Sunday, January 25, 2015

ડાહ્યાભાઈનું ભૂત પ્રકરણ કહો અથવા કહો દક્ષિણ આફ્રિકાનું ઝિંબાબ્વે પ્રકરણ



જીવન રોમાંસ....   જીવનની દરેક ક્ષણ રોમાંચ થી ભરેલી હોય જ છે. વીરલા તે અનુભવી શકે છે. આ વાર્તા સંગ્રહ સાવ સત્ય ઘટનાઓ પર આધારિત એક સ્ત્રીનો જીવન-સંઘર્ષ છે જેમાં માનવ સંબંધોનાં જીવંત નાટક ની સાથે સાથે વણાએલ છે રાજકારણ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, દાક્તરી, સાહિત્ય અને દેશ-વિદેશનો પ્રવાસ. વાચકને તે જ્ઞાન, ગમ્મત અને પ્રેરણા આપશે.........

ડાહ્યાભાઈનું ભૂત પ્રકરણ કહો અથવા કહો દક્ષિણ આફ્રિકાનું ઝિંબાબ્વે પ્રકરણ

(ડાહ્યાભાઈ પટેલની ભૂતકથા નાનપણમાં વાંચેલી બકોર પટેલની વાર્તાઓ ની કદાચ યાદ કોઈકને અપાવે. પણ ભાઈ, અહીં આ તો સત્ય કથા છે.)

ખોળામાં એક સફેદ ખમીસ અને એક જોડ કાળા-કાબરચિતરા મોજાં પડ્યા છે. ઊર્મિલા બહેન પોતાના મોટા દીકરાને ઘરે કારપેટ પર બેઠા બેઠા કપડા સંકેલતા લાગે છે. કારપેટ ઠીકઠીક જાડી છે તેથી જ્યારે પલાંઠી વાળીને બેસવાનું મન થાય તો સોફા ના કરતા આવું કાંઈ કામ હોય તો તે નીચે બેસી જાય. તેમની જમણી બાજુએ ધોયેલા કપડાનો ઢગલો છે, સામે ટીવી છે જે અત્યારે બંધ છે અને ડાબી બાજુએ ગેલેરીમાં જવાનો કાચનો મોટો સ્લાઈડીંગ દરવાજો છે જેને ફ્રેંચ-વીન્ડો પણ કહેવાય. અત્યારે તેઓ કપડાની ગડી વાળવાને બદલે ફ્રેંચ-વીન્ડોમાંથી બહાર જોઈ રહ્યા છે. નીચે રસ્તા પર કરામા વિસ્તારનો ટ્રાફિક ઝબિલ રોડ પર વળી રહ્યો છે. ઊર્મિલા બહેનની નજર ભલે રસ્તા પર હોય પણ આંખો દુબાઈના વાહનો નથી દેખી રહી. મન કાંઈક બીજે ખોવાયું હોય તેમ લાગે છે. દીકરાએ હમણાં જ વાત કરેલી ઝિંબાબ્વેની અને ત્યાંથી લાવેલા આ ખમીસ-મોજાંની. આફ્રિકાના ઝિંબાબ્વેની વાત સાંભળીને શું આફ્રિકામાં એક સમયે રહેલી પોતાની મોટી બહેનને તે યાદ કરતા હશે? કે પછી આ ખમીસ-મોજાંએ મનમાં જે કોયડો ઊભો કર્યો છે તે બાબતે વિચારતા હશે?

આફ્રિકા જતી બધી સ્ટીમરોમાં યુદ્ધ સામગ્રી અને સૈનિકોને જ પહેલા જગ્યા મળતી. તે પછી જો કદાચ જગા બચે તો જ બીજાને તક મળે. નવદંપતીને છેવટે દારૂગોળા લઈ જતી એક સ્ટીમરમાં બહુ મહેનતે ટીકીટ મળી હતી. લગ્ન પછી જ્યારે મોટી બહેનને સાસરે મોકલી ત્યારે બીજા વિશ્વયુધ્ધનો કાળ હતો. અંગ્રેજોએ ભારતના લાખો સૈનિકોને યુધ્ધમાં હોમી દીધા હતા. ઊર્મિલા બહેનની સૌથી મોટી બહેન પરણીને આફ્રિકા જઈ રહી હતી. વરરાજાનો નાઈરોબીમાં કાપડનો  વેપાર હતો. તેઓ જાપાનની ટોરે કે એવી કોઈ મોટી કંપનીનું કામ ત્યાં કરતા. આફ્રિકા અને ભારત ની વચ્ચે જે અફાટ અરબી-સમુદ્ર અને હિંદી-મહાસાગર આવેલો છે ત્યાં જર્મન નૌ-સેના ની ‘યુ-બોટ’ ની ઘણી ધાક હતી. જર્મન સબમરીન ‘યુ-બોટ’ તરીકે ઓળખાતી. બ્રિટીશ જહાજો તેમના નિશાના પર હોય જ. નવદંપતી સદભાગ્યે પ્રભુની પ્રાર્થના કરતાં કરતાં નિર્વિઘ્ને જેમ તેમ કરતાં પોતાને ઘેર પહોંચેલા.

૧૯૩૮-૩૯માં જ્યારે લડાઈની શરૂઆત થઈ ત્યારે બ્રિટીશ રાજ ની ભારતીય સેનામાં લગભગ બે-સવાબે લાખ સૈનિકો હતાં. પરંતુ જેમ લડાઈ વ્યાપક બનતી ગઈ તેમ તેમ વધુ જરૂર ઉભી થતાં લગભગ પચીસેક લાખ ભારતીય સૈનિકોને યુદ્ધ ભૂમિ પર યેનકેનપ્રકારેણ તેઓ મોકલી ચૂક્યાં હતાં. ભારતીય ફોજે અનેક ક્ષેત્રો પર મોરચો સંભાળ્યો હતો ને પોતાના સહજ-પરાક્રમથી નામના મેળવી હતી. તેમાંનાં લાખો એવા પણ હતા જેઓ ત્યાં જ વીર ગતિને પ્રાપ્ત થયા અને કદી પાછા ન આવી શક્યા. “લખલખ નિર્મલ નવલકિશોરો ખાઈઓમાં ખોવાણાં.....એક દિન આંસુ  ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં”, એવું કવિ કરસનદાસ માણેકે લખેલું.

લગ્ન પછી મોટી બહેનનું પિયર આવવાનું ભાગ્યે જ થયું હતું. તેમના લાંબા જીવન દરમિયાન ત્રણ-ચાર વાર તેઓ ભારત આવ્યા હશે. દર વખતે ટૂંકુ જ રહેઠાણ હોય પણ છેલ્લી વાર આવ્યા તે વખતે તો મુંબઈના જુહુ બીચ પર કીંગ્ઝ એપાર્ટમેન્ટમાં ફ્લેટ લઈને શાંતિથી પતિ-પત્ની લાંબુ રહેલા. એક વખતની જાણીતી અભિનેત્રી, સુલક્ષણા પંડિત તેમના પડોશી હતા. મુંબઈમાં જુહુ એટલે બોલીવુડના સિતારાઓનો રહેણાક પસંદગી માટેનો પ્રથમ વિસ્તાર. સમજણા થયા પછી આટઆટલા વર્ષોમાં ઊર્મિલા બહેને મોટી બહેન સાથે ભાગ્યે જ ગણ્યાગાંઠ્યા દિવસો વિતાવ્યા હશે. વળી તે બન્ને બહેનો વચ્ચે ઉમ્મરનો ખાસ્સો ફેર. પરંતુ મોટી બહેન જુહુમાં જે વરસેક જેટલું રહ્યાં ત્યારે તે બન્ને બહેનો વચ્ચેનો સંબંધ ગાઢ બન્યો હતો. 

