી લોહિયાળ ક્રાતિ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સૌ પ્રથમ હિંસા તેઓએ બંગાળના નક્સલબારી નામના ગામે કરી હોવાથી, ભારતમાં માઓ-વાદીઓ “નક્સલવાદી” તરીકે પણ જાણીતા છે. ભારતનાં દુર્ગમ જંગલોમાં છૂપાઈને તક મળે ત્યારે તેઓ આતંકી હુમલા કરતા રહે છે. તેમની આવી ખૂંખાર ગતીવિધી જોઈને ભારત સરકારે CPI (M) પક્ષ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારની સતર્કતાને લીધે ભારતના માઓ-વાદીઓ ઉપર થોડોઘણો અંકુશ તો આવ્યો છે પરંતુ ઝારખંડ, આંધ્ર, તેલંગના, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં તેમની ગતિવિધિ હજુ ચાલે છે. રોજ કાંઈક ને કાંઈક ખતરનાક ત્યાં બનતું જ હતું. લેબર યુનિયન વાળાઓની ધમકી, કોઈ સરપંચ, પોલીસ કે લેબર-કમિશનરની પૈસાની માગણી, ‘શિવસેના’ કે ‘મનસે’ વાળાઓની પણ તેવી જ ધમકીભરી માગણી હોય, માથાભારે મજૂરોની મારામારી, કોઈ લોહીલુહાણ થયો હોય. આવું બધું તો સાવ સામાન્ય ગણાય. એક વખત તો તડીપારની સજા પામેલો એક ગુંડો હાથમાં ખુલ્લું ચાકુ લઈને પોતાના બે સાગરીતો સાથે ઊમોદીની કેબિનમાં આવેલો ત્યારે ઓફિસમાં સહુ ભયભીત બની સ્તબ્ધ થઈ ગયા હતા. પેલા ગુંડાએ ધારદાર ચાકુ ઊમોદીના ટેબલ પર મૂક્યું. સામે બે ખુરશીઓ હતી તેમાંથી એક પર બેસી ગયો. બે સાગરીતો ઉભા રહ્યાં. પેલા ગુંડાએ ટેબલ પર પડેલા ચાકુને ભમરડાની જેમ ટેબલ પર ઘુમાવ્યું. જાણે કે ઘડિયાળનો કાંટો ટેબલ પર ગોળ ગોળ ઘૂમી રહ્યો હોય. ઊમોદીએ પલકારા ના સમયમાં શું કરવું તે નક્કી કરી નાખ્યું. તેને ડર તો લાગ્યો પણ તે બતાવ્યા વગર તેણે ગુંડાની આંખમાં આંખ નાખીને પુછ્યું: “मारनेके लीये आया है?” આ વાક્યની શી ખબર શું અસર થઈ પણ તે જાણે એકાએક થંડો થઈ ગયો. પછી તો ઘણી વાત થઈ, તેના બે સાગરીતો માટે ઊમોદીએ ખુરશીઓ મંગાવી. બધાને ચા-પાણી પિવડાવ્યા અને રવાના કર્યા. ઊમોદીની ગુંડાઓ સાથે જે વાતો થઈ તે લખવા માટે તો એક પુસ્તક લખવું પડે પણ ટુંક સાર એ હતો કે મૂળે તે ખેડુત હતો પણ ખોટી ટેવોમાં ખુવાર થઈ ગયા પછી હવે તેને આ નવો ગુંડાગીરીનો ધંધો શરુ કર્યો હતો. પૈસાવાળા ઉદ્યોગપતિઓને ડરાવીને નક્સલવાદીનો ડોળ રચીને પૈસા કઢાવવા બહુ સહેલા હતા તેથી તેણે એ ધંધો ચાલુ રાખ્યો હતો. પણ હવે તેને ખેતી તરફ પાછા વળવું હતું. ગુંડાઓ કાંઈ કર્યા વગર શાંતિથી પાછા ચાલ્યા ગયા તે તો કંપનીના સ્ટાફ માટે એક ચમત્કાર જ હતો. બધાના જીવમાં જીવ આવ્યો. ઊમોદીને થયું કે આજે તો રોમાંચનો ખરેખર ઓવરડોઝ જ થઈ ગયો છે. નાનપણમાં ઊર્મિલા આવા વિસ્તારમાં રહી હતી અને ત્યાંની ઘણી બાબતોથી જાણકાર હતી. તેથી રજામાં, ચન્દ્રપુરથી માને મળવા ઊમોદી મુંબઈ આવતો ત્યારે તે આવી બધી વાતો કરતો. માને તે બધું જાણવું ગમતું. વરોરા ગામમાં બાબા આમ્ટેએ રક્તપિત્તિયા માટે એક મોટી વસાહત બનાવી છે. આ વસાહત  Anand Wan ‘આનંદવન’ તરીકે ઓળખાય છે. 




