Thursday, December 31, 2015

ક્રેનબેરી અને શીંગોડા

(સાહિત્યની ભૂમિ એવી ફળદ્રુપ છે કે અશક્ય લાગતું બધું જ તેમાં શક્ય બને છે. બાકી ક્યાં ક્રેનબેરી અને ક્યાં શીંગોડા. ક્રેનબેરી, એ અતિ-થંડા પ્રાંતનું ફળ અને શીંગોડા, તે ગરમ પ્રાંતનું ફળ. બેઉ નિસર્ગમાં કદી ભેળા ન થાય પરંતુ વાર્તા માં? આ વાર્તા લખતાં લખતાં તેથી જ તો લેખકને એ બ્રહ્મજ્ઞાન લાધ્યું કે એમ શા માટે કહેવાતું હશે કે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”) 

અમેરિકા (યુ.એસ.એ.) અને કેનેડા મળીને જે ભૂભાગ બને તે ઉત્તર-અમેરિકા. આ ભૂભાગના પશ્ચિમ કિનારે પાસિફિક-પ્રશાંત મહાસાગર. સુર્ય-પ્રકાશ, સુંદર દરિયા-કિનારો, અને બારે મહિના ખુશનુમા આબોહવા ના આશિર્વાદના પ્રતાપે હોલીવુડ અને સીલીકોન-વેલીનું તે ઘર બન્યું છે. લોસએંજીલીસ, સાનફ્રાન્સીસ્કો, સાનહોસે, સીઆટલ અને વાનકુવર જેવા પ્રસિધ્ધ શહેરો આ કિનારે વસ્યા છે.

ઊર્મિલા બહેનની પહેલી પૌત્રી કેનેડા વસવાટ કરવા આવી ત્યારે શરૂઆતનાં ત્રણ-ચાર વર્ષ તે વાનકુવરનાં મોંઘાદાટ રીચમંડ વિસ્તારમાં રહેતી. રીચમંડ હજી હમણાં સુધી અતિ ફળદ્રૂપ ખેતરો માટે જાણીતું હતું. આ ખેતરોના મોટા ભાગના માલીકો ભારતથી આવી વસેલા મહેનતુ શિખ લોકો છે. પણ જેમ જેમ ચીનની સમૃધ્ધિ વધતી ગઈ તેમ તેમ ત્યાંનાં ધનવાન માણસોએ પણ અહીં જમીનો લઈ, ઘરો બાંધી વસવાનું ચાલૂ કર્યું. આ નવા વસેલા ‘કેશ-રિચ’ ચીનાઓને લીધે ઉત્તર-અમેરિકામાં વાનકુવર સૌથી મોંઘુ શહેર બની ગયું છે. અને વાનકુવરમાં, રીચમંડ વિસ્તાર સૌથી વધુ મોંઘો. ત્યાં ધીરે ધીરે ખેતરો ઘટતા ગયા છે અને તેની જગ્યાએ મકાનો વધતાં ગયા છે.

ઊર્મિલા બહેનની પહેલી પૌત્રીનો બાપ એટલે ઊર્મિલા બહેનનો મોટો દીકરો જેને આપણે ઊમોદી તરીકે જાણીએ છીએ. ઊર્મિલા બહેનનો ઊ, મોટાનો મો અને દીકરાનો દી લઈએ એટલે ટૂંકામાં તે બને ઊમોદી. તે ઊમોદી આજે પોતાના પૌત્રને ફિલ્ડ-ટ્રિપ માટે લઈ જઈ રહ્યો છે. ફોક્સવેગન કારના સ્ટિયરીંગ પર તે અને પાછળ કાર સીટ પર તેનો પૌત્ર છે. હાઈવે-૯૧ની બન્ને બાજુએ વિશાળ ખેતરો છે. નવેમ્બર મહિનાના શરૂઆતના દિવસો છે. મકાઈનો પાક લણ્યા પછી સાફ થયેલા ખેતરો હજુ ખાલી જ પડ્યા છે. બ્લ્યુબેરીની વાડીઓ સુની પડી છે. તેમાં આવતા ઊનાળા સૂધી ધ્યાન આપવાની જરૂર નહીં. હવે આવતા જૂલાઈ-ઓગસ્ટમાં બ્લ્યુબેરીના તે જ છોડ પર ફળ પાકશે. પણ પેલા દૂરના મોટા ખેતરોમાં પાણી ભરાયું હોય તેવું કેમ લાગે છે? આપણે તો ડાંગરના ખેતરોમાં પાણી ભરાયેલા જોયા છે. તો શું આ ડાંગરના ખેતરો હશે? અહીં? આ ઋતુમાં? એ તો ના બને. અને તે પાણી લાલ રંગનું કેમ છે? મા ઊર્મિલા બહેને કહેલી વાત તેને યાદ આવી ગઈ. વિદર્ભના કે છત્તીસગઢના કોઈ નાનકડા ગામડાના તળાવમાં શીંગોડા જ્યારે ઉગ્યા હોય ત્યારે તળાવ કેવું લાલ દેખાતુ તેની વાત તેઓ ઘણી વાર કરતાં. જો કે ઊમોદીને ખબર છે કે વાનકુવરમાં તો શીંગોડાની ખેતી થાય જ નહીં. ક્યાં શીંગોડા માટેનું વિષુવવૃત્તીય વાતાવરણ અને ક્યાં આ વાનકુવરનું શંકુદ્રુમ હવામાન. તેથી લાલ પાણી વાળું શીંગોડાનું ખેતર તો હોઈ જ ન શકે. તો એ રાતા પાણી વાળું ખેતર હશે શાનું? 