મોટી બહેનના છોકરાઓ મોટા થયા તે કાળે નાઈરોબીમાં કોલેજ-યુનીવર્સીટીઓ નહીં ના બરાબર. તેથી મેટ્રિક પછી આગળ ભણવું હોય તો પરદેશ જવું પડે. તેમના પાંચેય સંતાનો ભણવા પરદેશોની કોલેજોમાં ગયા અને અંતે જ્યારે તેઓ સર્વે કેનેડામાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયા ત્યારે તેમના મા-બાપે પણ નાઈરોબીને કાયમ માટે છોડીને કેનેડામાં પોતાનો વસવાટ પ્રારંભ કર્યો.

વર્ષો પછી, ઊર્મિલા બહેન જ્યારે પોતાના નાના દીકરાને ઘેર કેનેડા ગયા હતાં તે દરમિયાન પણ બન્ને બહેનોને સારો સમય સાથે ગાળવા મળેલો.

જ્યારે તે લગભગ ૯૨-૯૩ વર્ષની પાકટ ઉંમરે ગુજરી ગયા ત્યારે ઊર્મિલા બહેનને જાણે કે મા ની છાયા ગુમાવી હોય તેવો શોક થયો હતો. લોહીની લાગણીના તાણાવાણા અજબ રીતે કામ કરતા હોય છે. અંતિમ વિદાયના સમાચાર સાંભળીને તેઓ દુઃખી દુઃખી થઈ ગયા હતા. આ વસમા સમાચાર વચેટ દીકરાના ઘરે ફોન પર આવેલ અને તેઓએ વાતની ગંભીરતા સમજીને ફોન પર મા ને કહેવા કરતા રૂબરૂ મળીને જ હળવેથી વાત કરવી એમ જ નક્કી રાખ્યું. તે છતાં લગભગ અઠવાડીયા સુધી તેઓ સુનમુન રહ્યા હતા. સીત્તેરક વર્ષના તેમના સહીયારા ઈતીહાસમાં યાદોની વણઝારનો મોટો હિસ્સો છેલ્લા એકાદ-બે દસકાનો. કારણકે એ થોડાક દસકાઓમાં જ તેમનો સંબંધ પ્રગાઢ થયો હતો.

કદાચ આવું કાંઈ ઊર્મિલા બહેન વાગોળતા બેઠા હશે એમ બની શકે. પણ હવે વિચારોમાં ખોવાએલ ઊર્મિલા બહેને ફરી ખોળામાં પડેલા કપડાઓ પર નજર તાકી. તેમણે ખમીસ હાથમાં લીધું. ટેરીલીન જેવું કાપડ લાગ્યું. બહુ મોંઘું નહીં હોય. સુતરાઉ કપડાના તેમના જેવી શોખીન તો કદાચ આવા શર્ટને હાથ પણ ન લગાડે. શર્ટ-મોજાંનું કાપડ કાંઈ વિશિષ્ટ ન હતું પણ તેની સાથે જોડાએલી ઘટનાએ ઘણાને અચંબિત કર્યા હતા. બની શકે કે ઊર્મિલા બહેન તે બાબતે જ કાંઈ વિચારી રહ્યા હોય. તેમના મોટા દીકરાએ ડાહ્યાભાઈની જે વાત કરી હતી તે શું સાચી હશે?

ઊર્મિલા બહેનના મોટા દીકરાનું કામ એવું કે પરદેશ બહુ ખેડવો પડે. ૧૯૯૫ની આસપાસની વાત છે. એક વખત તેને આફ્રીકાના ઝિંબાબ્વે દેશમાં જવાનું થયું હતું. વીસા માટે બધા દેશોના જુદા જુદા નિયમો હોય. વળી સમયે સમયે તે નિયમો બદલાતા પણ રહે. ઝિંબાબ્વે દેશમાં જવા ભારતીયોને પહેલેથી વીસા લેવાની જરૂર નથી પડતી. ત્યાંના એરપોર્ટ પર પહોંચ્યા પછી ત્યાં એરપોર્ટ પર જ તેઓને વિસા આપી દે. ભારતીયોને માટે આફ્રિકાનાં ઘણા દેશોમાં આવી સુવિધા છે. દાખલા તરીકે, કેનીયા, ટાન્ઝાનિયા, યુગાન્ડા વગેરે. બીજા ઘણા એવા પણ દેશો છે જ્યાં જતા પહેલા ત્યાંના વિસા તેમની દુતાવાસ-કચેરીમાંથી મેળવી લેવા પડે. દાખલા તરીકે, સાઊથ આફ્રિકા, બોટ્સવાના, નાઈજીરીયા વગેરે.

તે કાળમાં ઝિંબાબ્વેના વેપારીઓ સામાન્ય રીતે માલ-સામાન સાઊથ-આફ્રિકાથી આયાત કરતાં. કોઈ જણા થોડોક સામાન હોંગકોંગથી અને સીંગાપુરથી પણ મંગાવતા. ઊર્મિલા બહેનના મોટા દીકરાએ હવે દુબાઈથી ઈલેક્ટ્રોનિક્સનો સામાન ઝિંબાબ્વે પણ મોકલવાનો શરૂ કર્યો હતો. ઝિંબાબ્વેનું સૌથી મોટું શહેર હરારે. તે રાજધાની પણ ખરૂં. ત્યાં તેણે ત્રણ-ચાર દિવસમાં કામ પતાવ્યું પણ લગભગ છેલ્લે દિવસે ઝિંબાબ્વેના પડોશી દેશ બોટ્સ્વાના થી ફોન આવ્યો, “અમારે પણ થોડો સામાન જોઈએ છીએ અને તમે દુબાઈથી છેક અહીં સુધી આવ્યા છો તો અમને પણ મળતા જાવ”. તે વેપારીનો કારોબાર બોટ્સ્વાના ના ફ્રાન્સીસટાઉન ગામમાં હતો. બોટ્સ્વાના માં હીરા બહુ મળે. ખાણમાં તો ખરા પણ જમીનની સપાટી પરથી પણ કદીક કદીક મળી જાય. હીરાને લીધે આ દેશ તેના પડોશી બીજા દેશો કરતાં ઘણો વધુ ધનાઢ્ય છે. તેથી આવા દેશનો વેપારી જ્યાં સામે ચાલીને બોલાવે છે તો આ તક જતી ન કરવી જોઈએ એમ તેને થયું પણ બોટ્સ્વાના માટે તો વિસા પહેલેથી કઢાવવા પડે, તે કઢાવવાનો હવે તો સમય પણ નથી. તો શું કરવું? પણ તેને ખબર હતી કે ફ્રાન્સીસટાઉન ગામ ઝિંબાબ્વે ના બુલાવાયો ગામ ની સાવ પાસે પડે. દેશની નૈઋત્ય સીમાને લગભગ અડોઅડ આ પાર બુલાવાયો અને પેલી પાર ફ્રાન્સીસટાઉન. તેથી, જો ફ્રાન્સીસટાઉનનો વેપારી સીમા પાર કરી બુલાવાયો આવે અને પોતે હરારે થી ફ્લાઈટ પકડી બુલાવાયો જાય તો આ મીટીંગ શક્ય બને. બુલાવાયો ગામ ભલે ક્રિકેટ રમતની દુનિયામાં જાણીતું ખરું પણ શહેર તરીકે બહુ નાનું કહેવાય. એક ફ્લાઈટ સવારે અને એક સાંજે. આમ ચોવીસ કલાકમાં માત્ર બે જ ફ્લાઈટ્સ. પેલા એ હા કરી અને બીજા દિવસે ડાઉનટાઉનની એક જાણીતી હોટેલ ની લોબીમાં ૧૧ વાગે મળવું એમ નક્કી થયેલું.

