Thursday, July 23, 2015

ઊમોદીને પાકિસ્તાનમાં બોધ....એક સત્યકથા

ઊમોદીને પાકિસ્તાનમાં બોધ....એક સત્યકથા
ઊર્મિલા બહેનનો મોટો દીકરો એટલે કે ઊ, મો અને દી. તે ઊમોદીના સસરાની મૂળ કર્મભૂમિ કરાચી. પણ દેશના ભાગલા થયા પછી મારાકાપી વચ્ચે ત્યાં રહેવું એ લગભગ અશક્ય જણાયુ. તેમાંથી બચવા વેષ પલટો કરીને જીવના જોખમે થોડા મહિના તેમણે કરાચીમાં છુપા રહીને વિતાવેલા. ઘણા વખતે જ્યારે મુંબઈ જતી સ્ટીમરમાં જગ્યાની વ્યવસ્થા થઈ ત્યારે એક નિરાશ્રિત તરીકે તેઓ ભારત પહોંચેલા. મુંબઈના ચુનાભઠ્ઠી વિસ્તારમાં સરકારે તેમને આશરો આપ્યો હતો. તે વાતને પચાસેક વર્ષ વિત્યા હશે અને આજે તેમનો જમાઈ, ઊમોદી, હાથે કરીને ભાલામાં ભરાવા કરાચી એરપોર્ટે ઊતર્યો છે. તેની પાસે પાકિસ્તાનમાં પ્રવેશ માટે વિસા સુધ્ધાં નથી. ભારતીય નાગરિકોને પાકિસ્તાનના વિસા સહેલાઈથી નથી મળતા. બહુ જ તપાસ કર્યા બાદ અને વાજબી કારણ હોય તો જ વિસા મળે. પાકિસ્તાનમાં ઊમોદીના મિત્રો ઘણાં પણ તેમાંના કોઈની એવી વગ નહીં કે હીંદુસ્તાનીને વિસા કોઈ અપાવી શકે. પણ તેણે મગજ દોડાવ્યું અને વગર વિસાએ પણ પાકિસ્તાન કેમ જવાય તે માટેની એક યુક્તિ શોધી કાઢી. એવી ટ્રાન્ઝીટ ફ્લાઈટ લેવાની કે જેમાં કનેક્ટીંગ ફ્લાઈટ બે-ત્રણ દિવસ પછી હોય. આમ થાય તો કદાચ પ્રવાસીને કનેક્ટીંગ ફ્લાઈટ પકડવા માટે પાકિસ્તાનમાં બે-ત્રણ દિવસ રોકાણ મળે. આ યોજનામાં તે ફાવશે કે નહીં તે બાબતે શંકા-કુશંકાઓ કરતા કરતા પ્રભુનું નામ લઈ તેણે તો પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ, પીઆઈએની કરાચી જતી ફ્લાઇટ પકડી લીધી. હવે આગે આગે ગોરખ જાગે.
