Wednesday, May 6, 2015

'પૂર્વ-આફ્રિકા પ્રકરણ' અથવા કહો કે 'હિંમતે મર્દા તો મદદે ખુદા પ્રકરણ'

(બહુ વિખ્યાત લેખક સલમાન રૂશદીની અતિચર્ચિત અંગ્રેજી કથા ‘સટાનીક વર્સીસ’ના મુખ્ય પાત્રની યાત્રા જેમ મુંબઈના મલબાર હીલથી શરૂ થાય છે તેવી જ રીતે આ પ્રકરણના મુખ્ય પાત્રની કથાનો પ્રારંભ પણ મલબાર હીલથી જ  થાય છે. હા, પણ તે પછી બન્ને કથાઓ ના રસ્તા જુદા પડે છે. વળી, તેમની તો તે કાલ્પનિક વાર્તા હતી જ્યારે અહીં તો આ સત્ય કથા છે.)
 
ઘોર અંધારૂ છે. ચાંદો હજુ ઊગ્યો નથી અને સુરજ ક્યારનો ડૂબી ચૂક્યો છે. ઘણે દૂર જમણી બાજુથી રહી રહી ને પ્રકાશના ઝબકારા સાથે મશીનગન ફૂટવાનો અવાજ આવી રહ્યો છે. ડાબી બાજુએ શહેર છે. ઝાંખી ઝાંખી દેખાતી તેની થોડીક દિવાબત્તીઓ પરથી અનુમાન કરી શકાય કે તે ય ઘણું દૂર હશે. કોઈ જમાનામાં આ રસ્તે લાઈટો હશે. કારણ કે રસ્તાના ભાંગ્યા-તૂટ્યા ડીવાઈડર પર સ્ક્રુ અને વાયરના અવશેષો જમીન પર મોઢું વકાસીને તારાઓ ભણી જોઈ રહ્યા છે. લાઈટના થાંભલાઓ કોઈ લૂંટી ગયા હશે. અંધારી રાતે મોગાદિશુ શહેરના આ સૂમસામ રસ્તા પર એક મોટી સ્ટેશન-વેગન કાર હમણાં જ ખોટવાઈને ઊભી રહી ગઈ છે. આંતર-વિગ્રહથી ગ્રસ્ત આ દેશમાં કાંઈ પણ ક્યાંય પણ થઈ શકે છે એ મોડું મોડું પણ ઊમોદીને તે હવે તો સમજાઈ જ ગયું હતું. સુધરાઈના કામદારો ફરજ પર આવે તે પહેલા જો વહેલી સવારે રસ્તા પર નીકળો તો કોઈ વાર ગોળીથી વિંધાએલા મડદોઓ પણ આ ગામમાં જોવા મળે એવું આ મોગાદિશુ ગામ પૂર્વ-આફ્રિકાના સોમાલીયા દેશની રાજધાની છે.
ઊમોદી માટે બંદુકની કોઈ નવીનતા નહોતી. હજી થોડા દિવસ પહેલા જ શુટીંગ રેન્જમાં પિસ્તોલ વાપરીને ટારજેટ શુટીંગ અને શોટગનથી માટીના કબૂતર- ક્લે પીજીઅન શુટીંગ તેણે કરેલું છે અને આજકાલ છાપામાં કલાશ્નીકોવ એકે-૪૭, લડાઈ, બળવો, આતંકવાદ વગેરે તો રોજ વાંચવામાં આવતું થયું છે. તેમ છતા તે બધાની વચ્ચે ખરેખર રહેવું તે સાવ બીજી જ વાત છે. કારના ત્રણે સવારો, ઊમોદી, પ્રેસીડેંટનો ભત્રીજો અને તેનો બૉડીગાર્ડ બગડેલી ગાડીમાંથી નીચે ઉતરતા, હવે શહેર કેવી રીતે પહોંચીશુ તેની ચર્ચા કરી રહ્યા હતા. ન ફોન, ન વાયરલેસ અને ન હતી કોઈ સહાયતા મળવાની શક્યતા. બસ રસ્તાને કિનારે બેસી રહો. જો જીવતા રહો અને સવારે કદાચ કોઈ ગાડી નીકળે અને લીફ્ટ મળે તેની રાહ જોવાની. પેલા બે તો સ્થાનિક, એમણે કદાચ આવો અનુભવ પહેલા થયો હશે. પણ ઊમોદી તો હજી બે દિવસ પહેલા જ આ દેશમાં આવ્યો હતો.
તારલાના મંદ અજવાળામાં બોડીગાર્ડના હાથમાં પિસ્તોલ ચળકી રહી હતી, કાને દૂરથી ગોળીબારનો અવાજ સાંભળાઈ રહ્યો હતો. ઊમોદી રસ્તાને કિનારે રેતાળ માટી અને નાનકડા કાંકરાઓ વચ્ચે આંગળીઓ ફેરવતો બેઠો હતો. થોડી વાર થઈ, મુંગા બેઠેલા ઊમોદીને જોઈને તેના સાથીદારોએ અરબી ભાષામાં અદરોઅંદર વાત કરી કે તેમનો મહેમાન બહુ ગભરાઈ ગયો લાગે છે, પરદેશી બીચારો સાવ મુંગો થઈ ગયો છે. આપણું તો જે થાય તે પણ જો તેને કોઈ રીતે તેની હોટેલે શહેરમાં સલામત પહોંચાડી દઈ શકાય તો સારૂં. ખરેખર તો આ મુસીબતમાંથી કેમ છૂટવું તે જ ઊમોદીના માથામાં પણ ચાલવું જોઈતુ હતું પણ તે માણસ કોણ જાણે કેમ આ કટોકટી વચ્ચે જાતે અનુભવેલી નિર્દોષ દુનિયાને સાંભરી રહ્યો હતો, આ રક્તરંજીત દુનિયાથી ઘણે દૂર.
ઊર્મિલા બહેનનો ‘ઊ’, મોટાનો ‘મો’ અને દીકરાનો ‘દી’. આમ ઊર્મિલા બહેનનો મોટો દીકરો એટલે ‘ઊમોદી’. તેના માટે તો પૂર્વ-આફ્રિકાનું પ્રકરણ લગભગ અડધી સદી પહેલા શરૂ થયેલું, મુંબઈના મલબાર હીલ પર ‘વર્ષા’ ના સંત્રીએ પોતાની બંદુક ઉપાડી ને ચાર-પાંચ વર્ષના એક બાળક તરફ તાકી હતી ત્યારથી. તે બાળક ભલે નાનો હતો પણ કદાચ બંદુકની તાકાતનો તેને અણસાર હશે, તેણે દોડીને સંતાવાનો પ્રયાસ કર્યો. ‘વર્ષા’ એટલે મુખ્યમંત્રી નો બંગલો. મહારાષ્ટ્ર રાજ્ય ૧૯૬૦માં બન્યું ત્યારથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમાં રહે અને તે પહેલા જે દ્વિભાષી મુંબઈ રાજ્ય હતું તેના મુખ્યમંત્રી પણ તેમાં જ રહેતા. ‘વર્ષા’ ની બરાબર સામે  આવેલા બંગલો ‘વીર ભવન’ના પ્રાંગણમાં પેલો બાળક ભાગીને અદૃશ્ય થઈ ગયો. ઊર્મિલા બહેન તેમની બે-ત્રણ વર્ષની દીકરીને નવ્હડાવીને કપડા પહેરાવી રહ્યા હતા. પણ તોય જોવા માટે બહાર નીકળ્યા કે તેમનો દીકરો કઈ શૈતાની કરીને અંદર દોડી આવ્યો છે. પેલો બાળક પણ મા ની સાડી પાછળ સંતાતો પાછો બહાર આવ્યો. ઊર્મિલા બહેનને સમજતા વાર ન લાગી; અરે આ તો રોજનું છે, રસ્તાની આ બાજુથી તેમનો દીકરો હાથની મુદ્રા કરી કે લાકડી લઈ બંદુક તાકવાનું નાટક કરે અને રસ્તાની સામેની બાજુ મુખ્યમંત્રીના અંગરક્ષકો અથવા ઝાંપે ઊભેલા સંત્રીઓ તેની રમતમાં ભાગ લેવા સામે બંદુક તાકે. એ કાળે આવું રમાઈ શકાતું હતું. જમાનો ઘણો નિર્દોષ હતો. આજના જેવો આતંકવાદ ફુલ્યોફાલ્યો ન હતો. ‘વર્ષા’માં જઈને મુખ્ચમંત્રીને વધારે પડતી રોકટોક વગર મળી પણ શકાતું.
આ બાળરમત જ્યારે બહાર રમાઈ રહી હતી તે સમય ૧૯૫૬ની ચૂંટણીનો કાળ હતો. તેથી ‘વર્ષા’ની અંદર મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી કોણ હશે તે સાવ નક્કી તો ન કહી શકાય. કાં તો મોરારજી ભાઈ દેસાઈ હોય અથવા તો હોય યશવંતરાવ ચવ્હાણ. એ જે હોય તે પણ દરવાજે તો એની રમતમાં સાથીદાર સંત્રીઓ તો એના એ જ રહેવાના ને? પેલા બાળકને કોઈ ફરક પડતો નથી કે ‘વર્ષા’ની અંદર કોણ છે. જોકે એના મા-બાપની વાત જૂદી છે. તે બેઉને રાજકારણ અને સમાજસેવાનો પહેલેથી જ ઘણો શોખ હતો. સૂચન કે ફરિયાદ મોકલવા માટે અંદર કોણ મુખ્યમંત્રી છે તેની જાણકારી તેઓ રાખે. મોરારજી ભાઈએ સ્વહસ્તે ગુજરાતી ભાષામાં લખેલું એકાદ જૂનું પોસ્ટકાર્ડ તેમના ઘરમાંથી હજુ જડી આવે છે. અત્યારે તો ઊર્મિલા બહેન પશ્ચિમ-વિલેપાર્લેમાં રહે છે પણ જો તેઓ મલબાર હીલ પર આજ હોત તો તત્કાલીન મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસને ‘વર્ષા’માં જઈને મળવું તેમને ચોક્કસ ગમતે. ખાસ એટલા માટે કે તે બેઉ એક જ ગામના તો ઠીક પણ એક જ વિસ્તારના ય ખરા. તેમનું પિયરનું ઘર અને દેવેન્દ્ર ફડનવીસનું ઘર, બેઉ નાગપુરના ઘરમપેઠમાં અને વળી મરાઠી ભાષામાં પણ ઊર્મિલા બહેન પારંગત. જો કે હાલમાં તો નથી તે રહેતા મલબાર હીલ પર કે નથી હવે આ ૮૩ વર્ષની વૃદ્ધાનું એવું સ્વાસ્થ્ય કે પોતે જઈને મળી શકે.
કહેવાય છે કે બંદુક કરતાં કલમની તાકાત વધુ હોય છે. બની શકે તે વાત સાચી હોય પણ એક વાત નક્કી છે કે બંદુકની શક્તિ કેટલી બધી છે તે સમજવા કોઈ થોથાઓ વાંચવાની કે કલમ ચલાવવાની જરૂર નથી પડતી; નાનો બાળક હોય, અભણ હોય કે પંડિત હોય, બધાય તે સમજી શકે છે. ઊર્મિલા બહેનેને તો સાવ બચપણથી જ બંદુક હાથમાં પકડવા મળતી કારણ કે. તેમના પ્રપિતા ઘોડા-ડોક્ટર, વેટરનરી સર્જન તો હતા જ અને સાથે સાથે શિકાર કરવાના શોખીન પણ હતાં. તેથી તેમના ઘરમાં બે-નાળી મોટી બંદુક હંમેશ રહેતી. તે કોઈ વાર વર્ણન પણ કરતા કે બંદુક બહુ વજનદાર હોય, ગોળી છૂટે ત્યારે બહુ આંચકો લાગે, ફોડતી વખતે જો બરાબર પકડી ન હોય તો તેના ‘રીકોઈલ’ ધક્કાથી ખભાનું હાડકું પણ કોઈક વાર ખસી જાય, વગેરે. 