કલાકની હવાઈ યાત્રા કરીને તે તો સવારે ૯ વાગે બુલાવાયો એરપોર્ટ પર પહોંચી ગયો. ફ્લાઈટ દરમિયાન તેણે બુલાવાયોમાં દિવસ કેમ વિતાવવો તે પણ મનોમન નક્કી કરી રાખેલું. પહેલા થોડો સમય એરપોર્ટમાં વિતાવવો, પછી એક-બે કલાકની મીટીંગ, એકાદ કલાક લંચ, બે-ત્રણ કલાક ડાઊનટાઉનમાં લટાર, ચા-નાસ્તો અને છેવટે વળતી ફ્લાઈટ પકડવા પાછા એરપોર્ટ. પોતાનામાં જ મસ્ત તેને અણસાર પણ નથી કે વિધિ આજે એક કેવો અનોખો જ અનુભવ તેને કરાવવાની છે.

મીટીંગ માટે ૧૧ વાગે પંહોચવાનું હતું એટલે ખાસ્સો બે કલાકનો સમય કાઢવાનો હતો. તેથી ટૅક્સી કરીને તરત ડાઊનટાઉન જવા ના બદલે પોતાની બ્રીફકેસ લઈને એરપોર્ટની આરામ દાયક બેઠક પર હાથમાં છાપું લઈને તે ગોઠવાઈ ગયો. આજુબાજુની બેઠકો પર એકલદોકલ ગોરા, બે-ત્રણ ભારતીય દેખાતા અને બાકી બીજા આઠ-દસ ત્યાંના કાળા સ્થાનિક માણસો હતાં. 

તેની આંખ આમ તો છાપાં પર હતી પણ તેને એવું લાગ્યું કે આધેડ વયનું કોઈ એક દંપતી તેની સામે કુતુહલતાથી જોઈ રહ્યું છે. તેણે બહુ દરકાર ન કરી. દંપતીની નજર સતત તેના પર જ હતી તેમ તેણે ભાસ થયો. એરપોર્ટ હતું એટલે લાઉડ સ્પીકરો પર પોતાની લાક્ષણિક ઢબે ફ્લાઈટ વગેરેની કાંઈક ને કાંઈક સૂચનાઓ હર ક્ષણે અપાઈ રહી હતી. તે જે ફ્લાઈટમાં હરારેથી આવ્યો હતો તે હવે બુલાવાયોના પેસેંજર લઈને પાછી હરારે જવા તૈયાર હતી. તે સૂચના સાંભળીને પેલું દંપતી ઊઠયું. નજર સતત આના પર. તેની પાસેથી જ્યારે પસાર થયું ત્યારે પોતાની ચાલ હવે સાવ ધીમી કરી. આને મનમાં થયું કે તે અપેક્ષા કરતાં હશે કે હું કંઈ બોલું. પણ તેણે તો જાણે કાંઈ જોયું-સમજ્યું ન હોય તેમ કરી છાપાંમાંથી મોઢું બહાર જ ન કાઢ્યું. બહેનની ગુજરાતી ઢબની સાડી જોઈને તેને તે સમજતા વાર ન લાગી કે તે ગુજરાતી દંપતી હશે. અને લાઉડ-સ્પીકરની સૂચના સાંભળીને ઊઠ્યા તે પરથી તેણે અનુમાન કર્યું કે આ દંપતી કોઈને મૂકવા એરપોર્ટ આવ્યું હશે. તે બહુ દેશોમાં ફરેલો એટલે તે એ જરૂર જાણતો કે આફ્રિકામાં રહેતા ભારતીય લોકો વિશેષ પરોપકારી સ્વભાવના હોય છે. તે દંપતીને એમ થતું હશે કે આને કોઈ તેડવા નથી આવ્યું લાગતું, કદાચ તેને સહાયતા ની જરૂર હશે. પણ તેને મદદની તો જરૂર નહોતી તેથી જોયું ન જોયું કરીને તે તો તટસ્થ ભાવે બેઠો રહ્યો. મનમાં થયું કે ખોટું કર્યું, બીજું કાંઈ નહીં પણ ઓછા નામે તેમની સામે જોઈને સ્મિત તો કરવું જ જોઈતું હતું. સજ્જન સ્વભાવના કોઈ પણ માનવને પ્રોત્સાહિત કરવું જ જોઈએ તે નાનપણથી પોતાના મા-બાપ પાસેથી શિખેલો વળી તેમાં ય આ તો પોતાના દેશનું માણસ. આજે તે કેમ ચૂક્યો?

દસ-પંદર મિનિટ પછી તે દંપતી વળી પાછું તેની પાસેથી પસાર થયું અને વળી તેની સામે નજર માંડીને ચાલ ધીમી કરી. પશ્ચાતાપ કરવાનો મોકો હવે તો ગુમાવવો ન જ જોઈએ. તેણે છાપામાંથી દ્રષ્ટિ તરત ઉપર ઉઠાવી દંપતી તરફ જોઈ આછું સ્મિત કર્યું. જેવું તેણે ઉપર જોયું કે તરત તે દંપતીએ ચાલવાની દિશા બદલી અને સીધા તેની પાસે આવીને ઊભા. “હેલ્લો, વેઈટીંગ ફોર સમવન? કેન આઈ હેલ્પ યુ”? “ના, ના, બધું સરસ છે. થેંક યુ વેરી મચ. કોઈ તકલીફ નથી” તેણે એમ કહી પોતાની વાત સમજાવી ને તેમને આશ્વસ્ત કર્યા. જતા જતા ભાઈએ પોતાનું કાર્ડ તેના હાથમાં મુક્યું. ‘ડાહ્યાભાઈ પટેલ, ટી. એચ. ફેશન્સ’ એવું નામ કાર્ડ પર જોઈને પાકું થયું કે તે સજ્જન ગુજરાતી છે. દક્ષિણ આફ્રિકાના લગભગ દરેક દેશોમાં મૂળ સુરતની આસપાસ રહેતા ઘણાં હિંદુઓ, વોરાઓ, ખોજાઓ આપણને જોવા મળશે. સુરત બાજુના ઘણા દરજીઓના નામ ડાહ્યાભાઈ હોય છે અને કાર્ડમાં લખેલું કંપનીનું નામ જોઈને આ ડાહ્યાભાઈનો વ્યવસાય પણ કદાચ કાપડ કામનો જ હશે તેવું તેણે અનુમાન કર્યું.

ડાહ્યાભાઈની સાથે એકાદ-બે વાક્ય ગુજરાતીમાં બોલી છાપાંમાં માથુ પાછું નાખવાની તૈયારી કરતા તેને જોઈને તેમણે “જરૂર પડે તો ચોક્કસ ફોન કરજો” કહીને વિદાય લીધી.

તેના કાર્યક્રમ પ્રમાણે આ તો ટૅક્સી કરી એપોઈંટમેન્ટ માટે પહોંચી ગયો. જુના અંગ્રેજ રાજના જમાનાની ‘કોલોનીયલ’ શૈલીની દબદબા વાળી તે હોટેલ હતી. બરાબર સમયસર પેલો બોટ્સવાનાનો વેપારી પણ આવી ગયો. તે પણ મુળે ભારતીય વંશનો જ હતો. ચા-કોફી-નાસ્તો કરતા કરતા મીટીંગ પણ ધારેલી તેમ સરસ થઈ ગઈ. પેલા વેપારીએ રજા લીધી અને આ એકલો પડ્યો. હવે બુલાવાયો ગામમાં આમ તેમ થોડું ફરીશું, લંચ લઈશું વગેરે કરતા હરારે પાછા વળવાની સાંજની ફ્લાઈટનો સમય પણ થઈ જશે. યોજના પાટા પર છે તે સંતોષથી મનમાં હરખાતો તે હોટલની બહાર પડ્યો.