સ્વાધ્યાય વાળા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી ના બાલસંસ્કાર કેન્દ્રની સંચાલીકા બહેનોને એક વાત ખાસ કહેવામાં આવે છે કે તમે જ્યારે ઇતિહાસના કોઈ પણ પાત્ર વિષે બાળકોને કહી રહ્યા હો તો તે માટે સારી પૂર્વ તૈયારી કરીને જવું અને વાત એટલી જીવ ઘાલીને કહેવી કે બાળકના મન પર તે પાત્રનું શબ્દ-ચિત્ર અંકાઈ જાય અને તેને થાય કે, “અરે વાહ, મોટો થઈને હું પણ તે પાત્રના જેવો બનીશ”. આજકાલ ‘વ્યક્તિપૂજા’ એ શબ્દ કોઈને ગમતો નથી કારણકે તેનો અર્થ ‘કોઈ વ્યક્તિની ચાપલૂસી કરવી’ એટલો જ રહ્યો છે. પણ જે લોકો તેંદુલકરના કે અક્ષયકુમારના કે નરેન્દ્ર મોદીના પ્રશંસક ‘ફેન’ હોય તે પણ એક રીતે ‘વ્યક્તિપૂજા’ જ કરતા કહેવાય. આપણે સહુ સભાન રીતે કે અભાન રીતે કોઈક ને પણ ‘હીરો’ માનતા હોઈએ જ છીએ અને નાના-મોટા અંશે જીવનમાં તેનું અનુકરણ પણ કરતા હોઈએ જ છીએ. આમ ‘વ્યક્તિપૂજા’ મનની એક નૈસર્ગિક પ્રવૃત્તિ હોય છે અને તેનો ઉપયોગ વ્યક્તિના વિકાસ માટે, તેના ચારિત્ર્ય ઘડતર માટે કરી લેવો જોઈએ એવું દાદાના પ્રવચનમાં ક્યાંક સાંભળ્યું હતું પરંતુ, પ્રવચનમાં સાંભળેલી એ વાતની સ્પષ્ટતા પાકિસ્તાનના કરાચી શહેરમાં થશે તેવી તો સહેજેય કલ્પના નહોતી.
પાકિસ્તાન એટલે ભારતનો કટ્ટર વેરી દેશ. વિસા લઈને જાવ તોય ભારતના યાત્રીઓને ત્યાં ત્રાસ ભોગવવો પડતો હોય છે. તેવા દેશમાં આને વગર વિસાએ જવું તું. એક તો તે ભારતીય વળી તેમાંય, હિંદુ, તેથી તેના માટે તો તે મોટું સાહસ ગણાય. આ વાતને આજે લગભગ પચીસેક વર્ષ થયા. અધિકારીઓએ કરાચી એરપોર્ટ પર તેની ઘણી ચકાસણી કરી, પાસપોર્ટના પાને પાના તપાસ્યા, સામાન ફેંદ્યો, ફરી ચકાસ્યો, ફરી સામાન ફેંદ્યો પણ અંતે કરાચી શહેરમાં દાખલ થવાની રજા આપી. જોકે અધિકારીઓએ તેનો પાસપોર્ટ બાના તરીકે પોતાની પાસે રાખી લીધો.
કરાચીમાં ઊમોદીનો એક મિત્ર સારું ભણેલો સુસંસ્કૃત મેમણ હતો. એક સમયે તે અને તેનો નાનો ભાઈ પાકિસ્તાનની યુનાઈટેડ બેંકના પાર્ટનર-ડીરેક્ટર હતા. પણ ૧૯૭૧માં જ્યારે પાકિસ્તાની સરકારે બેંકનું રાષ્ટ્રિયકરણ કર્યું ત્યારે તેમણે તેમનો બેંકિંગનો મુળ વ્યવસાય છોડીને બીજા ક્ષેત્રમાં ઝંપલાવવું પડ્યું હતું. અત્યારે તેઓ એક એર-કન્ડીશનર કંપની ચલાવે છે. તે કંપનીના મૂળ માલિકો પારસી હતા જેઓ હવે કેનેડામાં સ્થાયી થયા છે. રાજકીય અસ્થિરતા અને ઉગ્ર કોમવાદી સામાજ હોવાથી, સુન્ની મુસલમાનો સિવાય બીજા કોઈ પણ લોકો માટે પાકિસ્તાનમાં રહેવું તે લોઢાના ચણા ચાવવા સમાન છે. સવારે છાપું વાંચતી વખતે ઊમોદીની નજર અનાયાસે જ પાકિસ્તાન-રેલવેની મોટી જાહેરખબર પર પડી હતી. ભંગી તરીકેની નોકરી મેળવવામાં કયા ઊમેદવારો સફળ થયા છે તેની તેમાં લાંબી સૂચિ હતી. ભારતમાં સંડાસ સફાઈ કરતા કામદારને જાહેરખબરમાં જો ‘ભંગી’ તરીકે ઓળખાવાય તો તે મોટો ગુનો ગણાય છે પણ પાકિસ્તાનમાં તેવું નથી. સૂચિ જોઈને ઊમોદીને ઘણું જ અચરજ થયું. શું તે એક યોગાનુયોગ જ હશે કે સૂચીમાં બધા જ હિંદુઓ હતા? કેમ એક પણ મુસલમાન તે માં ન જડ્યો? તેને રંજ થાય તે સ્વાભાવિક હતું.