પોતે શિકાર કરેલા વાઘ નો એક નખ તેમણે પૌત્રી ઊર્મિલા બહેનને આપેલો. એ જમાનામાં ગોરા અમલદારો, રાજા-મહારાજાઓ અને ઊર્મિલા બહેનના પ્રપિતા જેવા કોઈક લોકો વાઘ અને બીજા જંગલી પ્રાણીઓનો શિકાર કરવા જતા. વાઘનખ તેમણે એમ ધારીને આપ્યો હતો કે તેને સોનામાં મઢાવીને દાગીનો બનાવી શકાય. જુના જમાનામાં ગોરા અધિકારીઓ સાથે ફરવું, તેમની પાર્ટીઓ માં જવું, જંગલમાં જઈ શિકાર કરવો, મારેલા પ્રાણીઓના માથા લાકડા પર મઢાવીને ઘરની દિવાલ શોભાયમાન કરવી વગેરે વાતોનો બહુ મોભો ગણાતો. તે વખતે આ બધું ભલે પ્રતિષ્ઠિત ગણાતું હશે. પણ ઊર્મિલા બહેન ના પિતા જૂદા સ્વભાવના હતા. અતિ સંવેદનશીલ. તેમને વગર મફતની હિંસા ગમતી નહીં. તેમના સંસ્કાર ને લીધે દીકરી ઊર્મિલાને વાઘનખ નું ઘરેણું બનાવીને પહેરવાની કોઈ દિવસ ઈચ્છા થઈ નહીં. તેથી તે વાઘનખ હજુ તેમની પાસે એમ ને એમ પડ્યો છે. નખ ના મૂળ પાસે વાઘની પીળી ઘટ્ટ રૂંવાટી વાળી ચામડી પણ હજી જેમ ની તેમ ચોંટેલી છે.
વીર શિવાજી મહારાજે વાઘનખ વડે મોગલ સેનાપતિ અફઝલખાનને કેવી રીતે મારી નાખેલો તેની વાત પોતાના સંતાનો કે પૌત્ર-પૌત્રીઓને કહેતી વખતે તે કોઈક વાર સાચવી રાખેલો વાઘનખ બતાડતા. શિવાજીને આશંકા હતી કે અફઝલ દગો કરશે અને પોતાને નિહથ્થુ જાણીને મારી નાખવાનો પ્રયાસ કરશે. અને થયું પણ તેવું જ. કરાર પ્રમાણે મંત્રણા માટે બન્ને પક્ષે હથિયાર વગર આવવાનું નક્કી થયેલું. પણ દગાબાજ અફઝલખાને જ્યારે પ્રહાર કરવા છુપાવેલી તલવાર ઊગામી ત્યારે શિવાજી મહારાજે ઘા ચૂકાવી આંગળીઓ પર પહેરેલા વાઘનખથી અફઝલખાનને ચીરી નાખ્યો હતો. રાજ્યકર્તાએ કેવી દક્ષતા રાખવી જોઈએ તે શિવાજી પાસેથી શીખવું જોઈએ. મહારાષ્ટ્રના પશ્ચિમઘાટમાં પંચગની પાસે પ્રતાપગઢ નામનો કીલ્લો છે તેના દરવાજાની બહારના પ્રાંગણમાં આ ઘટના બની હતી.
મલબાર હીલનું ‘વીર ભવન’ મકાન નાનજી કાલીદાસ મહેતાનું છે. સ્ત્રી-કેળવણી માટે બહુ જાણીતી ‘આર્ય કન્યા ગુરુકુલ’ પોરબંદરમાં તેમણે જ સ્થાપેલી. તેઓ મોટા ઉદ્યોગપતિ હોવા ઉપરાંત ઉદાર દાની પણ હતા.
તેના પરિસરમાં એક અલાયદું નાનું ‘આઉટ હાઉસ’ જેવું મકાન હતું. જરૂર પડે ગેસ્ટહાઉસની જેમ તેનો ઉપયોગ થઈ શકે. નાનજી કાલિદાસ મૂળ સૌરાષ્ટ્રના. પોરબંદર પાસેના રાણાવાવ ગામે તેમણે સિમેન્ટ બનાવવાનુ ‘સૌરાષ્ટ્ર સિમેન્ટ’ નામનું વિશાળ કારખાનું સ્થાપ્યુ હતું. તે કંપનીની ઓફિસ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં છે. પેલા મસ્તીખોર છોકરાના પપ્પા મધુસૂદન ભાઈએ મુંબઈમાં પહેલી નોકરી આ કંપનીમાં કરી હતી. એ કાળે મુંબઈમાં ઘર મળવું બહુ અઘરું ગણાતું. તેથી ઘર ન મળે ત્યાં સુધી શેઠે મધુસૂદન ભાઈના કુટુંબને તે ગેસ્ટહાઉસમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.
પૂર્વ-આફ્રિકામાં નાનજી કાલિદાસ નું નામ બહુ મોટું છે. ત્યાં ના યુગાન્ડા દેશમાં શેરડીનું મોટા પાયે વાવેતર કરાવીને તેમનું ઉદ્યોગમંડળ પુષ્કળ સાકર ઉત્પન્ન કરે છે. આજ થી લગભગ સવાસો વરસ પહેલા આફ્રિકાની સફર સહેલી નહોતી. તે કાળે નાનજી કાલીદાસ મહેતા જાન જોખમમાં મૂકીને લાકડાના નાનકડા વહાણમાં અફાટ અરબી સમુદ્ર ઓળંગીને આફ્રિકા પહોંચ્યા હતા. પોતાની તે યાત્રા અને આફ્રિકાના અંગત અનુભવોનું વર્ણન કરતી આત્મકથા તેમણે લખેલી. ઊર્મિલા બહેનને વાંચવાનો ઘણો શોખ હતો. તેથી તે પુસ્તકની એક પ્રત મધુસૂદન ભાઈ વાંચવા લાવેલા.
પાકા પૂંઠા વાળું તે સચિત્ર પુસ્તક સારૂં એવું જાડું હતું, ચારસો-પાંચસો પાના તો સહેજે હશે પણ ઊર્મિલા બહેને તે બહુ જલદી વાંચી કાઢેલું. તેનું કારણ એક તો એ હતું કે તે પતિ ના શેઠે લખેલું અને બીજું તેમની સાહસ કથાઓમાં પૂર્વ-આફ્રિકાના દેશોનું વર્ણન હતું જ્યાં ઊર્મિલા બહેનની મોટી બહેન રહેતી હતી. આ ને કારણે તે પ્રદેશો માટે તેમને નૈસર્ગિક જિજ્ઞાસા હતી. મોટો દીકરો, ઊમોદી, તોફાની ખરો પણ બહુ નાની વય થી વાંચતા-લખતા શીખી ગયો હતો. તેના હાથમાં તે સાહસકથા જ્યારે તે ૮-૯ વર્ષનો થયેલો ત્યારે આવેલી. આજે તો તે ૬૪-૬૫નો થયો પણ તેને આછું આછું હજી યાદ છે કે સમુદ્રી-તોફાનો જેમતેમ પાર કરી નાનજી કાલીદાસ કેવી રીતે નાવમાં ઝાંઝિબારથી માડાગાસ્કર પંહોચેલા.
વીસ-પચીસ વર્ષ પૂર્વે રજા ગાળવા ઊમોદી એક વખત પત્ની અને તેના બેઉ સંતાનો સાથે ઝાંઝિબાર ફરવા નીકળેલો ત્યારે એ બધી વાતો ફરી તાજી થયેલી. ઝાંઝિબારને ‘આઈલેન્ડ ઓફ સ્પાઈસ’, એટલે કે ‘તેજાના નો ટાપુ’ તરીકે વિશ્વમાં ખ્યાતી મળી છે કારણકે આ દ્વિપ પર તજ, લવિંગ, એલચી, જાયફળ વગેરે પુષ્કળ માત્રામાં ઊગે છે. આ ટાપુ પર મસ્કતના અરબી સુલતાનનુ એક કાળે રાજ હોવાથી પ્રજા આરબ-હબસીનું મિશ્રણ વાળી છે. જે જમાનામાં ભારતના વેપારીઓની બોલબાલા હતી તે કાળે તેઓએ સ્થાપેલ મંદિર હજુ સલામત છે. જો કે હાલમાં તેની સંભાળ લેવા વાળું કોઈ નથી પણ ગણ્યાગાંઠ્યા જે હિંદુઓ ત્યાં બચ્યા છે તેમાંના એક બ્રાહ્મણ પરિવારને ત્યાં તે મંદિરની ચાવીઓ રાખવામાં આવે છે. નવરાત્રી કે એવા કોઈ પ્રસંગે હિંદુ સમાજને જરૂર પડે ત્યારે મંદિર ખોલી ને પુજા-આરતી-ગરબા વગેરે કરાય છે. ઊમોદી એ તે મંદિર જોવાનો આગ્રહ કર્યો ત્યારે તેના એક ઝાંઝિબારી ગુજરાતી મિત્ર દાવડા ભાઈએ મંદિર ખોલાવડાવેલું. ઝાંઝિબાર ટાપુ ત્યાંના જાયન્ટ-ટોર્ટોઈઝ અઢી ફિટ જેટલા ઊંચા મહાકાય-કાચબા માટે પણ જાણીતું છે. નાના તો ઠીક અરે મોટા માણસો પણ તેના ઉપર સવારી કરી શકે અને છતાં તે કાચબાઓને કાંઈ થાય નહીં. તે કાચબા પર સવાર થઈને તેની ઢાલ પર પથ્થર ઘસીએ તે પ્રમાણે તે સવારને ફેરવે. ઝાંઝીબારની પાસેના એક ટાપુ પર ભારતમાં અંગ્રેજોએ જે પ્રમાણે આંદમાન ટાપુ પર જેલ બનાવેલી તેવી જ ભયંકર જેલ ત્યાંના અંગ્રેજ શાસકોએ પણ બનાવેલી. તે જેલ હવે તો બ્રિટિશ-ગુલામીની યાદ અપાવતા ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે વપરાય છે.
નાનજી કાલિદાસને વહાણમાં માડાગાસ્કર પંહોચતા પહેલા જબ્બરજસ્ત તોફાનનો સામનો કરવો પડ્યો હતો. પણ તે સો-સવાસો વર્ષ પહેલાનો સમયગાળો હતો. તેની સરખામણીમાં ઊમોદી જ્યારે માડાગાસ્કર પહોંચ્યો ત્યારે એક ટકાની પણ તકલીફ પડી નહોતી. તે તો રાજધાની આન્ટાનાનારીવો ના એરપોર્ટ પર એર-ફ્રાંસના જમ્બો જેટની સગવડતાઓ માણતો ઊતરી શક્યો હતો.