બપોર ના દોઢ-બે થયા હશે. રસ્તા પર રોનક હતી. લાકડા અને પથ્થર વડે બનાવેલી જુના અંગ્રેજીરાજની ઢબના મકાનોની હારમાળા રસ્તાની બેઉ બાજુએ હતી. દુનિયાના બધા ડાઉનટાઉનોમાં હોય તે પ્રમાણે અહીં પણ મકાનોમાં મોટી કંપનીઓની ઓફીસો અને નીચે શો રૂમો તથા દુકાનો હતી. ફુટપાથ પહોળી હોવાથી ચાલવું ગમતું હતું.

હજુ પંદર-વીસ મિનિટ જ તે ટહેલ્યો હશે એટલી વારમાં જાણે વાતાવરણ સાવ બદલાઈ ગયું. તેણે સ્વગત પ્રશ્ન થયો, “કેમ એકાએક માણસો ઓછા થઈ ગયા?” અને પછીની પાંચ મિનિટમાં તો તે એકલો જ રસ્તામાં રહ્યો, જાણે કર્ફ્યુ ન લાગ્યો ન હોય? સમજતા વાર ન લાગી, “અરે આજે તો શનિવાર છે, ઓફિસો અડધો દિવસ કામ કરે”. તેને એકાએક બીક લાગી. બે ઘડી પહેલા માણેલી આનંદની લાગણી એકાએક ડરમાં ફેરવાઈ ગઈ. તેને ખબર છે કે દુનિયાના બધા શહેરોના ડાઊનટાઉન એકાંતના સમયે ગુનાખોરીના અડ્ડા બની જતા હોય છે. આફ્રિકાના ઘણા શહેરોમાં આમેય સાંજ પછી લુટમારના ભયે જો ખાસ કામ ન હોય તો ઘરની બહાર કોઈ જાય નહીં. થયું કે ટૅક્સી પકડી એરપોર્ટે ચાલ્યો જાઉં. પણ કોઈ ફ્લાઈટ ન હોય તેથી તે ય અત્યારે બંધ જ હોય. જોકે જવું હોત તોય ન જવાતે કારણ રસ્તામાં એકેય ટૅક્સી દેખાતી ન હતી. એકાએક કટોકટી ઊભી થઈ ગઈ. હવે કરવું શું?

તેને સ્મરણ થયું પેલા ડાહ્યાભાઈ પટેલનું.

“ચાલો, તેમને ફોન કરૂં”. સામે જીપીઓ, જનરલ પોસ્ટ ઓફિસની મોટી ઇમારત હતી. ફોન કરવા તે ત્યાં ગયો. પણ બંધ નીકળી. “ઓહો, શનિવાર! તે પણ વહેલી જ બંધ થાયને? પૂછું ય કોને? કોઈ રડ્યોખડ્યો ભૂત ભાઈ પણ ક્યાંય નજરે પડતો નથી” ડર અને નીરાશાની મિશ્રિત લાગણી સાથે તે પોસ્ટ ઓફિસના ઝાંપા બહાર નીકળ્યો. રસ્તાની ચારેકોર નજર દોડાવી. કોઈ માણસ દેખાય, કોઈ ટેક્સી મળી જાય. પણ રસ્તો સાવ સૂનો હતો. દરેક ક્ષણે તેના ભયમાં વધારો થઈ રહ્યો હતો. તે જરા આગળ ચાલ્યો, રસ્તાની ચોકડીએ પહોંચ્યો. દુર એક થાંભલા પર તેને પબ્લિક ફોન દેખાયો.

કોઈ જ ખચકાટ વગર ફોન પર ડાહ્યાભાઈએ ત્યાં આવી ને તેને તેડી જવાનું આશ્વાસન આપ્યું, જાણે કે તેના ફોનની રાહ જોઈને જ ન બેઠા હોય. તેને આશ્ચર્ય તો થયું પણ પરિસ્થિતિ એવી હતી કે આશ્ચર્ય કરતા રાહતનો અનુભવ લેવા તેનું મન વધુ લોલુપ હતું.  ડાહ્યાભાઈને આવતા લગભગ અડધો કલાક થયો. કાર તેની પાસે આવીને ઊભી રહી ત્યારે તેને હાશકારો થયો કે હવે સંકટ ટળ્યું.

માનવ સ્વભાવ વિચિત્ર હોય છે. એક સંકટ ટળે તો બીજા સંકટની ચિંતા કરવાની શરૂઆત કરે છે. ડાહ્યાભાઈ તેને અત્યારે તો દેવદૂત જેવા લાગ્યા ખરા પણ હવે આગળ તે શું કરશે અને પોતે શું કરવું તે વિચારોમાં તે ગુંથાયો.

કારમાં બેઠા પછી સહેજ ઔપચારિક વાતો થઈ, નામ-ઠામ-પરિવાર વગેરે. વચ્ચે બહાર જો કાંઈ જોવા જેવું આવે તો ડાહ્યાભાઈ તે પણ કહેતા જાય. સવારે તેઓ તેમના દીકરાને એરપોર્ટે મૂકવા આવ્યા હતા. દીકરો લંડનમાં ડોક્ટરનું ભણીને આવ્યો હતો અને હવે બુલાવાયોની હોસ્પિટલમાં કામે લાગ્યો હતો. તેના લગ્ન માટે ડાહ્યાભાઈએ છોકરી જોઈ રાખી હતી. તેને જોવા તે હરારે થઈને મુંબઈ જતો હતો.

કાર હવે સારા લત્તા માં પ્રવેશી હશે તેમ લાગ્યું. રસ્તાની બન્ને બાજુએ મોટા મકાનો દેખાવા લાગ્યા. કોઈ મકાનો મોટા બગીચા વાળા હતા તો કોઈક મકાનોના આંગણામાં ઊંચા થાંભલા પર ઝંડાઓ હતા તેથી એવું અનુમાન થઈ શકતું કે તે મકાનો કોઈક રાષ્ટ્રની કાં તો કોનસ્યુલેટ હોય કે પરદેશી રાજદૂતનું રહેઠાણ હોય. કોઈક મકાનોમાં પ્રવેશદ્વાર સામે ફુવારા પણ હતા. હવે કારની ગતિ ધટી. ડાહ્યાભાઈનો બંગલો નજીક હશે. જોતજોતામાં કાર લોઢાનો મોટો ઝાંપો વટાવી એક વિશાળ પ્રાંગણમાં દાખલ થઈ. અંદર ડાબે એક બેઠા ઘાટનું મકાન, સામે તરવા માટેનો લંબચોરસ સ્વિમિંગ-પુલ, જમણે બેઠા ઘાટનું વધુ મોટું મકાન અને આ ત્રણે ની પાછળ વાડી. સ્વિમિંગ-પુલ અને વાડીની વચ્ચે લોઢાનો એક ઊંચો થાંભલો-ટાવર અને તેના પર વાયરલેસનું મોટું એન્ટેના. ડાહ્યાભાઈએ સમજ પાડી કે જમણું ઘર દીકરા માટે તૈયાર કરાવ્યું છે, ડાબામાં પોતે અને પત્ની, અને પાછળ વાડીમાં શાકભાજી ઊગે છે.