ઊમોદી માટે રોજ સવાર-સાંજ શાકાહારી ભોજનની જવાબદારી પેલા મોટા ભાઈની પત્નીએ ઉપાડી લીધેલી. તે પોતે જ ટિફિન લઈને તેમની સદર સ્થિત ઓફિસમાં આવી જતી. સદર વિસ્તાર મુંબઈના મુખ્ય બજારો કાલબાદેવી, નળ-બજાર, લુહાર-ચાલ, જેવો લાગે. જોકે ચહેલપહેલ મુંબઈના પ્રમાણમાં ઘણી ઓછી. જમતી વખતે ઘણી ચર્ચાઓ થતી. ઊમોદી સાથે તેઓ ગુજરાતીમાં જ સાહજિક રીતે વાત કરતા અને ‘ડોન’ સમાચારપત્રની ગુજરાતી આવૃત્તિ વાંચતા. એક દિવસ જ્યારે તેમનો કોલેજ જતો પુત્ર બાપની જોડે ઓફિસે આવેલો ત્યારે ઊમોદીએ પુછ્યું, “તમારો દીકરો પણ તમારા જેવું ગુજરાતી જાણે?” આ નિર્દોષ પ્રશ્નનો જે ઉત્તર મળ્યો તેનાથી પાકિસ્તાનનું રાજકીય ચિત્ર ઘણું સ્પષ્ટ થયું. તેમણે કહ્યું: “ઘરમાં અમે મા-બાપ ગુજરાતીમાં વાત કરીએ તેથી તે ગુજરાતી સમજે ખરો પણ અમે તેને ગુજરાતીનો બહુ ઉપયોગ કરતા અટકાવીએ કારણકે ગુજરાતી બોલતા માણસની ઓળખ અહીં મુજાહીર (ભારતથી આવેલા ભારરૂપ નિરાશ્રિતો) તરીકેની છે. અમે કરાચીમાં દસ પેઢી કરતાંય વધુ સમયથી ઠરીઠામ થયા છીયે તોય તેઓને દરરોજ વગર મફતનું અપમાનિત થયા કરવું પડતું હોય છે તેથી ઘરની બહાર તો સહુ ઉર્દૂ જ બોલવાનું કરે. અમારા દેશની એક શોકાંતિકા તો એ છે કે ઉર્દૂ, જે અમારા દેશના એક પણ પ્રાંતની ભાષા ન હોવા છતાં તેને રાષ્ટ્રભાષાનો દરજ્જો છે. ઉર્દૂ તો ભારતીય ભાષા છે. ભાગલાના કાળે ભારતથી અહીં આવીને વસેલા લોકોની તે ભાષા છે. પાકિસ્તાનની મૂળ ભાષાઓ તો પંજાબી, સિંધી, બલોચ, પુશ્તુ વગેરે છે, ઉર્દૂ નહીં. કરાચીમાં ગુજરાતીઓ ઘણા પણ ગુજરાતી ભાષા તો બસ અહીં અમારી પેઢી છે ત્યાં સુધી રહેશે અને તે પછી જો એ લુપ્ત ન થાય તો એક આશ્ચર્ય ગણાશે.”