ઊમોદી પોતાની માને જાણે. તેમને આફ્રિકાની વાતો સાંભળવી ગમે. તેથી આફ્રિકાની દરેક યાત્રા પછી તે માને વિગતે વાત કરે. ઊમોદીને તેના કામ અંગે એક વખત મોરિશ્યસ જવાનું થયેલું. માડાગાસ્કર કરતા ઘણાં નાના દ્વિપોના સમૂહથી આ દેશ બન્યો છે. ફ્લાઈટ માડાગાસ્કર થઈને ગઈ હતી તે ઊર્મિલા બહેને જ્યારે સાંભળ્યું તેવું જ તેમણે ‘ડોડો’ નામના પક્ષીને યાદ કર્યા. એક સમયે મોરીશ્યસ અને માડાગાસ્કર એકલવાયા ટાપૂઓ હતા અને ત્યાં જૂજ વસ્તી હતી. ઝાઝિબારની જેમ ત્યાં પણ અજોડ પશુ-પક્ષીઓ અને વનસ્પતિઓ હતી. પરંતુ આધુનિક ‘સભ્ય’ માનવીએ ત્યાં પહોંચીને તેમનો ખાત્મો કરી દીધો છે. મરઘા જેવું દેખાતું ત્યાંનું ડોડો પક્ષી સાવ લુપ્ત થઈ ગયું છે. તે મરઘાનાં કરતાં અઢી-ત્રણ ગણું મોટું હતું પણ બિલકુલ ઊડી ન શકતું. આવતા-જતા યુરોપીય સાગરખેડુઓ તેને સહેલાઈથી પકડી લેતા અને રાંધીને ખાઈ જતા. બહુ અલ્પ કાળમાં તેઓએ બધા જ ડોડોને મારી નાંખ્યાં. આજે તે જાતિ સમૂળગી નષ્ટ થઈ ગઈ છે. એક પણ પક્ષી બચ્ચું નથી. કોઈ માણસ મરી ગયો છે અને તે જીવતો હોવાની કોઈ શક્યતા નથી તે દર્શાવવા માટે અંગ્રેજી ભાષામાં એક શબ્દપ્રયોગ છે, ‘He is dead as a dodo’. આપણે ત્યાં ભારતમાં મોર પક્ષીઓના પણ લગભગ તેવા જ બેહાલ થયા છે. શાકાહારી પ્રજાની વસ્તી જે રાજ્યોમાં વધારે છે તેવા ગુજરાત અને રાજસ્થાન આ બે રાજ્યો માં જ હવે થોડાઘણાં મોર બચ્યા છે.
ન્યુઝીલેન્ડ અને ન્યુગીની ટાપુઓના જંગલોમાં પણ અમૂક પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ બહુ મુશ્કેલીથી લુપ્ત થતાં અટકાવાયા છે. સોકોત્રા નામના દ્વિપ પર હજુ ઘણી દુર્લભ પશુ-પક્ષી-વનસ્પતીઓ જોઈ શકાય છે. આ સોકોત્રા ટાપુ હાલમાં યેમેન દેશનો ભાગ છે અને દરિયા વચ્ચે યેમેન અને સોમાલીયા દેશો થી લગભગ સમાન અંતરે સ્થિત છે. આ સાવ સુકોભઠ ટાપુ જગત નું એક આશ્ચર્ય ગણાય છે. હવામાનની પ્રતિકૂળતાને લીધે વસ્તી બહુ જ ઓછી હોવાથી ત્યાંની નૈસર્ગિક જીવસૃષ્ટિ હજૂ સુધી વગર વિક્ષેપે ટકી રહી છે. આને કારણે પ્રકૃતિવિદોની મંડળીમાં સોકોત્રા ટાપુ ખ્યાતિ પ્રાપ્ત છે. વિશ્વમાં બીજે ક્યાંય ન મળે તેવા ઝાડ-પાન અને જીવ-જંતુઓ અહીં જોવા મળે છે.
નષ્ટ પ્રાય થઈ રહેલી પશુ-પક્ષી-વનસ્પતિઓ નું સંરક્ષણ તો થવું જ જોઈએ પણ અહીં વર્તમાનમાં મોગાદિશુના ભેંકાર રસ્તાને કિનારે હજુ ત્રણ જણા એમ જ બેઠા છે. એમના રક્ષણનો કોઈ ઉપાય દેખાતો નથી. રસ્તા પર કોઈ વાહન ફરક્યું નથી કે નથી કોઈ વાહન ફરકવાની આશા. આમ ક્યાં સુધી રાહ જોવાય? કોઈ બદમાશ આવી ચડશે તો?
તથાકથિત વિદ્વાનો નષ્ટ પ્રાય થઈ રહેલી પશુ-પક્ષી-વનસ્પતિઓના સંરક્ષણની ચિંતા કરે છે તે યોગ્ય જ છે પરંતુ તે જ વિદ્વાનો જે અનેક માનવ-સંસ્કૃતિઓ નષ્ટ પ્રાય થઈ રહી છે તેને બચાવવા માટે કાંઈ કરતા નથી. ઊમોદીને એ વિચાર જરૂર આવે કે વિસ્તારવાદી ક્રિશ્ચીયન અને ઈસ્લામ જેવા પંથના મદાંધ અનુયાયીઓએ પોતાનો પંથ બીજા પર થોપવા જગતની કેટકેટલી  વિકસિત સંસ્કૃતીઓનો બળજબરીથી નાશ કરી કાઢ્યો છે. ખાસ કરીને યુરોપ, અમેરિકા અને પશ્ચિમ-એશિયામાં ગ્રીક, વાઈકિંગ, કેલ્ટ, જરેમેનીક, ઈજીપ્શીયન, મય, ઈન્કા, વગેરે લોકો જે નિસર્ગનું મહત્વ સમજતા તેઓ સાવ લુપ્ત થઈ ચૂક્યા છે. જરથોસ્ત્રી, માઓરી, જિપ્સી, અમેરિકા-કેનેડા-ઓસ્ટ્રેલિયાના મૂળ વતનીઓ જેવા થોડાંક માનવ સમૂહો લુપ્ત થવાને આરે આવીને ઊભા છે. ભારતની મૂળ સંસ્કૃતીનો પણ વિનાશ કરી તેની જગ્યાએ આ વટાળવાદીઓ ભારતમાં પરદેશી પંથોને અને રિવાજોને વાયુવેગે પ્રસ્થાપિત કરી રહ્યા છે. તે માટે શામ, દામ, દંડ કે ભેદ અજમાવવામાં કોઈ કચાશ રાખતા નથી. નિસર્ગમાં તેમને જે વિવિધતા ખપે છે તે બચાવવી હોય તો ભારતીય સંસ્કૃતીનું ‘ઈશાવાસ્ય ઈદમ સર્વમ’ દર્શન તેમણે સમજવું પડશે. જો તેમ થશે અને ૨,૦૦૦ વર્ષની વટાળ-પ્રવૃત્તિનું દુષ્પરિણામ તેઓ સમજશે તો પ્રકૃતિ અને સંસ્કૃતી બેઉનો નાશ થતાં અટકશે.
ઊર્મિલા બહેનની મોટી બહેન મનોરમાના ત્રણ દીકરાઓ વારાફરતી નાઈરોબીથી ભણવા મુંબઈ આવીને હોસ્ટેલમાં રહ્યા. તે છોકરાઓ મહિને-બે મહિને માશી-માસાને મળવા ઘરે આવે. તેમને ગુજરાતી સારૂં આવડતું છતાં તેમની વાતોમાં અનાયાસે અમૂક અમૂક શબ્દો ટેવને લીધે સ્વાહીલી ભાષાના આવી જતા. ઇસ્ત્રી માટે ‘પાસી’, ચપ્પુ માટે ‘કીસુ’, ‘સાવા’ એટલે ઓ.કે. અથવા સારૂં, ‘જામ્બો’ એટલે હેલ્લો કે સલામ-નમસ્તે, એમ પૂર્વ-આફ્રિકામાં વપરાતા થોડા શબ્દો ઊર્મિલા બહેનને મોઢે પણ ચડી ગયા હતા.
ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ મેહતા ની જેમ જ યુગાન્ડામાં ભારતીય મૂળના બીજા પ્રખ્યાત ગુજરાતી ઉદ્યોગપતિ હતા મુળજી માધવાની. તેમના પુત્ર મયુર માધવાની ના લગ્ન જ્યારે ૧૯૭૪માં ફિલ્મ નટી મુમતાઝ સાથે થયા ત્યારે છાપામાં સમાચાર વાંચી ઊર્મિલા બહેનને વળી પાછું આફ્રિકા તાજું થયું. પણ સમય જતાં આફ્રિકા માટેની તેમની ઉત્સુકતા માં સહેજ ઓટ આવી હતી. એક તો તેમના પતિએ નોકરી બદલી હતી અને હવે સૌરાષ્ટ્ર સિમેન્ટ ના બદલે બીજી કંપનીમાં કામ સ્વિકાર્યું હતું. અને બીજું, મોટી બહેન ના કુટુંબે આફ્રિકા છોડી કેનેડામાં વસવાટ શરુ કરેલો. તે ઉપરાંત એક સમયગાળો એવો આવ્યો કે તે દરમિયાન માત્ર દર્દનાક સમાચારો જ આફ્રિકામાંથી આવતા. યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીને ભારતીયોને પહેરેલે કપડે દેશ છોડવા માટે વિવશ કરેલા, ઝાંઝીબાર ની સરકારે એવો કાયદો કરેલા કે દરેક ભારતીય સ્ત્રીએ ઝાંઝીબારી પુરૂષ સાથે જ પરણવું પડે, દક્ષિણ આફ્રિકાના બે-ત્રણ દેશોમાં સ્થાનિક કાળા માણસો પર ગોરાઓ નો જુલમી વ્યવહાર, નાઈજર, બીયાફ્રાના ભયંકર દુકાળ વગેરે ને લીધે રોજ છાપામાં એવા ભયંકર ખબરો જ વાંચવામાં આવે કે આપણો જીવ બળે. થાય કે નથી જાણવું. વાંચીને જાણીને નકામા દુઃખી થવાના.
પણ એકાએક આફ્રિકા વિષયે જાણવા માટે ઊર્મિલા બહેન ના ઓસરતા રસમાં ફરી ભરતી આવી અને ફરી આંખ-કાન તેમના સરવા થયા. પેલો બાળક જે ‘વર્ષા’ના સંત્રી સાથે રમતો હતો તે ભણીને ઈલેક્ટ્રોનીક્સ એન્જીનીયર થયો હતો અને ભારતની બે-ત્રણ સારી કંપનીઓમાં કામ કર્યા બાદ હવે દુબાઈમાં કામે લાગ્યો હતો અને તેને કામ અંગે આફ્રિકા સહિત વિશ્વના ઘણા દેશો જવાનું થતું. તે પરદેશથી પાછો આવે અને સ્વ અનુભવની નવી નવી વાતો તેમની પાસે લાવે.
આફ્રિકામાં તે સૌ પ્રથમ કેન્યા માં જ ગયેલો જ્યાં એક જમાનામાં તેની માશી નું સાસરું હતું. હિલ્ટન હોટેલમાં તે ઊતર્યો હતો. તેણે રૂમ ની બારી માંથી એક ઊંચી ઇમારત દેખાઈ. તેને જોતા વેંત જ તે ઓળખી ગયો, “અરે, આ તો ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર હોવું જોઈએ”. બે-એક દાયકા પહેલાની દિવાળી વખતે માશી-માસાએ મોકલાવેલા એક પિક્ચર પોસ્ટકાર્ડ પર કેન્યાટા ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર નો ફોટો તેણે જોયેલો.
