Tuesday, December 16, 2014

'નરેન્દ્ર મોદી, ઊમોદી, ઊમોદીદી અને ઊર્મિલા બહેન પ્રકરણ' અથવા કહો 'રાજકારણ પ્રકરણ'

આ વાર્તામાં એક તરફ તેમના મોટા પુત્રનો જન્મ થાય છે અને લગભગ તે જ સમયે ભારતના રાજકરણમાં ભારતીય જનસંઘ પક્ષનો જન્મ થાય છે. એક તરફ તેમના પૌત્રનો જન્મ થયો તો બીજી તરફ તે જ દિવસે ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો. પ્રસિદ્ધ લેખક સલમાન રૂશદીના પુસ્તક ’મીડ નાઈટ્સ ચિલ્ડ્રન’ માં ઐતિહાસિક તારીખ ૧૪મી-૧૫મી વચ્ચેની મધ્યરાત્રીએ જ્યારે સ્વતંત્ર ભારત પણ જન્મેલું તે જ ક્ષણે જન્મેલા કાલ્પનિક શિશુઓની વાર્તા છે. બસ આટલું જ વાંચીને આ વાર્તાનો પ્લોટ તે કથાના જેવો હશે તેમ માનવાની ભૂલ ન કરતા.... એ તો હતી વાર્તા પણ ભાઈ, આ તો રીયલ લાઈફ ડ્રામા છે, ખરેખર બનેલી વાત છે.
----    ----    ----
 
૨૦૧૪ ની વાત છે. જમ્મુ-કાશ્મીર રાજ્યમાં ચુંટણીને થોડાંક જ દિવસોની વાર હતી. ત્યાં કિશ્તવાર નામના ગામે ચૂંટણી-સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ હતું. તેઓ હજી થોડાંક જ દિવસો પહેલા ઓસ્ટ્રેલિયામાં અશ્વમેધ યજ્ઞ કરીને પાછા આવ્યા હતાં.
મુંબઈના એક ઘરમાં ૮૧-૮૨ વર્ષની એક ડોશી સવારથી ઉત્સાહમાં છે તેણે ઝીણી સુતરાઉ સાડી પહેરી હતી. બ્લાઉઝ ઢીલું હતું. કદાચ જૂનું હશે. કારણ કે તેનાં કૃષ બાવડા કરતાં બાંય વધુ પહોળી હતી. ઘટ્ટ વાળનો વ્યવસ્થિત ચોટલો કેડથી ય નીચે પહોંચતો હતો. હાથમાં સોનાની એક બંગડી, કપાળે ચાંદલો ન હતો તેથી વિધવા હશે તેવું અનુમાન કરી શકાય. સવા-પાંચ ફુટની તેની ઉંચાઈને કારણે ઊર્મિલા બહેન વૃદ્ધ હોવા છતાં પ્રભાવી લાગે. ત્રીસ-ચાલીસ વર્ષ પૂર્વે વેરીકોઝ-વેઈન બીમારી થઈ હતી ત્યારે પગની શીરાઓ કઢાવી નાખવાની શસ્ત્રક્રિયા કરાવવી પડેલ તેની હવે કાંઈક અસર પણ વરતાતી હશે તેથી એકાદ વરસથી સાચવીને ચાલે છે. ઘરમાં ભીંતનો ટેકો લઈને ચાલે અને બહાર જાય તો લાકડી લઈને ચાલે.
તે અસ્થિર ડગમગતા પગલે એકાએક ઊભા થયા. રસોડું વટાવી ને અંદરની રૂમમાં આવતા આવતા ઉતાવળે બોલ્યા, “હેલીકોપ્ટર આવતું લાગે છે. બે મિનિટમાં આવી પહોંચશે. આ શું છે? સરખા કપડા તો પહેરો. આવા કપડા પહેરીને મળવા જશો? ચાલો, વ્યવસ્થિત થઈ જલ્દી બહાર આવો. હમણાં તે ઘંટડી વગાડશે”.
વૃધ્ધા ઊર્મિલા બહેનની પુત્રવધૂ રસોડામાં હતી. કુકરની વિસલ માં તેણે કદાચ નહીં સાંભળ્યું હોય. તેણે કાંઈ જવાબ ન આપ્યો. બીજી રૂમમાં ઊર્મિલા બહેનનો મોટો દીકરો તેના બાળગોઠીયા મિત્ર યશવંત સાથે વાતો કરી રહ્યો હતો. ઊર્મિલા બહેનનો ઊ, મોટાનો મો અને દીકરાનો દી એમ ટુંકામાં ઊર્મિલા બહેનનો મોટો દીકરો એટલે ઊમોદી. ઊમોદી આજે લગભગ ચોંસઠનો થયો હશે. યશવંત સાથે તેની મૈત્રી નિશાળ ના દિવસો થી. ડોક્ટર પાસેથી દવા લાવવાની હોય, બેંકમાંથી પૈસા ઉપાડવાના હોય કે વીજળી-ટેલીફોનનું બિલ ભરવાનું હોય, કોઈને મુંબઈ-સેન્ટ્રલ સ્ટેશનેથી લાવવા-મૂકવાના હોય અને જો તે વખતે તેમના સંતાનો તે કામ ન કરી શકે તેમ હોય તો તે સમયે ઊર્મિલા બહેનના બધા તે કામ યશવંત અચૂક કરી આપે. તેમને તે પોતાની મા સમાન જ માને.
નરેન્દ્ર મોદીનો આમ મુંબઈમાં તો કોઈ કાર્યક્રમ જાહેર થયો ન હતો. પણ કંઈ કહેવાય નહીં. મહારાષ્ટ્રની ચૂંટણી પછી શિવસેના પક્ષના નેતાઓ નાદાન રીતે વર્તન કરી રહ્યા હતા. બની શકે કે કદાચ તે લોકોને સમજાવવા તે મુંબઈ આવ્યા હોય.
ઊર્મિલા બહેન તેમના મોટા દીકરાના ઘેર પશ્ચિમ-વિલેપાર્લે માં રહે અને વચલો પુત્ર ત્રણ-ચાર કિલોમીટર દૂર પૂર્વ-વિલેપાર્લે માં રહે. ગયા અઠવાડીયે વચલો અને તેની પત્ની મળવા આવેલા. બારણાની ઘંટડી વગાડીને બારણું ઉઘડવાની રાહ જોતા હતાં. સામે વાળા પડોશી ભરતભાઈ-કૃપાબેનના ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. કૃપાબેન ટીવી જોતા હતાં તે મૂકીને બહાર આવ્યા અને તેમણે હળવેકથી પૂછી જોયું, “હેં ભઈ, ઊર્મિલા બહેન ઘણી વાર નરેન્દ્ર મોદીની વાત કરે છે. શું ખરેખર નરેન્દ્ર મોદી તમને ઓળખે? તમારે ત્યાં કોઈ વાર આવતા?”
ઊર્મિલા બહેનને વચલી રૂમના બારણે આવીને ઊભા જોઈને બેઉ ભાઈબંધો ઉઠ્યા. “હા, ચલો, આવીએ. યશવંતના કપડા તો સારા જ છે, હું સારો ઝબ્બો પહેરી લઉં છું.” થોડી ક્ષણોમાં ઊર્મિલા બહેન ભીંતના ટેકે બેઉ મિત્રોની પાછળ પાછળ દિવાનખંડમાં પંહોચ્યાં. ત્રણે સોફા પર ગોઠવાયા. પણ ઊર્મિલા બહેન થી ઘંટડી વાગે તેની રાહ ન જોવાઈ તેથી બેસતા પહેલાં જ લેચ ફેરવી બારણું અધખુલું કર્યું ને પછીથી બેઠા. લિફ્ટ ખુલે કે તરત આવનારને જોઈ શકાય.
ઓરડામાં સોફા ની સામે ૩૨ ઇંચ નો ટીવી પડ્યો છે. દુબાઈ થી પાછા ફરતી વખતે ઊમોદી મા માટે તે ટીવી ખાસ લેતો આવેલો. ટીવીમાં કંઈક આવી રહ્યું છે. પણ ઊમોદીનું તેમાં ધ્યાન નથી. તે તેની માતા ઊર્મિલા બહેન ની  અધીરાઈ વિષે વિચારતો અડધી સદી પહેલા ના એક વિશ્વમાં પેસી ગયો હતો.
૧૯૬૨ની શરૂઆતના દિવસો છે. લોકસભાની ચૂંટણી માથે છે. ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની જીત નક્કી જ છે. વિરોધી પક્ષોના સંયુક્ત ઉમેદવાર આચાર્ય જે બી ક્રીપલાની આજે ઊર્મિલા બહેનના જૂના ઘેર ઘાટકોપરમાં આવવાના છે. ઊર્મિલા બહેન અને તેમના પતિ મધુસૂદન ભાઈએ પડોશીઓ અને મિત્રમંડળને પોતાને ત્યાં બોલાવી રાખેલા. ત્યાં એક નાની ચૂંટણી સભા રાખી છે. અમૂક પડોશીઓ ભલે આમ તો તેમના સારા મિત્રો, ભણેલા-ગણેલા પણ ખરા, પણ આ મીટિંગમાં જાણી જોઈને ગેરહાજર રહેલા. કાં તો તેઓ કોંગ્રેસના ટેકેદારો હશે અથવા કૃષ્ણ મેનનની માફક ‘મદ્રાસી’ હશે તે હિસાબે તેમને ટેકો આપવાના હશે. મેનન મૂળ તો મલયાલી ભાષી કેરળના પણ મુંબઈમાં તે જમાનામાં કેરળ કે મલયાલી એવા શબ્દો બહુ ઓછા લોકો જાણતા. બધાજ દક્ષિણ ભારતીયો ‘મદ્રાસી’ કહેવાતા. તેઓની સંખ્યા આ ચૂંટણી ક્ષેત્રમાં ઘણી હતી.
હજુ હિંદી-ચીની-ભાઈ-ભાઈનો જમાનો છે. વડાપ્રધાન કે સંરક્ષણ પ્રધાનને ચીન બાબતે કોઈ ચિંતા નથી. તે ભારત પર હુમલો કરશે તેના કોઈ એંધાણ તેમણે ઓળખ્યા નથી. વળી હજુ થોડાક જ મહિના પૂર્વે, ડિસેમ્બર ૧૯૬૧માં આપણે ગોવાને પોર્ટુગલ પાસેથી જીત્યું છે એટલે કોંગ્રેસની સરકાર લોકપ્રિય છે. આમેય મુંબઈ નગરીની ઉત્તર-પૂર્વની લોકસભાની બેઠક પહેલેથી જ કોંગ્રેસના હાથમાં. સ્વતંત્ર ભારતની પહેલી ચૂંટણી થઈ ૧૯૫૨માં. ત્યારે તો કમાલ જ થયું. અરે, ડો. ભીમરાવ આંબેડકર જેવા પ્રસિધ્ધ નેતાને કોંગ્રેસના એક સાવ ઓછા જાણીતા નારાયણ સદોબા કજરોલકરે હરાવી દીધાં હતાં! તે પછી ૧૯૫૭ માં આ બેઠક પરથી કોંગ્રેસના વી કે કૃષ્ણ મેનન ચુંટાયા હતા. મેનન એટલે વડાપ્રધાન નેહરૂના ખાસમખાસ અને વળી સંરક્ષણ પ્રધાન એટલે પોલીટીકલ-હેવી-વેટ ગણાય. તેઓ આ વખતે પણ ફરી પાછા પોતાની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. આમ કોંગ્રેસનો વિજય તો નક્કી જ ગણાય.
ભલે, કોંગ્રેસની જીત પાક્કી ગણાય પણ આ ચૂંટણીમાં ઊર્મિલા બહેન અને તેમના પતી મધુસૂદન ભાઈએ કોંગ્રેસ પાર્ટીના ધુરંધર નેતા કૃષ્ણ મેનન નો વિરોધ કરવાનું નક્કી કર્યું હતું. તેના ત્રણ કારણો, એક તો ૧૯૪૮નું જીપ-કૌભાંડ જેમાં મેનનનો મોટો હાથ હતો. બીજું કારણ, સામે ઊભા હતા જાણીતા ગાંધીવાદી આચાર્ય જે બી ક્રીપલાની. તેઓ એક જમાનામાં કોંગ્રેસના પ્રેસિડન્ટ હતાં પણ જવાહરલાલ સાથેનો મતભેદ એટલો વધી ગયો કે ૧૯૬૦માં તેમણે કોંગ્રેસ પક્ષને છેવટે તિલાંજલિ આપી દીધી હતી. અને ત્રીજું, પણ સૌથી મોટું, કારણ, વિરોધી પક્ષ ભારતીય જનસંઘે ક્રીપલાનીને ટેકો આપવાની જાહેરાત કરી હતી.
જનસંઘ પક્ષનો જન્મ અને ઊર્મિલા બહેનના મોટા દીકરાનો જન્મ ૧૯૫૧માં લગભગ સાથે જ થયેલો. ૨૧મી ઓક્ટોબરે તેને જ્યારે પહેલી વાર ઘેરથી બહાર ભગવાનના દર્શન કરવા મંદિરે લઈ જઈ રહ્યા હતા તે જ વખતે ડો. શ્યામાપ્રસાદ મુકરજી ભારતીય જનસંઘની સ્થાપના કરી રહ્યા હતા.
કૃષ્ણ મેનનને સંરક્ષણ પ્રધાન બનાવ્યા તે પહેલા જવાહરલાલે તેમને બ્રિટન ખાતે ભારતનાં રાજદૂત-હાઈકમિશ્નર તરીકે નિમેલા. તે વખતે, ૧૯૪૮માં ભારતીય સેના માટે અમેરિકા પાસેથી જીપ ગાડીઓ ખરીદવાનું કામ તેમણે કર્યું હતું. એમાં એવું સાંભળવામાં આવ્યું કે ‘વપરાયેલી પણ સારી’ ૪,૬૦૦ સેકન્ડહેન્ડ જીપ ગાડીઓ માટેનો કોન્ટ્રેક્ટ હતો. એ વખતના રૂપીયા એંશી લાખનો કોન્ટ્રેક્ટ હતો. પૈસા એડવાન્સમાં અપાઈ ગયા પછી જાણવા મળ્યું કે માત્ર ૧૫૫ જીપો જ ભારતને પહોંચતી કરાઈ હતી અને વડાપ્રધાને છાનીમાની ફાઇલો બંધ કરાવીને વાત રફેદફે કરી દીધેલી.