લાલ પાણી ભરેલા ખેતરની નજીક પંહોચીને નિરીક્ષણ કર્યું ત્યારે ખ્યાલ આવી ગયો કે તે ચણી-બોર જેવા ક્રેનબેરી ફળની વાડી હતી. ક્રેનબેરી ફળની વિશેષતા એ છે કે તે માત્ર ઉત્તર-અમેરિકામાં જ થાય છે અને તેમાં પારાવાર માત્રામાં સી-વિટામિન હોય છે. તેની બીજી ખાસીયત એ છે કે તે બોર જેવા ફળમાં થોડીક હવા નૈસર્ગીક રીતે ભરાયેલી રહેતી હોવાને કારણે તે કદી પાણીમાં ડુબતું નથી. તરતા રહેવાના તેના એ ગુણધર્મનો લાભ ખેડૂતો તેને સહેલાઈથી ચૂંટી લેવા માટે કરે છે. જ્યારે ફળ પાકીને સરસ લાલઘૂમ થાય તે સમયે ખેડૂત આખા ખેતરને પાણીથી ભરી દે. અંદર રહેલી સહેજ હવાને કારણે ક્રેનબેરી ડૂબી જવાના બદલે   પાણી ઉપર તરતી રહે અને ફળ ચૂંટનારના હાથમાં સહેલાઈ આવે. આમ થવાથી તેને બહુ ઝડપથી વીણી લઈ શકાય. ક્રેનબેરીના રાતા રંગને લીધે ખેતર જાણે રાતા રંગ ના પાણી થી ભરેલું ન હોય તેવું જ દેખાય. એટલે, પાણી તો પાણી જેવું જ હોય, તેનો રંગ ખરેખર બદલાયો ન હોય પણ તેની ઉપર તરતા લાલ ક્રેનબેરીઓને લીધે તે પાણી લાલ દેખાય. ક્રેનબેરી વીણાઈ જાય પછી પાણી લાલ ન દેખાય. આપણા શીંગોડાનું પણ કાંઈક એવું જ હોય છે. ત્યાં પણ પાણી તો પાણી જેવું જ હોય પણ શીંગોડાની તરતી લાલ ડાખળીઓને લીધે પાણી લાલ દેખાય. આપણે ત્યાં બે પ્રકારના શીંગોડા થાય છે. એક પ્રકાર જે હમણાં વર્ણવ્યો તે. તેની ફસલ દિવાળી દરમિયાન આવે. તેની છાલ કઠણ હોય અને તેને કાંટા પણ હોય. બીજા પ્રકારના શીગોડા ચોમાસામાં આવે તેની છાલ બહુ કઠણ ન હોય અને તેને કાંટા પણ ન હોય. આ પ્રકારના શીંગોડા જે તળાવમાં ઊગે તે તળાવનું પાણી લાલ ન દેખાય પણ લીલું દેખાય કારણ કે આ પ્રકારના શીંગોડાના ડાખળાં લીલા રંગના હોય છે.