ઊમોદીને અહીં કોઈ ઓળખે નહીં સીવાય કે અમૂક તેના ધંધાકીય માણસો. પછી તો તેને વારંવાર કેન્યા જવાનું થતું તેથી તે ઘણા માણસોને ઓળખતો થયો હતો. કેન્યામાં ભારતીય મૂળના હજારો માણસો વસે છે. તેમાં ગુજરાતીઓ, ઈસ્માઈલીઓ અને શિખો વિશેષ સંખ્યામાં મળે. વળી તેને પાંડુરંગ શાસ્ત્રી દાદાના સ્વાધ્યાયમાં જવું ગમે તેથી તેણે પોતાના ધંધાદારી મિત્રો ને પૂછી ને કેન્દ્ર ની ભાળ મેળવી લીધી હતી. તેને ખબર હતી કે દુનિયાના લગભગ બધા જ મોટા ગામો માં કેન્દ્રો ચાલતા હોય છે. જેમ દુબાઈ માં શુક્રવારે રજા હોય તેથી કેન્દ્ર શુક્રવારે હોય તેમ બાકીના દેશોમાં જ્યાં રવિવારની રજા હોય તે દેશોમાં સ્વાધ્યાય કેન્દ્રો રવિવારે હોય છે. તેથી નાઈરોબી, મોમ્બાસા, કમ્પાલા, દારેસલામ, જોહનીસબર્ગ વગેરે શહેરોમાં જો તે રવિવારના દિવસે હાજર હોય તો તે અવશ્ય કેન્દ્રમાં જઈ દાદાનું વિડિઓ પ્રવચન સાંભળે.
પૂર્વ-આફ્રિકા જાવ અને ‘સફારી’ યાત્રામાં ન જાવ તેવું તો બને જ નહીં. જંગલી પ્રાણીઓને નૈસર્ગિક અવસ્થામાં પોતાની દુનિયામાં વિચરતા જોવા તે એક લહાવો છે. તે માટેની યાત્રાને સફારી કહેવાય. દર વર્ષે લાખો પ્રવાસીઓ આ યાત્રાનો લાભ લેતા હોવાથી આ પ્રકારનો પ્રવાસ-ઉદ્યોગ આફ્રિકામાં સારો વિકસ્યો છે. તે માટે જંગલોમાં સરસ વ્ચવસ્થાઓ પણ ઊભી થઈ છે. તે સાથે બનતા પ્રયત્ને વન્યજીવો, દુર્ગમ વન,  વનસ્પતિ કે તેમની વચ્ચે રહેતી મસાઈ જેવી વનવાસી પ્રજા ઉપર આ બધી વ્યવસ્થઓનો દુષ્પ્રભાવ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે છે. વનની વચ્ચે ઝાડપાન કાપી એક નાનકડો વિસ્તાર હોટેલ માટે સાફ કર્યો હોય. જમીનના તે ટૂકડા પર લાકડા-પથ્થર વડે બનાવેલી હોટેલો, લગભગ દરેક હોટેલ પાસે નાના વિમાનો ચડી-ઊતરી શકે તે માટેની નાનકડી નીજી હવાઈ પટ્ટીઓ, સંદેશ-વ્યવહાર માટે વાયરલેસ, હિંસક પ્રાણીઓને નજીકથી નિહાળવા માટે લેન્ડક્રુઝર સ્ટેશનવેગન જેવી ૪-વ્હિલ-ડ્રાઈવ વાહનો, બે-ત્રણ ભાષાઓ બોલતા ગાઈડો, બધી જાતના વ્યંજન બનાવી શકે તેવી રેસ્ટોરાંઓ, ખાદ્ય પદાર્થોની ગંધથી આકર્ષાઈને કોઈ જંગલી પશુ પ્રાંગણમાં પેસી ન જાય તેની તકેદારી રાખવા માટે હોટેલના ફરતે ઊંચી વાડ અને સશસ્ત્ર સંત્રીઓ વગેરે એમ બધી વ્યવસ્થા હોય જેથી યાત્રાળુઓ સફારીનો પુરો આનંદ માણી શકે. જંગલી પ્રાણીઓ પોતાની મસ્તીમાં મસ્ત હોય, કોઈક વાર એવું બને કે અમૂક પ્રાણી તમને ન પણ જોવા મળે. ઝિબ્રા, હરણ, વાંદરા અને જીરાફ ભરપુર માત્રામાં હોવાથી તે તો દેખાય જ પણ સિંહ, ગેંડો, હિપ્પોપોટેમસ, ચીત્તો, જંગલી ભેંશ, જે ને ત્યાં ‘બિગ-ફાઈવ’ કહેવાય છે, તેઓમાંના કોઈ પ્રાણી કદાચ ન પણ દેખાય. તે પાંચેયના જો દર્શન થાય તો તમારી સફારી સફળ ગણાય.
ઊમોદી સફારી-યાત્રામાં બે વાર ગયો હતો અને યોગાનુયોગ બન્ને વખતે તે એવી પરિસ્થિતિમાં મુકાયો હતો કે જે ને અતિ-વિચિત્ર તો ન કહી શકાય પણ તેને અતિ-અસામાન્ય તો ગણવી જ પડે.
પહેલી વારની અવિસ્મરણીય સફારીમાં તે પત્ની અને બેઉ સંતાનોની સાથે ગયો હતો. એક સ્થાનીક મિત્રનું પરિવાર પણ સાથે હતું. વનરાજીનું અવલોકન કરતાં કરતાં બહુ આનંદ પૂર્વક સહુ ‘મસાઈમારા’ નામના અરણ્યની મધ્યમાં સ્થિત હોટેલમાં પહોંચી તો ગયા પણ તેમની ફોક્સવેગન ‘કોમ્બી’ એક વખત ત્યાં ઊભી કરી પછી ફરી ચાલૂ જ ન થઈ શકી. નાઈરોબીથી અઢીસો કિલોમીટર નૈૠત્યમાં લગભગ ટાન્ઝાનિયાની સીમા પાસે મસાઈમારા સફારી પાર્ક આવેલો છે. રસ્તાનો ઘણો ભાગ એટલો પથરાળ અને ખાડાળો હતો કે કારને ૧૫-૨૦ કિલોમીટરથી વધુ ઝડપે ચલાવી શકાય તેમ નહોતું. કાર-મીકેનીકે એવું કહેલું કે બીજા ગીઅરમાં ગાડી વધારે પડતી ચાલી હોવાથી ગીઅર-બોક્સ ઓવરહીટ થઈને બગડી ગયેલું. મસાઈમારા જંગલમાં નાનકડું ઈમરજન્સી સમારકામ તો થઈ શકે પણ ગીઅર-બોક્સનું સમારકામ બહુ કઠણ અને મોટું કામ ગણાય. તેથી પાછા વળતી વખતે તેમણે જે વાહન મળ્યું તે ભાડે કરી, તેની પાછળ દોરડાથી બગડેલી ફોક્સ-વેગન બાંધી, ‘ટૉ’ કરી, રસ્તે પારાવાર હાલાકીનો સામનો કરી માંડ માંડ નાઈરોબી ભેગા થવા પામેલા.
રસ્તાના કીચડમાં કોઈ વખત ફોક્સ-વેગન ફસાઈ જાય તો કોઈ વખત મીનીબસ અટકી પડે તો કોઈ વાર બન્નેને જોડતું દોરડું તુટી જાય. જંગલના આ રસ્તામાં વાહનમાંથી બહાર નીકળવું એટલે તેમાં જંગલી પ્રાણીઓનો કોળિયો બની જવાનો પુરેપુરો ખતરો હોય. ઝાડીમાં સંતાયેલું પ્રાણી એકાએક બહાર નીકળીને રેલ-રસ્તો બનાવવા ગયેલા ભારતીય મજૂરોમાંના કેટલાયને આવી રીતે ખાઈ ગયા હતાં તેનું હ્રદય-દ્રાવક વર્ણન નાનજી કાલીદાસની ચેપડીમાં હતું. તે ડર છતાં ગાડી ફસાય ત્યારે તપાસ કરવા કે ધક્કો મારવા આજુબાજુ કોઈ પ્રાણી તો નથીને તેની ખાતરી કરીને બહાર નીકળવું જ પડે. એક સમય એવો પણ આવ્યો જ્યારે ભયાનક દેખાતા મસાઈ લોકો ભાડે મળેલી મીનીબસમાં જબરજસ્તી કરીને ઘુસી ગયા હતા. થયેલું એવું કે પાછા વળતી વખતે વરસાદ પડ્યો અને રસ્તા કાચા હોવાથી કાદવ વાળા થઈ ગયા જેમાં ગાડી ફસાઈ ગઈ હતી. ગાડી ઊભી રહી તે જોઈને ભાલાઓથી સજ્જ ઊંચા-પડછંદ મસાઈ લોકો તેમની સ્ત્રીઓ અને બાળકો સાથે દોડાદોડ કરીને મીનીબસને ઘેરી લઈ તેમાં પેસી ગયા. તેમની ભાષા કોઈને આવડે નહીં તેથી તેમને સમજાવાય પણ કેમ? ઊર્મિલા બહેનની પુત્રવધૂ હેબતાઈ ગયેલી અને બીજું કાંઈ ન સૂઝતા પર્સમાંથી જે પૈસા હાથમાં આવ્યા તે આપીને તેમને ચાલ્યા જવાના ઈશારા કરવા લાગી હતી. કોઈના હાથમાં ડોલર આવ્યા, કોઈના હાથમાં શિલિંગ આવ્યા, કોઈના હાથમાં દિર્હામ આવ્યા તો કોઈના હાથમાં રૂપિયા પણ આવ્યા હશે.
એક તો અંધારૂ થવા માંડેલું અને જંગલી પ્રાણીઓ કોઈ પણ ક્ષણે તરાપ મારે તેવું વાતાવરણ હતું, તેમાં ય આ મસાઈઓનો અણધાર્યો હુમલો થયો. તેઓ અર્ધનગ્ન અને વળી પાછા હાથમાં ભાલા. સહુ ગભરાઈ ગયેલા. દૂર ૩૦-૪૦ ઝુંપડીનું એક ઝુંડ દેખાતું હતું જેની આસપાસ લાકડા-કાંટાળા તારની ઊંચી વાડ હતી. જોકે મોડે મોડે સહુ ને સમજાયેલું કે તે ગામ વાળા બિચારા મસાઈઓને ખબર નહોતી પડેલી કે મીનીબસ કીચડમાં ફસાઈ જવા થી ઊભી છે. તેમને તો એમ કે તેમના જેવા પેસેંજરોને લેવા માટે એ મીનીબસ આવી હશે. ભાતભાતના નાણા વહેંચતી સ્ત્રીને જોઈને તેઓ પણ કદાચ ઊર્મિલા બહેનની પુત્રવધૂની જેમ હેબતાઈ જ ગયા હશે.
