Sunday, February 18, 2018

વિવિધતામાં એકતાનું દર્શન


ભારતમાં કહેવાય  છે કે દર બાર ગાઉએ બોલી બદલાય છે, વેષ-ભૂષા અને ખાન-પાન બદલાય છે. પરંતુ આપણે ઘણા ના મોઢે એવું સાંભળ્યું છે કે ભારત દેશની એ વિશિષ્ટતા છે કે અહીંના લોકોમાં ભલે ગમ્મે તેટલી વિવિધતાઓ દેખાય પણ તેઓમાં એકતા નું એક અદ્રષ્ટ ઝરણું વહે છે. પણ એક વિચાર મનમાં જરૂર ઉભો થાય કે વિવિધતા અને એકતા એ બેઉ તો પરસ્પર વિરોધી છે. જ્યાં વિવિધતા હોય ત્યાં એકતા સંભવી જ કેમ શકે? તો ભારત દેશની આ એકતા નું રહસ્ય શું છે?

 

રંગરંગીત સુંદર મણકા થી બનેલી માળા કેટલી મનોહર લાગે છે? એ સુંદર માળા નો દરેક મણકો એક અદ્રષ્ય તંતુ થી જોડાએલો છે. આ તંતુ ભલે આંખોથી દેખાતો નથી પરંતુ માળાના અસ્તિત્વનું તે જ ખરૂં કારણ છે. આપણે સહુ ભલે જુદી ભાષાઓ બોલતા હોઈએ, અલગ અલગ ધર્મોના અનુયાઈ હોઈએ, ઓછા-વત્તા ધનીક હોઈએ પણ એક જ મા, મા ભારતી ના આપણે પુત્ર-પુત્રીઓ છીએ. વિશ્વ આખા માં બીજો કોઈ દેશ એવો નથી કે જે દેશની સંસ્કૃતી એવું સમજાવે છે કે ઈશ્વર કણે કણમાં બધે જ વસેલો છે. તે આપણા સહુમાં, પ્રાણીથી લઈ વનસ્પતિ, નદી-નાળા અને પર્વતોમાં એમ બધે વસે છે. આ સંદેશની શક્તિ જોઈલો, તે શક્તિને પ્રતાપે આપણને સહુ લોકો આપણા જ હોય તેવું લાગે છે. વળી આપણા પૂર્વજોએ वसुधैव कुटुम्बकम् કહીને આખું વિશ્વ મારો જ પરિવાર છે તેવું આપણા જીવનમાં સહજ વણી દીધું છે. આવી મૌલીક વિચારધારા આપણને બીજા દેશોના નાગરિકો કરતા વધુ સહિષ્ણુ બનાવે છે. વળી તેને જ લીધે નાના-મોટા વિખવાદો નું રૂપાંતર મોટા ઝગડા કે ઝેરીલા સંઘર્ષમાં થતું નથી અને આપણું ઐક્ય ભાંગતુ નથી.

ભારતમાં આપણા સહુની માતૃભાષાઓ ભલે વિવિધ હોય પણ તે સહુ ભાષાની જનની તો એક જ છે ને? તે એટલે આપણી સંસ્કૃત ભાષા. એ સંસ્કૃત ભાષામાંથી જ હિંદી, ગુજરાતી, મરાઠી કે મલયાલમ એમ ભારતની બધી ભાષાઓ કાળક્રમે ઊદભવી છે. ભાષાવિદોના કહેવા પ્રમાણે તામીલ ભાષાના લગભગ અડધોઅડધ શબ્દો તો સંસ્કૃત ના જ છે. હજારો વર્ષોથી ખેડાએલી આ સંસ્કૃત ભાષામાં વિપુલ સાહિત્ય છે. જે તત્ત્વજ્ઞાન, જે આચારવિચારો સંસ્કૃત ભાષાને લીધે આપણા આ ભૂમિખંડમાં સ્થિર થયા છે તેને જ આપણે “સંસ્કૃતી” કહીએ છીએ. આ પ્રમાણે સંસ્કૃતમાંથી આવેલી છે તેને જ ખરેખર સંસ્કૃતી કહેવાય. આપણી માતૃભાષા સંસ્કૃતમાંથી આવેલી છે માટે તેમાંનું તત્ત્વજ્ઞાન, આચારવિચાર, નૃત્ય, સંગીત જાણે અજાણ્યે આપણા સહુના લોહીમાં આવી વસ્યું છે. ભલે આપણામાં થી કોઈ ઊત્તરથી આવ્યો હોય કે દક્ષિણથી, પૂર્વથી કે પશ્ચિમથી પરંતુ તે પણ આપણી જેમ માતૃ દેવો ભવ એમ જ કહેવાનો, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ એવું જ બોલવાનો. આખા ભારતની બાળવાર્તાઓમાં ચાંદા મામા હશે અને સુરજ દાદા હશે, કારણ કે આપણા સહુની મૂળ સંસ્કૃતી એક જ છે.

વ્યક્તિ કાશ્મીરનો હોય કે કેરળનો, તેના માટે પણ સત્યવાદીનો આદર્શ હરીશચન્દ્ર જ હોય, પુત્રનો શ્રવણ, યોદ્ધાનો અર્જુન, રાજ્ય વ્યવસ્થાનો રામરાજ્ય જ હોય. માણસ ગુજરાતનો હોય કે અરૂણાચલનો, હિંમત અને વીરતા માટે રાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ભગતસિંહ કે રાણી લક્ષ્મીબાઈને જ યાદ કરતો હશે. આવી અનેક એક સરખી વાતોથી આપણે એકતાનો અનુભવ કરીએ છીએ.