વીજળી માટેના થાંભલા-ટાવરના માથે ૧૫-૨૦ પગ વાળો લોબસ્ટર-કરચલો જાણે ન ચડાવ્યો હોય તેવા દેખાતા એન્ટેના બાબતે ડાહ્યાભાઈએ ન ખુલાસો કર્યો કે ન તેણે કોઈ પૃચ્છા કરી. પોતે આમ તો ઇલેક્ટ્રોનિક્સ એન્જીનીયર તેથી તેણે અનુમાન કર્યું કે ડાહ્યાભાઈએ સંદેશ-વ્યવહાર માટે સરકારી તંત્ર પર જ આધારિત ન રહેવું પડે માટે પોતાની અંગત વ્યવસ્થા ઊભી કરી લાગે છે.

ઝાંપા પાસેથી ઘર સુધીનું અંતર બહુ લાંબુ તો ન હતું છતાં આવનારને તડકો કે વરસાદ નડે નહીં તે માટે પાકો મંડપ જેવો રસ્તો હતો. કારમાં થી ઊતરી બેઉ મંડપ નીચે અડધી-એક મિનિટમાં ચાલીને ઘરમાં પ્રવેશ્યા. યજમાન પત્નીએ આવકાર આપ્યો અને પછી લાક્ષણિક ગુજરાતી પ્રથા પ્રમાણે તે ઘડીભરમાં પાણીના પ્યાલા લઈ રસોડામાંથી પાછા આવ્યા. “ઘણું મોડું થયું છે. તમે જમવા જ બેસી જાવ.” તેને ભૂખ તો ઘણી લાગી હતી પણ કોઈ ને ત્યાં એમ ખાવા બેસી જવાય? તે ના ના કરતો રહ્યો. એટલી વારમાં તે બહેન પિરસેલી તૈયાર થાળી રસોડામાંથી લઈ આવ્યા. રોટલી, દુધી-બટાકાનું શાક, મગની દાળ અને ભાત. ખાવાનું આમ જોઈએ તો સાવ સાદું કહેવાય. પણ કોઈ એવાને પૂછજો જે દિવસ-રાત દેશ-પરદેશનું ભ્રમણ કરતો હોય, જેના ભાગ્યમાં ભલે સારી સારી હોટેલોનાં ભાતભાતના વ્યંજનો હોય, તે તમને અવશ્ય કહેશે કે ભાઈ, સર્વોત્તમ ખાવાનું એટલે ઘરનું સાદું ભોજન જ.

ભોજન પછી અંગ્રેજી રિવાજ મુજબ ચા-કોફીનું પુછાયું. જ્યારે ચા પિવાતી હતી ત્યારે  ડાહ્યાભાઈએ પુછ્યું, “તમારી ફ્લાઈટ ને તો હજુ છ-સાત કલાકની વાર છે. તમારે થોડો આરામ કરવો હોય તો આરામ કરી લો અને જો શહેર જોવું હોય તો આપણે બહાર એક આંટો મારી આવીએ અને વળતા તમને એરપોર્ટે મુકી દઈશું” ઘરમાં બેસી રહેવા કરતા તેને બહાર જવાનો પ્રસ્તાવ વધુ ગમ્યો. બહાર જવા નીકળતા વખતે યજમાન ભાઈએ અજાણ્યા આગંતુક ને પુછી જોયું “તમારે ખાસ કાંઈ જોવાની ઈચ્છા છે? તો એ પ્રમાણે ગાડીનો રૂટ લઈએ”

ગોરા શાસકોના હાથ નીચે પીલાયેલી દક્ષિણ-આફ્રિકાની પ્રજા કેવી રીતે રહેતી હશે તે જોવાની તેની ઘણા વખતની ઈચ્છા હતી. પણ સમયના અભાવે તે આજ સુધી શક્ય બન્યું નહોતું. આજે તેણે તક ઝડપી. “રંગભેદ કાળનો કોઈ કાળા લોકોનો વિસ્તાર નજીકમાં હોય તો તે જોવાની ઈચ્છા છે.” ડાહ્યાભાઈ ઘડીભર વિચારમાં પડ્યા. તેમને આ વાત સહેજ વિચિત્ર લાગી હશે. એમને કદાચ એમ હોય કે આ છોકરો ક્રિકેટ સ્ટેડીયમ જોવાની માંગ કરશે. કાળીયાઓની વસ્તી કાંઈ જોવા લાયક સ્થળોમાં થોડી આવે? આવું કાંઈક તેઓ કદાચ વિચારતા હોય.

દક્ષિણ આફ્રિકાના કેટલાક દેશોમાં રંગભેદની સરકારી નીતિ હતી. તેમાં રોહ્ડેશિયા નામનો એક દેશ પણ રંગભેદ માટે કુખ્યાત થયેલો. વખત જતા તે દેશનું વિભાજન થયું અને ઝાંબિયા તથા ઝિંબાબ્વે એમ બે દેશો બનેલા. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકામાં વકીલ તરીકે ગયા હતા ત્યારે તેમણે ગોરા-કાળા-ઘઊંવર્ણા માટે ના જુદા કાયદાઓ હોવાનો વિરોધ કર્યો હતો. તે જમાનામાં ગોરાઓ માટે રહેવાનો વિસ્તાર જુદો, તેમના માટે ગાડીમાં અલગ ડબ્બા અને બધા કાયદા એવા કે પરદેશી ગોરા શાસકોને બધા જ હક્કો. તેઓ ધારે તે કરી શકે. ત્યાં ની બહુમતી કાળા માણસોની, દેશ પણ મૂળ તેમનો, પણ તેમને કે બીન-ગોરા બીજા કોઈનેય કોઈ અધિકાર નહીં. એક મામૂલી ટિકિટ-ચેકરે કેવી રીતે ગાંધીજી પાસે ફર્સ્ટ-ક્લાસની ટિકિટ હોવા છતાં તેમને સામાન સહિત ધક્કો મારીને ગાડીમાંથી ફેંકી દીધા હતા? 

“ચાલો જઈએ, અહીંથી થોડે દૂર એક વસાહત છે” કહીને ડાહ્યાભાઈ કાર તરફ ચાલ્યા. તેમના પત્ની પણ જોડાયા. તે પાછળ બેઠા. પેટમાં ટાઢક થયેલી, બુલાવાયોના સૂમસામ વિસ્તારોમાં લુંટમારનો ડર પણ હવે ગયો હતો. કારની બારીમાંથી હુંફાળો પવન આવી રહ્યો હતો.  તેનું મગજ હવે બીજે વળ્યું. ડાહ્યાભાઈ આમતો શ્રીમંત જણાય છે પણ કેમ કોઈ નોકર-ચાકર તેમના ઘેર દેખાયા નહીં? આફ્રિકામાં પૈસાપાત્ર માણસને ત્યાં નોકર ન હોય તે તો બને જ નહીં અને આટલા મોટા પ્રાંગણ વાળા ઘરમાં તો ઘણા નોકર-ચાકરો હોવા જોઈએ. ડ્રાઈવર, સંત્રી, માળી, રસોઈયો, સફાઈ કરનારા વગેરે. પણ આવું કેમ પૂછાય? પણ તેના થયું કે થોડું સતેજ રહેવું સારું. તેણે જાપાનના ઓસાકા શહેરમાં એક વખત અને બીજી વખત હોંગકોંગ શહેરમાં આંધળો વિશ્વાસ મૂક્યા પછી પસ્તાવું પડેલું તે યાદ હતું. હોંગકોંગના ચીની વેપારીઓની યશ-ગાથા તો ‘દિલ્હીના ઠગ’ ને ય આંબી દે તેવી સાંભળી હતી પણ વધુ ધક્કો તો તેને ઓસાકામાં લાગેલો. એક મોભાદાર ‘સજ્જને’ તેને ઠગવાનો પ્રયાસ કરેલો. દુબાઈની ઇંડિયન હાઈસ્કુલમાં ઊર્મિલા બહેનની પૌત્રી જે વર્ગમાં ભણતી હતી તે જ વર્ગમાં આ ‘સજ્જન’ની દીકરી પણ ભણતી. પરિચિત વ્યક્તિ પાસેથી પરદેશમાં ઠગાવાની અપેક્ષા તો કોઈ ન જ રાખેને? ડાહ્યાભાઈ સજ્જન તો લાગે જ છે, શંકાને કોઈ સ્થાન નથી પણ ભાઈ, ચેતતો નર સદા સુખી એમ નથી કહેતા?