બાબા આમ્ટેના ગુજરી ગયા પછી હવે તેમના પુત્રો આ વસાહતને સંભાળે છે. તેમના એક પુત્ર, ડૉ. પ્રકાશ આમ્ટે સાથે ઊમોદી ની ઓળખાણ થયેલી. તેમની સાથે થયેલી વાત, તથા જેઓના શરીરના અંગો ખરી ગયા હોય તેવા લોકો કેવી રીતે જીવન ગુજારતા હશે તે બધી વાતો મા ખાસ રસ લઈને સાંભળતી. તે વસાહત બની તે પહેલા ત્યાં વન હતું. તે વસાહતની અડોઅડ આજે પણ જંગલ છે અને આજે પણ એ જંગલમાં વાઘ ની વસ્તી છે. વાધની જાત સમુળગી નષ્ટ થઈ ન જાય તે માટે મહારાષ્ટ્ર સરકારે અહીં વાઘ માટે અભયારણ્ય-Tiger reserve સ્થાપ્યું છે. એ  Tadoba Tiger Reserve ‘તાડોબા વાઘ અભયારણ્ય’ નામે ઓળખાય છે. આ અભયારણ્ય માં આજે લગભગ ૧૦૦ વાઘો રહે છે. આખા ભારતમાં ૫૦ અભયારણ્ય ખાસ વાઘ માટે બનાવેલા છે. આખા ભારતમાં ૨૦૦૬માં માત્ર ૧,૪૧૧ વાઘો બચેલા. પણ સરકાર અને નાગરીકોના સમજણ પૂર્વકના સહકારથી ભારતમાં દર વર્ષે ઉત્તરોત્તર વાઘની વસ્તી વધી રહી છે. ૨૦૧૮ની ગણતરી પ્રમાણે ભારતમાં હવે ૨,૯૬૭ વાઘ છે. આખી દુનિયાના ૭૦ ટકા વાઘ એકલા ભારતમાં જ છે. આ સીધ્ધી માટે World Wildlife Fund and Global Tiger Forum ભારતના સફળ પ્રયાસને બીરદાવે છે. ઊર્મિલાએ કહેલું કે તે વિસ્તાર માં તેના દાદા વાઘનો શિકાર કરવા ગોરાઓ સાથે જતા. અંગ્રેજો તે જંગલોમાંથી માલગાડીઓ ભરી ભરીને ઇમારતી લાકડું ઈંગ્લેન્ડ લઈ જતા. એમ કહેવાય છે કે અંગ્રેજોના મહેલોમાંનું ઘણું ફર્નિચર અહીંના લાકડામાંથી જ બન્યું છે. વળી આ પ્રદેશમાં કોલસો ખૂબ નિકળે છે. જ્યાં ખોદો ત્યાં કોલસો નીકળે. તેથી અંગ્રેજો અહીંથી ગાડીઓ ભરીને કોલસા પણ યુરોપ ભેગા કરતા. આવી અનેક વાતો ઊર્મિલા કહેતી પણ આજ સુધી દાંતેવાડના વનવાસીઓના તીર-કામઠાની કોઈ વાત કરી નહોતી તેથી ઊમોદીને કૌતુક થાય તે સ્વાભાવિક હતું. ભારતમાં માઓવાદીઓના ત્રાસથી સૌથી વધુ પિડીત જિલ્લો તે Gadchiroli ગઢચિરોલી જિલ્લો. ત્યાં જવું એટલે માથું હથેળીમાં રાખીને જવાનું. ઊમોદી જ્યાં કામ કરવા ગયો હતો ત્યાંથી આ જગા લગભગ ૬૦-૭૦ કિલોમીટર દુર હશે. Vainganga વૈણગંગા નામની નદીને કિનારે માર્કંડેય મુનિએ શંકર ભગવાન અને યમ દેવનું મંદિર સ્થાપેલું. આ અતિ પ્રાચીન મંદિર તેની અદભુત કોતરણી અને પવિત્રતા માટે જાણીતું છે. પરંતુ ત્યાં જાય કોણ? તેની જાળવણી કોણ કરે?
Markanda Mahadev Temple Complex is situated at the River banks of Wainganga River near Chamorshi town in Gadchiroli District of Maharashtra, Built in 8th Century CE.