કેનેડાના હાઈ-વે પર ૯૦ કિલોમિટરની સ્પીડ-લિમિટ છે. દુનિયાના બીજા દેશો કરતાં ઓછી કહેવાય. ઊમોદીને બહુ વધારે ગતિથી કાર ચલાવવાનો કોઈ વિશેષ શોખ નથી પણ તેને ૯૦ની સ્પીડ તો બહુ ઓછી લાગતી. પણ એ ‘ધીમી’ ગતિ જાણે તેના મગજને બીજા વિચારો કરવા અવકાશ આપી રહી હતી. 

તેને પ્રશ્ન થયો કે શીંગોડાને અંગ્રેજીમાં ‘વોટર-ચેસ્ટનટ’ શા માટે કહેવું? યુરોપના લોકો ૨૦૦-૩૦૦ વર્ષ પૂર્વે જ્યારે ભારતમાં તેમ જ અગ્નિ-એશિયામાં આવ્યા હશે ત્યારે તેમણે તળાવમાં ઊગતા શીંગોડા કદાચ પહેલી જ વાર જોયા હશે. તે ફળ નો દેખાવ તેમને યુરોપના ફળ ‘ચેસ્ટનટ’ને મળતો લાગ્યો. ચેસ્ટનટ વૃક્ષ પર ઊગે અને શીંગોડા પાણીમાં. તેથી ગોરીયાઓએ શીંગોડાનું નામકરણ ‘વોટર-ચેસ્ટનટ’ કર્યું હશે. ઊમોદીને થયું કે આપણે ત્યાં ક્રેનબેરી કે ચેસ્ટનટ થતા નથી તેથી આપણી ભાષામાં જ્યારે તે ફળોની વાત કરવાનો પ્રસંગ આવે ત્યારે આપણે તો તેમનું કોઈ જૂદું નામકરણ, ‘તરતા-બોર’ કે ‘વૃક્ષીય-શીંગોડા’ કે એવું કાંઈ કરતા નથી. તો આ ગોરાઓ આપણાં આવા વિશિષ્ટ ફળોને પણ આપણી જ ભાષામાં ઓળખે તો કેવું સારૂં? ‘વોટર-ચેસ્ટનટ’ કહેવાને બદલે ‘SHINGODA’-શીંગોડા એમ જ ન કહેવું જોઈએ?