સ્વતંત્રતા સંગ્રામ વખતથી જ મુંબઈ શહેર રાજકીય રીતે સૌથી જાગૃત. એ રીતે જોઈએ તો ભારતનું ‘ફિલેડાલ્ફિયા’ કહેવાય. અમેરિકાની રાજધાની ભલે વોશિંગ્ટન ડી. સી. પણ તેમના સ્વાતંત્ર્ય સંગ્રામનું મોટું કેન્દ્ર હતું ફિલેડાલ્ફિયા શહેર. ભારતનો સૌથી પહેલો રાજકીય પક્ષ, ઇંડિયન નેશનલ કોંગ્રેસ ૧૮૮૫માં આ શહેરમાં જ અસ્તિત્વમાં આવેલો. ૧૯૪૨માં “અંગ્રેજો, ભારત છોડો” નું સૂત્ર મુંબઈથી જ તો ઉદભવ્યું હતું ને? મહાત્મા ગાંધીએ મુંબઈના ગોવાળિયા ટેંક મેદાન પર થી તે સુત્રનો પ્રથમ ઉદઘોષ કરેલો. ભારત સ્વતંત્ર થયા પછી પણ તે દબદબો ઘણા વર્ષો સુધી ટકી રહ્યો., આંબેડકર, ક્રીપલાની, એસ કે પાટીલ, જ્યોર્જ ફરનાન્ડીઝ જેવા મોટા મોટા રાજકીય નેતાઓ પણ અહીંથી ચૂંટણી લડેલા.
ક્રીપલાનીજીના સ્વાગતની તૈયારી કરતાં ઊર્મિલા બહેન પોતાના ભૂતકાળમાં ખોવાયા હતાં. ભારત જે દિવસે સ્વતંત્ર થયું હતું તે સમયે કેટલો થનગનાટ હતો. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭. ફટાકડા ફુટ્યા. લોકો તિરંગો લઈ ગર્વથી મહોલ્લે મહોલ્લે ફર્યા. મોડી રાત સુધી કોઈને સુવાની ઈચ્છા નહોતી થતી. અબાલવૃધ્ધ સહુ અદમ્ય ઉત્સાહમાં હતા. તેમના વિચારોની વણઝાર હજુ પાછળ ચાલી. બીજું વિશ્વયુદ્ધ. ભારત તે વખતે અંગ્રેજ સામ્રાજ્યનો જ ભાગ. આપણા કેટલાય સૈનિકો પશ્ચિમ સરહદે યુરોપની ધરતી પર જર્મનો અને ઈટાલીયનો સામે લડી રહ્યા હતા અને. આ બાજુ પૂર્વ સરહદે જાપાનીઝો સામે લડી રહ્યા હતા. અંગ્રેજોએ ભારતના કૂલ સત્યાવીસ-અઠ્યાવીસ લાખ સૈનિકો આ લડાઈ માં ઉતારેલા. અને કેવી કશમકશ હતી? એમ થાય કે આપણને ગુલામ કરનારા, લુટનારા અંગ્રેજો હારે તો સારું પણ સાથે એમ પણ થાય કે તેઓ હારશે તો આપણે પણ હાર્યા જ ગણાઈએ ને? અને તેમ થાય તો પછી વળી પાછું આપણે બીજી વિજયી સત્તાની આધીનતામાં રહેવું પડે. તેમાં ય વળી એવી ગંભીર શક્યતા પણ ઊભી થઈ હતી કે પિતાને યુધ્ધ સીમાડે ડોક્ટરની ફરજ બજાવવા કદાચ અંગ્રેજ સરકાર બોલાવે તો જવું પડે. તો શું કરીશું?
હવે તેમને નાનકડી ઊર્મિલા [NS1] પોતાના ઘરમાં એક રેડિયો પાસે ઊભેલી દેખાય છે. નાનું ગામ, કયું હશે? જાંજગીર? આરમોરી? છીંદવાડાઅકોલા? વરૂડ કે મોરશી? કે પછી નાગપુર કે અમરાવતી? મોટી મોટી બેટરીઓ લગાડેલા મોટા રેડિયો પાસે  પિતાજી છાના છાના ધીરા અવાજે સમાચાર સાંભળે છે. કયે મોર્ચે કોણ જીત્યું અને કોણ હાર્યું? કયા નેતાએ શું કહ્યું? પણ પોતે સરકારી ડોક્ટર, એટલે જો કોઈ સાંભળી જાય અને ફરિયાદ કરે તો વગર મફતની મોટી આફત આવે. ‘બીબીસી’ ના સમાચાર સાંભળે તેનો તો કાંઈ વાંધો નહીં પણ તે તો એકપક્ષી હોય. તેથી બીજા પક્ષની વાત સાંભળવા જર્મનીનો ‘લુફ્તવાફ’ રેડિયો કે જાપાનનો ‘એન એચ કે’ અથવા ‘ટોકિયો રેડિયો’ પણ મૂકે. અમેરિકા છેક છેવટે યુધ્ધમાં મોડેથી દાખલ થયેલું એટલે તેમનું ‘વોઈસ ઓફ અમેરીકા’નું પ્રસારણ પણ બહુ મોડેથી ૧૯૪૨માં શરૂ થયેલું. કોઈ વાર રેડિયોના મોજાં નબળાં હોય ત્યારે બહુ પ્રયત્ન કરો તોય ન સંભળાય. જે જે સમાચાર પિતાજી સાંભળે તે ઘરના બધાને કહે. નાનકડી ઊર્મિલાને તે બધું સાંભળવું ગમે.
યુધ્ધનો સમય ભારત માટે બહુ કપરો હતો. બ્રિટીશ સરકાર ભારતમાં બનતી બધી જ વસ્તુઓ, અનાજ, કોલસો, લાકડા, વગેરે બધ્ધુંજ ટ્રેનો ભરી ભરી ને યુધ્ધમાં ઠાલવી રહી હતી. ભારતમાંથી એટલું બધું ઉલેચી લીધું હતું કે ભારતમાં અનાજ પાક્યુ હોવા છતાં ત્રીસ લાખ માણસો ભુખમરાનો ભોગ બન્યા હતા. ઈતિહાસની અતિ વેદના ભરી તે ઘટના “Bengal Famine Of 1943 - A Man-Made Holocaust” (‘બંગાળમાં ૧૯૪૩નો દુકાળ- જાણી સમજીને કરેલો માનવ-સંહાર’) તરીકે પ્રસિધ્ધ છે. આ ત્રાસદી અમૂક ભારત-પ્રેમી અંગ્રેજોથી ન જોવાઈ, તેમણે બ્રિટનના તત્કાલીન પ્રધાનમંત્રી ચર્ચિલને આ બાબતે તાર કર્યો. એ તાર ચર્ચિલને મળ્યો ત્યારે તે વાંચીને ચર્ચિલે શું કર્યું હશે? તેણે તારના હાંસીયામાં ઈન્ડીપેનથી લખ્યું, “ગાંધી ક્યાં હજુ સુધી મર્યો છે?” ઊમોદીએ જ્યારે કવિ કરસનદાસ માણેકની કાવ્ય પંક્તિ વાંચેલી કે, “...ભય થરથરતા ખેડૂત ફરતા શરીફ ડાકુ વીંટાયા..... રંક ખેડુનાં રુધિરે  ખરડ્યાં જે દિન ખળાં ખવાણાં તે દિન આંસુ ભીનાં રે, હરિનાં લોચનિયાં મેં દીઠાં.....” ત્યારે તેમાં તેને જરાયે અતિશયોક્તિ નહોતી લાગી.
તે વખતે ભારતમાં બધી વસ્તુઓનું રેશનીંગ હતું. અનાજ-કપડા તો ઠીક, અરે દીવાસળી, સાબુ, દાઢી કરવાની બ્લેડ એમ દરેક ચીજોની સખત અછત. બધી વસ્તુઓ રેશનની દુકાનમાં જ મળે. સ્ટોક જેવો, જેટલો અને જ્યારે આવે તે જ, આપે તેટલો જ અને ત્યારે જ લઈ લેવો પડે. કોઈ ફરિયાદ ન કરાય.
જાપાને ચીન પર હુમલો કરેલો ત્યારે યુધ્ધમાં ઘાયલ થયેલા નિર્દોષ લોકોનો ઉપચાર કરવા ડોક્ટરોની બહુ જરૂર હતી. પણ અંગ્રેજ સરકાર ચીનને મદદ મોકલવા રાજી ન હતી. અંગ્રેજો ભારતને નિચોવીને સઘળું પોતાના ભણી રવાના કરવામાં લાગ્યા હતા. પણ આવે સમયે, સુભાષચંદ્ર બોઝે ૧૯૩૮માં ભારતના ડોક્ટરોને સ્વૈચ્છિક રીતે ચીનની મદદમાં જવા માટેનું આહવાન કરેલું. તે સમયે તેમણે પ્રજાને હાકલ કરી તેમની પાસેથી ઉઘરાવેલા પૈસાથી ત્રણ ડોક્ટરો,  ચીનની સેવા માટે ભારતની પ્રજાએ મોકલાવેલા. એમાં, એક ડોક્ટર કોલકતાનો, એક સોલાપુરનો અને એક સ્ત્રી ડોક્ટર નાગપુરથી હતા. એ ત્રણમાંથી, શોલાપુરના ડોક્ટર કોટણીસ ત્યાં સૌથી વધુ રહ્યા. તેમના જીવન પર ૧૯૪૬માં એક પ્રસિધ્ધ ફિલ્મ, ‘ડોક્ટર કોટણીસકી અમર કહાની’ બનેલી. તે ફિલ્મ ઊર્મિલા બહેનને બહુ ગમેલી.
બીજું વિશ્વયુધ્ધ છ વર્ષ ચાલ્યું. ૧૯૩૮-૩૯ થી શરુ થયેલું તે યુરોપમાં તો ૧૯૪૫ના મે મહિનામાં હિટલરના મૃત્યુ પછી પત્યું પણ પૂર્વ સીમાડે જાપાન હજુ હાર નહોતું માનતું. છેવટે તે જ વર્ષના ઓગસ્ટ મહિનામાં જ્યારે અમેરિકાએ બે પરમાણુ બોમ્બ જાપાન પર ઝીંક્યા ત્યારે તેમણે પણ શરણાગતિ સ્વીકારી.
ઊર્મિલા બહેન વિચારોની દુનિયામાંથી એકાએક પાછા વાસ્તવિક વિશ્વમાં આવી ગયા. આસપાસ હલચલ વધી ગઈ હતી. તેમના પતિ એક નાનું ટોળું લઈને ઘર તરફ આવી રહ્યા હતા. ટોળામાં સફેદ સાદા ઝબ્બા-ધોતીયામાં આચાર્ય ક્રીપલાની દેખાઈ આવતા હતા. બીજા તેમના સાથીદારો હશે. ઊર્મિલા બહેને અગાસીમાં ઓરડાનો સામાન ચડાવી દેવડાવ્યો હતો જેથી રૂમમાં વધારે મહેમાનોને બેસાડી શકાય. ઊમોદી છઠ્ઠા ધોરણમાં ભણતો હશે. તેને સમજણ તો ઓછી પડે પણ તેને નેતા બનવું બહુ ગમે તેથી મા-બાપના આવા બધા આયોજનોમાં હોંશે હોંશે ભાગ લેતો. તે અત્યારે સફેદ ખમીસ-ચડ્ડી પહેરીને ખુણામાં ઊભો હતો. ઘાટકોપરની તેની રામજી આસર વિદ્યાલયનો ગણવેશ સફેદ હતો. ત્યાં ઊભો ઊભો બધું જાણે તે આંખ-કાનથી પી રહ્યો હતો. નાનો ઊમોદી જ્યારે પણ એકલો પડે ત્યારે એના મગજમાં એક જ વિચાર ચાલતો કે ભારતને કેમ આગળ વધારવું. કેમ તેને મહાન બનાવવું. તે ખાતર જ તેની મહેચ્છા વડાપ્રધાન બનવાની હતી. ભારતની સારી સેવા કેમ થઈ શકે તે ૨૪×૭ તેનું ચિંતન રહેતું. તે બાથરૂમમાં કે સંડાસમાં ગયો હોય તો બહાર નીકળતા કલાક કરે, કારણ કે મગજમાં વડાપ્રધાન બનીને શું શું અને કેવી રીતે કરવું તેનું આયોજન ચાલતું હોય. બહારથી કોઈ રાડ પાડે ત્યારે જ ભાઈ બહાર નીકળે.
ક્રીપલાનીજી અને સાથીદારોની સહુએ સારી આગતાસ્વાગતા કરી. ક્રીપલાનીજીએ નાનું એવું હ્રદય સ્પર્શી પ્રવચન આપ્યું અને બધાને મળ્યા બાદ રજા લઈ બીજી મીટીંગ માટે રવાના થયા. ચૂંટણીનો દિવસ આવ્યો ત્યાં સુધી પતિ-પત્ની અને મિત્ર મંડળે ક્રીપલાનીજી માટે બહુ પ્રચાર કર્યો. બસ હવે પરિણામની રાહ જોવાની રહી.
મત ગણતરી થઈ. ચુંટણીનું પરીણામ જાહેર થયું. કોંગ્રેસનું પલડું ઘણું ભારે હતું. કૃષ્ણ મેનન વિજયી થયા. ક્રીપલાનીજીની હાર થઈ. તેમના સહુ કાર્યકર્તાઓમાં નૈસર્ગિક નિરાશા વ્યાપી ગઈ. ૪૯૪ સભ્યો વાળી લોકસભામાં જનસંઘને માત્ર ૧૪ બેઠકો જ મળી જ્યારે કોંગ્રેસને મળી ૩૬૧.