જૂની કલાકૃતિઓના ચોરોએ કેટલીયે પત્થરની સુંદર કોતરેલી મુર્તિઓ અને દીવાલો પરના અગણિત કોતરેલા પત્થરો ચોરી લીધા છે. હજારો વર્ષ પહેલાં, Mrikund મૃકંડુ ઋષિ અને તેમની પત્ની Marumati મરુડમતી એ બાળક માટે તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થયેલા શંકર ભગવાને પુછ્યું કે તને કેવો પુત્ર જોઈએ છે? બુદ્ધિમાન પણ અલ્પ આયુ વાળો કે સામાન્ય બુદ્ધિ પણ લાંબી આયુ વાળો? ઋષિ દંપતિએ અલ્પ આવરદા વાળો બુદ્ધિમાન પુત્ર માગ્યો. તે પુત્ર માર્કડેય મુનિ તરીકે જાણીતો થયો. બાળપણથી જ અતિ-બુદ્ધિમાન પુત્ર જ્યારે ૧૬ વર્ષનો થયો ત્યારે યમ દેવ તેને લેવા આવ્યા. પરંતુ બચપણથી તેણે શિવભક્તિ કરીને યમદેવને હંફાવ્યા અને લાંબુ આયુષ્ય મેળવ્યું તેવું પુરાણોમાં લખ્યું છે. ઊર્મિલાએ તેના દીકરાને નાનપણમાં માર્કંડ મુની ની વાત કરી હતી અને આ મંદિરની પણ વાત કરી હતી. તેથી ઊમોદીએ વિચાર કર્યો કે બાને એક સાનંદ આશ્ચર્ય થાય તેવું કંઈક કરવું. જે મંદિર અનેક વર્ષોથી ઉપેક્ષા, ભાંગફોડ અને ચોરીઓનું ભોગ બન્યું છે, તેનું શિખર પણ તુટી ગયું છે, જ્યાં દર્શન કરવા જવું તે પણ ખતરનાક હતું છતાં તેણે ત્યાં જવાનું નક્કી કર્યું. રસ્તો ગીચ જંગલમાં થઈને જાય છે. રસ્તામાં વચ્ચે વચ્ચે સરકારે વાંસના વાવેતર અને વાંસના રોપાઓ માટેની નર્સરી ઉભી કરી છે જેથી માઓવાદી વનવાસીઓ પાસે જો તેમને માફક આવે તેવું કમાવવાનું સાધન હોય તો તેઓ ગુનાહિત જીવનના બદલે મહેનત કરીને કમાણી કરી શકે. ભગ્નાવેષ મંદિરના પ્રાંગણમાં ઊભા રહીને ઊમોદીએ મોબાઈલ ફોનથી મા ને ફોન જોડ્યો. પોતે ક્યાં ઉભો રહીને વાત કરી રહ્યો છે તે જણાવ્યું ત્યારે ઊર્મિલાના મનમાં જે આનંદની છોળ ઉઠી હતી તે ફોનમાં સાભળીને ઊમોદીને સાહસ ખેડ્યુ વસૂલ લાગ્યું. પણ આજે આટલા દિવસે મા ને દાંતેવાડ કેમ યાદ આવ્યું હશે તેનું રહસ્યોઘાટન તો ત્યારે થયું જ્યારે છાપામાં વાંચ્યું કે આજે Narendra Modi નરેન્દ્ર મોદી માઓ ત્રાસવાદીઓની ચુંગાલમાં ફસાએલા છત્તીસગઢની મુલાકાતે જવાના છે. તે ૯મી મે ૨૦૧૫ નો દિવસ હતો. મા ની વાત સાચી હતી, દાંતેવાડના વનવાસીઓ તીર-કામઠાનો ઉપયોગ હજુ કરે છે. કોઈને મારી નાખવા તે તો તેમના માટે મામૂલી વાત છે. જંગલમાં કોઈ એકલદોકલ માણસ મળી જાય તો આ વનવાસીઓ તેમને લૂંટી લે. એવા બનાવો બન્યા છે કે માણસના પહેરેલા કપડા સુધ્ધાં લૂંટી લેવાયા હોય. આ મારી મા તે કેવી છે? મારા કરતા વધુ લાગણી તો તેને નરેન્દ્ર મોદી માટે છે. ઊમોદીના મનમાં ઈર્ષાની લાગણી ફરકી ગઈ કે હું, તેનો સગો દીકરો માઓ-વાદી વિસ્તારમાં રાતદિવસ ખતરાથી ખેલતો હતો પણ તોય મા ને તેની એટલી ચિંતા નહોતી થઈ જેટલી તે આજે નરેન્દ્ર મોદી માટે કરે છે.આવું તો આજે જ જોયું. ઊર્મિલાની એક ઈચ્છા પુરી ન થઈ, તે મરતાં પહેલાં નરેન્દ્ર મોદીને મળવા માગતી હતી.