બીજી વારની અવિસ્મરણીય સફારી યાત્રામાં તેની સાથે તેનો બોસ, સુધીર રાવ હતો. નાઈરોબીથી લેન્ડક્રુઝર લઈને મસાઈમારા સુધી તો નિર્વિધ્ને પહોંચી ગયા પણ પહેલાના જેવું જ ફરી બન્યું. બીજે દિવસે કાર ચાલે જ નહીં. સ્થાનિક વર્કશોપમાંથી મિકેનિક બોલાવી તપાસ કરાવી તો ખબર પડી કે જમણા-આગલા પૈડાની શાફ્ટ-ધરી તૂટી ગઈ છે, જે ત્યાં સમારવી અશક્ય છે. આ વખતે પાછા જવા માટે બીજું કોઈ જ વાહન ન મળતા છેવટે એક નાનું એરોપ્લેન ભાડે કરી તેમાં નાઈરોબી પંહોચ્યા હતા. પણ આ યાત્રા અવિસ્મરણીય બની જવાનું મોટું કારણ જુદું જ હતું. તે સફારી યાત્રાની જવાબદારી હીલ્ટન હોટેલની લોબીના શોપીંગ-આર્કેડમાં આવેલી એક ટુરીસ્ટ પેઢીની હતી. લેન્ડક્રુઝર કાર ખોટવાઈ જવાને કારણે જે વધારાનો ખર્ચ આ બે યાત્રીઓએ ઉઠાવવો પડ્યો હતો તે વગર માંગે તેમણે રોકડા પૈસા આપી ભરપાઈ કરી દીધો. આવું સૌજન્ય આ જમાનામાં તો અતિદુર્લભ છે. કાર બગડે કે નાના વિમાનમાં ઉડાણ કરવું તેવી વસ્તુઓ તો થાય, પણ વગર અરજીએ મોટી રકમ કોઈ એમ જ આપી દે તે સહજ ન ગણાય. ઊમોદીને થયું કે આ કંપનીએ દાખવેલ સૌજન્યની કદરદાની કરવા તેના માલિકને મળવું જોઈએ. કાઉન્ટર સ્ટાફે બતાવેલી કેબીનમાં તે દાખલ થયો. તેને એમ કે કોઈ ભાઈ અંદર બેઠા હશે પણ મોટા ટેબલ પાછળ તો એક ભારતીય જેવી દેખાતી એક આધેડ ઊંમરની સ્ત્રી બેઠી હતી. વ્યાપારી-સહજ તટસ્થ સ્મિતથી તેણે સ્વાગત કરી પોતાનું કાર્ડ આગળ કર્યું. તે પર માલિકણ નું નામ વંચાયુ, નલિની પોપટ. નામ પરથી તે કોઈ ગુજરાતી બહેન હશે તેમ લાગ્યું પણ વાતો તો અંગ્રેજીમાં જ થઈ. આગંતુકે કંપની અને સ્ટાફના સૌજન્યની પ્રશંસા કરી રજા લીધી.
પાછળથી ખબર પડી કે તે બહેન પણ ઊમોદીની જેમ પાંડુરંગ શાસ્ત્રી દાદાના સ્વાધ્યાય કેન્દ્રમાં જાય છે. દાદા તેમના પ્રવચનોમાં કહેતા રહે છે કે, “ભગવાન જેમ કણ કણમાં છે તેમ તારા હ્રદયમાં પણ વસે છે. ભગવદ્ ગીતાની આ વાત દરેકને પ્રમાણિક જીવન જીવવાની પ્રેરણા આપે છે.”
સોમાલીયામાં ઊમોદી રસ્તાના કિનારે બેઠો બેઠો આવું બધું કાંઈક વિચારી રહ્યો હશે તેવામાં એક અકલ્પનીય ઘટના ખરેખર ઘટી.
બૉડીગાર્ડે એકાએક રાડ પાડી. ઊમોદી પોતાના વિશ્વમાંથી સફાળો જાગ્યો.
જે રસ્તા પર વાહન ગુજરવાની કોઈ શક્યતા નહોતી તે રસ્તા પર દુરથી એક વાહન આવતું દેખાયું. મનમાં એ ડર પણ હતો કે બંદુકધારી આતંકીઓ તો તેમાં નહીં હોયને? સાવધાન થઈને પેલો દોડીને રસ્તાની વચ્ચે ઊભો રહી ગયો. હાથ ઉંચો કરી તેને હલાવીને પેલા વાહન હાંકનારનું ધ્યાન ખેંચવાની કોશિશ કરી.
રસ્તા પર માણસને જોઈને વાહન સહેજ ધીમું પડ્યું. આવા ખતરનાક રસ્તા પર રાત્રે, જ્યારે એક તરફથી ગોળીબારનો છૂટક છૂટક અવાજ આવી રહ્યો હોય તેવે વખતે ગાડી ઊભી રાખી રસ્તે ઊભેલા નો હાલ પૂછવાનું સાહસ કોણ કરે? પણ સહુના અચંબા વચ્ચે તે જીપ જેવી ગાડી આવી અને ઊભી રહી. ગાડીનો રંગ સફેદ હતો અને તેની બાજુ પર મોટા અક્ષરે વાદળી રંગમાં ”યુ એન” એમ લખ્યું હતું.
આ વાત એ વખતની છે જ્યારે ઊમોદીને એક વખત ૧૯૯૫માં પૂર્વ-આફ્રિકાના સોમાલીયા દેશમાં જવાનું થયેલું. તે દેશ વર્ષોથી અરાજકતા થી ગ્રસ્ત છે. રોજ કેટલાય લોકો બંદુકની ગોળી કે બોમ્બનો ભોગ બને છે. આમ તો કોઈ તેવા દેશમાં જાય નહીં પણ આંધળા સાહસના શોખીનને શું કહેવું? દુબાઈના મક્તુમ સ્ટ્રીટ પર એક સામાન્ય મકાનના એક નાના ફ્લેટમાં સોમાલીયાની કોન્સ્યુલેટ હતી. તે ત્યાં વીસા લેવા ગયો તે સમયે ત્યાંનું વાતાવરણ જોઈને જ તેને પ્રતીતિ થઈ ગયેલી કે ‘ઓલ ઈઝ નોટ વેલ’.
દુબાઈમાં ઘણા સોમાલીઓ પોતાનો નાનોમોટો કામધંધો કરતા હોય છે. તેઓ અરબી ભાષા બોલે અને કેટલાક થોડું નહીવત જેટલું અંગ્રેજી પણ જાણે. પુરૂષો મોટે ભાગે એકવડા બાંધાના હોય અને સામાન્ય પેંટ-શર્ટ પહેરે. તે પ્રજાની સ્ત્રીઓ સાડી જેવું લાંબુ વસ્ત્ર લગભગ ભારતીય સ્ત્રીની માફક જ પહેરેલા બીજા કપડા પર વીંટાળીને પહેરતી હોય છે. તે કારણે અનેક વર્ષોથી ભારતના નિર્યાતકારો સોમાલીયાના કાપડના વેપારીઓ સાથે સંબંધ ધરાવે છે. એ વ્યાપારનો મોટો હીસ્સો દુબાઈ સ્થિત વચેટીયાઓ દ્વારા અમલમાં આવતો હોય છે. સપાટ મેદાની પ્રદેશ હોવાને કારણે સોમાલીયા પશુપાલન ક્ષેત્રે અગ્રેસર છે. સાઉદી, કુવેટ વગેરે ખાડી દેશોમાં ઘેટા-બકરાની તે મોટી નિર્યાત કરે છે. કચ્છ-સૌરાષ્ટ્રના ઘણાં સાગરખેડુઓ મોટા દેશી વહાણોમાં સોમાલીયાથી ઘેટા-બકરાની ખેપ કરીને પોતાની રોજી-રોટી રળે છે. સોમાલીયાનો દરીયા કિનારો એટલે તે જગ્યા જ્યાં રેડ સી, રાતો સમુદ્ર અને અરબી સમુદ્ર મળે છે. સમુદ્રના તે ભાગમાં માછલીઓને વિપુલ માત્રામાં ખોરાક મળી રહેતો હોવાથી તે સમુદ્રમાં માછલીઓ મોટી સંખ્યામાં મળી રહે છે. આ કારણથી માછીમારો સોમાલીયાના સમુદ્ર કિનારાને વિશેષ પસંદ કરે છે.
સોમાલીયાના અનેક નાના-મોટા જૂથો સરકાર વિરૂદ્ધ હિંસક યુદ્ધ ચલાવી રહ્યા હતા. આંતરિક યુદ્ધનું વાતાવરણ હતું. આ બધા જૂથો પાસે ઘણાં હથીયારો પણ હતાં. પ્રેસીડેન્ટ અલી મોહમ્મદ મ્હાડી બહુ મુશ્કેલીથી પરિસ્થિતિ કાબુમાં રાખી રહ્યા હતા. આ પ્રેસીડેન્ટનો ભત્રીજો દેશની રાજધાની મોગાદિશુ ગામમાં એક હોટેલ બાંધી રહ્યો હતો. તે માટે તેને ભાતભાતનો ઈલેક્ટ્રોનીક સામાન જોઈતો હતો. સર્વેલન્સ કેમેરા, ટીવી મોનીટર, ટેલીકમ્યુનીકેશન ઓજારો, પબ્લીક એડ્રેસ સીસ્ટમ, હોટેલ માટેના ખાસ ટીવી વગેરે. તે માટે ઊર્મિલા બહેનનો મોટા દીકરો જે કંપનીમાં કામ કરતો હતો તે કંપની સાથે તે કોન્ટ્રેક્ટ કરવા માગતો હતો.
કામ જોખમી હતું. તે દેશનો પ્રવાસ પણ કરવો જોખમી હતું. ઊમોદીને તે ખબર હતી. સોદો મોંઘો ન પડી જાય તો સારૂં.
પણ તેણે તો ફ્લાઈટ પકડી જ. હિંમતે મર્દા તો મદદે ખુદા.
લગભગ બધા પેસેન્જર સોમાલી જણાયા. ઊંચા અને દૂબળા. તેમની ચામડીનો રંગ કાળો તો ખરો પણ આફ્રિકાના બીજા નિગ્રોના કરતા આછો કાળો, જાણે કે ઘાટ્ટો કથ્થઈ-કાળો ન હોય, તેવો. ગણ્યાગાંઠ્યા થોડાંક ભારતીયો પણ ફ્લાઈટમાં દેખાયા. તેમાંનો એક ભારતીય પાસેની જ સીટ પર હતો તેથી વાતો કરતા સમય ઝડપથી નીકળી ગયો. તે ભારતીય માણસ મૂળ કેરળનો નિવાસી હતો પણ તેનો વ્યવસાય દુબાઈમાં હતો. કેરળના માણસોની ભાષા મલયાલમ, તેથી ભારતમાં આપણે તેમને મલયાલી પણ કહીએ. દુબાઈમાં કેરળના માણસો મલયાલી નહીં પણ મલબારી તરીકે ઓળખાય છે. તે સજ્જનનું કામ જૂની સ્ટીમર ખરીદી તેને સ્ટીમર તોડવાના કારખાનાઓને વેચવાનું હતું. તેથી અકસ્માતમાં કે યુદ્ધમાં ડૂબેલી, તૂટેલી, ઈજાગ્રસ્ત સ્ટીમરો જ્યા મળે ત્યાં તેનુ વધારે કામ રહે. આંતર-વિગ્રહમાં ફસાએલ સોમાલીયામાં આ કારણથી તે મલબારીને વારંવાર મોગાદીશુ જવા-આવવાનું બનતું. ફ્લાઈટ દરમ્યાન મલબારીએ ત્યાંની ખતરનાક પરિસ્થિતિનું ઘણું વર્ણન કરેલું અને સોમાલીયામાં થયેલા પોતાના અનુભવોની પણ વાત કરેલી. તે છતાં આ ભાઈ તો જાણે પ્રેસીડેન્ટના અભેદ્ય સુરક્ષા કવચમાં ન હોય તેમ બેફિકર લાગતા હતા. કવિ દલપતરામે ‘એક અડપલો છોકરો, જીવો એનું નામ...’ એ કવિતામાં લખેલું કે “તેને પણ દિન એકમાં સર્વ વળી ગઈ સાન”. બસ, લગભગ એવું જ ઊમોદીનું પણ બન્યું.