વચ્ચે એક રવિવાર આવ્યો, તે દિવસે કરાચીમાં ભ્રમણ કર્યું. ક્લિફ્ટન નો દરિયા કિનારો મુંબઈના નરીમાન-પોઈન્ટ સાથે લોકો સરખાવતા હોય છે. દાઊદ ઈબ્રાહિમ હજુ મુંબઈમાંથી જ બેઠો બેઠો પોતાના કાળા કરતુતોને અંજામ આપતો હતો. પણ ૧૯૯૩ પછી જ્યારે તે પાકિસ્તાન નાસી ગયો ત્યારથી આજ સુધી તેને પોતાનું રહેઠાણ આ ક્લિફ્ટન વિસ્તારમાં જ રાખ્યું છે. ક્લિફ્ટન પહોંચતા પહેલા બેનાઝીર ભુત્તોનો મોટો બંગલો આવ્યો. તે કાળે બેનાઝીર ત્યાં નહોતી. પિતા ઝુલ્ફીકાર ભુત્તોને જનરલ ઝીયાએ ફાંસી આપી પછી પોતાની સલામતી માટે દુબાઈમાં અને લંડનમાં દેશવટો ભોગવતા ભોગવતા પોતાના બાળકોને નિશાળમાં શિક્ષણ અપાવી રહી હતી. તેના બંગલાને અડોઅડ ઊંચી-ઊંચી દિવાલની વાડ વાળુ રશિયા દેશનું રાજદૂતાવાસ છે. ક્લિફ્ટનનો સમુદ્ર કિનારો માણીને કરાચી શહેરમાં અમસ્તું જ ડ્રાઈવ કર્યું અને સદરના તીન-તલવાર રાઉન્ડઅબાઉટ થી વળીને પાછા આવ્યા. પાકિસ્તાનના રસ્તાઓ ઉપર ચાલતી બસો અને ખટારાઓ આપણું ધ્યાન આકર્ષિત કરે. જાણે મંડપમાં જતી નવવધૂ હોય તેમ વાહનોને શણગારેલા હોય.
વચ્ચે એક દિવસ પાકિસ્તાન બાબતે વાત કરતા કરતા એક ભાઈ એવું બોલી ગયો, જે અનપેક્ષિત તો હતું જ પણ તે કહેવા પાછળ તેનું જે ચિંતન હતું તેનાથી ઊમોદી વિચાર કરતો થઈ ગયો અને ભારતને નવોદિત માનથી જોતો કરી દીધો. વાતમાં ને વાતમાં તે બહુ સહજ ભાવે બોલી ઊઠ્યો કે પાકિસ્તાન બહુ લાંબુ નહીં ટકે. ઊમોદીએ આશ્ચર્યથી પુછ્યું કે એમ શા પરથી કહો છો? જે વિગતવાર તર્કસંગત જવાબ એણે આપ્યો તે સહુએ સમજવા જેવો છે. તેણે કહ્યું, “એક તો એ કે દેશની સફળતા માટે તેની આગવી ઓળખ હોવી જોઈએ અને બીજું તે દેશના પોતાના ઈતિહાસમાં કે દંતકથાઓમાં એવા હીરાઓ હોવા જોઈએ કે જે બાળકોને પોતાના લાગે અને તેમની વાતો સાંભળીને તેના જેવા મહાન બનવાનું મન થાય. અમારે ત્યાં આ બન્ને તત્ત્વનો અભાવ છે.”