રાજકારણમાં રુચીનો ફણગો (પ્રકરણ 22, પુસ્તક ઊમોદી)

 આગળ જતાં જે થોડુંઘણું કામ ઊર્મિલાએ ભારતીય જનસંઘ, ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિંદુ પરિષદ માટે કર્યું તેના પાયામાં બચપણની બે-ત્રણ મુખ્ય વાતો એ મહદ્ ભાગ ભજવ્યો હશે તેમ કહી શકાય. એક, તે સમયે  વિશ્વભરમાં ફેલાયેલું ઘનઘોર વિશ્વયુધ્ધ, બીજું, અંગ્રેજોની ગુલામી સામેનો આક્રોશ અને ત્રીજું સંવેદનશીલ સ્વભાવને લીધે બીજા માટે કશુંક પણ કરી છૂટવાની ભાવના. 


એડોલ્ફ હીટલર ૧૯૩૩ની ચુંટણી જીત્યો અને ૩૦મી જાન્યુઆરીએ જર્મની માં સત્તા સંભાળી. લગભગ તે અરસામાં જ (૪થી માર્ચ ૧૯૩૩) ઊર્મિલાનો જન્મ થયેલો. હીટલરે જ્યારે બીજા-વિશ્વયુધ્ધનું રણશિંગુ વગાડેલું તે સમયે ૧૯૩૯માં તે ૬ વર્ષની હતી અને જ્યારે વિશ્વયુધ્ધનો ૧૯૪૫માં અંત થયો ત્યારે તે ૧૨ વર્ષની હતી. ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે તે ૧૪ વર્ષની હતી અને ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭નો આખો દિવસ જયહિંદના જયકારા કરતાં ટોળાઓ સાથે પોતાના લત્તાની એકેએક શેરીઓમાં તે ફરી હતી.

 

શાળામાં જતી ઊર્મીલાને બહુ મન થાય કે લાગ મળે તો ગાંધીજીના અહિંસક સ્વાતંત્ર્ય સેનાનીઓની જેમ  “વંદે-માતરમ” કે “સ્વરાજ મારો જન્મસિધ્ધ અધિકાર છે” એવા સુત્રો મોટે મોટેથી બોલીને અંગ્રેજોને પડકારવા જોઈએ. આજુબાજુ નજીકમાં કોઈ પોલીસ કે બીજા કોઈ સરકારી અધિકારી તો  જોઈને એકાદ-બે વાર સાહસ કર્યું પણ ખરું અને કોઈ પકડવા આવે તે પહેલા રાડ પાડી ને સુત્રોચ્ચાર કરીને તે ભાગી જતી. ઘરમાં આવીને બાને પરાક્રમની વાત કરે પણ ખરી. તેને એમ કે કોઈ પરિચીત લોકોએ તેને જોઈ નહીં હોય પણ જ્યારે શિક્ષકની ફરિયાદ આવી ત્યારે ઊર્મીલાની હાલત કાપો તો લોહી ન નિકળે તેવી થઈ. ભલે બાપુએ થોડો ઠપકો આપી બાજી સંભાળી લીધી પણ સ્કૂલ વાળાએ આ ગેરશિસ્ત સહેલાઈથી માફ ન કરી. ચર્ચની એક સીસ્ટર સીવણ કામ શિખવાડવા શાળામાં આવતી. નકામા કપડાના નાના નાના ટુકડાઓમાંથી ઢિંગલીઓ કેમ બનાવાય તે બતાવતા બતાવતા તેણે વાતો વાતોમાં સલાહ આપી હતી કે “તારા બાપુ તો સરકારી ડોક્ટર છે,  વળી તારા દાદા સરકારી વેટરનરી સર્જન છે અને મેડીકલ કોલેજમાં પ્રોફેસર છે, બીજા ની વાદે વાદે તું સ્વરાજ-બરાજનું આવું ગાંડુઘેલું કરે તે આપણને તે શોભે? ગોરા ઓફિસરોની સામે આપણા મા-બાપને શરમાવું ન પડે?” 


ભારત સ્વતંત્ર થયું પછી ઊર્મિલાને તત્કાલીન કોંગ્રેસ સરકારની નીતિમાં ભારે ખોટ દેખાતી. વળી ઊર્મિલાની નૈસર્ગીક સહનાભૂતિ હંમેશા એની સાથે રહેતી જે ગરીબ હોય, જે જીવનની રેસમાં પાછળ હોય, જેને આપણે ‘અંડરડોગ-Underdog’ કહીએ તેઓ માટે  રહેતી. તેથી ઊર્મિલા અને તેનો પતિ મધુસૂદન, એ બન્નેનો નૈસર્ગિક ટેકો તે કાળના વિરોધી પક્ષ, સ્વતંત્ર પક્ષને જ રહેતો. તે પક્ષમાં રાજગોપાલાચારી, કનૈયાલાલ મુનશી, વગેરે જેવા મોટા અને વિદ્વાન નેતાઓ હતા. ઊમોદીને નાનપણમાં તક મળી ત્યારે આવા લોકોએ લખેલાં ઘણાં પુસ્તકો ઊમોદીએ વાંચી લીધેલા.