અતિ સમૃદ્ધ દેખાતા આ વિસ્તારના રસ્તાઓ વટાવી કાર ઓછા સમૃદ્ધ લત્તામાં પ્રવેશી અને પછી સામાન્ય જણાતા ઘણાં મહોલ્લાઓ વટાવી કાર ગામની સીમ પાસે પહોંચી. આગળ ખુલ્લો વિસ્તાર હતો. રસ્તાની  આજુબાજુ કોઈ મકાનો ન હતા. થોડી ક્ષણો પછી, અડધા-એક કિલોમિટર દૂર ઝુંપડપટ્ટી જેવી એક મોટી વસ્તી દેખાઈ. ડાહ્યાભાઈએ તે તરફ આંગળી ચીંધી ને કહ્યું, “સામે દેખાય છે તે કાળા લોકોનો વિસ્તાર. રંગભેદના કાળે તે લોકોને ગામમાં રહેવાની મનાઈ હતી. તેઓ કામ કરવા માટે પરમિટ લઈને ગામમાં આવે પણ ત્યાં રહી ન શકે. દેશ સ્વતંત્ર થયા પછી હવે તેવા કાયદાઓ રહ્યા નથી. હવે તો તેમનું જ રાજ છે અને નિયમ બધા માટે સરખા જ છે. જે ને જ્યાં પરવડે ત્યાં રોકટોક વગર રહી શકે.” કાર હવે તે વસ્તી ની સમીપ પહોંચી હતી. ઘર નાના, આમ પાકા પણ ઝૂંપડી જેવા દેખાય. વિશાળ વિસ્તારમાં હજારો ઘર હશે. વસ્તી ઢાળ પર હતી તેથી ઊંચાણ વાળા તે રસ્તા પરથી  અંદરની નાની અનેક શેરીઓ, તેની સાથે ગંદા પાણીના નિકાલ માટેની નીક અને ક્યાંક દુકાનો પણ દેખાય.

તેને જે વર્ષોથી જોવું હતું તે જોવાઈ ગયું હતું તેનો સંતોષ હતો. કાર આગળ ચાલી. બીન-ગોરાઓ પર યુરોપીય પ્રજાએ કેટકેટલો ત્રાસ ગુજારેલો તેનો તે વિચાર કરતો બેઠો.

ડાહ્યાભાઈએ કહ્યું “આપણી પાસે હજુ ઘણો સમય છે. ચાલો, તમને તમારા કામનું કાંઈક બતાવું” એમ કહીને ઈલેક્ટ્રોનીક્સના ધંધાના એક મોટા વેપારીને મળવા લઈ ગયા. તે ખરેખર મોટો વેપારી હતો. સિંધી-ભાષી હતો. દુબાઈથી તે ઘણી સારી રીતે પરિચિત લાગ્યો. વાતોવાતોમાં ખબર પડી કે તેનો બનેવી દુબાઈમાં ઈલેક્ટ્રોનીક્સના જ કારોબાર કરતો હતો. આગળ વાત ચાલી અને જેવું સમજાયું કે દુબાઈનો વેપારી કોણ હતો ત્યારે તે ડાહ્યાભાઈના મહેમાનના માથે મોટું ધર્મસંકટ ઊભું થઈ ગયું, વ્યાપાર કરવાની-ધંધો મેળવવાની વાત કરું કે ન કરું? દુબાઈની ડાલસન કંપનીના માલિક મુરલી સાધવાની મગરમચ્છ જેવો મોટો વેપારી, જો તેને એમ થાય કે તેનો ઘરાક છિનવવાનો આણે પ્રયત્ન કર્યો છે તો વગર મફત ની સમજફેર થાય અને વર્ષોથી જાળવેલો સારો સંબંધ બગડે. વળી ડાહ્યાભાઈના પત્ની ઈલેક્ટ્રોનીક્સની વાતોમાં કંટાળતા હશે તેમ લાગતું હતું તેથી અંતે એક કોકાકોલાની મહેમાનગતિ સ્વીકારી ને ત્યાંથી ફટાફટ વિદાય લેવા નું તેને ઉચિત લાગ્યું.

કાર આગળ વધી. વસ્તી વાળી જગા મુકીને ઔદ્યોગિક વિસ્તારમાં કાર વળી. વાતાવરણ સૂમસામ હતું આજુબાજુના મકાનો જોતાં અનુમાન થઈ શકે કે તેમાંના કેટલાક કારખાનાઓ હશે તો કેટલાક કોઠાર-ગોદામ હશે. ડાહ્યાભાઈ બોલ્યા, “આપણે એમ કરીએ કે રસ્તે મારી ફેક્ટરીઓ આવે છે તે જોઈ લઈએ અને વચ્ચે એક મંદિર આવે છે ત્યાં પણ જતા આવીએ. એટલી વારમાં ફ્લાઈટનો પણ સમય થઈ જશે એટલે ત્યાંથી તમને એરપોર્ટ છોડી દઈશું.”

એક લાંબી-પહોળી મોટા હોલ કે ગોદામ જેવા દેખાતા મકાન પાસે કાર પાર્ક થઈ. મકાન પર મોટા અક્ષરે અંગ્રેજીમાં ‘ટી. એચ. ફેશન્સ’ એમ લખ્યું હતું અને દરવાજા પાસે એક સંત્રી ઊભો હતો. ત્રણે જણ કારમાંથી બહાર નીકળ્યા. અભિવાદનના ચિન્હ રૂપે આછું સ્મિત આપી સંત્રી સહેજ ટટાર થયો. તેના ચહેરા પર કુતુહલતા જણાઈ. ડાહ્યાભાઈએ પત્ની તરફ જોઈને પુછ્યું, “ચાવીનો ઝૂડો છે ને?” પત્નીએ હકાર ઉચ્ચાર્યો અને ઉમેર્યું, “આ, લો”. પત્ની પાસેથી ઝૂડો પોતાના હાથમાં લઈ ડાહ્યાભાઈએ દરવાજે પહોંચી તાળું ખોલ્યું. બારણું ખોલી ને ત્રણે અંદર દાખલ થયા. સંત્રી યથાવત પોતાના સ્થાને ફરજ બજાવતો ઊભો રહ્યો. ઈમારતમાં એક તરફ મેડી જેવી જગામાં ઓફિસ હતી અહીં ડાહ્યાભાઈ ના ટેબલ પરથી નીચે વિસ્તરેલી મોટી ફેક્ટરીનું વિહંગાવલોકન થઈ શકે. ફેક્ટરીમાં સો-સવાસો ટેબલ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા. લગભગ બધા ટેબલ પર કપડાના નાનામોટા ઢગલા અને સિલાઈના સંચાઓ દેખાતા હતા. કોઈ સંચાઓ પર ‘જુકી’ તો કોઈ પર ‘બ્રધર’ તો કોઈ પર ‘સિંગર’ એવા બ્રાન્ડીંગ હતા. કોઈ કામદાર ફેક્ટરીની અંદર નહોતા પરંતુ જે રીતે સામાન પથરાયેલો હતો તે જોઈને એવું લાગે કે થોડા કલાકો પહેલાં તેઓની પાળી પૂરી થઈ હશે. “અહીં આપણે સુટ બનાવીએ છીએ. ઓફિસમાં તેની ડિઝાઈન બને અને નીચે તે પ્રમાણે કોટ-પેન્ટ નું  સીલાઈ કામ થાય. સામે સૌથી આગળના મોટા ટેબલો પર કાપડ પર ચોકથી માપ પ્રમાણે  માર્કિંગ થાય, પછી પાછળના ટેબલો પર જે કટિંગ મશીનો છે, ત્યાં ૩૦-૪0 કાપડની થપ્પી કરીને એક સાથે કાપડને વેતરી લેવાય. તે પછીના ટેબલો પર કાપડ સીવાય, સાઈઝ અને બ્રાંડ પ્રમાણે લેબલ લગાડાય, હેમીંગ થાય, ગાજ-બટન થાય અને છેલ્લે કપડાની ઇસ્ત્રી થાય. તે પછી તૈયાર કપડાઓનું પૂરેપુરું ચેકિંગ થાય. ક્વોલીટી કંટ્રોલ ક્યુ.સી. નો ઠપ્પો લાગ્યા બાદ પૅકિંગ કરી ઓર્ડર પ્રમાણે અમે તે તૈયાર થયેલા કપડાને મોકલી આપીએ. આમતો ચાલુ દિવસ લગભગ બસ્સો બહેનો અને પચીસેક માણસો અહીં કામ કરતા હોય પણ આજે શનિવાર છે ને? નહીં તો તમને કપડા કેમ બને છે તે સરખી રીતે જોવા મળતે.”