મૌલિકતાની પહેલી વાત સ્પષ્ટ કરતા તેણે કહ્યું, “અમારી ઉર્દૂ ભાષાની લીપી અરબી કે ઈરાની, શબ્દો ઈરાની કે હિંદુસ્તાની અને વ્યાકરણ હિંદુસ્તાની, અમારું કાંઈ નહીં. અમે બિરયાની, દાળ-કરી, કોફ્તા કે કોઈ પણ અમારી રસોઈ બનાવીએ તો પરદેશીઓ એને ઇંડિયન-ફુડ જ કહે. અમારા સારા સારા કલાકારો અમારું ક્લાસિકલ સંગીત વગાડે તો પણ તે કહેવાય ભારતીય, અરે અમારો પહેરવેશ સુધ્ધાં લોકો ભારતીય ગણાવતા તેથી સરકારે સાડીના બદલે પંજાબી સુટનો આગ્રહ રાખ્યો છે, પણ અંતે તો તે ય પણ ભારતીય જ ને?”. “એટલે કે અમારું પાકિસ્તાનનું ખાસ શું? પાકિસ્તાનની જ ગણાય તેવી અમારી આગવી વિશેષતા શું? વિશ્વફલક પર અમારી આઈડેન્ટીટી શું? આવો દેશ કેમ ટકે જેના નાગરિકોની પાસે પાકિસ્તાની હોવાનો સંતોષ કે ગૌરવ કે કારણ ન હોય. બસ, ભારતની સાથે વેર તે જ એક સહુને બાંધતો ગુંદર છે”. મિત્રનો બળાપો સાચો હતો. ઊમોદીએ પોતાના અનેક વિદેશ પ્રવાસોમાં તે અનુભવ્યું હતું કે પરદેશમાં પાકિસ્તાનીઓ પોતાની નાગરિકતા કે વતન માટે ક્ષોભ અનુભવતા હોય છે અને તેથી છૂપાવવાનો ભરચક પ્રયાસ કરતા હોય તેવું દેખાય છે. તેઓ પોતાને ‘ઇંડિયન’ અથવા ‘સાઉથ એશિયન’ તરીકે ખપાવવા મથતા હોય છે. ‘સાઉથ એશિયા’ એટલે ચાર-પાંચ દેશોનો એ સમૂહ, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ, નેપાળ વગેરે દેશોનો સમાવેશ થાય. તેથી ‘સાઉથ એશિયન’ કહે તો પોતે પાકિસ્તાની છે એવી સ્પષ્ટતા કરવામાંથી બચી જવાય. ઊમોદીએ જાતે લંડન, ગ્લાસગો, બ્રસેલ્સ વિગેરે શહેરોમાં જ્યાં અનેક પાકિસ્તાની અને બંગલાદેશીઓ વસે છે ત્યાં પોતાને અને પોતાની રેસ્ટોરાંને ઇંડિયન રેસ્ટોરાં એમ તેમને કહેવડાવતા જોયા છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં તમે કોઈ પણ અજાણ્યાને પૂછો કે તમારું મૂળ વતન કયું? અને જો જવાબ મળે કે “સાઊથ એશિયા” તો નક્કી એમ માનવું કે તે પાકિસ્તાની જ હશે. ભારતનો માણસ તો ગર્વથી કહેશે કે તે “ઇંડિયન” છે.