ચક્રવર્ર્તી રાજગોપાલાચારી અને કનૈયાલાલ મુનશી બેઉ, રાજકરણની સાથે સાથે મોટાં લેખકો પણ હતાં. તેમની ધણી ચોપડીઓ ભવાન્સ જર્નલ નામની સંસ્થાએ પ્રકાશિત કરી હતી. રાજગોપાલચારીએ ટુંકાવીને લખેલા ‘રામાયણ’ અને ‘મહાભારત’ બાળકો માટે બહુ ઉપયુક્ત પુસ્તકો છે. કનૈયાલાલ મુનશીના ગુજરાતી પુસ્તકો, ‘જય સોમનાથ’, ‘ગુજરાતનો નાથ’, ‘પાટણની પ્રભુતા’ વગેરે દરેક ગુજરાતીને અચૂક વાંચવા યોગ્ય લાગશે.   


ઊર્મિલાના લગ્ન ૧૯૫૦માં મધુસૂદન સાથે થયા. તે પછી ૧૯૫૧માં બે વસ્તુઓ બની. એક તો તેના પેટે પહેલું બાળક અવતર્યુ અને બીજું લગભગ તે જ કાળે યોગાનું યોગ ભારતીય જનસંઘ પક્ષની સ્થાપના પણ થઈ. ઊર્મિલા તે બન્નેમાં હવે જાણે ખુંચી ગઈ. શ્યામાપ્રસાદ મુખરજી, અટલ બિહારી વાજપાઈ, લાલકૃષ્ણ આડવાની વગેરે નેતાઓ જનસંઘ પક્ષમાં હતા. ઊર્મિલાને આ નેતાઓએ ઘણી પ્રભાવીત કરી હતી. કાશ્મીર મુદ્દે, વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના તથા ગોહત્યા પ્રતિબંધના મુદ્દે પતિ-પત્નીએ હિંમત-ભેર સ્થાનીક રાજકરણમાં પણ પાપાપગલી માંડી હતી.


Friday, August 11, 2023

ક્રિએટિવ પ્રકાશને કરી વધુ પૃષ્ઠ અને નવા મૂલ્ય સહિત “ઊર્મિલાનો મોટો દીકરો એટલે ઊમોદી” મારા પુસ્તકના નવીન સંસ્કરણની જાહેરાત

Announcing Second Edition at Revised Price “ઊર્મિલાનો મોટો દીકરો એટલે ઊમોદી” New Edition with more pages and its revised price is just announced by my Publisher: “ઊર્મિલાનો મોટો દીકરો એટલે ઊમોદી”Discounted Price 540 (Revised Cover Price Rs. 630)
+12 વયના સહુને વાંચવા-જાણવા જેવી રસપ્રદ ઘટનાઓથી સભર આ પુસ્તકમાં રાજકારણ, યુદ્ધો, જાસૂસી, ભાંગફોડ, ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ઉદ્યોગો, વૂડૂ બ્લેક મેજિક, સ્વાસ્થ્ય, પરંપરાઓ, રીતરિવાજો, તહેવારો, ભાષાઓ, સંબંધો, રસોઈ, ખોરાક, વગેરે જેવા વિધવિધ વિષયોને આવરી લેતી વાસ્તવિક જીવનની સત્ય વાર્તાઓ વાંચવા મળે છે. સેંકડો એવા વિષયો છે કે જેની સાહિત્યમાં ભાગ્યે જ ચર્ચા થાય છે તેવી વાતોને લીધે દરેક વાચકને આ પુસ્તક રસપ્રદ લાગશે. વિષય પ્રસ્તુતિ પણ સામાન્ય પુસ્તક કરતાં સાવ અલગ રીતે થયેલી છે. અધ્યયન અને સામાન્ય જ્ઞાનની દૃષ્ટિએ આ પુસ્તક મૂલ્યવાન છે. તેથી જ તો, શૈક્ષણિક પુસ્તક પ્રકાશક, ક્રિએટિવ પ્રકાશને આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક એક સારું વાંચન તો છે જ પણ તે સાથે જન્મદિવસ કે કોઈ સારા પ્રસંગે એક સારી ભેટ આપવા લાયક પુસ્તક પણ છે. નીચે આપેલી લિંકને અનુસરીને તમારી નકલ મેળવી શકશો. ISBN:978-93-95389-01-3. Creative Prakashan Email:www.creativeprakashan9@gmail.com. Price (ભારતમાં): Rs. 630/- નવા સંસ્કરણના આ પુસ્તક ઉપર ઈન્ટ્રોડક્ટરી ડીસ્કાઉન્ટ હોવાથી માત્ર Rs. 540/ માં આજે જ ઘરબેઠા પ્રાપ્ત કરો. ઓર્ડર કરવાની વિગત- https://creativeprakashan.spayee.com/courses/------63fb1192e4b07965060d7062#description અથવા OR Contact on Phone or visit Personally @ Creative Prakashan, 5- Sukita Apartment, Near Ankur School, Fatehpura, Paldi, Ahmedabad 380007 ફોન સંપર્ક- 9428702794