અમેરિકાની સીલીકોન-વેલીનું મુખ્ય શહેર સાન-હોસે. આ તે જ શહેર જ્યાં ૨૦૧૫માં નરેન્દ્ર મોદી ફેસબુક, ગુગલ, ટેસ્લા વગેરે કંપનીઓના વડાઓને અને અમેરિકામાં વસતા ૪૦-૪૫ હજાર ભારતીય મૂળના માણસોને મળીને એક ઇતિહાસ રચેલો.  તે સાન-હોસે શહેરનું નામ મેક્સિકો દેશથી આવીને અમેરિકામાં વસેલા સ્પેનિશ ભાષી લોકોએ આપેલું છે. આ મેક્સિકન પ્રજા અમેરિકામાં ‘હિસ્પેનિક’ તરીકે ઓળખાય છે. ‘સાન હોસે’ શબ્દની રોમન-લીપીમાં જોડણી ‘SAN JOSE’ (સાન-જોસ) છે. નહીં કે  ‘SAN HOSEY’ (સાન-હોસે). તેમ છતાં પણ અમેરિકાના પ્રમુખથી માંડીને કોઈ સામાન્ય માણસ પણ તે શહેરને સાન-હોસે તરીકે જ ઓળખે છે કારણ કે સ્પેનિશ ભાષામાં ‘J’ નો ઉચ્ચાર ‘H’ થાય અને તેથી ‘SAN JOSE’ નો ઉચ્ચાર ‘સાન-હોસે’ એમ થાય છે. પણ જો આ હિસ્પેનિકોએ અંગ્રેજી પ્રમાણે ‘સાન-જોસ’ બોલવાનું કર્યું હોત તો તેમના પર રાજ કરતી અને વધારે પ્રભાવશાળી અંગ્રેજી-ભાષી પ્રજા અને સરકાર તે શહેરને આજે સાન-જોસ કરીને જ ખપાવતે. એ લોકોએ પહેલેથી જ સાન-હોસેનું સાન-જોસ ન થવા દીધું. (તે પ્રમાણે મેક્સિકન વાનગીઓમાં વપરાતા મરચાની રોમન જોડણી જેલેપીનો-JALAPENO- છે પણ તે બોલાય છે ‘હેલેપીનો’). આપણી તો વાત જ ન્યારી છે. આપણે ‘મુંબઈ’ નામ પકડી ન રાખ્યું અને તેને ‘બોમ્બે’ થવા દીધું. પરદેશીઓએ આપણને આપેલા નામો આપણે તો કહ્યાગરા-ગુલામની જેમ વધાવી લીધા. આજે પણ જો કોઈ મૂળ નામ વાપરવાનો પ્રયત્ન કરે તો આપણે હજુ ય માલિકને-વફાદાર-ગુલામની જેમ સાચા શબ્દ પ્રયોગ કરનારની ઠેકડી ઊડાડીએ. આપણી આવી માનસિકતાને લીધે જ તો આપણા પર આક્રમણ કરનારાઓ અને દગો કરીને આપણને ગુલામ બનાવનારાઓ આપણા નામો બદલાવી શક્યા. વાત ત્યાં જ અટકી નહીં પણ સ્વાતંત્ર્ય પછી દેશપ્રેમીઓને મૂળ નામ પુનઃ સ્થાપિત કરવા ઘણી જહેમત લેવી પડી કારણ કે મનથી ગુલામ આપણને બરોડા, બોમ્બે, બનારસ, વગેરે બોલવું અડવું લાગતું જ નથી.  કોઈ કહેશે કે આપણે બાયલા છીએ, આપણામાં દમ નથી પણ ઊમોદીને થતું કે આપણા માણસોનો ખરેખર વાંક નથી, તેઓને ખોટું શિક્ષણ મળ્યું છે. જે દિવસે તેમને સાચો ‘ગુરુ’ મળશે અને બાપદાદાના અમૂલ્ય વારસાની કિંમત સમજાશે તે દિવસે તે રાતોરાત બદલાઈ જશે. પણ તે માટે ગુરુ બદલાવવો પડશે. સ્વાધ્યાય વાળા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ તેમના પ્રવચનમાં એક વાર જ્યોતિષી-શાસ્ત્રનો દાખલો આપીને હળવા અંદાજમાં સરસ સમજાવેલું. આપણી સુર્યમાળાના બધા ગ્રહોમાં ગુરુ સહુથી મોટો ગ્રહ છે. જ્યોતિષીઓ કહે છે કે વ્યક્તિની કુંડળીમાં ગુરુના ગ્રહનું સ્થાન બહુ અગત્યનું છે. કુંડળીમાં જો ગુરુ બદલાય તો તેનું ભાગ્ય પણ તે પ્રમાણે બદલાય. આપણને તો એવા ગુરુઓ મળેલા છે જેઓ પોતાની વસ્તુઓ માટે ગૌરવના બદલે ક્ષોભ અનુભવતા હોય છે અને એમને માત્ર પરદેશી ચીજો જ યોગ્ય લાગે છે. પરંતુ આપણને જો સરખો સંસ્કૃતી-પ્રેમી ગુરુ મળી રહેશે તો આપણી પણ દૃષ્ટિ બદલાશે અને ભાગ્ય પણ.

પાંચ વર્ષના પૌત્રને ફિલ્ડ-ટ્રિપ માટે રિચમંડના ટેરા-નોવા-પાર્કમાં લઈ જવાનો છે. એ ૬૩ એકરનો વિશાળ પાર્ક છે પણ તે જોવાનું આજનું ધ્યેય નથી. પાર્કમાં ઘણી નાની-મોટી સંસ્થાઓ સમાજોપયોગી પ્રવૃત્તિઓ ચલાવે છે. આમાંની એક સંસ્થાનું નામ છે, ‘The Sharing Farm’-‘ધ શેરિંગ ફાર્મ’, જે જોવા આ બેઉ નીકળ્યા છે. આ ફાર્મ એક ખેતર છે. અહીં કોઈ કામદાર નથી પણ સ્વયંસેવકો ખેતી કરે છે. રોજ એક જૂદી ટોળી ત્યાં સેવા આપવા આવે. બધાને વારા બંધી આપ્યા હોય. ઋતુ પ્રમાણે બટાકા, ટામેટા, ગાજર, લસણ, ડુંગળી, ફુદીનો, વટાણા, કોબી, વગેરે શાક-ભાજી અને ગુલાબ, ટ્યુલિપ વગેરે જેવા ફુલ ની ઊપજ ત્યાં થાય છે. તેમની મોટા ભાગની ઊપજ સરકાર દ્વારા ચલાવાતા ગરીબો માટેના સૂપ-કિચનમાં આપવામાં આવે છે. વધારાની ઊપજ તેઓ બજારમાં વેચે તેમ જ તેમનું કામ જોવા આવનારા પર્યટકો થોડી-ઘણી ખરીદી જાય. આમ થતી આવક વડે સંસ્થા ચાલે છે.