 

 

આપણામાં આટલી બધી વિવિધતાઓ હોવી તે જગતના લોકો માટે આ મોટો અચંબો છે. વિશ્વના બીજા દેશમાં કાં તો એક કે બે ભાષાઓ ચાલતી હોય અથવા એકાદ જ મુખ્ય ધર્મ હોય જ્યારે અહીં તો ૨૨-૨૩ મુખ્ય ભાષાઓ અને જગતના બધાય ૫-૬ ધર્મો!! તેમાંય ૧૨૭ કરોડની વિશાળ જનસંખ્યા અને લગભગ ૩૩ લાખ વર્ગ કીમી ક્ષેત્રફળ વાળો મોટો દેશ. પરદેશીઓના મનમાં એ પ્રશ્ન હોય છે કે અધધ આવડા વિશાળ ભારતમાં કેટલી બધી વિવિધતાઓ છે અને તે છતાં સહુ એકબીજા સાથે હળીમળીને કેમ રહી શકતા હશે?

મેઘધનુષ્ય જેવી વિવિધતા અને છતા પાષાણ જેવી એકતા સહેલી નથી. તેના માટે આપણે સંસ્કૃતીના રચયીતાઓને દાદ આપવી જોઈએ. તેઓ ૠગવેદ દ્વારા એક તરફ તો એમ કહે છે કે “आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः” એટલે કે, વિશ્વ આખા માંથી વિવિધ મંગલમય વિચારો ને આવવા દો અને સાથે સાથે બીજી તરફ ઉપનિષદમાં એમ સમજાવ્યું કે, “समानी व आकूति: समाना हृदयानि व: समानमस्तु वो मनो यथा व: सुसहासति” એટલે કે હૈયાથી અને ઈરાદાથી આપણે સહુ એક બની રહીએ. આ પ્રમાણે વિવિધતા અને ઐક્ય બેઉને આપણે હજારો વર્ષોથી સ્વિકાર્યા છે અને વિવિધતામાં એકતા હોવી તે ભારતમાં આપણા માટે સ્વાભાવિક બની ગયું છે.

 

આપણે બીજા કોઈ દેશોના આચાર-વિચાર જોઈએ તો એક વાત સ્પષ્ટ દેખાશે કે સહુ પોતપોતાનો વિકાસ, પોતાનો જ વિજય, બીજાની હાર, પોતે જ સાચા, બાકી બધા ખોટા, બસ એવી જ ઈચ્છા, દુવા-પ્રાર્થના કરતા હોય છે. આપણે ત્યાં એવું નથી. આપણી તો પ્રાર્થના, ઊપનિષદમાં એમ કહે છે કે, “ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत् । ॐ शान्तिः शान्तिः शान्तिः॥“ હે પ્રભુ, મારા એકલાનું જ નહીં પરંતુ સહુ લોકો સુખી રહે, સહુનું સ્વાસ્થ્ય સારુ રહે, બધે શાન્તિ બની રહે.

 

બીજા દેશોમાં પોતાના શીવાય બીજા માટે પ્રેમ, સદભાવના અને આદર નૈસર્ગીક રીતે સંસ્કૃતીમાં મળતા ન હોવાથી તે દેશોને કેટકેટલીય સંસ્થાઓ, ફોરમો જેવી કે, “Inter-religious Dialogues” “Sustaining Multi-culturalism”, “Respect for Diversity” “Tolerance for other religious/ethnic groups” વગેરે ઉભી કરીને હળીમળીને રહેતા શીખવાડવું પડે છે. વિવિધતામાં એકતા આપણા વીચારશીલ પૂર્વજો, ૠષીઓએ કરેલા અથાગ પરિશ્રમને લીધે આપણને ગળથુથીમાં મળી છે.

 

પરદેશમાં કોઈ અજાણ્યા ને પણ જો આપણી ભાષામાં બોલતો જોઈએ તો તે આપણો લાગે. જો તે મુશ્કેલીમાં હોય તો સ્વાભાવિક જ આપણને મદદ કરવાનું મન થાય. પરાયો ક્યારે આપણો લાગે તેનું વિજ્ઞાન સાવ સહેલું છે. જ્યારે સમજાય કે તે અજાણ્યો તો આપણો જ છે કે તરત તેના તરફની આપણી ઉદાસીનતા ઘટી જશે અને મમતા પોતમેળે ઉભી થશે. કહેવું પણ નહીં પડે. વિશ્વ એક કુટુંબ છે એવું મનમાં લાગે ત્યારે થાય કે અજાણ્યો અજાણ્યો નથી પણ તે આપણો છે. ભાઈ-ભાંડુઓમાં વિવિધતા હોય જ. રંગ-રૂપ, ભણતર, આવક, પસંદ-નાપસંદ એમ બધું જુદું જુદું હોય પણ સહુની બા, સંસ્કૃતી માતા એક હોવાથી આપણામાં અનેકાનેક વિવિધતા દેખાતી હોવા છતાં આપણામાં એકતા છે. ભારત માટે સાચું જ કહેવાયું છે કે અહીં અનેકતામાં એકતા છે. અદૃષ્ય વહેતા એકતાના આ સ્રોત નું દર્શન, અર્થાત તેની સમજ, તે સમજને કહી શકાય વિવિધતામાં એકતાનું દર્શન.