Sunday, May 28, 2023

વિરોધીઓને અણધાર્યો આંચકો અને ભાજપને છપ્પરફાડ લાભ -- વાત છે સમાજમાં એકાએક ઉપસ્થિત થયેલા "સેંગોલ" અને "ચોલા રાજવંશ"ના વાર્તાલાપની

 


જ્યારે તેમણે નવી સંસદ ભવનના ઉદ્ઘાટન અંગે વિવાદ ઉભો કર્યો ત્યારે વિરોધ પક્ષોને સહેજ પણ અંદાજ નહોતો કે તેમણે અજાણતા એવી ચાંપ દબાવી દીધી છે કે જેનાથી આખા ભારતમાં ભારતીય પુરાતન સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસ વિશે લોકોમાં ન શમી શકે તેવો રસ જાગૃત થઈ જશે.


૨૪ કલાકથી ઓછા સમયમાં, વિસ્ફોટક ગતિથી  પ્રાચીન તમિલ ભાષાનો શબ્દ “સેંગોલ” અને પ્રાચીન તમિલ સંસ્કૃતિ આપણા દેશની જાહેર ચર્ચામાં અચાનક જ પ્રવેશી ગયા છે. ચોલ સામ્રાજ્ય, રાજ-ધર્મ, સેંગોલ (રાજ-દંડ), તેના પર સ્થાપિત શિવ ભક્ત નંદી, નંદીનો સત્ય, સચ્ચાઈ, ધૈર્ય, શાંતિ, શક્તિ, રાષ્ટ્ર પ્રત્યે વફાદારી અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત સેવાની ભાવનાનો સંદેશ, વગેરે જેવા વિષયો માટે સમાજમાં જે ઉત્સાહ ઊભો થઈ ગયો છે તે ભાજપ જેવા રાષ્ટ્રવાદી લોકોને ભલે ખૂબ ગમશે પણ તેમના વિરોધીઓ, સામ્યવાદીઓ અને તેમના જેવા સમાન વિચારધારા ધરાવતા પક્ષોને ઘણો ખટકશે. ભારતની ભોળી પ્રજાને પ્રાચીન સંસ્કૃતિથી વિમુખ કરવાના પ્રયાસ અનઅપેક્ષીત રીતે જાણે ઘરાશાયી થઈ ગયા. આવું  દુઃસ્વપ્ન તો તેમણે કદી વિચાર્યું નહીં હોય.


જાણે કે આ આંચકો પૂરતો ન હતો તેમ, ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની રાત્રે સત્તા સ્થાનાંતરણ વખતે ભારતના પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરુએ પવિત્ર સેંગોલ ધારણ કર્યાના ઈતિહાસને નકારી કાઢતાં લગભગ ૨૦ જેટલા વિપક્ષીઓને કાપે તો લોહી ન નીકળે તેવી પરિસ્થિતિ ઊભી થઈ જ્યારે સંશોધનકર્તાઓએ તે કાળના  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેસમાં, વૃત્તપત્રોમાં વગેરેમાં પ્રસિદ્ધ થયેલા ઐતિહાસિક અહેવાલ અને ફોટોગ્રાફ્સ સમાજ સમક્ષ મુક્યા. ભારતની સામાન્ય પ્રજાએ પણ જોયું કે રાજ-દંડની વાતને તે કાળના વૃતાંતમાં સારી રીતે આવરી લેવામાં આવ્યું હતું. જવાહરલાલ નેહરુના વંશજોને જ જો આ મહત્વપૂર્ણ સત્યની જાણ સુદ્ધાં ન હોય તો તે વાત ભારે શરમજનક કહેવાય.