ક્રીપલાની ભલે ચૂંટણી હારી ગયા પણ હિંમત હારી ન હતી. વરસ પછી, એટલે કે ૧૯૬૩માં ત્રણ બેઠકો ખાલી પડી અને પેટા ચૂંટણી કરવી પડી. તે વખતે ઉત્તર પ્રદેશના અમરોહા થી તેમણે ઊમેદવારી નોંધાવી અને વિજયી થઈ લોકસભામાં દાખલ થયા. જોકે તે વખતે ભારતનું રાજકીય ચિત્ર નાટકીય રીતે પરિવર્તીત થઈ ચૂક્યું હતું. ચીને ભારત પર ઓચીંતો હુમલો કરીને બહુ વિશાળ વિસ્તાર પોતાના કબ્જે કરી પચાવી પાડ્યો હતો. ભારતની શરમજનક હાર માટે સંરક્ષણ પ્રધાન વી. કે. કૃષ્ણ મેનનને જવાબદાર ઠેરવાયા હતા અને તેમણે પદ પરથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. જ્યારે ૧૯૬૩માં ક્રીપલાનીજીએ લોકસભામાં જવાહરલાલ નહેરૂની સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો ત્યારે ઊર્મિલા બહેન બાર વર્ષના દીકરાને તેનું મહત્વ સમજાવતા હતા, “આજ સુધી અવિશ્વાસ મત કોઈ લાવ્યું નથી. આ ભારતની લોકસભામાં પહેલો જ પ્રસંગ છે કે આપણા બંધારણની તે કલમનો ઉપયોગ થયો છે. આ તો ઐતિહાસિક ઘટના કહેવાય”. ચીનનો વિશ્વાસઘાત જવાહરલાલ નહેરૂને બહુ વસમો પડ્યો. તેમની શાખને મોટો ધક્કો બેઠો. કહેવાય છે કે તે ડીપ્રેશનમાંથી ઉગરી ન શક્યા અને અંતે ૭૫ વર્ષની વયે, તેઓ ૨૭મી મે ૧૯૬૪ને દિવસે મૃત્યુ પામ્યા. તે દિવસ ઊર્મિલા બહેનને બરાબર યાદ છે. સોરઠી ઉનાળાની ભર ગરમીમાં લીમડી ગામે તેઓ સપરિવાર મોટા નણંદની દીકરી જ્યોતિના લગ્ન પ્રસંગમાં હતા ત્યારે સમાચાર આવેલા. કુમાર વયનો ઊમોદી તે દિવસે બહુ રો’યોતો. ભલે તેમનું રાજકારણ ઊર્મિલા બહેનને ગમતું નહીં પણ તે ભારતના વડાપ્રધાન તો ખરા જ ને? તેથી શોક પાળેલો અને તે દિવસે કોઈએ મીઠાઈ નહોતી ખાધી. ૨૦૧૪માં નહેરૂજીની ૧૨૫મી જન્મજયંતિના દિવસે, તેમની કદી ટીકા ન કરનારા, વીર સંઘવી જેવા તંત્રીએ પણ છેવટે હીંદુસ્તાન ટાઈમ્સમાં  ૨૦૧૪ની ૧૯મી નવેમ્બરે એ કબુલવું પડ્યું કે, નેહરૂજીએ અનેક ભૂલો કરી હતી. તેમની આર્થિક નીતિ, ચીન વિરૂદ્ધની ફોરવર્ડ પોલીસી અને તેમનું કાશ્મીરનું સંચાલન બહુ ભૂલ ભરેલું હતું  
 
દંપતી મધુસૂદન ભાઈ અને ઊર્મિલા બહેનના આ રાજકીય-સામાજિક ક્ષેત્રની અંદર આટલો રસ લઈને કામ કરવા પાછળ કઈ કઈ પ્રેરણાઓ કામ કરતી હશે? મા-બાપના સંસ્કાર અને શિક્ષણ તો ખરા જ, પણ તે ઉપરાંત એક-બે વાત જાણવા જેવી ખરી.
મહાત્મા ગાંધીના જાણીતા સહયોગી સ્વામી આનંદ મધુસૂદન ભાઈના સગા મામા થાય. જેઓએ ગાંઘીજીનાં પુસ્તક ‘સત્યના પ્રયોગો’ ની પ્રસ્તાવના વાંચી હશે, તેમને ખબર હશે કે ગાંઘીજીને આ પુસ્તક લખવાની આગ્રહ પૂર્વક પ્રેરણા આપનાર જે વ્યક્તિ હતા તે આ સ્વામી આનંદ. તેઓએ બહુ નાની વયે સન્યાસ લઈ લીધો હતો અને પ્રભુ-સેવાની સાથે સાથે સમાજ-સેવામાં જીવન ખપાવ્યું હતું. તેઓ ગાંઘીજીના વિશ્વાસુ સાથી, એક સારા લેખક અને ગાંધીજીના સામાયિક, ‘યંગ ઈન્ડીયન’ અને ‘નવજીવન’ ના સંપાદક અને ટ્રસ્ટના વ્યવસ્થાપક હતા. સ્વામી આનંદ રામકૃષ્ણ-મીશનના સાધુ હતાં. શરૂઆતના વર્ષોમાં બંગાળના ક્રાંતિકારીઓની સાથે પણ જોડાયા હતાં. તેઓએ લોકમાન્ય તિલકના કેસરી છાપાને પણ પોતાની સેવા આપી હતી. આઝાદી પછીથી સ્વામી આનંદે ખેડુતોની સેવામાં જીવનનો શેષ ભાગ વિતાવેલો. ઊર્મિલા બહેનને બહુ ઈચ્છા હતી કે તેમને મળવા તેમના દહાણુ સ્થિત આશ્રમમાં જઈ શકાય પરંતુ કોણ જાણે કેમ પણ તે બન્યું જ નહીં. સ્વામી આનંદનો સ્વર્ગવાસ થયાને આજે લગભગ ચાર દાયકા વીતી ગયા છે પરંતુ ઊર્મિલા બહેનનો આ વસવસો હજુ તેવો જ તાજો છે.
ઊર્મિલા બહેનને સંત તુકડોજી મહારાજ બહુ જ ગમે. તે એક દેશ પ્રેમી સંત હતા. પ્રભુ ભક્તિની સાથે સમાજ સેવા અને દેશભક્તિનો તેમનામાં જબરો સમન્વય હતો. આ કારણને લઈને તેમને ‘રાષ્ટ્રસંત’નું બીરૂદ મળ્યું હતું. તેમનાં પુસ્તક ‘ગ્રામગીતા’ માં ગામડાઓનો સમગ્ર રીતે કેમ વિકાસ થઈ શકે તેની સંપૂર્ણ રૂપરેખા સ્વાનુભવના આધારે તેમણે લખી છે. આ પુસ્તક ઘણું પ્રસિધ્ધ થયું અને ઘણી ભાષાઓમાં તેનું ભાષાંતર પણ થયેલું છે. નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત આંદોલન’ પછી શૌચાલય વિશે લોકોમાં જાગૃતિ આવી. તેમણે ગાંધીજીના સ્વચ્છતાના આગ્રહને પોતાની પ્રેરણા માની છે. તુકડોજી મહારાજે પણ ભારતના ગામડાઓને નજરમાં રાખીને તે દિશામાં ઘણું ઉપયોગી કામ કર્યું હતું. તેઓ શિખવાડતા: “મળને તથા સેપ્ટીક-ટેંકના મળ-મુત્રને સોના જેટલું કિંમતી ગણી તેનું ખાતર બનાવશો તો ખેતરમાં સોના જેવો પાક ઉતરશે”. તેથી તેઓ મળ-મુત્રને ‘સોનું’ જ કહેતા. તેમણે ઘણા ભજન તથા દેશપ્રેમના ગીતો રચેલા. અંગ્રેજ સરકારને ચેતવણી આપતું એક શૌર્યગીત ઊર્મિલા બહેનને બહુ ગમતું, “કંકડ-પથ્થર બમ બનેંગે, સાધુ બનેગી સેના....” . તે જ પ્રમાણે ગૌ-પ્રેમીઓને પ્રેરણા આપતું ગીત, “ગોપાલ ભારતો કે ગોકાલ બન ગયે હૈ...” પણ તેમને ઘણું ગમતું. નાગપુર યુનિવર્સિટી હવે, ૨૦૦૫થી, તે સંતના માનમાં ‘રાષ્ટ્રસંત તુકડોજી મહારાજ નાગપુર યુનિવર્સિટી’ કહેવાય છે.
 
ભારતની ત્રીજી લોકસભાનો ગાળો (‘૬૨-‘૬૭) ભારત માટે તો કઠોર નીવડ્યો પણ ઊર્મિલા બહેનન અંગત જીવન માટે પણ તેવો જ કઠણ સિધ્ધ થયો.
ભારત પર ‘૬૨માં ચીનનું આક્રમણ થયું, ભારતનો કેટલાય ભાગ ચીને પચાવી પાડ્યો. નેહરૂનું મૃત્યુ થયું, ’૬૫માં પાકિસ્તાની આક્રમણ અને શાસ્ત્રીજીનું રહસ્યમય મૃત્યુ. સત્તા માટે કોંગ્રેસમાં આંતરીક કલહ. દિલ્હીમાં વડા પ્રધાન તરીકે ’૬૬ થી ઈંદીરા ગાંધીએ ધીમે ધીમે સત્તાનું સુકાન હાથમાં લઈ લીધું હતું. મોરારજી ભાઈ તથા બીજા મોટા નેતાઓ ઈંદીરાના આપખુદ સ્વભાવથી ગુંગળામણ અનુભવી રહ્યા હતાં.
આવી નિરાશા પૂર્ણ પરિસ્થિતિ હોવા છતાં પણ રાષ્ટ્રપ્રેમી શક્તિઓ સતત કામે લાગેલી. ૧૯૬૨ની લડાઈનીમાં શહીદ થયેલાઓ આપણા ખરેખર વીર સૈનિકો ને અંજલી આપતું ગીત ‘ઐ મેરે વતનકે લોંગો, જરા આંખમેં ભરલો પાની’ કોણ ભૂલી શકશે? કવિ પ્રદીપે લખેલું. આ ગીત સભાસદો સામે ગાવા માટે જવાહરલાલે લતા મંગેશકર ને ખાસ આમંત્રણ આપેલું. ૧૯૬૪ માં વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના થઈ ત્યારે તે વખતના સ્થાનિક પ્રસંગે ઊમોદી હતો તો માત્ર તેર વર્ષનો છતાં હોંશે હોંશે મા-બાપને મદદ કરવા, ડોનેશન/સભ્યપદની પાવતી-ચોપડીઓ હાથમાં લઈ પૈસા ઊઘરાવવા ઘેર-ઘેર જતો અને રસ્તા પર જતા-આવતાઓને વિએચપીના ફરફરીયા પણ વહેંચતો.
જીવનમાં સ્થિત રોમાંચની એક ખૂબી એ છે કે મોટે ભાગે તેનો અનુભવ ફુરસદે ભૂતકાળ વગોળએ ત્યારે જ થતો હોય છે. એ ભૂત જ્યારે વર્તમાન હોય છે ત્યારે તે બહુ કઠણ, કષ્ટદાયક અને કઠોર હોય છે. ૧૯૬૨માં પરિવારના ખાસ મિત્ર સુર્યનારાયણ અવસ્થીનું સ્કુટર અકસ્માતમાં ‘આગ્રા-રોડ’ રસ્તા પર તેમની નજર સામે મરણ થયું. યુવાન વિધવા સાવિત્રીને અને તેનાં ચાર નાના ભૂલકાઓ જોઈને ઊર્મિલા બહેનનો જીવ બહુ જ બળ્યો. ૧૯૬૫માં ઊર્મિલા બહેનના બાલકૃષ્ણ જેવા નાનકા ઉપર બાળલકવા-પોલિયોનો મહાપ્રકોપ થયો હતો. તેમની સહેલી લીલા ઓસવાલ રહસ્યમય રીતે બાથરૂમમાં બળી મરી હતી. વાત એવી સાંભળવામાં આવી હતી કે તે દિયર-સાસુનું કારસ્થાન હતું પણ ગણાયેલું હતું આપઘાતમાં.
હવે ક્યારે આ કઠણ વર્તમાન પૂરો થશે એવો વિચાર સહેજે આવે. ‘વિવિધ-ભારતી’ રેડિયો પર ‘સયોનારા, સયોના..રા..’ એવું ૧૯૬૬ની નવી ફિલ્મ ‘લવ ઈન ટોકિયો’ ફિલ્મનું ગીત વાગી રહ્યું હતું. ઊર્મિલા બહેનને ફિલ્મો જોવી ગમે. ભલે ફિલ્મો જોવાનો સમય ન મળે પણ રેડિયો પર ગીતો તો સાંભળે જ. આ કપરો સમયખંડ હવે સાયોનારા કહીને વિદાય લે તો સારૂં. ફિલ્મમાં આશા પારેખ ‘સાયોનારા’ એમ બોલીને શું કહેતી હશે, તે તેને અને જોય મુખરજીને ખબર, પણ જાપાનીઝ ભાષામાં ‘સયોનારા’ શબ્દનો અર્થ આપણા ‘આવજો’ કરતાં સહેજ ભિન્ન છે. આપણા ‘આવજો’ માં ‘વળી પાછા કદીક મળીશું’ તેવી સમજ નિહિત હોય છે પણ ‘સયોનારા’ શબ્દમાં ‘હવે કદાચ નહીં મળાય’ તેવો ભાવ છે. એવું જ થાય તો સારૂં.
કપરા કાળે મિનિટ કલાક જેટલી લાંબી લાગતી હોય છે, સમય જાણે સ્થગિત ન થઈ ગયો હોય! પણ સમય પોતાની પધ્ધતિથી પોતાનું કામ તો કરતો જ હોય છે.
ચોથી લોકસભાની ચૂંટણીનો સમય નિકટ આવી રહ્યો હતો. ૧૯૬૬-૬૭ થી જ રાજકારણમાં ગરમી આવી ગઈ હતી. કૃષ્ણ મેનને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. આ વખતે શું થશે?
 
આ તરફ મુંબઈમાં ઊર્મિલા બહેનની ભગીરથ મહેનત પછી તેમનો નાનકો ભયાનક રોગ પોલિયોમાંથી સાવ હેમખેમ બહાર આવી ગયો હતો, ઊમોદી મેટ્રિકની પરીક્ષાની તૈયારીમાં હતો. બહેન નવમીમાં અને રાજા બેટો, વચલો ચોથી ચોપડીમાં હતો. મધુસૂદન ભાઈએ અથાક વર્ષોથી એકલે હાથે ઘાટકોપર રેલવે સ્ટેશન ને ‘ટર્મીનસ’ બનાવવા માટેની જે મહેનત લીધી હતી તે રંગ લાવી હતી. મધ્ય રેલવે ના અધિકારીઓ ને તેમની માગણી વ્યાજબી લાગી અને તેમણે કરેલા સૂચન મુજબ ‘વી.ટી.-લોકલ’ હવે શરૂ થઈ ચૂકી હતી. આ નવી સુવિધા ને લીધે ઘાટકોપરથી બોરીબંદર-છત્રપતિ શિવાજી ટર્મીનલ જવા વાળા યાત્રીઓને ઘણી રાહત થઈ ગઈ છે. તે ઉપરાંત મધુસૂદન ભાઈના બીજાં નાના મોટા સૂચનો પ્રમાણે નગરપાલિકાએ ‘આગ્રા રોડ’ પર ગોપાલ-ભુવન સામે ટ્રાફિક-પોલીસની વ્યવસ્થા પણ કરેલી જેથી રસ્તે થતા અકસ્માતોની સંખ્યા હવે ઘટી ગઈ છે. તેમના વિસ્તારમાં કોઈ મોટી નિશાળ નહોતી તેથી બાળકો ને પાંચમી ચોપડી પછી ભણવા માટે બહુ દૂર જવું પડતું. આ સમસ્યાના કાયમી સમાધાન માટે તેમણે પોતાના મિત્રો સાથે મળીને મેટ્રિક સુધીની મોટી શાળા શરૂ કરાવવા માટે પહેલ કરી હતી. સાર્વજનિક શાળા તરીકે હાલ તે ઓળખાય છે.  
સમય મળે ઊર્મિલા બહેન તેમની સહેલીઓ સાથે ડોંગરે મહારાજની ભાગવત કથા સાંભળવા જતાં અથવા પતિ કે પુરા કુટુંબ સાથે સિનેમા જોવા પણ જતાં. બોલીવુડ ૧૯૬૨માં ‘સન ઓફ ઇંડિયા’ ફિલ્મ થી સફર શરૂ કરી ‘બીસ સાલ બાદ’, ‘અનપઢ’, ‘મેરે મહેબુબ’, ‘દિલ એક મંદિર’, ‘કોહરા’, ‘સંગમ’, ‘દોસ્તી’, ‘ગીત ગાયા પત્થરોંને’, ‘લીડર’, ‘ફુલ ઔર પથ્થર’, ‘લવ ઈન ટોકિયો’, વગેરે જેવી અનેક ફિલ્મોને વટાવીને ૧૯૬૬માં ‘ડાકુ મંગલસિંગ’ સુધી પંહોચ્યું હતું. અત્યારે ૧૯૬૭ની ‘એન ઈવનીંગ ઈન પેરીસ’ અને ‘નાઈટ ઈન લંડન’ તરફ કૂચ શરૂ હતી.
પડોશમાં વિધવા સાવિત્રી હજી પતિ-વિરહ જીરવવામાં અશક્ત જણાય છે. તેનાં ચાર નાનકડાં બાળકોમાં ગૂંથાઈ તો ગઈ ગઈ છે, પણ તેમને મોટા કેમ કરીશ તે પ્રશ્ન નો તેની પાસે કોઈ જ સરખો જવાબ નથી. હા, તેને ભવિષ્યમાં અર્થિક સંકડાશ નડે નહીં તે હેતુથી મધુસૂદન ભાઈ અને મિત્રોએ પૈસા ફાળવીને એક વ્યવસ્થિત રકમની થાપણ ઊભી કરી છે ખરી પણ જીવન-સંગ્રામ તો તેણે એકલા હાથે જ લડવો પડશે ને?
વર્તમાનમાં ઊર્મિલા બહેન મુંબઈમાં વિલેપાર્લેના ફ્લેટમાં નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાટ જોઈ રહ્યા છે. તે બોલ્યા, “કેમ આટલી વાર થઈ? લીફ્ટ આવતા મોડું થયું લાગે છે”. પણ ઊમોદી અને તેના મિત્ર યશવંતને કોઈ ઉતાવળ જણાતી નથી. તેઓ સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા છે. ઊમોદી ની નજર ભલે સ્ક્રિન પર હોય પણ તેમાં થઈ રહેલી હિલચાલની તેના પર કોઈ અસર દેખાતી નથી. કદાચ તે કાંઈક વિચારી રહ્યો છે. તેને દેખાય છે કોઈ જૂના ચૂંટણી પ્રચાર ના પોસ્ટરો અને પક્ષોના જૂના ચિન્હો. કોંગ્રેસના હળ જોડેલા બળદોની જોડીઓ, સામ્યવાદીઓના દાતરડાઓ અને જનસંઘના દીપકો દિવાલ પર સફેદ ચૂનો લીંપી તેનાં પર ગેરૂઆ રંગથી જ્યાં ત્યાં ચિતરેલા છે.
જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો હશે. કહેવાય ભલે શિયાળો પણ મુંબઈની થંડકને થંડી તો ન જ કહેવાય ને. બધાને ખબર છે કે ચોમાસાના વરસાદને બાદ કરીએ તો બાકી ના આઠે આઠ મહિના મુંબઈ નું ઉષ્ણતામાન લગભગ સરખું જ રહે છે. તેમ છતાં, આ બે-ત્રણ મહિનાના ગાળાનું વાતાવરણ આહલાદક જરૂર કહેવાય.
ઊર્મિલા બહેન ઘરના દરવાજા પાસે આરતી ની થાળી લઈને ઊભા છે. પ્રોફેસર અગસ્કર એકાદ મિનિટમાં આવી પહોંચશે. ઊર્મિલા બહેને થાળીમાં રાખેલો દીવો પ્રગટાવ્યો અને કંકાવટીમાં એક ટીપું પાણી નાખી કંકુ સહેજ ભીનું કર્યું.
અગસ્કર ઇતિહાસ ના પ્રાધ્યાપક હતા. સફેદ લેંઘો-ઝબ્બો અને નિર્દોષ બાળક જેવું મોઢું. તેમનું સુડોળ શરીર જોઈને એવું જરૂર લાગે કે કદાચ તે વર્ષોથી સંઘની શાખામાં થતા સૂર્યનમસ્કારની અસર હશે. ઊમોદી પણ શાખામાં જતો એટલે ત્યાં થતી પ્રવૃત્તિથી દંપતી પરિચિત હતું. અગસ્કર લોકસભાની આ ચુંટણીમાં જનસંઘના ઉમેદવાર છે અને આજે દંપતી મધુસૂદન ભાઈ-ઊર્મિલા બહેનના ઘેરે તેમની નાની સભા છે.
અગસ્કર આવ્યા, ઊર્મિલા બહેને તેમની આરતી ઉતારી સ્વાગત કર્યું. તેમણે નાનું ભાષણ આપ્યું અને થોડા દિવસો પછી આવતી ચૂંટણી સમયે પોતાને માટે મત માગ્યો. ચૂંટણીમાં તેમણે બે મોટા ધુરંધરો નો સામનો કરવાનો હતો. એક તો હતા કૃષ્ણ મેનન અને બીજા હતાં એસ. જી. બર્વે. આ બેઠક પરથી કૃષ્ણ મેનન બે વાર ઊભા રહેલા અને બન્ને વાર જીતેલા છે. ભલે હજુ હમણાં જ તેમણે કોંગ્રેસ પક્ષથી નારાજ થઈને પાર્ટી છોડી દીધી છે, પણ તેઓ ‘સીટીંગ મેમ્બર’ છે અને આ વિસ્તારમાં ઘણું જોર ધરાવે છે. બીજી બાજુ કોંગ્રેસ જેવા અતિ શક્તિશાળી પક્ષ તરફથી બર્વે ઊભા છે, જેમની ગણના એક સમયના સારા આઈ એ એસ અધિકારી તરીકેની છે. જનસંઘના પ્રોફેસર અગસ્કર વિદ્યાર્થીઓ માં ઘણા લોકપ્રિય છે. પણ તેનો બહુ લાભ તેમને નહીં મળે કારણ કે તે કાળમાં મતાધિકાર ઉમર ૨૧ વર્ષની હતી. ૧૮ વર્ષનો ધારો તો છેક ૧૯૮૯માં આવ્યો.
ટીવી તો ૧૯૬૭માં હતા નહીં પણ છાપા વાળા લખતાં હતા કે કૃષ્ણ મેનનની વગ વધારે જણાય છે. છતાં આ ત્રિ-પાંખિયો જંગ હોવાથી કોણ જીતશે તેની આગાહી કરવી અઘરી છે. પણ એ નક્કી છે કે ગયા વખત ની માફક આ વખતે કોંગ્રેસ માટે જીતવું સહેલું નહીં હોય.
અને બન્યું પણ એમ જ. કોંગ્રેસ બહુ જ ઓછા મતો ના અંતરથી જીતી. બર્વે જીત્યા. પણ વિધિની વક્રતા તો જુઓ, લોકસભાના સભ્યપદના સોગંદ લે તે પહેલાં વિમાન અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું. તેમની યાદમાં ઘાટકોપરના એક વિસ્તારને આજે પણ આપણે બર્વે-નગર તરીકે ઓળખીએ છીએ.
હા, ૧૯૬૨ કરતાં ૧૯૬૭માં જનસંઘને બેઠકો વધુ મળી હતી. ૫૫. પણ આ તરફ અગસ્કરની હાર થવા થી ઊર્મિલા બહેન અને પરિવારના સહુ ઘણા નિરાશ થયા. આ પહેલાની ૧૯૬૨ની ચૂંટણીમાં પણ તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો તેની કડવાશ તાજી થઈ.. આ નિરાશામાંથી ઉગરે તે પહેલાં એક પછી એક અણગમતી ઘટનાઓનો જાણે ક્રમ શરૂ થઈ ગયો. ખરાબ સમય “સયોનારા” કહીને જતો ન રહ્યો, પણ એણે તો લવ ઈન ટોકિયોના ગીત જેવું જ કર્યું, “કલ ફીર આઊંગી..સયોનારા....”
એક તરફ દીનદયાલ ઉપાધ્યાય જેવા વિચારક નેતાની રહસ્યમય રીતે હત્યા થઈ ગઈ. તેઓ જનસંઘના પ્રમુખ હતાં. તેમનું શબ મોગલસરાઈ સ્ટેશન પાસે પાટાઓ પર પડેલું મળ્યું. તેમના માથા પર સખત ઘા હતો અને પગના હાડકાં તૂટી ગયેલા હતા. જાણે તેમને માર મારીને ઘાતકી રીતે મારી નાખવામાં આવ્યા હતાં. બીજી બાજુ ઇંદિરા જેવી અહંકારી નેતાનો આપખુદી ભર્યો રાજ્યકાળ શરૂ થઈ ગયો હતો. ઊમોદી બે-ત્રણ વરસ પહેલા અલાહાબાદ ફરવા ગયો હતો. જે ઘરમાં જવાહરલાલ અને તેમની પુત્રી ઇંદિરા રહેતા હતા, તે ‘આનંદ નિવાસ’ જોવા પણ તે ગયો હતો. ઇંદિરાના ઓરડામાં જે પુસ્તકો ઇંદિરા વાંચતી તે પણ ગોઠવેલા. એ વાત જરા પણ ખોટી નથી કે માણસના વિચાર અને વર્તન બાબતનું અનુમાન તેણે વાંચેલી ચોપડીઓથી થાય. ઇંદિરાની ચોપડીઓને જોઈને તેણે ઊર્મિલા બહેનને તે સમયે જ આગાહી કરેલી, “આવું છીછરું સાહિત્ય વાંચનારી વ્યક્તિ છીછરી હોવી જોઈએ”. અને કબાટમાંની સામ્યવાદી ચોપડીઓ જોઈને તેણે તરત કહેલું, ”જો સત્તામાં આવે તો અસંવેદનશીલ અને આપખુદ  નીવડે”.