પાઈલોટે સૂચના આપી કે હવે દસ મિનિટમાં આપણે સોમાલીયાની રાજધાની મોગાદીશુના એરપોર્ટ પર ઊતરીશું. જોકે હજી રાજધાની જેવું કોઈ મોટું શહેર વિમાનની બારીમાંથી દેખાતું નહોતું. નીચે સપાટ ભુખરી જમીન પર માત્ર એક કોઈ નાનું ગામ નજરે પડી રહ્યું હતું જેમાં બેઠા ઘાટના ભુખરા કે સફેદ જેવા રંગના ખંડેર જેવા નાના-નાના મકાનો અને ધૂળિયા રસ્તાઓ દેખાતા હતા. પણ જોતજોતામાં તો વિમાન સડસડાટ કરતું ત્યાં ઊતરી ગયું. તેને મનમાં પ્રશ્ન તો થયો જ કે આ તો કેવી રાજધાની? એક આંચકો તો તેને લાગ્યો જ પણ પ્લેનમાંથી ઊતરતા વેંત જ તેને લેવા આવેલા માણસને જોઈને તેને ઘણી ટાઢક થઈ.
તે દેશના તે સમયના કાયદા પ્રમાણે પરદેશી પ્રવાસીઓએ દેશમાં દાખલ થતાં પહેલા સો ડોલરનું સ્થાનિક નાણું ખરીદવું પડતું. ઊમોદીને બીજો આંચકો ત્યારે લાગ્યો જ્યારે તેણે સો અમેરિકી ડોલરની નોટ એરપોર્ટ પરની બેંકના કેશીયરને વટાવવા માટે આપી અને કેશીયરે તે બદલ સ્થાનિક ચલણનો મોટો ઢગલો બેંકના કાઉન્ટર પર મુક્યો. નોટોનો ઢગલો જોઈને તે આશ્ચર્ય ચકિત થઈ ગયો. સ્થાનિક ચલણ આટલું નબળું હશે તેવી કલ્પના પણ કરવી અશક્ય હતી. પૈસાનો ઢગલો એટલો મોટો હતો કે તેની બેગમાં ય ન સમાવી શકાય. અંદાજે સો જેટલી થોકડીઓ હશે. લગભગ ૭૦,૦૦૦ સોમાલી શિલિંગ. તેથી પૈસા લઈ જવા તેણે કેશીયરની પાસેથી એક શોપીંગ બેગની માગણી કરી. કેશીયરે તરત જ પ્લાસ્ટીકની એક ઝબલા-થેલી પોતાની ખુરશી પાછળથી કાઢીને સામે ધરી. થેલી લઈ તેમાં તે પૈસા ભરવાની શરૂઆત કરે તે પહેલાં જે માણસ તેને તેડવા આવેલો તેણે ભાંગી તૂટી અંગ્રેજીમાં સમજાવ્યું કે કેશીયરે થેલી આપીને મદદ કરી તે માટે તેને મહેનતાણા પેટે કાંઈક ‘ટીપ’ આપવી જોઈએ. તેથી કાઉન્ટર ઉપર પડેલી અનેક થોકડીઓમાથી એક થોકડી ઊપાડીને તેમાંથી થોડી નોટ કાઢવા તેણે પ્રયાસ કર્યો જેથી તે નોટો ‘ટીપ’ તરીકે આપી શકાય. તે જોઈ તેડવા આવેલો માણસ સહેજ હસ્યો અને માથુ હલાવી ઈશારો કર્યો કે એમ ન કરાય. અને સમજાવ્યું કે સ્થાનિક પૈસાની કિંમત કાગળ કરતાંય ઓછી ગણાય છે. પછી હાથ લાંબો કરી નોટોના ઢગલા પર થી ‘ટીપ’ તરીકે બે-ત્રણ આખી થપ્પીઓને ધક્કો માર્યો. કેશીયર માટે તો આ રોજનું હશે પણ ઊમોદીને તે દૃશ્ય જોઈ વળી બીજો મોટો આંચકો લાગ્યો. કેરમની રમતમાં આપણે ‘સ્ટ્રાઈકર’ને જેવી રીતે આંગળીના ટેરવાથી ધક્કો મારીએ તેવી રીતે ચલણની બે-ત્રણ થપ્પીઓને ધક્કો લાગતાં તે થપ્પીઓ કાઉન્ટર પરથી કેશીયરના ડેસ્ક પર પડી. કેશીયરે અરબીમાં, ‘ટીપ’ માટે સસ્મિત આભાર માન્યો, “શુક્રન”.
બાકીના પૈસા થેલીમાં ભરી, સામાન લઈ બેઉ એરપોર્ટની બહાર નીકળ્યા. તેડવા આવનાર સોમાલી માણસે આદર-પૂર્વક કારનું બુટ ખોલી તેમાં બેગ ગોઠવી. પૈસા ભરેલી ઝબલા-થેલી પણ તેમાં જ મૂકી. કારમાં બેઠા પછી પાછું વળીને જોયું તો નજર એરપોર્ટ તરફ પડી. સાવ નાનકડું તે મકાન હતું, સુરેન્દ્રનગરનું તો એસ-ટી સ્ટેન્ડ પણ તે મકાન કરતા મોટું હશે. વઢવાણ-સુરેન્દ્રનગર જેવા દેખાતા આ ગામના થોડા ડામરના અને થોડા કાચા રસ્તાઓ વટાવી કાર ગામની સીમાડે આવેલા એક પ્રાંગણમાં આવીને ઊભી રહી. સુકા ઘાસ-દાંડીઓ અને કાંટાળા વાયર વડે બનાવેલી વાડની અંદર ‘કોટેજ’ શૈલીની આ હોટેલ હતી. આ પ્રાંગણમાં વચ્ચે એક સ્વીમીંગ-પુલ હતું જેની એક તરફ હોટેલની ઓફિસ અને રેસ્ટોરાં અને બાકીની ત્રણ બાજુએ મહેમાનો માટે મકાન-કોટેજ. કોટેજ એટલે ગામડાના ઘર જેવું લાકડા-ઈંટ-સીમેન્ટનું ઢળતા છાપરા વાળું નાનુ મકાન. કોઈ કોટેજ એક રૂમની હતી, તો કોઈ બે રૂમની તો એકાદ ખાસ મહેમાન માટે ત્રણ રૂમની પણ ખરી. કોઈ જમાનામાં કદાચ તે હોટેલે સારો સમય પણ જોયો હશે.
દુબાઈના મહેમાન માટે હોટેલમાં રૂમની વ્યવસ્થા કરી, કારમાંથી બેગ રૂમમાં પહોંચાડી અને પછી મૂકવા આવનાર સોમાલીએ “કાલે સવારે લેવા આવીશ” એમ કહીને તેની રજા લીધી. સ્વીમીંગ પુલમાં પાણી તો નહોતું પણ તેની આસપાસ મહેમાનોને બેસવા અને ખુલ્લામાં ખાવા-પીવા માટે પાંચ-છ ટેબલ-ખુરશીઓ ગોઠવેલા હતા. તે એક ટેબલ પસંદ કરી ઢળતા સુરજથી લાલ થયેલું આકાશ જોતો બેઠો અને વેઈટર પાસે ગ્રેપફ્રુટનો રસ મંગાવ્યો. ગ્રેપફ્રુટ એટલે નારંગી-મોસમ્બી જેવું પણ તેના કરતા સહેજ મોટા કદનું ફળ. તેની પેશી ગુલાબી રંગની અને સ્વાદ ખટમધુરાની સાથે સહેજ કડવાશ મિશ્રિત. ગુજરાતીમાં તેને પોપાનસ કહેતા હોય છે. તે ફળમાં વીટામિન સી ભરપુર માત્રામાં હોવાથી તેની સારી ખપત થાય છે. એક જમાનામાં તો સોમાલીયા આખા યુરોપની ગ્રેપફ્રુટની સંપૂર્ણ જરૂરત પૂરી કરતું હતું. પણ જ્યારથી સોમાલીયામાં અશાંતિ ઊભી થઈ છે ત્યારથી તે ધંધો પડી ભાંગ્યો છે. એને એમ કે વેઈટર ગ્રેપફ્રુટના રસનો ગ્લાસ લાવશે. પણ દેશની પ્રથા પ્રમાણે તે તો એક ટ્રે માં રસ ભરેલો મોટો જગ, એક ખાલી ગ્લાસ, એક ખાંડ ભરેલો પોટ, પ્લાસ્ટીકની ભુંગળી-સ્ટ્રો અને બે-ત્રણ ચમચીઓ લઈ આવ્યો. જેટલો રસ પીવાય તેટલો પીવાની તમને છૂટ.
રાત્રે, વાળુ ટાણે હોટેલમાં રહેતા બીજા મુસાફરો સાથે ઘણી વાતો થઈ. તેમાંના કેટલાક તો લાંબો સમયથી ત્યાં રહેતા હતાં. એકંદરે બધાનું કહેવાનું એમ હતું કે રોજ રાતે નાની-મોટી લડાઈ થતી રહે છે. રસ્તા પર રોજ સવારે ક્યાંક ને ક્યાંક માણસોના કાં તો શબ પડેલા મળી આવે કા તો અડધા મુએલા માણસો જડી આવે. ઈજા પામેલા અધમૂઆઓ હોસ્પીટલમાં આવી જીવ તોડે કારણકે ત્યાં કહે છે કે દવા તો નથી જ હોતી, અરે ઘા ઢાંકવા રૂ પણ નથી હોતું તો ઓક્સિજનની શી વાત કરાય. અમૂક વિસ્તાર જ્યાં પરદેશીઓ રહેતા હોય કે સરકારી ઓફિસો હોય તેના રક્ષણ માટે થોડીઘણી વ્યવસ્થા ખરી પણ ક્યારે શું થાય તે કાંઈ કહેવાય નહીં. અરે એરપોર્ટ સુધ્ધાં પુરેપુરૂં સુરક્ષિત નથી કારણકે વિમાન ચડવા માટે કે ઉતરવા માટે જ્યારે રન-વે પાસે ઓછી ઊંચાઈ પર હોય ત્યારે નીચે થી બળવાખોરો ગોળીબાર કરતાં હોય છે. અહીં તો જાન હથેળીમાં લઈને ચાલવું પડે.
સાહસની મસ્તીમાં મસ્ત દુબાઈનો આગંતુક મનોમન વિચારી રહ્યો હતો કે આ લોકો તો વધુ પડતી અતિશયોક્તિ કરતા લાગે છે. જોકે, હા એ વાત તો ખરી કે જે ફ્લાઈટમાં આવેલો તે વિમાન ખુબ ઊંચાઈ પરથી સડસડાટ નીચે ઉતરી આવેલું તે એટલા માટે જ હશે કે નિશાનબાજ હુમલાખોરોને ગોળીબાર કરવાની તક મળે તે પહેલાં જ વિમાન તેમની રેન્જમાંથી નીકળી જાય. વાળુ પછી બધા છુટા પડ્યા. તે પોતાની કોટેજમાં હજી પંહોચ્યો જ હતો કે દુરથી ગોળીબારની રમઝટનો અવાજ તેના કાને પડ્યો. રૂમ-સર્વીસ માટે આવેલા હોટેલ બોયે કહ્યું કે “આવું તો રોજ થાય, તમે ચિંતા ન કરો, ઈન્શાઅલ્લા, કાંઈ વાંધો નહીં આવે” અને “ગુડ નાઈટ” કહીને ચાલતો થયો.