જો કે, હજી તો શરમના મુગટ પરની કલગીની વાત કરવાની બાકી છે. પ્રયાગરાજના જે અલ્પ-પ્રસિદ્ધ પ્રાંતીય  સંગ્રહાલયમાં સેંગોલ રાજ-દંડ રાખવામાં આવેલ ત્યાં એક કાગળ કે પુંઠાની ચબરખી પર સત્તાવાર નોંધ હતી- પં જવાહરલાલ નેહરુને ભેટમાં આપેલી "ગોલ્ડન વૉકિંગ સ્ટીક" 


સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાનને સત્તા સ્થાનાંતરિત કરવા માટે છેલ્લા બ્રિટિશ વાઇસરોય માઉન્ટબેટન દ્વારા એક સત્તાવાર સમારોહમાં, તમિલનાડુના એક પ્રાચીન મંદિરના આદરણીય વિદ્વાન સંતો દ્વારા યોગ્ય રીતે પવિત્ર કરાયેલા સેંગોલ રાજ-દંડને કોઈ ગૌણ સંગ્રહાલયમાં વર્ષો સુધી ગોંધી મૂકવામાં આવે છે અને તેને "વૉકિંગ સ્ટીક" કહેવામાં આવે છે. આવું જોઈને સાંભળીને શું દેશપ્રેમી લોકોના કાળજા ચિરાઈ ન જાય?


લાગે છે કે વિપક્ષને નૂતન-સંસદ ઉદઘાટન બહિષ્કાર કરવાનો સોદો મોંઘો પડી ગયો.


Saturday, March 4, 2023

મારા નવા પુસ્તક “ઊર્મિલાનો મોટો દીકરો એટલે ઊમોદી” નું આજે પ્રકાશન થયું છે.

 

મારાં અગાઉનાં પુસ્તકો અંગ્રેજી ભાષામાં છે, પણ આ મારું ગુજરાતી ભાષાનું પ્રથમ પુસ્તક છે. (સાથે સાથે ચપટીભર અંગ્રેજી, ફ્રેંચ, સ્પેનિશ, ડચ, સંસ્કૃત, હિન્દી, મરાઠી, સ્વાહિલી અને અરબી ભાષાઓનો ઉપયોગ પણ થયો છે.) 

 

ઊર્મિલાનો મોટો દીકરો એટલે ઊમોદી

 આ પુસ્તકમાં રાજકારણ, યુદ્ધો, જાસૂસી, ભાંગફોડ, ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ઉદ્યોગો, વૂડૂ બ્લેક મેજિક, સ્વાસ્થ્ય, પરંપરાઓ, રીતરિવાજો, તહેવારો, ભાષાઓ, સંબંધો, રસોઈ, ખોરાક, વગેરે જેવા વિધવિધ વિષયોને આવરી લેતી વાસ્તવિક જીવનની સત્ય વાર્તાઓ વાંચવા મળે છે. સેંકડો એવા વિષયો છે કે જેની સાહિત્યમાં ભાગ્યે જ ચર્ચા થાય છે તેવી વાતોને લીધે વાચકને આ નવું પુસ્તક રસપ્રદ લાગશે. વિષય પ્રસ્તુતિ પણ સામાન્ય પુસ્તક કરતાં સાવ અલગ રીતે થયેલી છે. આ વાર્તા એક ખરેખર પ્રેરણાદાયી સ્ત્રી, ઊર્મિલાની આસપાસ વણાયેલી છે, જે ચાર બાળકોની સરેરાશ મધ્યમ વર્ગની માતા અને આનંદી પત્ની હોવાની સાથે, પોતાની રીતે એક મૌન ક્રાંતિકારી કરતાં જરાય ઓછી નહોતી. તે એક, બે એવા પાઠ આપે છે કે કેવી રીતે 'નારીવાદી (Feminist) બન્યા' વિના કેવી રીતે સૌમ્યતાથી નારીવાદી બનવું, અને કેવી રીતે 'પીડિત' (Victimhood) માનસિકતાનો ભોગ ન બનવું. તેણીનો જન્મ આજે 1933 માં થયો હતો, જો તે જીવતી હોત તો આજે તેનો ૯૧મો જન્મદિવસ તે ઉજવતી હોત. 

અધ્યયન અને સામાન્ય જ્ઞાનની દૃષ્ટિએ આ પુસ્તક મૂલ્યવાન છે. તેથી જ તો, શૈક્ષણિક પુસ્તક પ્રકાશક, ક્રિએટિવ પ્રકાશને આ પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તક એક સારું વાંચન તો છે જ પણ તે સાથે જન્મદિવસ કે કોઈ સારા પ્રસંગે એક સારી ભેટ આપવા લાયક પુસ્તક પણ છે. 

 

નીચે આપેલી લિંકને અનુસરીને તમારી નકલ મેળવી શકશો. એકાદ અઠવાડિયામાં એમેઝોન ઉપર પણ આ પુસ્તકની વિગતો અપલોડ થઈ જશે. ISBN:978-93-95389-01-3. Creative Prakashan Email:www.creativeprakashan9@gmail.com. Price:  Rs. 450/- * (ભારતમાં) $ 15/-* (પરદેશમાં) આજે જ ઘરબેઠા પ્રાપ્ત કરો

 https://creativeprakashan.spayee.com/courses/------63fb1192e4b07965060d7062#description





 

Sunday, April 25, 2021

વોકલ ફોર લોકલ ૨ - તમારું હોય તેનું જતન તમારે જ કરવું જોઈએ.