દેશપ્રેમી ઊર્મિલા બહેન અને તેમના પરિવારને જે અપ્રિય હોય તે ઘટનાઓ એટલા મોટા પાયા પર થવા માંડી કે તેનો એક મોટો ગ્રંથ રચી શકાય. ‘ફાસ્ટ ફોરવર્ડ મોડ’ માં જોઈએ તો, ૧૯૬૯માં મોરારજી ભાઈ અને બીજા સારા માણસોની કોંગ્રેસમાંથી અપમાનપૂર્વક હકાલપટ્ટી, તે જ વર્ષે બેંકોનું રાષ્ટ્રિયકરણ, મોરોક્કોના રાબાત શહેરમાં ઓ. આઈ. સી. ના ૫૬ મુસ્લિમ દેશોએ આપણું કેટલું અપમાન કર્યું? આપણા પ્રમુખ ફકરૂદ્દીન અલી અહમદને કાપો તો લોહી ન નીકળે તેવી હાલત ઊભી થયેલી. સાઉદીએ આપણને ત્યાં બોલાવેલા તે સંસ્થાના એક સંસ્થાપક રૂપે પણ પાકિસ્તાનના પ્રમુખ યાહ્યાખાનના આગ્રહ સામે તેમણે નમતુ જોખીને ફખરૂદ્દીન અલી અહમદને કોન્ફરન્સમાંથી અડધેથીજ કાઢી મૂક્યા. ૧૯૭૧માં રાજાઓના સાલીયાણા એકપક્ષી અને ઉદ્દામ રીતે બંદ કરી દેવા, વળી ઈંદીરાએ પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશને આઝાદી તો અપાવી પરંતુ જીતેલી બાજી હારી, સરખી સુરક્ષા-સંધિ કે પાકી સીમા રેખાંકિત કર્યા વગર તેમને સ્વતંત્રતા આપી દીધી જેથી અંતે બાંગ્લાદેશ ભારતનું ૠણ માનવાને બદલે ભારતનું શત્રુ બન્યું. ઘણું બધું આવું બન્યું. પણ આ બધી વાતો તો જાણે પિક્ચરનું ‘ટ્રેઈલર’ હતું. પિક્ચર તો હજી બાકી હતું. શું શું તેમા ન ઘટ્યું? ૧૯૭૫-૭૭ ની ઈમરજન્સી, દેશના આદરણીય નેતાઓને કારાવાસ થયો,.....ત્યાર બાદ લગભગ ૧૫ વર્ષ સુધી ચાલેલો ખાલીસ્તાનીઓ નો આતંકવાદ. એમાં ઘણા હિંદુઓને શિખોએ માર્યા, સંઘની શાખાઓ પર હુમલા કરી અનેક સ્વયંસેવકોની હત્યા કરી, શિખોના પવિત્ર સુવર્ણ-મંદિર પર ૧૯૮૪માં લશ્કરે ‘ઓપરેશન બ્લ્યુ સ્ટાર’ કરી કબજો કરવો પડ્યો, ઈંદીરાની હત્યા થઈ, બોફોર તોપ ખરીદીમાં લાંચ અપાઈ જેમાં રાજીવ ગાંઘીની સંડોવણી ઉજાગર થઈ. શ્રીલંકાના ‘તામીલ ટાઈગર’ઓએ વડાપ્રધાન રાજીવને બોમ્બ ધડાકામાં ઊડાવી દીધા. વચ્ચે વચ્ચે ટૂંક સમય માટે જે બીજા માણસોને વડાપ્રધાન બનવાની તક મળી તેઓ પણ અંતે મુળભૂત તો કોંગ્રેસી જ ને, તેથી વગર કાંઈ ખાસ ઉકાળે ભારતને વધુ દયનીય બનાવતા ગયા. મોરારજી દેસાઈ, ચરણસિંહ, રાજીવ ગાંઘી, વી પી સિંહ, ચંદ્રશેખર, નરસિંહ રાવ, દેવે ગોવડા અને ગુજરાલ, આ માંના કોઈએ ભારતનું માથુ ગર્વથી ઊંચુ થાય એવું કાંઈ કર્યું હોય તો તે ઊર્મિલા બહેનને યાદ આવતું નથી. તેમણે પોતાના જીવનકાળમાં ભારતના રાજકારણ માં કોઈ  સારા દિવસો આવશે તેની આશા છોડી દીધી.
નરેન્દ્ર મોદી હજી ઊર્મિલા બહેનના ઘર સુધી પહોંચ્યા નહોતા. ત્યાં તો ઘંટડી વાગી. વિજળીની ગતિ થી ઊર્મિલા બહેનની દ્રષ્ટી દરવાજા તરફ પડી અને સોફાના હાથા ના ટેકે ઊભા થવા લાગ્યા. ઘરનું બારણું તો ખુલ્લું જ હતું. ઊમોદીનો મિત્ર યશવંત સ્વગત બોલ્યો હશે, “આ ડોશી ખરી છે, પગ તો ડગમગે છે પણ ચપળતા કમાલની છે. દરવાજા બહાર કોઈ દેખાયું નહીં. કેમ દેખાય? એ ઘંટડી તો ફોનની હતી. ઘરમાં બધાને ખબર કે ફોન આવે તો વાત કરવાની પહેલી તક ઊર્મિલા બહેનની જ, જાણે તેમનો જ હક્ક ન હોય! એમને એમ પણ ન કહેવાય કે “જરા ઉતાવળ કરજો મારે પણ વાત કરવી છે”. એમ કહો તો નારાજ થઈને રિસીવર આપણા હાથમાં ધરી દે. સોફાની જે તરફ ઊર્મિલા બહેન બેઠેલા તે બાજુના નાના કોફી-ટેબલ પર ફોન રણકી રહ્યો હતો. પણ આજે એમને ફોન ઉચકવો જરાય ગમ્યો નહીં.
ફોન અમેરિકાથી હતો. ઊર્મિલા બહેનનો પૌત્ર, ઊમોદીદી ત્યાં ૧૩-૧૪ વર્ષ પૂર્વે ભણવા ગયો હતો. તે ભણી કરીને હવે ત્યાં જ નોકરી કરે છે. ઊમોદીદી એટલે ઊર્મિલા બહેનના મોટા દીકરાનો દીકરો. તેના લગ્ન પણ તેના મા-બાપે ન્યુયોર્ક માં જ રાખેલા. વહુ મૂળ આમ તો અમદાવાદની પણ દસેક વર્ષ પહેલાં તેના કુટુંબ સાથે અમેરિકા વસવાટ માટે આવેલી. અમદાવાદમાં વટવા પાસે તેમની મોટી ફેક્ટરી હતી. તેના પિતા એંજીનીયર અને તેઓ પ્રેશર-વેસલ્સ કે બોઈલર કે એવી કોઈક વસ્તુનું ઉત્પાદન કરતા. જોકે હવે તો તે ઉદ્યોગમાંનો પોતાનો ભાગ તેમના ભાગીદારને વેચીને પોતે નિવૃત્ત થઈ ગયા છે.
ઊમોદીદીનો ફોન આવે એ તો બહુ મોટી ઘટના કહેવાય. કોક જ વખત તે ફોન કરે. તે તો અમેરિકા ગયો તે બસ ગયો! ૧૩-૧૪ વર્ષોમાં બે વખત જ ભારત આવ્યો હતો. એક વાર સાત-આઠ દિવસ માટે બહેનના લગ્ન પ્રસંગે અને બીજી વાર બે-ત્રણ દિવસ માટે તેની નાની ની અંતિમ-ક્રિયાના પ્રસંગે. તેના ફોન પણ ભાગ્યે જ આવે. ઊર્મિલા બહેન તેનો ફોન ચૂકે? પણ આજે, “અરે બેટા, તું કેમ છે? એક કામ કરીશ? નરેન્દ્ર મોદી હમણાં જ આવી રહ્યા છે એટલે ઉતાવળમાં સરખી વાત નહીં થાય. તું કલાક પછી ફોન કરજે ને.”
ઊમોદી પોતાના દીકરાને સારી રીતે ઓળખે. હવે ઊમોદીદીનો ફોન ૮-૧૦ દિવસ પછી કદાચ આવે. એને વરસના વચલે દિવસે કોઈક વાર ફોન કરવાનું સુઝે. એટલે તે વખતે જે વાત થાય તે થાય. પછી વાત કરવા ન મળે તેથી તે વચ્ચે પડી ફોન લેવા ઊઠ્યો પણ તે પહેલાં જ લાઈન કપાઈ ચૂકી હતી. યશવંતે જોયું કે ઊમોદીને ગમ્યું નથી. વાતાવરણમાં હળવાશ લાવવા તેણે ઊર્મિલા બહેનને પુછ્યું, “માશી, નરેન્દ્ર મોદી સાથે આપણે શું વાત કરીશું?”
અરે એમને આવવા તો દે. બેસાડીશુ, ચા-પાણી પીવડાવીશું. થાક્યા હોય તો થોડો આરામ કરે, અહીં થોડો વખત સૂઈ જાય.”
તે બન્નેની વાત ચાલતી હતી. ઊમોદીનો ગુસ્સો કદી લાંબો ટકતો નથી. તે તો વળી પાછો પોતાના મા-બાપના ભૂતકાળમાં ચાલી ગયો હતો.  
તેના મા-બાપે ૧૯૬૭-૬૮ પછીથી સક્રિય રાજકારણમાં ભાગ લેવામાંથી જાણે કે સન્યાસ લઈ લીધેલો. ધીરે ધીરે રાજકારણ છાપા-મેગેઝીન વાંચવા સુધી સીમિત થઈ ગયું. છાપામાંય તે જ નિરાશાનું દર્શન હોય. બહુ બહુ તો તે સમયના ‘ઇંડિયન એક્સપ્રેસ’ કે ‘જન્મભૂમિ પ્રવાસી’ માં થોડુંઘણું વાંચવા જેવું લાગે. બાકી ‘ટાઈમ્સ ઓફ ઇંડિયા’ સહિત બાકીના બધ્ધા જ પ્રકાશનો છીછરા, સ્વાર્થી અને દેશની કુસેવા કરનારા હોય તેવું ઘણાં દેશપ્રેમીઓ અનુભવતા.
ઊમોદીના માતા-પિતાએ આ લાંબો સમયગાળો સારા કામમાં વાપર્યો, ઘર-ગૃહસ્થી ની માવજત કરી. પોતાના ચારે સંતાનોને ભણાવી ગણાવી, પરણાવી દીધા. ચારે ચાર સંતાનો ને ઘેર પારણા પણ બંઘાયા હતાં. દંપતી નો સમય હવે હરવા-ફરવામાં અને પૌત્ર-પૌત્રીઓ સાથે આનંદ-પ્રમોદમાં વ્યતિત થઈ રહ્યો હતો. રાજકરણ જાણે ભૂલાઈ જ ગયું. ૧૬ દિવસની બાજપાઈ-સરકાર ૧૯૯૬માં આવી ત્યારે સહેજ તણખો થયો, પણ તણખો હજી જામગરીમાં પડે તે પહેલાં જ બહુમતીના અભાવમાં સરકાર પડી ગઈ. અને રાજકારણમાં વળી પાછી તે જ નિરાશા અને તેનુ તે જ અંધારૂ. પ્રભુ, એક જ દે ચિનગારી...
પણ તે સમયખંડમાં દંપતીએ લગભગ આખું ભારત ભ્રમણ કર્યું. ચારધામની યાત્રા કરી, કાશી, અયોધ્યા, નાસિક-ત્ર્યંબક, નારેશ્વર, એમ બહુ ફર્યા. પરદેશ પણ ખેડ્યું, એક યાત્રા નેપાળ પશુપતિનાથની કરી અને બે-ત્રણ વાર બેઉ જણા મોટા દીકરાને ત્યાં દુબાઈ પણ જઈ આવ્યા. તેઓ થોડો સમય નાના દીકરા સાથે વડોદરા રહે, તો થોડો સમય મૂળ વતન વઢવાણ જઈ આવે. મન કરે તો દીકરીના ઘેર દિલ્હી-ફરિદાબાદમાં ડોકિયું કરી આવે. મુંબઈ પોતાને ઘેર પાછા ફરે તોય વચ્ચે વચ્ચે મુંબઈમાં નજીક રહેતા તેમના વચેટ દીકરાને ત્યાં ઈસ્ટ-પાર્લે જઈ આવે. કેવું સરસ.....પણ કાળની ગતિ અકળ હોય છે.
તે દિવસે ઊર્મિલા બહેન દુબાઈમાં મોટા દીકરાને ત્યાં હતા. લગભગ એકાદ વરસથી વચલો દીકરો પણ દુબાઈ નોકરી માટે ગયો હતો. બન્ને દીકરાઓને મળવાની તેમને બહુ ઈચ્છા થઈ તેથી તેઓ થોડા મહિના દુબાઈ રહેવા માટે બહુ હોંશથી આવેલાં. દીકરાઓ, પુત્ર વધૂ અને બે પોતરાઓ સાથે બેઠા હતાં તે વખતે ફોનની ઘંટડી વાગી. મુંબઈથી પતિ મધુસૂદન ભાઈનો ફોન હતો. “ડેન્ટીસ્ટને ત્યાં દાંત માટે ગયો હતો. તેને પેઢા પર સફેદ ફુલ જેવું કંઈક દેખાતા થોડી શંકા પડી અને મને કેન્સરની તપાસ કરવાનું કહેલું. તે ટેસ્ટ થોડા દિવસ પહેલા કરાવેલી. તે ટેસ્ટ પોઝીટીવ આવી છે. હવે મોઢાના નીચલા જડબા સ્થિત કેન્સરની ટ્રીટમેન્ટ કરાવવાની છે....”. વજ્રપાત થયો. બધા દિક:મૂઢ થઈ ગયા. ઘરના વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ.
મુંબઈમાં ભલે તેમનો નાનો દીકરો અને તેનો પરિવાર પિતાની સારવાર માટે હાજર હતાં પણ ઊર્મિલા બહેનનો જીવ કેમ ઝાલ્યો રહે. જેવા સમાચાર આવ્યા કે તરત રીટર્ન ટિકિટ કઢાવીને તેઓ મુંબઈ રવાના થઈ ગયા. તેના થોડા દિવસોમાં વચલો દીકરો પણ મા-બાપની વ્યથા ન જોવાતા દુબાઈની નોકરી આટોપીને મુંબઈ, પપ્પાને પડખે ઊભો રહેવા ચાલ્યો ગયો.
જે જે લોકો ને તેમના કેન્સરની જાણ થઈ તે સહુ એક જ વાત કહેતા. “આ માણસને કોઈ ખોટી ટેવ નથી. આ માણસે જીવનભર આટલા સારા કામો કર્યા છે અને જે માણસ છેલ્લા કેટલાય વર્ષોથી સંત મુરારી બાપુની કથા સાંભળવાની જાણે કે હઠ લીધી હોય તેમ એમની પાછળ તે જ્યાં પ્રવચન કરવા જાય ત્યાં ત્યાં કથા સાંભળવા જાય એવા ને આવો રોગ કેમ થાય?” મજાકમાં મધુસૂદન ભાઈ કહેતા, “ચાલો, આપણને એ તો ખબર પડી ગઈ કે મોત કયા રસ્તે આવવાનું છે”. 