બે ક્ષણ વિરામ લઈને તેણે આગળ ચલાવ્યું, “આજના બાળકો કાલે મોટા થઈ દેશ ચલાવવાના છે. કેવો ચલાવશે? પ્રજાનું કેટલું ભલું કરશે? આનો અંદાજ તેમના ચારિત્ર્ય ઘડતર પરથી આંકી શકાય. અને ચારિત્ર્ય ઘડતરનો આધાર બચપણમાં તેઓએ કેવા આદર્શો મનમાં કેળવ્યા હોય તેના પર છે. નાનપણમાં બાળકને મા અને બાપ ‘હીરો’ કે આદર્શ જણાય, મોટો થાય ત્યારે કોઈ શિક્ષક, સ્પોર્ટ્સમેન કે ઐતિહાસિક વ્યક્તિ તેના રોલ-મોડેલ બને છે અને તેનાં જેવું બનવાનો પ્રયત્ન જાણેઅજાણે તે બાળક જીવનભર કરે છે.  તમારે ત્યાં કેવા ચમકતા હીરાઓ છે, ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર, પુરાતન કાળ ના રાજા હરીશચંદ્ર કે મહાભારતના ભીમ, અર્જુન વગેરે. પણ કમનસીબે અમારે ત્યાં એવું કોઈ નથી”. મિત્રની આ વાત પર ઊમોદીને વિશ્વાસ ન આવ્યો. તેને આ ભારે અતિશયોક્તિ ભરેલું લાગ્યું. તેણે વિરોધ દર્શાવતા વચ્ચેથી અટકાવીને પુછ્યુ, “એમ કેમ બને? શું મહમ્મદ અલી ઝીણા, મુસ્લિમ બાદશાહો, ઈસ્લામના મોટા માણસો એ બધામાંથી તમને કોઈ એવા નથી લાગતા કે જે અનુકરણીય હોય, જે ને આદર્શ માની શકાય?“ ઊમોદીની મંદ સમજણ માટે કે એવા બીજા કોઈ કારણસર, મોટો ભાઈ જવાબ દેતાં જાણે સહેજ અકળાયો હોય તેવું લાગ્યું. તેણે કહ્યું, “બધાને ખબર છે કે મહમ્મદ અલી ઝીણા ‘મોડર્ન’ હતા, દેશને ‘સેક્યુલર’ બનાવવા માગતા હતા, પોતે ન તો રોજા રાખતા, કે ન નમાઝ નિયમિત અદા કરતા અને ઇસ્લામના શિક્ષણની સાવ વિરુદ્ધ રોજ શરાબ પીતા. હવે કહો, શું ઇસ્લામના સોગંદ લેવાવાળાઓના તે રોલ-મોડેલ બની શકે?” નાના ભાઈને ખબર હતી કે મોટા ભાઈના મનમાં યોગ્ય સારા રોલ-મોડેલ નું ન હોવું તે બહુ જ મોટી ખામી છે અને તેથી હવે વાત લાંબી ચાલશે. પણ ટૂંકમાં પતાવવા, વાતનો દોર નાના ભાઈએ પોતાના હાથમાં લઈ લીધો. તેણે ઉમેર્યુ, “બાળકોને બ્રિટિશ કાળ, મોગલ કાળ, અને તે પહેલાના મુસલમાન બાદશાહો વિષે ઈતિહાસમાં ભણાવે તો ખરા પણ તેમાં વાતો તો દિલ્હી, આગ્રા કે લખનૌ, કાનપુરની જ હોય ને? જુના કાળના રાજ્યકર્તાઓ કરાચી-રાવલપીંડીં, પેશાવર લાહોરની ઓછા હોય? વિદ્યાર્થીઓ વધુ વિચારે તો એમના ખ્યાલમાં તરત જ આવી જાય કે તે પાકિસ્તાનના નહીં પણ ભારતનાં બાદશાહો વિશે ભણી રહ્યા છે અને પોતાના દેશનું તો કોઈ નોંધપાત્ર મોટું પાત્ર તો છે જ નહીં. તે સિવાયના બીજા, જેવા કે તૈમુર, નાદીર, ગઝનવી, ધોરી વગેરે તો તુર્કી, મોંગોલ કે ઈરાની હુમલાખોર હતાં, જે ભારતની દોલત લુંટવા વખતો વખત ભારત પર ચઢાઈ કરતા. આમાં પાકિસ્તાનનું ગૌરવ વધે તેવું કોઈ પાત્ર નથી હા, ઈસ્લામના ઇતિહાસમાં ઘણી મોટી હસ્તીઓ છે. પરંતુ તેઓ કોઈ ને કોઈ વિવાદમાં પડેલી દેખાય છે. ખલીલ જીબ્રાન, સાદી, હાફીઝ, ઈબ્ન સીના, જેવા વિચારકોએ મુલ્લાઓની થોડીક ઠેકડી ઊડાડી હોવાથી તે લોકો સર્વમાન્ય નથી, વળી અમૂક શીયા પંથને માન્ય હોય પણ અમારા સુન્ની પંથ વાળા તેને દુશ્મનાવટ ભરી નજરથી જોતા હોય છે. તમને કદાચ ખબર નહીં હોય પણ અમારા પવિત્ર કુરાનેશરીફ પર સારામાં સારા પુસ્તકો હિંદુસ્તાનના જ વિદ્વાન લેખકોએ લખેલા હોય છે જે હજી પણ અમે મંગાવીએ છીએ. અને તેમ છતાં, ખુદા ન ખાસ્તા જો કોઈ માણસ હિંદુસ્તાનના શખ્સના વખાણ ભૂલથી પણ કરે તો અહીંના લોકો તેને ઇંડીયાનો એજન્ટ કહીને બદનામ કરે. આમ અમારો સમાજ દિશાવિહીન થઈ ભટકી રહ્યો છે. અમને કોઈ સારો નેતા મળ્યો નથી."........ વાતો તો લાંબી ચાલી પણ, ઊમોદી તો સ્વગત સ્વાધ્યાય વાળા પાંડુરંગ દાદાનું એક પ્રવચન વાગોળવામાં પડી ગયો હતો. જન્મજાત દરેક માનવી, વીરતા, સત્ય, ખુમારી જેવા સદગુણો નો પૂજક હોય છે. આવા ગુણો ના દર્શન તેને જે વ્યક્તિમાં થાય તે તેનો હીરો કે આદર્શ બની જાય છે. માનવના તે નૈસર્ગીક ગુણનો ઊપયોગ ઋષિઓએ માનવીના સર્વાંગીણ વિકાસ હેતુ થાય તે માટે માતૃદેવો ભવથી શરુ કરી મુર્તિ-પુજા સુધીની જે વ્યવસ્થા ભારતમાં નિર્માણ કરી છે તેની અતુલનીયતાનું દર્શન થયું. સમજમાં આવવા લાગ્યું કે તે દેશ કેમ કોઈ વિશ્વસ્તરીય લીડર, સાહિત્યકાર, ચિત્રકાર કે ફિલોસૉફર-ચિંતક હજુ પેદા કરી શક્યો નથી. તેમણે બંગલાદેશ કેમ ગુમાવ્યું અને આજ દિવસ સુધી લોકશાહી કેમ ત્યાં સ્થિર નથી થઈ શકી. કોઈ તેજસ્વી ચમકતો હીરો કેમ ત્યાં દેખાતો નથી.
તેને સ્મરણ થઈ આવી એક જૂની વાત, સત્યના પૂજારી તરીકે વિશ્વમાં નામના મેળવનાર ગાંધીજીએ સત્યની પ્રેરણા બાળપણમાં ‘રાજા હરીશચંદ્ર’ નામના નાટકમાંથી મેળવી હતી. કદાચ બીજા ઘણા સત્યના ઉપાસકો દુનિયામાં હશે પણ સુર્યવંશનો તે રાજા ગાંધીજીને પોતીકો લાગ્યો, અનુકરણીય લાગ્યો. ભારતીય પુરાતન સંસ્કૃતીની રચના કરનારા ઋષિઓ માટે ઊમોદીનો આદર બેવડો થયો.