ફેક્ટરીનું વિગતવાર વર્ણન આપતા ડાહ્યાભાઈને સાંભળતા તેના મગજમાં કાંઈ કેટલાય તર્ક-વિતર્ક ઊઠી રહ્યા હતાં. શા માટે તેની પાછળ આટલો સમય આ દંપતી ફાળવી રહી છે? શું કોઈ સ્વાર્થ હશે? તેના પર પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરતા હશે? શું રહસ્ય હશે?

અહીં થોડો સમય વિતાવી, ફેક્ટરી ને તાળું મારી ત્રણે જણા કારમાં પાછા ગોઠવાયા. પછીનું ઠેકાણું આ વખતે બહુ જલદી આવી ગયું. ચાર-પાંચ મિનિટ જ થઈ. કાર વળી પાછી પહેલા ના જેવી ઇમારત પાસે ઊભી રહી. વળી પાછો એક સંત્રી, વળી પાછું દરવાજાનું તાળું અને વળી પાછી કપડા બનાવવાની એક મોટી ફેક્ટરી. અહીં મેડી નહોતી પણ ફેક્ટરીની વચ્ચોવચ્ચ ઓફિસ હતી. તેની કાચની દીવાલોમાંથી આખી ફેક્ટરી ઉપર દ્રષ્ટિ રાખી શકાય. બસ્સોએક કારીગર અહીં પણ કામ કરતા હશે પણ આજે અહીં સાવ સૂનું હતું. અહીં પણ પહેલા જોઈ તેવી જ વ્યવસ્થા આ ફેક્ટરીમાં હતી. અહીં તેઓ ખમીસ બનાવતા હતા. તાજા બનેલા સો-દોઢસો ખમીસોના પેકેટો ઓફિસની એક ખુલ્લી અભરાઇ પર વ્યવસ્થિત થપ્પીમાં પડેલા હતા. તે તરફ નજર કરી ડાહ્યાભાઈએ પત્નીને ઉદ્દેશીને કહ્યું, “આમાંથી બે-ત્રણ જુદા-જુદા રંગના શર્ટ લઈ લે”. તે સાંભળીને પરદેશી મહેમાનને લાગ્યું તો ખરૂં કે ડાહ્યાભાઈએ તેને ખમીસ આપવાનું મન બનાવ્યું લાગે છે પણ એ જ્યાં સુધી તેમ કહે નહીં ત્યાં સુધી ‘ના’ કહેવી હોય તોય કેમ કહેવાય? તે ભલે મુંગો જ રહ્યો પણ ડાહ્યાભાઈના મનમાં શું હશે તે કળવાનો પ્રયાસ તેના મગજમાં ચાલુ જ રહ્યો.

યાત્રા આગળ વધી. આ સફર પણ ટુંકી નીકળી. પાંચ-છ મિનિટમાં વળી પાછી કારમાંથી ઊતર્યા. વળી પાછો તે ક્રમ. પણ આ વખતે મોટો ફેર એ હતો કે ફેક્ટરી માં મશીનો ચાલતા હોય તેવો અવાજ આવી રહ્યો હતો. ડાહ્યાભાઈએ તાળું ખોલી દરવાજો ખોલતા વેંત જ તે અવાજમાં વૃદ્ધિ થઈ. તેને વિસ્મય થયું, કેમ, શું અહીં શનિવારની રજા નથી? ત્રણે ટી. એચ. ફેશન્સ કંપની ની ફેક્ટરીમાં પ્રવેશ્યા. આ ફેક્ટરી સાવ નાની હતી. માણસ અંદર એકે નહોતો. બસ, એકલા ભૂતની જેમ મશીનો ધમાધમ ચાલી રહ્યા હતા. બે માથાડા જેટલા ઊંચા મશીનોની આસપાસ મહાકાય બોબીનો ગોઠવાયેલા હતા. સુતરના રંગીન તાંતણાઓ તેમાંથી ઊકેલાઈને મશીનમાં જાય અને તેના વડે ગુંથાએલા પગના મોજાઓ નીચે જમીન પર રાખેલ પીંજરા જેવા બાસ્કેટમાં એક પછી એક પડતા જાય. પ્રશ્નાર્થ મુદ્રા કળી જઈને ડાહ્યાભાઈએ ખુલાસો કર્યો, “અહીં અમે મોજા બનાવીએ છીએ. આ ઓટોમેટીક વીવીંગ મશીનો છે એટલે એક વખત બોબીન ચડાવી દઈએ તો દોરો ખલાસ ન થાય ત્યાં સુધી એની જાતે મશીનો ચાલ્યા જ કરે.”  ફેક્ટરીની બહાર નીકળતા પહેલા, ડાહ્યાભાઈએ ત્રણ-ચાર જોડી મોજાઓ પણ પોતાની પાસે રાખી લીધા.

પાછી કાર ચાલી. હવે તેણે સ્પીડ પકડી. થોડી વાર પછી, ચારે બાજુ પથરાયેલી લીલોતરી ની વચ્ચે, દૂર મંદિર જેવા ઘાટનું એક સફેદ શિખર દૃષ્ટિપાત થયું. પાછલી સીટ પર બેઠેલા ડાહ્યાભાઈના પત્નીએ તરત સ્પષ્ટતા આપી, “આ અહીંનું મંદિર”. જોતજોતામાં કાર મંદિર ના પ્રાંગણ પાસે આવી પહોંચી. ઝાંપો ખુલ્લો હતો. કદાચ, સાંજની આરતી વખતે દર્શનાર્થીઓના આગમનની સુવિધા જાળવવા માટે તેમ હશે. કારપાર્કમાં બે-ત્રણ કાર હતી. આફ્રિકામાં લગભગ બધા મુખ્ય ગામોમાં સરસ મોટા હિંદુ મંદિરો હોય છે પણ આ મંદિર ગામના પ્રમાણમાં વધુ મોટું અને વધુ ભરાવદાર હતું. હિંદુ સમાજના સ્થાનિક નેતાઓની તેમાં દૂરંદેશી ઝળકતી હતી. ત્રણે જણ કારમાંથી ઊતરી પગથિયાં ચડી બુટ-ચંપલ બહાર ઉતારી મંદિરમાં પ્રવેશ્યા. મંદિરના ગર્ભદ્વાર તરફ ડગલા ભરતા દંપતીને જોઈને તે વિચારી રહ્યો હતો, ડાહ્યાભાઈ-દંપતિ જેવા માણસો ખરેખર હોય ખરા? જે પૈસેટકે સંપન્ન છે, ઉંમરમાં તેના કરતા ઘણા મોટા છે, અજાણ્યાં પરદેશીને મદદ કરવાની તેમને કોઈ જરૂરત નથી અને છતાં, કોઈ પણ સ્વાર્થ વગર તેના જેવા સામાન્ય માણસની આટલી બધી સહાયતા કોઈ કરે? તેના મગજમાં કોઈ તાળો બેસતો ન હતો કે આ જમાનામાં આવા પરોપકારી માણસો પણ હોય છે.