સમય આળસ મરડી રહ્યો હતો. ભારતમાં સારા દિવસો આવવાના ચક્રો ગતિમાન થયા હતાં. ૧૯૯૮માં ઊર્મિલા બહેનના પ્રિય નેતા અટલ બિહારી વાજપાઈ વડાપ્રધાન બનવાના હતાં પણ તે પહેલાં જ ઊર્મિલા બહેનના જીવનનો આ સૌથી આઘાત જનક પ્રસંગ બન્યો. જીવનમાં અંધકાર થઈ ગયો. પહેલી માર્ચ ૧૯૯૭ ના દિવસે તેમના પતિ નું ૬૯ વર્ષની વયે અવસાન થયું.
ડોક્ટર મનુભાઈ કોઠારી એક બહુ જાણીતા મોટા ચિકિત્સક છે. તેઓએ ઘણી વાર કહ્યું છે કે ભાગ્યે જ એવું બને કે કેન્સરનો દર્દી કેન્સરથી મરે. મોટે ભાગે કેન્સરનો દર્દી બીજા જ કારણથી મરતો હોય છે. મધુસૂદન ભાઈનું પણ તેવું જ થયું. વાંદ્રેની હોસ્પીટલમાં તેમનું ઓપરેશન કરનાર ડોક્ટરની ટીમે જાહેર કર્યું કે તેમનું કેન્સરનું ઓપરેશન તો સફળ રીતે પાર પડ્યું છે પણ પેશંટનું હ્રદય નબળું હોવાને કારણે ભાનમાં ન આવ્યો અને મૃત્યુ પામ્યો છે. વાત સાચી જ હશે કારણકે, તેમને ૧૦-૧૫ વર્ષ પહેલા એક મોટો હાર્ટ-એટેક આવેલો ત્યાર પછી થી તેમનું હ્રદય બહુ નબળું પડી ગયેલું અને લગભગ ૩૦% જેટલી જ શક્તિથી ધબકતું હતું. ડોક્ટરોએ ઓપરેશન કરવાનું સ્વીકાર કરતાં પહેલા, આ ‘રિસ્ક-ફેક્ટર’ છે તેવું જણાવેલું પણ ખરૂં. એ તો મધુસૂદન ભાઈની જ હિંમત કહેવાય કે તે જાણવાં છતાં, “હવે આ પાર કે તે પાર” એવું કહીને ઓપરેશન કરાવવા માટે હસતા-હસતાં, બધાને ‘આવજો’ કરીને સ્વસ્થ રીતે ચાલતા ચાલતા ઓપરેશન-રૂમ તરફ ગયા. હોસ્પિટલના પ્રોટોકોલ-રિવાજ મુજબ વ્હિલચેરમાં જ પેશંટને બેસાડવાનો નર્સોએ આગ્રહ કર્યો ત્યારે લગભગ ઓપરેશન-થિયેટરના બારણા પાસે ચાલતા પહોંચ્યા પછી છેલ્લે તેમાં બેઠા. પતિના મૃત્યુના આઘાતને ઊર્મિલા બહેને ઘણી સારી રીતે સ્વીકાર્યો અને સહ્યો. આની પાછળ તેમની દાક્તરી સુઝબુઝનો પણ ફાળો હશે.
વળી પાછી આવતા વર્ષે ૧૯૯૮ની ચૂંટણી છે. પણ હવે પહેલા જેવો ઉત્સાહ ક્યાંથી લાવવો? પતિ હમણાં જ ગુમાવ્યો છે. બીજી બાજુ, ભારત દેશના નાગરિકો પણ ‘આલતુ-ફાલતુ’ નેતાઓ અને તેવા જ પરચૂરણ વડાપ્રધાનો થી ત્રસ્ત થયેલા હોઈ કોઈક સારો બદલાવ ચાહતા હતાં. એમ હવા હતી કે વાજપાઈની ભાજપા કદાચ બાજી મારી જાય. ભાજપા એટલે ભારતીય જનતા પાર્ટી.
લોકનાયકનું બિરુદ પામેલા જયપ્રકાશ નારાયણ ના નેતૃત્વમાં વિપક્ષના ઘણાં નેતાઓએ ૧૯૭૭માં જેવી ઈમરજન્સી હટાવી લેવાઈ કે તરત જ ’જનતા પાર્ટી નામે એક નવો પક્ષ બનાવેલો. આ પક્ષમાં પોતાના અંગત વેર-ઝેર અને હરીફાઈઓ  ભૂલીને ૮-૯ પક્ષો પોતાનું અસ્તિત્વ ભૂંસી કાઢીને વિલીન થઈ ગયા હતા. તે બલિદાન ભારતીય જનસંઘ પક્ષે પણ આપેલું અને સહુ નેતાઓએ ભેગા મળીને ઈંદીરાની કોંગ્રેસ સામે લડાઈ કરી હતી. ચૂંટણી તો તેઓ જીતી ગયા પણ તે નેતાઓ ઝાઝી વાર ભેગા રહી શક્યા નહીં.
મૂળે જે નેતાઓ જનસંઘના હતાં તેઓને જ્યારે લાગ્યું કે જનતા પાર્ટીનો પ્રયોગ અયશસ્વી નીવડયો છે ત્યારે  દિલ્હીમાં તેમણે જનતા પાર્ટી છોડીને અટલ બિહારી વાજપાઈની અગ્રણી માં એ એક નવો પક્ષ સ્થાપેલો. તે ભારતીય જનતા પાર્ટી, અથવા કહો કે ભાજપા. મુંબઈમાં બરાબર તે જ દિવસે, છઠ્ઠી એપ્રિલ ૧૯૮૦ના દિવસે ઊર્મિલા બહેનના પૌત્ર નો પણ જન્મ થયો, ઊમોદીદી. પુત્રવધૂ પ્રસૂતિ માટે દુબાઈથી ખાસ મુંબઈ આવી હતી.
ઊમોદીદીના પહેલા જન્મદિવસ નિમિત્તે તેના ડેડી જાપાનના મોટા સ્ટોર મત્સુઝાકાયા માંથી એક મોટું સફેદ ટેડી-બેર લાવેલા. ઊમોદીદીનું મનોરંજન સફેદ ટેડી કરી રહ્યો હતો તે જ સમયે ૧૯૮૧ના મે મહિનામાં સફેદ સાડીમાં સજ્જ ઈંદીરા ગાંધી દુબાઈ આવેલા. જુમેરા-બીચ-રોડ પર દેશના રાજ-મહેમાનો માટેના મહેલમાં તેને ઉતારો આપ્યો હતો અને ભારતના વડાપ્રધાનને અનુરૂપ ભવ્ય સન્માન આપ્યું હતું. આજકાલ દુબાઈની સરકાર તે મહેલની બાજુમાં એક ઊંચા મોટા થાંભલા પર પોતાના દેશનો ધ્વજ ફરકાવે છે. એવું કહેવાય છે કે તે ધ્વજ જગતના સર્વાધિક વિશાળ ધ્વજોમાંનો એક ગણાય છે. આજ દિ’ સુધી ઊમોદી હજાર વાર તે જગાએ કારમાં પસાર થયો હશે. પણ જો કોઈ કાર માં સાથે બેઠું હોય તો જરૂર તે પ્રસંગની યાદ અપાવે. ઊમોદીદી સમજણો થયો અને રાજકરણમાં તેના ગમાઅણગમા સ્પષ્ટ થઈ રહ્યા હતા તેવી કુમળી ઉંમર થી ઊમોદી તેને હંમેશ કહેતો, “બેટા, ભારતના કોઈ નેતાઓ સાથે આપણે સહમત ન હોઈએ તોય પરદેશમાં આપણે એક ભારતીય તરીકે ચુંટાયેલા નેતાઓને આદર આપવો જ જોઈએ”.
ભાજપાએ પહેલી ચૂંટણી ૧૯૮૪માં લડી ત્યારે ઊમોદીદી અને ભાજપા, બેઉની વય ચાર વર્ષની થઈ હતી. દુબાઈમાં ઊમોદીદી વાંચતા લખતા શીખી ગયો હતો. વાંચવા-લખવાની હોંશ તેને બચપણથી જ છે. આ બાજુ હિંદુસ્તાનમાં વાજપાઈ અને આડવાણીની દોરવણી હેઠળ ભાજપા તેની પહેલી ચૂંટણી લડી. ભાજપાને માત્ર ૨ બેઠકો જ મળી. પણ તે શરૂઆત હતી. વળી ઈંદીરા ગાંધીની હત્યા થઈ હોવાને કારણે તે સમયે કોંગ્રેસ માટે લોકોને સહાનુભૂતિ હતી. પરંતુ, ત્યાર પછીની ચૂંટણીઓમાં ઉત્તરોત્તર ભાજપાનું સંખ્યા બળ વધતું ગયું. ૧૯૮૯માં ૮૫, ૧૯૯૧માં ૧૨૦, ૧૯૯૬માં ૧૬૧ અને ૧૯૯૮માં ૧૮૨.
આમ જ્યારે ૧૯૯૮માં પોતાની ૧૮૨ બેઠકો આવી ત્યારે બીજા મિત્ર પક્ષોની સહાયતા લઈને ભાજપાએ અટલ બિહારી વાજપાઈના નેતૃત્વમાં સરકાર બનાવી. ઊમોદી અને ઊમોદીદી બેઉ રંગમાં આવી ગયા હતાં. જોકે ઊર્મિલા બહેને થોડાંક સમય પહેલાં જ પતિ ગુમાવેલો તેથી તેમને આનંદ થયો હશે પણ ઊભરો દેખાયો નહોતો.
અટલ બિહારી વાજપાઈએ જ્યારે અણુ-વિસ્ફોટના પરિક્ષણ પોખરાનના રણમાં કર્યા તે દિવસથી ભારત પર આંતરાષ્ટ્રિય બહિષ્કાર લાગુ થઈ ગયો. તક નો લાભ જોઈને પાકિસ્તાને કારગીલમાં છદ્મ-આક્રમણ કર્યું. ભારતના વીર સૈનીકોએ દુશ્મનોને યુદ્ધમાં પછાડ્યા અને વાજપાઈ-અડવાણીની જોડીએ ભારતને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પણ પાકિસ્તાનને હંફાવ્યા. પણ.. આ તે કેમ ચલાવી લેવાય?....  જે વડાપ્રધાન કોંગ્રેસ ‘ગોત્ર’ માંથી ન આવ્યા હોય તે વિજયી બને અને લોકો જો તેના ગુણગાન ગાવા લાગે તો નહેરૂ-ગાંધી પરિવારનું શું થાય? વિરોધી પક્ષો રોજ કોઈ ને કોઈ કાવતરું કરી રહ્યા હતા. છેવટે તેઓ ૧૩ મહિના પછી તેમાં તેઓ સફળ પણ થયા. કહેવાય છે કે ત્રણ-સ્ત્રીઓની ત્રિપુટીએ તે ષડયંત્ર રચેલું. સોનિયા, જયલલિતા અને માયાવતી. આમાં છેલ્લું તીર માયાવતીના હાથે છુટ્યું. તેના માત્ર એક જ મત ના પ્રતાપે અંતે વાજપાઈ સરકાર પડી ગઈ. ઊમોદીદી, એના પિતા અને એની દાદી અધ્ધર શ્વાસે લોકસભાનું જીવંત પ્રસારણ જોઈ રહ્યા હતા અને વાજપાઈ સરકાર બહુમત સિધ્ધ ન કરી શકી તેના સાક્ષી બનેલા. લોકસભા ને ૧૯૯૯માં વિખેરી નાખવામાં આવી. ૧૨મી લોકસભાનો ૧૩ મહિનાના આ કાર્યકાળે વિક્રમ સર્જ્યો. તે સમયના ઇતિહાસમાં તે ટૂંકામાં ટૂંકી લોકસભા નીવડી. માયાવતીએ શા માટે છેલ્લી ઘડી સુધી જણાવા ન દીધું કે તે કોણે મત આપશે? તે વિષે ઘણી અટકળો ચાલી હતી. કોઈ લોકો તો એમ પણ કહેતા હતા કે ત્રણ કરોડ જેટલા જરૂરી પૈસાની ગોઠવણ દુબાઈથી જ થયેલી.
અને ૧૯૯૯માં નવી ચૂંટણી થઈ. ભારતના નાગરીકોએ કાવતરાખોર વિરોધીઓને સજ્જડ તમાચો માર્યો અને એક વખત ફરી પાછી તેઓએ વાજપાઈજી ને સરકાર બનાવી આપી. આ વખતે પણ ભાજપાને બેઠકો ગયા વખત જેટલી ૧૮૨ જ મળી પરંતુ મિત્ર પક્ષો મળીને જે ‘એનડીએ’ ગઠબંધન બનેલું તેની કૂલ સંખ્યા ૨૭૦ બેઠકોની હોવાથી લોકસભામાં તેમની સ્પષ્ટ બહુમતી હતી. વાજપાઈની આ વખતની સરકારે પૂરા પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો તો કર્યો પણ અલબત્ત અભૂતપૂર્વ અડચણો ને કટોકટીનો સામનો કરીને.
ઊમોદી ની વિચાર-શ્રૃંખલા તેને એ દિવસ પર સડસડાટ લઈ ગઈ. એ શુક્રવાર હતો. આરબ દેશોમાં શુક્રવારે રજા હોય. આવતી કાલે પચીસ મી ડિસેમ્બર છે પણ દુબાઈમાં ક્રિસમસ ની રજા નથી. હા, જો કોઈ ક્રિશ્ચીયન રજા માગે તો કોઈ-કોઈ કંપનીઓ પોતાના તેવા કર્મચારીઓને મરજીયાત રજા આપે ખરા પણ બાકીના કર્મચારીઓને તો કામે જવું જ પડે. આવતી કાલે તેની સેક્રેટરી ફ્લોરી જ્હોન અને બીજા એક-બે સ્ટાફ રજા પાળવાના છે. તેથી તે કાલ ના કામનો વિચાર કરતો બેઠો હતો. ત્યાં તો એકાએક ટીવી પર ‘બ્રેકિંગન્યુઝ’ સમાચાર ફ્લેશ થયા કે ઇંડિયન એરલાઈન્સના વિમાનનું અપહરણ થયું છે અને તે દુબાઈના એક મિલિટરી માટે ઉપયોગમાં લેવાતા એરપોર્ટ પર ઊતર્યું છે.