 


લોકલનું મહત્વ વધારવા પરદેશની મોટી કંપનીઓ પોતાની ઘણી વસ્તુઓના મોડેલના નામ પોતાના દેશ, ગામ, પર્વત, નદી વગેરે ઉપર આપતા જોઈ શકાય છે. ટેકોમા (Tacoma), સીએના (Sienna), ટસ્કન (Tuscan), પ્લાયમાઉથ (Plymouth) જેવા અનેક મોટરકારોના મોડેલો આપણે સાંભળ્યા છે. આ બધા નામ અમેરિકા અને યુરોપનાં ગામોના નામ છે. મોટરકાર આવી તે પહેલાનાં સાયકલ યુગમાં રેલી (Raleigh) નામની એક બહુ પ્રખ્યાત સાયકલ આવતી હતી, આજે પણ આવે છે તે રેલી પણ અમેરિકાના એક ગામનું નામ છે. કેન્ટ, કેનમોર વગેરે એપલાયન્સીસ બ્રાન્ડ પણ ગામના જ નામ છે. આપણે પણ જો આવું અનુકરણ કરી ભારતના ગામ, નદી, પર્વત વગેરેના નામ આપી શકીએ તો તેમને દેશ-પરદેશમાં જાણીતા બનાવી શકાય. ભારતની મોટી કંપનીઓ અને ઉદ્યોગપતિઓ જો આવું કરવા તરફ થોડું ધ્યાન આપશે, એટલે કે જો 'વોકલ' બનશે તો સહેલાઈથી આપણાં લોકલ સ્થાનો જાણીતા થશે. બોલે તેના બોર વેચાય.


Sunday, November 8, 2020

વોકલ ફોર લોકલ (૧) – તમારું હોય તેનું તમે જતન કરો

 બાકીના બધા અક્ષરો તો ભારતની બધી ભાષાઓમાં હોય છે, પણ ગુજરાતી ભાષાના આ બે અક્ષરો, 'ળ' અને 'ણ' બીજી ભાષાઓમાં કાં તો નથી અથવા તો ઓછા વપરાશમાં આવે છે. આ વિશેષતાનો આપણે પૂરેપુરો ઉપયોગ કરીને ગુજરાતી ભાષાની લાક્ષણિકતા જાળવી રાખવી જોઈએ. આ વાત મારા મનમાં ત્યારે આવી, જ્યારે બજારમાં મળતી ગોળ-કેરીના અથાણાની શીશી પર 'ગોર-કેરી' કે 'ગોડ-કેરી' એવું વાંચવામાં આવ્યું. વોકલ ફોર લોકલ કરવું હોય તો 'ળ' અને 'ણ' ને આપણે ભૂલવા ન જોઈએ. જો ગુજરાતીમાં પ્રીન્ટ કરવાનું હોય તો, 'પાણી-પુરી' કે 'ભેળ-પૂરી' ને 'પાની-પૂરી' કે 'ભેલ-પૂરી' શા માટે કહેવું? વાત નાની છે પણ તેની શક્તિ 'લોકલ' ને 'ગ્લોબલ' બનાવી શકશે. "વોકલ ફોર લોકલ" આપણે થયા નહીં તેને લીધે જે વસ્તુઓ આપણા લેખક-કવિઓએ વર્ણવી છે તે ક્યાં છે તે અથવા તે જગાઓ જોવાનું પણ આપણને કુતુહલ થતું નથી. તેથી જ તો તે તે સ્થળોનો પર્યટન-મથક તરીકે પણ વિકાસ થતો નથી. દાખલા તરીકે, જુનાગઢના જોવા લાયક ઐતિહાસિક સ્થળો જો ગુગલમાં શોધશો તો અડીકડીની વાવ કે નવઘણ કૂવો તમને નહીં મળે અને વઢવાણની માધાવાવ કે સતી રાણકદેવીનું મંદીર પણ નહીં મળે.  જુનાગઢના કવિ નરસિંહ મહેતા કે વઢવાણના કવિ દલપત રામ વગેરેએ તેમના સમયે ઐતિહાસિક રીતે અગત્યની સ્થાનિક વાતો સમેટીને કવિતાઓ લખી અને તે વાતો પ્રખ્યાત પણ થઈ. તેઓ લોકલ માટે વોકલ થયા. આજે પણ તેવું કરવાની જરુર છે. આપણા દેશમાં તો જ્યાં નજર પડે ત્યાં ઇતિહાસ પડ્યો છે, આપણે બસ જરુર થોડાક વોકલ-બોલતા થવાની જ છે.