અંદર જઈ ભગવાનને સહુ પગે લાગ્યા. તે નતમસ્તક થઈ હાથ જોડી પ્રભુ સામે ઊભો હતો. નજીકમાં પુજારી, જે કદાચ ડાહ્યાભાઈને ઓળખતો હશે, તે આગ્રહ કરી રહ્યો હતો કે આરતી કરીને જ પાછા જજો અને ડાહ્યાભાઈ તેને ના પાડીને સમજાવી રહ્યા હતાં કે તેમના મહેમાનની ફ્લાઈટનો સમય થવા આવ્યો છે અને રોકાઈ શકાય તેમ નથી.

 

ડાહ્યાભાઈ દંપતિએ પ્રભુને શું કહ્યું હશે તે તો પ્રભુ જાણે પણ આને તો પ્રભુ દર્શન કરતી વખતે આ દંપતી જ તેની નજરમાં આવી. તેની આંખમાં પાણીના ઝળઝળીયા આવી ગયા. પોતાનું ‘ચેતતો નર’ વાળું ડહાપણ સાંભરીને પોતાના પર શરમ ઊપજી. સજ્જન પર શંકા કરવી પાપ બરાબર છે તે વાક્ય સાચું લાગ્યું. સજ્જન પર અવિશ્વાસ કરવા કરતા તેના પર વિશ્વાસ મૂકી છેતરાવું વધુ ભલું છે તેવું તેને આજે લાગ્યું. તેને પોતાની પત્નીની એક સતત ટકોર સ્મરણ થઈ આવી, “તમે બહુ વધારે પડતું લાંબુ વિચારો છો અને ખોટું દુઃખ ઊભું કરો છો”

ત્રણે પાછા કારમાં બેઠા. ડાહ્યાભાઈએ સમયસર તેને બુલાવાયો એરપોર્ટ પહોંચાડી દીધો. “આજે શનિવાર ન હોત અને નોકરચાકરો હોત તો તમને વધુ મઝા આવતે. બીજી વાર આવો તો થોડા દિવસો અહીં રહી શકાય તેવી રીતે પ્રોગ્રામ બનાવજો.” અને “આવજો” કહેતા કહેતા પેલી વસ્તુઓ જે તેમણે પોતાની ફેક્ટરીઓમાંથી લઈ રાખી હતી તે બહાર કાઢી, જાણે દાન પર દક્ષિણા આપવાની ન હોય. આટલા તેમના ઉપકાર ઉપર આ પણ? તેણે એ ભેટનો દૃઢતા પૂર્વક અસ્વીકાર કર્યો. પણ તે દંપતી એમ હાર માને તેવું નહોતું. અતિ આગ્રહવશ તેણે ન છુટકે એક ખમીસ અને એક મોજાંની જોડ પોતાની બેગમાં મૂકી. ગદગદ હૃદયે  દંપતીનો આભાર માની તે હરારે માટે વિમાન પકડી વિદાય થયો.

જેના માટે તેણે સવારે એમ માની લીધું હતું કે તેની જરૂર નહીં પડે તે ડાહ્યાભાઈ દંપતી સાંજ પડતા સુધીમાં હવે તેના મનમાં એવા જડાઈ ગયા છે કે ખસતા નથી. હરારે પહોંચીને ‘તમારો ખુબજ આભાર અને સુખેથી હરારે પહોંચી ગયો છું’ તેમ કહેવા તેણે ફોન જોડ્યો. ઘંટડી વાગી પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. “રાતના દસ થવા આવ્યા છે, કદાચ સૂઈ ગયા હશે. કાલે દુબાઈ પહોંચીને ફોન કરીશ” તેવું મનોમન નક્કી કર્યું.

દુબાઈથી ફોન કર્યો. પણ એનું એ જ, ફોન ઊચકાયો નહીં. વારંવાર અઠવાડીયા સૂધી રોજ ફોન કર્યા પણ કોઈ જ પ્રતિસાદ નહીં ફોન નંબર તો ખોટો નહીં હોયને? ના તે બને નહીં કારણકે તે નંબર પર જ તો બુલાવાયો પોસ્ટઓફિસ પાસેથી તેણે ફોન કરીને ડાહ્યાભાઈને બોલાવેલા. કદાચ ફોન ખરાબ થઈ ગયો હોય. ફેક્સ કર્યો તો તેમાં પણ ‘ટ્રાંસમિશન ફેઈલ્ડ’ ની ટિપ્પણી આવી. પછી પત્ર લખ્યો તો તે પણ નિરુત્તર. બધી રીતે તેને તપાસ તો કરી, તોય પણ ડાહ્યાભાઈનો કોઈ પત્તો ન લાગ્યો. તેને નરસિંહ મહેતાનું એક ભજન યાદ આવ્યું, ‘મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી’. શામળશા શેઠનો પછી કોઈ પત્તો લાગ્યો નથી.

દીકરાના એક મિત્રે ઊર્મિલા બહેનને એક વાર કીધું હતું કે “ડાહ્યાભાઈ હોત તો મળેત નહીં? અરે માશી, એ તો એમનું ભૂત હતું”. તેની મજાક સાંભળી ઊર્મિલા બહેને સહેજ હસી લીધું હતું. મોટા દીકરાની વાત પર વિશ્વાસ તો હતો, તે ખોટું તો બોલે નહીં. પણ સાથે મનમાં વળી પાછો સંશય ઊભો થવા માંડ્યો હતો કે શું ડાહ્યાભાઈની કથા એ મારા દીકરાની કોઈ ફળદ્રુપ કલ્પના તો નહીં હોય ને? તેમની નજર વળી પાછી ખોળામાં પડેલા પેલા સફેદ શર્ટ અને કાળા કાબરચિતરા મોજાં પર પડી. તેમણે તે હાથમાં લીધા, જાણે ખાતરી ન કરતા હોય!

દુબાઈમાં દર શુક્રવારે સ્વાધ્યાય થાય. ગયા શુક્રવારના કેન્દ્રમાં જ તેમણે દાદા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના વિડિઓ પ્રવચનમાં સાંભળ્યું હતું કે વિશ્વના દરેક વ્યક્તિને પ્રભુનો આવો સ્પર્શ મળતો જ હોય છે. અલબત્ત આપણે તે ઉપકાર ભૂલી જઈએ છીએ અને નરસિંહ મહેતા જેવા કોઈ યાદ રાખે છે.

-----

Wednesday, January 14, 2015

ઉત્તરાયણ, મકર-સંક્રાંતિ.


પતંગ, તલસાંકડી, ભિષ્મ પિતામહનું ઈચ્છા મૃત્યુ, ગંગા-સ્નાન, પ્રકાશનો અંધકાર પર વિજય વિ. તો આપણે જાણીએ છીએ માટે ચાલો આ મકર-સંક્રાંતિના પર્વ ટાણે, કાંઈક નવું, બીજું પણ જાણી લઈએ.
http://nmsresolution.blogspot.ca/2012/01/blog-post.html