ભારતમાં ૨૪મી ડિસેમ્બર ની મોડી સાંજની વાત છે. રાત્રે બાર વાગે, ૨૫મી શરૂ થતાં લોકો નાતાલ ઊજવવાના છે. તે પછી રવિવાર છે. એટલે બે દિવસ રજા હશે. ૨૫મીએ વાજપાઈજીનો તે જન્મ દિવસ પણ છે. નવી નવી સરકાર છે. પાંચ-છ દિવસ પછી નવું-વર્ષ છે. સહુ લોકો આનંદમાં છે. હજી તો વાજપાઈના શપથપત્ર પરની સહી સૂકાઈ પણ નહોતી... પણ.. દેશના દુશ્મનો કાંઈક ભયંકર કારસ્થાન રચી રહ્યા છે. ઇંડિયન એરલાઈન્સનું એક વિમાન નેપાળના કાઠમંડુથી દિલ્હી આવી રહ્યું હતું. એ વિમાનમાં આતંકવાદીઓ કાઠમંડુથી ચડ્યા હતા. તેમનો સંબંધ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન સાથે હતો. વિમાનમાં ૧૭૬ યાત્રીઓ અને ૧૫ ચાલકો સહિત કૂલ ૧૯૧ માણસો હતા. આતંકીઓએ વિમાનને પહેલા અમૃતસર પછી લાહોર અને ત્યાંથી દુબાઈ ઊતાર્યું છે. વિમાનની અંદર શું ચાલી રહ્યું છે તેની કોઈને જાણ નથી.
અપહરણકર્તાઓએ દુબાઈની સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી. એક માણસનું શબ ઊતાર્યું. તે માણસ આતંકીઓની સામે થયો હતો તેથી તેને મારી નાખવામાં આવ્યો હતો. આતંકીઓએ અહીં થોડાક બીજાં માંદા લાગતા યાત્રીઓને પણ ઉતાર્યા. પછી થી થોડો ઘણો સામાન, ખોરાક, ઈંધણ વગેરે વિમાનમાં ચડાવ્યા. આ બધું થતાં જે સમય ગયો તે દરમિયાન બધા ભારતીયોને બહુ આશા ઊભી થઈ હતી કે કાંતો ભારતના અથવા દુબાઈના કમાન્ડો કોઈ હિસાબે આ નિર્દય આતંકીઓને ખતમ કે બેઅસર કરીને બાનમાં લીધેલા યાત્રીઓ અને વિમાનને જરૂર છોડાવી લેશે. પણ સહુ નિરાશ થયા. એવું કંઈ થયું નહીં. જે સામાન તેમને જોઈતો હતો તે ચડાવીને આતંકીઓએ ચાલકોને ફરી વિમાન આગળ હંકારવાનો હુકમ આપ્યો. ગંતવ્ય હજુ પણ ગુપ્ત હતું.
આતંકીઓએ વિમાનને છેવટે અફગાનીસ્તાનના કંદહાર શહેરના એરપોર્ટ પર ઊતાર્યું. ત્યાની અતિ ક્રુર તાલીબાન-સરકારનો વિશ્વની ભાગ્યે જ કોઈ સરકાર સાથે સંબંધ હતો. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે, આ બાબતે આપણે ‘જાયે તો જાયે કહાં’ જેવું થઈ ગયેલું. આ એ કાતિલો છે જેમણે એકાદ-બે વર્ષ પહેલા પોતાના જ દેશના ભણેલા-ગણેલા પ્રમુખ ડોક્ટર મહમદ નજીબુલ્લાહ ને અતિશય ક્રુરતા કરીને મારી નાખ્યા હતા. કહેવાય છે કે મુસ્લિમ કટ્ટરવાદી તાલીબાનીઓએ તેના અંડકોષ અને જનનેદ્રિયને કાપી કાઢી ખસી કરાવી, તેને ખટારા પાછળ દોરડા બાધી આખા કાબુલ શહેરમાં ઘસડ્યો અને છેવટે જાહેરમાં ફાંસી આપી હતી. આ એ જ લોકો છે જેમણે ઇંડિયન એરલાઈન્સની અપહરણની ઘટનાના એકાદ-બે વર્ષ પછી દુનિયા આખી ની વિનવણીઓને અવગણીને ૧,૭૦૦ વર્ષ જૂની ભગવાન બુધ્ધની વિશાળ પ્રતિમા તોપ અને ડાઈનેમાઈટ વાપરીને જમીનદોસ્ત કરી છે. અફગાનીસ્તાનના બામીયાન ગામની આ વિશ્વવિખ્યાત પ્રતિમા ૧૬૫ ફૂટ ઊંચી (લગભગ ૨૦ માળની ઈમારત જેટલી ઊંચી) હોવાથી તે એક વિક્રમ ધરાવતી અજોડ વૈશ્વિક ધરોહર હતી. લોકો જે પુરાતત્વીય અજાયબી જોવા આવતા હતાં તેને સ્થાને આજે પર્વતમાં એક બખોલ કે કહો એક ગાબડું જોવા મળે છે.
વિચાર કરો કે કેવા ભયંકર લોકો સાથે પનારો પડેલો! આ ભયાનક તાણ વાળા પ્રકરણનું જે કોઈ વ્યક્તિ નિરાકરણ લાવી શકે તે ખરેખર તો વિશ્વનો સૌથી મોટા પારિતોષિકનો અધિકારી ગણાય. પણ..ભારતના વિરોધી પક્ષોએ અને મિડીયાને દેશની વિપત્તિમાં ભાજપાને શરમાવવા માટેની એક તક નજર આવી. મોઢેથી થોડું ઘણું તેઓ સરકારને સમર્થન આપે તો ખરાં પણ પડદા પાછળ ભાજપાની સરકારને કેમ વધુ મુંઝવણમાં નાખવી, કેમ તેની મુશ્કેલીઓ વધારવી તે જ તેમની પ્રવૃત્તિ રહી. એ દેખાઈ આવતું હતું કે વિરોધી પક્ષો અને મિડીયાની રડારોળ સરકાર પર એ દબાણ લાવવા માગતી હતી કે આતંકખોર અપહરણકર્તા જે માગે તે સરકાર કબૂલ કરી લે. આમ થાય તો ભવિષ્યમાં તેમને ભાજપા વિરૂધ્ધ મોટું શસ્ત્ર મળી જાય. દેશના નાગરીકોને કે સરકારને હિંમત આપવાને બદલે તેને ભાવનાત્મક-ઈમોશનલ-બ્લેક-મેઈલ કરવાનું જ  કામ તેઓએ કર્યું. ટીવી કે છાપું, જે ખોલો, કંઈક એવું દેખાય કે વંચાય, “અરરર.. જુઓ આ છોકરો, તે કહે છે કે મારા પપ્પાને પ્લીઝ છોડાવી લાવો”, ”આ યુવતીના બે મહિના પહેલા જ લગ્ન થયા છે અને તેનો પતિ એ વિમાનમાં છે. જુઓ તેનું રૂદન કેટલું કરૂણ છે” એક મહિલા કહી રહી હતી કે ”સરકાર કેમ જવાબ નથી આપતી કે ક્યારે મારો એક નો એક પુત્ર પાછો આવશે?”, “આ સરકારમાં આવડત નથી” “આ સરકાર નો જ વાંક છે. તેમણે જ આતંકીઓને ઉશ્કેર્યા છે, તેથી જ તેમણે વિમાનનું અપહરણ કર્યું છે. આ અપહરણનો ખરો ગુનેગાર ભાજપા જ છે” વગેરે વગેરે. સરહદની પેલી પાર ત્રાસવાદીઓ હસી હસીને એકબીજાને કહી રહ્યા હશે, “માશાઅલ્લાહ, આપણા કરતાંય મોટા આતંકવાદીઓ તો નોઈડા-મુંબઈના ટીવી સ્ટુડિયોમાં અને છાપાવાળાની કચેરીઓમાં બેઠા છે.” મિડીયા કે વિપક્ષીઓ, બે માંથી કોઈએ સરકારને એમ ન કહ્યું કે “તમે જો કોઈ અઘરો નિર્ણય લેશો તોય અમે તમારી સાથે છીએ”. એમ ન કહ્યું કે “ગમ્મે તે થાય પણ ભારતનું માથું ઝુકવું ન જોઈએ”. એમ ન કહ્યું કે “દેશનું સ્વાતંત્ર્ય જાળવી રાખવા બલિદાન પણ આપવા પડતા હોય છે”. લોકોને હીંમત, ધૈર્ય અને વીરતાના પાઠ ભણાવવાને બદલે વિરોધી પક્ષો અને મિડીયા શું કર્યું? પોતાના સ્વાર્થ માટે સરકારનું અને પ્રજાનું ભયદોહન જ તેઓએ કર્યું ને?
વાટાઘાટો અઠવાડીયા સુધી ચાલી. છેવટે બંધકોને છોડાવવાની અવેજમાં ભારત સરકારે ત્રણ ખુંખાર ત્રાસવાદીઓને કારાગાર માંથી મુક્ત કરવા પડ્યા અને પછીથી IC814 ફ્લાઈટ પર સવાર ૧૯૧ માં ના એક ની ખુવારી ને બાદ કરતાં બાકીના બધાયે ૧૯૦ સુરક્ષિત પાછા ફર્યા.
બીચારા વાજપાઈજી!  ઊમોદીદી તે વખતે દાદી ઊર્મિલા બહેન સાથે મુંબઈમાં હતો. તેઓ ત્યાં અને ઊમોદી દુબાઈમાં. ત્રણે  જોઈ રહ્યા હતા કે ન તો વિરોધી પક્ષોએ કે ન તો મિડીયાએ ખુલ્લા મનથી સરકારને બિરદાવી. પાછળથી એ સમાચાર પણ મળેલા કે જ્યારે વિમાન દુબાઈમાં ઊતર્યું હતું ત્યારે ભારત કમાન્ડો ઓપરેશન કરવા માગતું હતું પણ દુબાઈની સરકારે તે કરવા દેવાની અનુમતિ ઠુકરાવી દીધેલી.
વિમાન અપહરણ ની આ ઘટના તો પાશેરમાં પહેલી પૂણી હતી. પછી પણ ઘણું બન્યું. કાવતરું કરીને બંગારૂ લક્ષમણ જેવા સજ્જન ને કેવી રીતે લાંચ-પ્રકરણમાં સંડોવ્યા? સાવ ચોખ્ખા એવા જ્યોર્જ ફરનાન્ડીસને ખોટી રીતે શરમાવવા કેવું શબ-પેટીનું જે કૌભાંડ પણ ન હતું પણ ઊભું કર્યુ? તે ઉપરાંત ૨૦૦૧માં લોકસભા પર આતંકવાદી હુમલો થયો. કચ્છમાં અભૂતપૂર્વ વિનાશકારી ધરતીકંપ થયો જેમાં ૧૨,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા. રેલવે પ્રધાન મમતા બેનરજીએ પોતાની જ સરકાર સામે બળવો કરી સરકારને નબળી બનાવી, ૨૦૦૨માં ગોધરામાં ૫૮ હિંદુ યાત્રીઓની ગોઝારી હત્યા કરવામાં આવી, ગુજરાતના રમખાણોએ  લગભગ ૧,૦૪૫ જણા ના ભોગ લીધા, કોલસા પ્રધાન રામવિલાસ પાસવાને આફવાને સત્ય માની પોતાની જ સરકાર સામે બળવો કર્યો, ૨૦૦૩માં મુંબઈમાં બે બોમ્બ ધડાકામાં ૫૨ લોકોની જાનહાની થઈ. આવી ઘણી કસોટીઓ થઈ પણ બધા અવરોધો સરકારે સફળતાથી પસાર કર્યા.
વાજપાઈજીએ ઘણાં અભૂતપૂર્વ એવા મોટા કામો કર્યા. ૫,૮૦૦ કિલોમીટર લંબાઈના રાજમાર્ગ જે સુવર્ણ-ચતુષ્ભુજ તરીકે પ્રખ્યાત છે, તે બનાવવાની શરૂઆત કરી દીધી. પાકિસ્તાન સાથે રેલ અને બસ સેવા શરૂ કરી. નવી આર્થિક નીતિઓ એટલી ચતુરાઈ થી લાગુ કરી કે શ્રીમંત પરદેશી કંપનીઓ આપણી દેશી કંપનીઓને ખાઈ ન જાય. એને માટે પહેલા આપણા દેશની કંપનીઓને મોટી-એમએનસી બનવા પ્રેર્યા અને તેમને જરૂરી મદદ કરી. અણુ-પરિક્ષણની હારમાળા કરીને ભારતને અણુશક્તિ-સંપન્ન રાષ્ટ્ર જાહેર તો કર્યું સાથેસાથે જગતને “ભારત કદી અણુશસ્ત્ર વાપરવાની પહેલ નહીં કરે” તેવું વચન આપીને વિશ્વને જીતી લીધું. રશિયાની ભાગીદારીમાં બ્રહ્મોસ જેવા મિસાઈલ વિકસિત કરવાની શરૂઆત કરી, નદીઓને એકબીજા સાથે જોડવાનું આયોજન કર્યું જેથી નકામા વેડફાતા પાણીનો સદુપયોગ થાય. ભારતની ભાષાઓનું ગૌરવ વધારવા, યુએનમાં હિંદી ભાષામાં ભાષણ આપ્યું અને તેમ કરી તે એવા વડાપ્રધાન બન્યા કે જે આવું કરનારા સૌ પ્રથમ હતા.