બીજે દિવસે પેલો સોમાલી તેને લેવા આવ્યો. જેને તે દુબાઈથી મળવા આવ્યો હતો તે માણસ, જે પ્રેસિડેન્ટનો ભત્રીજો હતો તેની ઓફિસ જતા કારમાં વીસ-પચીસ મિનિટ લાગી. તે સરકારી મકાન હોય તેવું લાગ્યું કારણ કે તેની બાજુમાં સૈન્યની જીપ ઊભી હતી. તેના મથાળે એક મશિનગન ગોઠવેલી હતી. જીપમાં બે સૈનિકો બેઠા હતાં. આજુબાજુ બીજા સામાન્ય દેખાતા સોમાલીઓ પણ ‘ખાટ’ ચાવતા આમ તેમ ઊભા કે ઊભા પગે બેઠા હતા. ભારતમાં ઘણાં લોકો જેવી રીતે તમાકુ ચાવતા હોય છે તે પ્રમાણે સોમાલીઓ ‘ખાટ’ ચાવે છે. ‘ખાટ’ એક વનસ્પતિ છે જે એક પ્રકારનો નશો આપે છે. લગભગ દરેક સોમાલી સ્ત્રી-પુરૂષો તમને ‘ખાટ’ ચાવતા દેખાશે. આ બધું જોતો તે જ્યારે ઓફિસમાં પ્રવેશ્યો ત્યારે અંદર એક જાપાની કે ચીના જેવો માણસ સોમાલીયાના સમુદ્રી વિસ્તારમાં માછલી પકડવાના ઉદ્યોગમાં પ્રેસીડેન્ટના ભત્રીજા સાથે મળીને ધંધો સ્થાપિત કરવા બાબતે વાટાઘાટો ચલાવી રહ્યો હતો. તેની સાથે વાત પતાવી તે પોતાના દુબાઈથી આવેલા આ મહેમાન તરફ વળ્યો. તેની સાથે  થોડીઘણી ઔપચારીક વાતો કરી પ્રમુખનો ભત્રીજો તેને પોતાની નવી હોટેલની ‘સાઈટ’ પર પોતે ડ્રાઈવ કરી મોટી સ્ટેશન-વેગન જેવી કારમાં લઈ ગયો. એક કોઈ માણસ પાછલી સીટ પર બેઠેલો હતો, જે ન હસે કે ન વાત કરે, બસ તટસ્થ ભાવે બધુ જોયા કરે. જરા વિચિત્ર જણાયું. કદાચ જરૂર પડે ડ્રાઈવીંગમાં મદદ કરવા માટે ડ્રાઈવર રાખ્યો હશે.
કાર પુરપાટ વેગે જઈ રહી હતી. રસ્તામાં ક્યાંક ક્યાંક રડ્યાખડ્યા મકાન દેખા દેતા હતાં. અકસ્માતમાં કે તોપમારામાં બળી ગયેલી અથવા તૂટી ગયેલી કાર કે ખટારાઓનો ભંગાર પણ ક્યાંક નજરે પડતો હતો. રસ્તા પર લાઈટના થાંભલા કોઈએ જાણે ઊખાડી ન લીધા હોય તેમ વાયર-કેબલ સહિત ગાયબ હતા. માત્ર તે જેમાં બેસાડ્યા હશે તે સ્ક્રુઓના ચાર-ચારના સમૂહો ચોરીની ચાડી ખાતા બેઠા હતા.
હોટેલની ‘સાઈટ’ ગામની સીમમાં હતી. એ પ્રોજેક્ટમાં અનેક પ્રકારનો ઈલેક્ટ્રોનિક્સનો સામાન જોઈતો હતો તેથી બધું સમજી લઈને ક્વોટેશન આપવું પડે. તેમાં ઘણો સમય લાગ્યો, સાંજ પડી ગઈ, સુરજ આથમી ગયો. ત્રણે જણ જેમ આવેલા તેવી જ રીતે પાછા જવા સ્ટેશન-વેગનમાં ગોઠવાઈ ગયા. ચારે બાજુ સાવ અંધકાર હતો. જીવનની નિશાની રૂપ કોઈ દિવો કે તાપણું પણ ક્યાંય દેખાતું નહોતું. બસ માત્ર આ કાર પોતાની હેડ-લાઈટથી અંધારાને ચીરતી પુર-ઝડપે દોડી રહી હતી. પણ ત્યાં તો...એકાએક ગાડી અટકી.
થોડીવાર આમતેમ જોઈને યજમાન ગાડીની બહાર નીકળ્યા. સાથે મહેમાન પણ ખુલ્લા કાળા આકાશ નીચે બહાર આવ્યા. યજમાને બોનેટ ખોલી કાર ફરી ચાલુ કરવાની મથામણ આદરી. મશીનમાં કાંઈક બગડ્યું હતું. જો કાર ચાલશે નહીં તો હોટેલ પાછા કેમ પહોંચીશું તે વિચાર આવવો તો સ્વાભાવિક જ હતો. આવા સુમસામ ખતરનાક રસ્તા પર તો કોઈ વાહન જ ન ફરકે તો ‘લીફ્ટ’ પણ કેમ મળે? એટલામાં જ યજમાને રોવા ના સમાચાર આપ્યા, “સોરી, કાર ચાલુ નથી થઈ શકતી. મારી પાસે હાલ મોબાઈલ-ફોન કે સેટેલાઈટ ફોન નથી. જો હોત તો સંદેશો મોકલી બીજું વાહન મંગાવી લેત. હવે તો કોઈ ‘લીફ્ટ’ ન મળે ત્યાં સુધી અહીં જ રાહ જોવી પડશે.” દેશના પ્રમુખનો ભત્રીજો સાથે હોય તો ડર શાનો? એમ વિચારી તે પણ હિંમતભેર રસ્તાના કિનારે યજમાનની સાથે ઊભો રહી ગયો. પેલો ડ્રાઈવર જેવો જણાતો માણસ પણ બાજુમાં ગોઠવાઈ ગયો. તે માણસની વિચિત્રતામાં હવે એક વસ્તુ વધી. કોણ જાણે કેમ પણ તે પોતાનો જમણો હાથ ખમીસમાં જ ખોસેલો રાખતો, જાણે ડાબા ખભા નીચે બગલ પાસે ‘હોલસ્ટર’ માં છુપાવી રાખેલી પિસ્તોલ ન પકડી રાખી હોય.
આમતેમની વાતોમાં અડધો-પોણો કલાક પસાર થયો હશે તેટલામાં દુરથી ગઈ કાલની જેમ, પણ તેનાથી વધુ ભયાનક રીતે બંદુક કે મશીનગન ફુટી રહી હોવાનો અવાજ શરૂ થઈ ગયો. મહેમાનના કાન સરવા થતાં જોઈ યજમાને તેને સાંત્વન આપવાનો પ્રયાસ કર્યો, “અંધારૂ થાય એટલે વિદ્રોહીઓનો ઉત્પાત જરાક વધી જાય. પણ તમે કાંઈ ચિંતા ન કરતા.” અને પછી પેલા ડ્રાઈવર જેવા દેખાતા માણસ તરફ ઈશારો કરીને તેમણે ઉમેર્યું, “આ આપણો બોડીગાર્ડ સાથે છે. અને આપણી ગાડીમાં એટલો બધો દારૂગોળો ભરેલો છે કે તે વડે જરૂર પડે આપણે એક આખી સૈન્ય ટૂકડીને હરાવી શકીએ એમ છીએ.”
યજમાને તો સાંત્વન આપવાનો પ્રયત્ન કરેલો પણ મહેમાન પર તો તેની અસર સાવ ઊંધી થઈ. અત્યાર સુધી તો યુદ્ધ ક્ષિતિજની પેલે પાર છે તેવું તેને લાગતું હતું અને તે બેફિકર જેવો હતો પણ હવે તેને થોડો ડર તો લાગ્યો. યુદ્ધ સાવ સમીપ લાગ્યું. સાંભળેલી બધી વાત હવે તેને સાચી લાગી. હવે શું થાય? હવે તો બસ ખાંડણીયામાં માથા રામ.
૧૯૯૨થી શરૂ થયેલી રાજકીય અસ્થિરતાને કારણે ઊભી થયેલી માનવીય કટોકટીમાં પ્રજાને આર્થિક, સામાજીક, શૈક્ષણિક વગેરે ક્ષેત્રમાં મદદરૂપ થવા યુનાઈટેડ નેશન્સે સોમાલીયામાં ઘણો ફાળો આપ્યો છે. જોકે, ૧૯૯૫માં પરિસ્થિતિ એટલી વણસી અને તેમના માણસો પણ મરાયા ત્યારથી તેઓ એ પણ સોમાલીયાને ભગવાનને ભરોસે મૂકી ત્યાંથી ચાલતી પકડી છે.
એ ઈશ્વરી કૃપા જ હતી કે ભેંકાર રસ્તા પર તે જે સમયે ફસાયો હતો તે સમયે હજુ થોડા ઘણા ‘યુ એન’ના કર્મચારીઓ સોમાલીયામાં હાજર હતાં. તેમાં ય મહદ્ આશ્ચર્યતો એ લાગ્યું કે તેમાં એક દક્ષિણ ભારતીય દંપતી બેઠું હતું. તેઓ કોઈ ગુજરાતી મિત્રને ત્યાં જમવા ગયા હતા ત્યાંથી પાછા ફરી રહ્યા હતા. આ દંપતીએ વગર કોઈ આનાકાનીએ તેને ‘લીફ્ટ’ આપી. યજમાન અને તેના ‘બોડીગાર્ડે’ ત્યાં જ રહેવું પસંદ કર્યું અને ‘લીફ્ટ’ ન લીધી. પેલા દંપતીને આશ્ચર્ય થયું, તેને શું ખબર કે બગડેલી સ્ટેશન-વેગનમાં દારૂગોળો ભરેલો છે અને તેથી એમ કાંઈ તેને રેઢી મૂકીને ન અવાય.
“બાય, આવજો, ફરી મળીશું, મારી કાલે સવારની નાઈરોબીની ફ્લાઈટ છે. ત્યાંથી પછી દુબાઈ જઈને તમારી નવી હોટેલના સામાન માટે વ્યવસ્થા કરીશું, મારી આગતા-સ્વાગતા માટે તમારો ઘણો આભાર. કાલે તમારા માણસને મોકલજો જેથી એરપોર્ટ પર સમયસર પહોંચી જવાય”. આ પ્રમાણે ઔપચારિકતા પુરી કરી, પ્રેસીડેન્ટના ભત્રીજાની રજા લઈ તે જીપમાં તરત બેસી ગયો.