કરાચીથી આગળ જતી કનેક્ટીંગ ફ્લાઈટનો દિવસ અને સમય આવ્યે તેણે પોતાના પાકિસ્તાની મિત્રોની રજા લીધી. વિમાન અધ્ધર થયું અને દક્ષિણ દિશાનો રસ્તો પકડ્યો. પૂર્વ ક્ષિતિજ પર નજર પડતાં જ ભારતના કચ્છ-સૌરાષ્ટ્રનો કિનારો દૃષ્ટિગોચર થયો. મુંબઈની અને તેમાં બેઠેલી પોતાની મા ઊર્મિલા બહેનની યાદ આવી, નાનપણમાં કેવી કેવી રોમાંચક વાર્તાઓ તે કહેતી. શિવાજીના સેનાપતી તાનાજી જ્યારે પાટલા-ઘો ને સહ્યાદ્રિના કોઈ ગઢ પર નાખીને તેને બાંધેલા દોરડાથી ગઢ ચડતો ત્યારે ઊમોદી પણ તાનાજીની પાછળ પાછળ કિલ્લાના કાંગરા સુધી પહોંચી જતો. શિવાજીએ જ્યારે કહ્યું કે “ગઢ આલા પણ સિંહ ગેલા” ત્યારે જાણે શિવાજીના દરબારમાં ઊમોદી તેમની સામે જ બેઠો હતો. રાણા પ્રતાપ જ્યારે ઘાસનો રોટલો બનાવીને ખાતો ત્યારે ઊમોદી પણ નક્કી કરી લેતો કે અકબરને સલામ ભરીને રાજમહેલમાં મિષ્ટાન્નના ભોજન કરતા પોતાનું અને પોતાની સંસ્કૃતિનું ગૌરવ જાળવતા ઘાસનો સૂકો રોટલો ખાવો વધુ શ્રેયસ છે. પૃથ્વિરાજ ચૌહાણ, પોરસ, રાણી લક્ષ્મી બાઈ, અહલ્યા બાઈ, વગેરે સહુ તેને પોતીકા લાગતા. ૩૦-૩૨,૦૦૦ ફુટની ઊંચાઈએ સલવાર-કમીઝમાં સજ્જ પીઆઈએની એરહોસ્ટેસે જોયું કે બારીની બહાર જોઈ રહેલા ઊમોદીની આંખો એકાએક ભીની થઈ ગઈ હતી. કદાચ પ્રકાશ આકરો લાગ્યો હશે, તેણે સહેજ સ્મિત આપીને બારી પરનું શટર અડધું બંધ કરી આપ્યું.
----    ----    ----
પોસ્ટ-સ્ક્રિપ્ટ, લેખકે પાછળથી જોડેલી એક-બે વાત: પાકિસ્તાનના તે બેઉ ભાઈઓના પરિવારોની સલામતી જોખમાય નહીં તે શુભ હેતુથી તેમના નામ ગુપ્ત રાખ્યા છે. તેઓએ હવે કરાચીને કાયમ માટે છોડી દીધું છે અને હાલ દુબાઈમાં રહે છે. ઉમર પ્રમાણે નાદુરસ્ત સ્વાસ્થ્ય રહેતું હોવા છતાં વારે તહેવારે, દુબાઈમાં યોજાતા ગુજરાતી નાટકો કે મુશાયરામાં તેમની મુલાકાત હજુ થઈ જાય છે. કરાચીના ‘ભંગીઓ’ બાબતે લેખકનું જે પ્રથમ-દર્શી અવલોકન હતું તે પાકું થયું. લેખિકા એલાઈસ આલ્બિના રચીત ૨૦૦૮ના પ્રસીધ્ધ પુસ્તક ‘એમ્પાયર્સ ઓફ ઇંડસ’ માં લેખિકાએ હિંદુ ભંગીઓનું વર્ણન કર્યું છે. એલાઈસની નજર કરાચીમાં રસ્તાપર પડી જ્યાં મેનહોલમાંથી એક માણસ ગટરના ગંઘાતા પાણીથી નીતરતો બહાર નીકળી રહ્યો હતો. તે એને મળી અને સાંજે તેમની વસાહતમાં જઈને અનેક ‘ભંગી’ઓના તેણે ઈંટરવ્યુઓ લીધા અને તેનો સાર પોતાના પુસ્તકમાં લખ્યો છે. ૮૪ વર્ષના વયોવૃધ્ધ ઊર્મિલા બહેન હજુ છે અને મળો તો હજુ અલકમલકની પ્રેરણાદાયી વાત કરશે. 🚩