પ્રચંડ મહેનત કરીને વાજપાઈ સરકારે ભારતને પહેલા કરતાં ઘણું આગળ લાવી દીધું હતું. ભારત વિકાસના માર્ગે હતું. દુનિયા આખીમાં ભારતના વિકાસની ચર્ચા હતી. ભારત ખરેખર ચમકી રહ્યું હતું. સરકારે જે સારા કાર્યો કર્યા જેનાથી ભારત ચળકી ઊઠ્યું હતું તે મુદ્દાઓ લઈને ભાજપાએ ૨૦૦૪ની ચુંટણીમાં ઝંપલાવ્યું. પણ કર્મની કઠીણાઈ જૂઓ, જે ના વડે ‘ઇંડિયા શાઈનીંગ’ થયું તે ઉપલબ્ધિનો જ ઉપયોગ કરીને વિરોધી પક્ષોએ, દરેક નાની ત્રુટીઓ બતાવીને “શું આને ઇંડિયા શાઈનીંગ કહેવાય?” તેમ ટોણા મારી ને છેવટે ૨૦૦૪ની ચુંટણીમાં વાજપાઈજીની સરકારને હરાવી દીધી. જે કુનેહથી વાજપાઈજીએ સરકાર ચલાવેલી, જે બાહોશીથી ભારતને પ્રગતિના પંથે તે લઈ આવેલા અને પ્રજામતમાં ચૂંટણી પહેલા જે ઉત્સાહ ઝળકતો હતો તે જોઈને દરેકને એમ જ લાગતું હતું કે વાજપાઈજી જીતી જશે.
હાર તો ભાજપાની અનેક વાર થયેલી છે. આ લોકો તો વિરોધી પક્ષ તરીકે વર્ષોથી રહ્યા છે. પણ આ વખતની હાર તો એક અનપેક્ષિત સજ્જડ થપ્પડ જેવી હતી. ઊમોદી અને ઊમોદીદી સ્તબ્ધ થઈ ગયેલા. કાપો તો લોહી ના નીકળે. પણ ઊર્મિલા બહેન માટે તે આંચકો વિશેષ કઠણ હતો. ઉમર ૭૧-૭૨ વર્ષની થઈ હતી, કેવી નિરાશા..આ જીવનમાં તો હવે ભાજપાની સરકાર નહીં જ જોવા મળે.....વળી પાછો અંધકાર...
દસ વર્ષનું અંધારૂ.
ઊર્મિલા બહેને ૮૦ વટાવ્યા..૮૧ વટાવ્યા... કાલ: ક્રિડતી, ગચ્છતી આયુ..
ને વળી પાછો ચમત્કાર થયો. ૧૬મી મે ૨૦૧૪ના દિવસે ઊર્મિલા બહેનના જીવમાં જીવ આવ્યો.
આજે તે ઘટના ને લગભગ છ મહિના થયા. આજે ૨૨મી નવેમ્બર છે. ઊર્મિલા બહેન આતુરતાથી નરેન્દ્ર મોદીની પ્રતીક્ષા કરી રહ્યા છે. હેલિકોપ્ટરનો અવાજ હવે વિરમી ગયો હતો. ઊમોદીના ઘરથી ત્રણ-ચાર કિલોમીટર પૂર્વમાં સાંતાક્રુઝ એરપોર્ટ અને બે-એક કિલોમીટર પશ્ચિમમાં જુહુનું એરોડ્રોમ. એટલે વિમાન અને હેલિકોપ્ટરના અવાજની કંઈ નવીનતા કોઈને લાગે નહીં, એ તો દિવસમાં હજાર વખત આવે.
ઊમોદી હજુ એની માતાના ૮૨ વર્ષના જીવનપ્રવાસમાં જ ગુંથાયેલો હતો. યશવંત શાંતિથી ટીવી જોઈ રહ્યો હતો. પણ હવે મોટી હલચલ શરૂ થઈ હશે તેવું અવાજ ઉપરથી અનુમાન કરી શકાય. ઊર્મિલા બહેને અધખુલા બારણામાંથી લીફ્ટ તરફ મીટ માંડી. હજુ કેમ આવ્યા નહીં તેવું મનમાં વિચારતા હશે. પૃષ્ઠભૂમિમાં અવાજની તિવ્રતા હજુ વધી. ઊર્મિલા બહેનની પુત્રવધૂ ટ્રે માં ચા ભરેલા ચાર મગ લઈને રસોડામાંથી આગલા રૂમમાં દાખલ થઈ. ઊર્મિલા બહેનને અને ઊમોદીને ચા પીવી ગમે. જો ચા માં દૂધ કે ખાંડ ઓછી હોય કે સરખી કડક ન બની હોય તો ઊર્મિલા બહેન ટચલી આંગળીનો મજાકીયો ઈશારો કરીને સમજાવી દે કે ચા શેના જેવી લાગે છે. જો કે ઊમોદીની પત્નીએ આજે ચીંતા કરવા જેવું નથી. ઊર્મિલા બહેનને આજે ચા ની બહુ પડી લાગતી નથી.
નરેન્દ્ર મોદી ઘરમાં આવી ચૂક્યા હતાં. થોડું બોલ્યા. તેમની વાત હજુ ચાલુ જ હતી.
તે વચ્ચે ઊર્મિલા બહેને પોતાના દીકરા તરફ જોયું. ઠપકો આપ્યો, “એને જવાબ તો આપો. હું તો દર વખતે વાત કરું છું આજે તમે લોકો પણ અહીં છો તો જરા મોદી સાથે વાત કરો. સારા માણસને ઉત્તેજન ન આપવું જોઈએ?”

નરેન્દ્ર મોદીએ બચપણમાં મગરના બચ્ચાને પકડ્યું હતું તે વીરતાની વાતની સાથે સાથે પોતાના દીકરાએ પુલ પરથી કેવો કૂદકો માર્યો હતો તે પણ કહે. ઊમોદી ત્યારે બારેક નો હશે. તેણે વઢવાણ ગામના ટ્રોલીના પુલ પરથી એકવાર સુકીભઠ ભોગાવો નદીમાં કૂદકો માર્યો હતો. નરેન્દ્ર મોદી ઘરબાર છોડીને હિમાલયમાં ચાલ્યા ગયા હતાં તેની વાત પડોશીઓ સાથે કરતા હોય તો હસતા હસતા ઊમોદીની પણ વાત કરી લે કે, “જ્યારે તે ૯-૧૦નો હશે ત્યારે તેના મોટા ફૈબાના દીકરા નિરંજન સાથે તપ કરવા કોઈનેય કહ્યા વગર વહેલી સવારે નીકળી ગયો હતો અને ભૂખ લાગી એટલે બપોરે કેવો પાછો ઘેર આવી ગયો હતો. તપ કરવું શું રસ્તે પડ્યું છે?”

વૃદ્ધત્વને લઈને ઊર્મિલા બહેનને છેલ્લા થોડા મહિનાઓ થી સ્મૃતિવિભ્રમણા-ડેલ્યુશનની સહેજ અસર જણાય છે. આ વ્યાધીનો કોઈ ઉપચાર નથી. આવા લોકો પોતાની કાલ્પનિક મનસૃષ્ટિ ઊભી કરીને ઘણી વાર આપણનેય ભ્રમમાં નાખી દે તેવી ઠાવકાઈ થી વાત કરે. બેસતા વર્ષના દિવસે મોદી તેમની મા ને પગે લાગી આશીર્વાદ લે તે જોવું તો ઊર્મિલા બહેનને ખાસ ગમે. તે પ્રસંગ જોતાં જોતાં ઊર્મિલા બહેન બહુ મલકાય. જાણે તેમના જ આશીર્વાદ લેવા મોદી ન આવ્યા હોય. જોતા જોતાં કોઈ વખત ટિપ્પણી પણ કરે, “ડોશી મજબૂત છે હોં, જુઓ દાંત પણ હજી સાબૂત દેખાય છે”. તો વળી કોઈવાર હેલીકોપ્ટરનો અવાજ આવે તો વખતે એવું વિચિત્ર એમ પણ કહે કે, “મારા વચલા દીકરાએ ટિફિન મોકલાવ્યું હશે. હમણાં તેના મિત્ર પુરોહિત ભાઈ અગાશી પરથી નીચે આપવા આવશે”. એક દિવસ ઊર્મિલા બહેનની પૌત્રીનો કેનેડાથી ફોન આવ્યો. તે બેઉનું બહુ જ બને, તે નાની હતી ત્યારથી આજ સુધી એટલી બધી વાતો કરે, જાણે એકબીજાની બહેનપણી ન હોય. છતાં તેને ય બા ના મિથ્યાભાસ-દ્રષ્ટિવિભ્રમ-હેલ્યુસીનેશનની કલ્પના ત્યારે જ આવી જ્યારે બા એ તેની સલાહ માગી, “નરેન્દ્ર મોદી હાથ હલાવી ને મારી સામે જૂએ છે. એમને ખરાબ ન લાગે એટલે સામે હું હાથ તો હલાવી લઉં છું પણ કેટલી વાર કરું? એ તો થાક તો ય નથી. પણ થોડી વાર પછી મને તો થાક લાગે ને?  પૌત્રી સમજાવે છે, “બા એ તો ટીવી વાળા મોદીના ભાષણને રી-પ્લે કરે છે. તમારે સામે હાથ હલાવવાની જરૂર નહીં.” બા ને પૌત્રી પર પૂરો વિશ્વાસ છે. માની લે છે, “મને એમ કે આપણી સામે જોઈને કોઈ હાથ કરે અને આપણે સામે એમને એમ બેસી રહીએ તે બરાબર નહીં” જે રીતે તેઓ કહે કે, મોદી આવ્યા, બેઠા, તેમના માટે ચા કરી વગેરે સાંભળીને જો કોઈ નવું માણસ હોય તો, એમ જ માની લે કે નરેન્દ્ર મોદી સાથે ઊર્મિલા બહેનનો ઘર જેવો સંબંધ હશે અને કોઈ કોઈ વાર ઘેર પણ આવતા હશે.  આપણને પણ એવો પ્રશ્ન જરૂર થાય કે તેમનું મોદી સાથે શું જોડાણ હશે? અંગ્રેજીમાં નથી કહેતાં, ‘there is method in the madness’? કાંઈક તો જરૂર હશે.
નરેન્દ્ર મોદીનો અવાજ ગુંજ્યો. મોદીનું ભાષણ કીશ્તવારથી ‘લાઈવ’ આવી રહ્યું હતું, “મંચ પર બિરાજમાન ભાજપા કે.....” ઊમોદી ધ્યાન ભંગ થયો. તેણે ટીવી સામે જોયું. તેને ખ્યાલ આવ્યો, અમેરિકામાં અત્યારે રાત હશે, ભલે ૧૦ કલાકનો સમયમાં ફેર હોય, પણ તેનો દીકરો ઊમોદીદી અમેરિકામાં એ જ પળે તેના કોમ્પ્યુટર પર આ જ અવાજ ‘લાઈવ’ સાંભળતો બેઠો હશે. બે ઘડી પહેલા તેણે જે ફોન કર્યો હતો તે આ બાબતે જ હશે.
ઊમોદીને ૨૦૦૭ની હોલીવુડની ‘સેવેજીસ’ નામની એક ફિલ્મ યાદ આવે છે. તેમાં ત્રણ મુખ્ય પાત્રો છે. વૃદ્ધ બાપ અને તેનાં બે સંતાનો. દીકરો મોટો છે, તે પૌઢ વયનો લાગે છે. તેની બહેન તેના કરતા ચાર-પાંચ વર્ષ નાની હશે. વૃદ્ધ પિતાને ડીમેન્શિયા છે. પોતાના સંતાનોને પણ હવે તો ઓળખી શકતો નથી. ગુસ્સો આવે તેવું ગાંડુઘેલું વર્તન કરે છે. પ્રસિધ્ધ કલાકાર ફીલીપ હોફમેન મોટો ભાઈ બન્યો છે. બાપના ગાંડપણમાં બાળ-સહજ બાલિશતાને ઓળખીને કુણો પડે છે.
ઊર્મિલા બહેન હમણાં મોટા દીકરાને કહે છે, “તું મોદીને તો ઓળખેને? મારી સાથે પહેલા કરતા હવે વધારે વાતો કરે છે. મારી પાસે આવીને બેસી જાય. પલોઠી વાળી ઢીંચણ પર હાથ રાખીને બેસે અને વાત કરતો જાય” ઊમોદી પોતાની મા સામે જુએ છે. કેવી ગાંડી વાતો કરે છે. તેના કરચલી વાળા મુખ પર બાળક જેવી નિર્દોષતા દેખાય છે. ઊમોદીના મનમાં વાત્સલ્ય ઊભું થાય છે. તે ઊભો થઈને માને કોટી કરી લે છે. એક મુછાળો પુરુષ મા બની જાય છે.
----
 
ઉપસંહાર - લેખકની પોસ્ટ-સ્ક્રિપ્ટ: વાર્તામાં લખેલ ચારેય ‘મીડનાઈટ-ચીલ્ડ્રન’ જનસંઘ, ઊમોદી, ભાજપા અને ઊમોદીદી ની તારીખો સાવ સાચી છે. આજે, સાવિત્રી તેના ચારે બાળકો, ઊર્મિલા બહેન, તેમના ચારે સંતાનો અને યશવંત હયાત છે. નરેન્દ્ર મોદી દિલ્હીમાં ભારતના વડાપ્રધાન છે. ઊર્મિલા બહેને વર્ષો પહેલા તાકીદ કરી હતી કે “ઘડપણમાં મને ‘છલક છલાણું, કયે ઘરે ભાણું’ ની જેમ ફૂટબૉલ નહીં બનાવતા. હું એક જ જગ્યાએ રહીશ.” સંતાનોએ આજ સુધી તેમના આગ્રહને શીરોમાન્ય રાખ્યો છે. ચારેય સંતાનો કામ-ધંધાને કારણે હજારો કિલોમીટર દૂર રહેતા હોવા છતાં વખતોવખત તેમની સાથે રહેવા આવે છે જેથી મા ની સંભાળ તેની ઈચ્છા પ્રમાણે રાખી શકાય.
 
-----     -----     -----