પરોપકારી દંપતી સાથે અડધા કલાકની અંધારા રસ્તે યાત્રામાં તેમણે સોમાલીયા વિષે બીજી પણ ઘણી વિગતો આપી. તેના યજમાનના કાકાએ ૧૯૯૨માં તત્કાલીન પ્રેસીડેન્ટ મહોમદ સિયાદ બારીને હટાવીને રાજગાદી સંભાળી હતી. પણ દેશના બીજા હકદારોએ સત્તા માટે જંગ ચાલુ જ રાખ્યો અને પરિસ્થિતિ રોજ વણસતી જ ગઈ. પ્રજા માટે મોકલાવેલું અનાજ વોરલોર્ડ લુંટી લેતા. ૧૯૯૩માં તો તેઓ એ અમેરિકા જેવા અમેરિકાના બે હેલીકોપ્ટરો પાડી નાખ્યા. લડાઈમાં ઘણાં મરાયા અને છેવટે અમેરિકાએ ત્યાંથી ભાગી જવું પડ્યું. અત્યારે ‘યુ એન’ વાળા થોડીઘણી મદદ કરે છે. જોકે તેઓ પણ હવે થાક્યા છે અને બે-ત્રણ મહિનામાં તેઓ પણ નીકળી જવાના છે. અહીં જોખમ બહુ મોટું છે. આવવા જેવું નથી. ‘યુ એન’ શાંતિ-સેનામાં ઘણાં ભારતીયો છે. તેના એક અધિકારીને ઘેર તેઓને જમવા માટે બોલાવેલા. ગુજરાતી જમણ હતું. પ્લાસ્ટીકના એક ડબ્બા સામે આંગળી ચીંધીને પતિદેવે કહ્યું કે “ત્યાં અમને ઢોકળા બહુ ભાવ્યા એટલે જુઓ મિત્રની પત્નીએ આ ડબ્બામાં ઢોકળા બાંધી આપ્યા છે.”  આવી વાતચીતોમાં ઊમોદીની હોટેલ આવી ગઈ. તેણે દંપતીનો હૃદયથી આભાર માન્યો.
બીજે દિવસે વગર વિલંબે એરપોર્ટ પર પંહોચી શકાય તે હેતુથી ઊમોદી હોટેલનું બિલ ચૂકવીને તૈયાર ઊભો હતો. પેલો સોમાલી બરાબર સમયસર આવી ગયો. તેણે  સમાચાર આપ્યા કે પ્રેસીડેન્ટનો ભત્રીજો આખી રાતભર તે જ જગ્યાએ ફસાઈ રહ્યો હતો. છેક સવારે તેની બંધાઈ રહેલી હોટેલના જ કોઈ માણસો શહેરમાં સામાન લેવા જઈ રહ્યા હતા તેમનું ધ્યાન પડ્યું કે ‘બોસ’ની ગાડી ખોટવાઈને પડી લાગે છે. પછી તે લોકોએ કોઈ વ્યવસ્થા કરીને તેને ઘર ભેગો કર્યો.
એરપોર્ટ પર તો પેલા સોમાલીએ સમયસર પહોંચાડી દીધો પણ અરે આ શું? એરપોર્ટ તો બંધ હતું. દરવાજા બંધ કરવાની કોલેપ્સીબલ જાળી પર તાળા લાગેલા હતાં. એરપોર્ટને તાળા લાગેલા હોય તેવું તેણે આ પહેલા કદી જોયું નહોતું, વળી આ ગામના લક્ષણ કાંઈ મનને સમાધાન આપે તેવા નહોતા. તેથી ચિંતા થવી સ્વાભાવિક હતી. મુકવા આવેલા સોમાલીએ અરબી મિશ્રિત ભાંગીતૂટી અંગ્રેજીમાં સમજાવ્યું, “લા ફિકર, મુમકીન તયારા લેટ. માફી ખતર અલઆન. ઈંતદારૂ વેઈટ નુસ્ફ સા” (“ફિકર ન કરો, ફ્લાઈટ કદાચ મોડી છે, હવે કોઈ ડર નથી, આપણે અડધો કલાકની રાહ જોવી પડશે”).
બરાબર તેમ જ થયું. થોડી વાર પછી એરપોર્ટના તાળા ખુલ્યા, તેણે તો તાબડતોબ, પાછું જોયા વગર ચેક-ઈન કાઉન્ટર તરફ દોટ મુકી. ફ્લાઈટ જેવી રીતે ઊતરી હતી તેવી જ રીતે ઝડપભેર ઊંચા ખુણે આકાશમાં સલામત ઊંચાઈ પર ચડી ગઈ. તેનો અધ્ધર જીવ હવે હેઠે બેઠો અને પ્રભુનો મોટો પાડ માન્યો. વિમાન સોમાલીયાના આકાશમાંથી કેનીયાની હવાઈ સીમામાં પ્રવેશ્યું હશે. તેને યાદ આવ્યું, અરે, પેલી હજારો સોમાલી-શિલિંગ ભરેલી થેલી તો જેમ હતી તેમ વપરાયા વગર પેલાની કારના બુટમાં જ પડી રહી. પણ તેને જરાય રંજ ન થયો હેમખેમ તે દેશમાંથી બહાર નીકળી શકાયું તેના આનંદ સામે ૧૦૦ ડોલરનું નકસાન કોઈ વિસાતમાં નહોતું. નાઈરોબી એરપોર્ટ પર તેને લેવા તેનો મિત્ર સુભાષ ઉર્ફ બાબુ હસતે મોઢે ઉભો હતો, કદાચ વિચારતોય હોય કે આ ગાંડાને સોમાલીયા જવાની શું જરૂર પડી હશે?
પણ તે સમયગાળો જ એવો હતો કે આફ્રિકાના અમૂક ગણ્યાંગાંઠ્યા દેશો સીવાય લગભગ બધા જ દેશોમાં કાંઈ ને કાંઈ રાજકીય ઉથલપાથલ સતત ચાલુ જ હોય. આ દેશોમાં વગ વધારવા અનેક મોટા ગણાતા દેશો, જેવા કે અમેરિકા, રશિયા, ઈંગ્લેન્ડ, ફ્રાન્સ, બેલ્જીયમ પોર્ટુગલ વગેરે શામ-દામ-દંડ-ભેદ નો પ્રયોગ કરી ત્યાં ની પ્રજામાં આંતરિક મતભેદો ઊભા કરી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવામાં લાગેલા હતા. તેને લીધે અંગોલા, કોંગો, નાઈજીરીયા, સીયેરા લીઓન, રવાન્ડા, સોમાલીયા, માડાગાસ્કર, આઈવરી કોસ્ટ વગેરે દેશોમાં રસ્તા પર શસ્ત્રસજ્જ બખ્તરબંદ વાહનો ફરતા જો તમને દેખાય કે કોઈ ગોળીબારનો અવાજ સંભળાય તો આશ્ચર્ય ન થાય. કેન્યા એકંદરે રાજકીય દૃષ્ટિએ સ્થિર ગણાય છતાં, અંધારૂ થયા પછી રસ્તે લુંટફાટનો ભય તો રહે જ. ક્ષણભર માટે હૃદયનો એકાદ ધબકારો છૂટી જાય તેવા ઘણા પ્રસંગોનો સાક્ષી હોવાથી તેમનો મોટો દીકરો તે બધી વાતો સમય મળે ઊર્મિલા બહેનને કહેતો.
આજકાલ તેમના મોટા દીકરાને આફ્રિકા જવાનું થતું નથી. હવે આફ્રિકાની વાતો મા ને કોણ કહેશે?
 
 
-----     -----     -----
પોસ્ટ-સ્ક્રિપ્ટ. લેખકે પાછળથી ઉમેરેલું –
૧)     મલબાર હીલ પર નાનજી કાલિદાસનો મૂળ બંગલો ‘વીર ભવન’ ૧૯૮૦માં તોડીને તે જ જગાએ, તે જ નામનું બીજું મોટું મકાન તેઓએ બાંધ્યું છે, જ્યાં હજુ પણ તેમના વારસદારો રહે છે. તેમના સુપુત્ર મહેન્દ્રને ૯મી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે આયોજીત ‘પ્રવાસી ભારતીય દિન’ PBSA 2015 નિમિત્તે ભારત સરકારે એવોર્ડ આપી નવાજેલા છે.
૨)     સોમાલીયાને ઉગારવા માટે યુનાઈટેડ નેશન્સ ઓરગેનાઈઝેશન, (UN), એ UNOSOM II નામે ખાસ સંસ્થા બનાવી સહાયતા મોકલી રહ્યા હતા. તે વ્યવસ્થા લગભગ ત્રણ વરસ સુધી અનેક કઠીનાઈઓ સામે ઝઝુમીને કામ કરતી રહી. છેવટે ૩૧મી માર્ચ ૧૯૯૫ના દિવસે તેમણે ન છૂટકે કામ રોકી દેવું પડ્યું હતું.
3)      સોમાલીયાના પ્રમુખ, અલી મહોમ્મદ મ્હાડીનું રાજ ૧૯૯૭ સુધી ચાલ્યું અને ત્યાર પછી સોમાલીયાનો ર૦૦૭ સુધી તેનો કોઈ ધણી રહ્યો નહીં અને દેશ ભયંકર અરાજકતામાં ડૂબી ગયો. જે હોટેલના કામ માટે ઊર્મિલા બહેનનો મોટો દીકરો મોગાદીશુ ગયો હતો તે હોટેલને અડધી બનેલી છોડીને પ્રમુખના ભત્રીજાને પ્રમુખની સાથે ભાગી નીકળવું પડ્યું.
૪)     વખત જતાં સોમાલીયા વધુ ને વધુ અરાજકતામાં ફસાતું ગયું છે અને હાલમાં ઈસ્લામી ઉગ્રવાદી સંગઠન અને દરિયાઈ ચાંચિયાઓ માટે નામચીન થઈ ગયું છે. તેઓએ પડોસી દેશ કેન્યા ઉપર આતંકી હુમલાઓમાં કેટલાય બીન-મુસ્લિમોને વીણી વીણીને મારી નાખ્યા છે અને ભારત સહિત કેટલાય દેશોની સ્ટીમરોને બાનામાં રાખી મોટી રકમો જે તે દેશો પાસે થી પડાવી છે અથવા બાનામાં રાખેલા ખલાસીઓની હત્યા કરી છે અને માલ સામાન હડપ કરી લીધો છે. હવે તો ઈસ્લામી આતંકીઓએ પણ તેમની સાથે હાથ મીલાવીને અઢળક કમાણી કરી છે જેનો ઉપયોગ તેમણે પડોસી કેન્યામાં કેટલાય જીવલેણ હુમલાઓમાં કર્યો છે.
૫)     હવે મોટાએ ભલે આફ્રિકાના આંટાફેરા બંદ કર્યા હોય પણ લાગે છે એવું કે ઊર્મિલા બહેનનું નસીબ જોર કરે છે. હવે આફ્રિકાની વાતો કહેવાનો વારો આવ્યો છે તેમના વચલા દીકરાનો. તેના વેવાઈ વર્ષોથી નાઈરોબીમાં સ્થિત છે. ત્યાંની સ્થાનિક બેંકમાં ઊંચા હોદ્દા પર છે. દીકરા ના લગ્ન થયા પછી થી વચલો અને તેની પત્ની વેવાઈને મળવા જ્યારે કેન્યા જાય ત્યાર બાદ ઘેર પાછા આવીને મા ને ત્યાંની વાત કરે છે. તેનો પુત્ર અને પુત્રવધૂ પણ વારે તહેવારે નાઈરોબી જઈ આવે છે. ઊર્મિલા બહેનને બચપણથી શરૂ કરી ઘડપણ સુધી આફ્રિકાએ હજી છોડ્યા નથી.