શાળાઓએ ફરજીયાત આવી ફિલ્ડ-ટ્રિપ યોજવી પડે જેમાં બાળ-મંદિરના બાળકોથી માંડી ૯મી-૧૦મી સુધીના વિદ્યાર્થીઓ અહીં આવે. અહીં તેમને ખેતીવાડી, બીયારણ, કોંપોસ્ટ-ખાતર, અળસીયા, પતંગીયા, મધમાખી, પાંદડાના વિવિધ આકારો, રંગો અને સુગંધો વગેરે બતાડીને પરોપકારી સંસ્થાના સ્વયંસેવકો બાળકોની નિસર્ગ સાથે ‘મૈત્રી’ કરાવે. આમ બે-ત્રણ કલાકના કાર્યક્રમ પછી તેમની શાળાના શિક્ષક સાથે બાળકોનો ગ્રુપ-ફોટો પાડે અને બાળકોને વિદાય આપતી વેળાએ ટામેટા કે વટાણાના બીયા અથવા રંગ-રંગના ફુલોના બીયા ભરેલું પડીકું આપે જે વડે બાળકો ઘેર જઈ પોતપોતાના ઘેર કુંડામાં કે જમીનમાં ઊગાડી શકે. આ કામમાં બાળકને ઘેરે મા-બાપની સહાયતાની પણ જરુર પડે. આવી ટ્રિપના બે-ત્રણ દિવસો પછી તેમને ગ્રુપ-ફોટો પણ મળી રહે. આવી રીતે પોતાને ઘેર પણ બાળક અને તેના મા-બાપ સુધ્ધા નિસર્ગ સાથેનો સંબંધ જાળવી રાખી શકે. 

શેરિંગ ફાર્મ જોઈને સ્વાધ્યાય વાળા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીનો ‘યોગેશ્વર-કૃષિ’ યાદ આવવો સ્વાભાવિક જ હતો કારણ તે તેમાં પણ વારાફરતી દરરોજ સ્વાધ્યાયીઓની જુદી જુદી ટોળીઓ કૃતિ-ભક્તિ માટે આવીને ખેતી કરતા હોય છે. જો કે આમ સરખી દેખાતી બન્ને પ્રવૃત્તિઓ વચ્ચે મોટો તાત્વિક ફરક છે. એકની પ્રેરણા ગરીબો માટે કાંઈ કરી છૂટવાની છે જ્યારે બીજામાં પ્રભુ પરત્વેની કૃતજ્ઞતા નિભાવવાની છે. આવી કોઈ પ્રવૃત્તિઓ જો આસપાસમાં ચાલતી હોય તો આપણે અને આપણા બાળકોએ ત્યાં અવશ્ય જવું જ જોઈએ એવું આપણને લાગ્યા વગર ન રહે. 

આવી બધી વાતો કરી સૌને નિત-નવી જાણકારી આપવી તે ઊર્મિલા બહેનનો સ્થાયી સ્વભાવ છે. આજે તેઓ ૮૩-૮૪ વર્ષના છે, સ્વાસ્થ્ય પણ સાથ નથી આપતું, છતાં પણ મુંબઈમાં ઊમોદીના ઘરની સામેના વિશાળ પીપળા પર નવી કુંપળ ફૂટે કે કોયલ ટહુકે કે દૂર ક્યાંકથી મોરનો હળવો કેકારવ સંભળાય ત્યારે ત્યારે, ઊર્મિલા બહેન જરૂર તેની નોંધ લે છે અને ભલે કોઈ સાંભળે કે ન સાંભળે પણ અવશ્ય તેનો ટહુકો કરી જણાવી દે. હા, તેમનો ટહુકો પૌત્રી-પ્રપૌત્રો સુધી પંહોચવો સહેજ કઠણ છે કારણકે તેઓ હજારો કિલોમિટર દૂર, પરદેશમાં રહે છે. પહેલા તો પૌત્રી તેમને વિમાનની ટિકિટ મોકલાવીને બા ને બોલાવી શકતી હતી પણ હવે નાદુરસ્ત સ્વાસ્થ્યનો સામનો કરી રહેલા બા કેમ વાનકુવર આવે?