Sunday, November 8, 2020

વોકલ ફોર લોકલ (૧) – તમારું હોય તેનું તમે જતન કરો

 બાકીના બધા અક્ષરો તો ભારતની બધી ભાષાઓમાં હોય છે, પણ ગુજરાતી ભાષાના આ બે અક્ષરો, 'ળ' અને 'ણ' બીજી ભાષાઓમાં કાં તો નથી અથવા તો ઓછા વપરાશમાં આવે છે. આ વિશેષતાનો આપણે પૂરેપુરો ઉપયોગ કરીને ગુજરાતી ભાષાની લાક્ષણિકતા જાળવી રાખવી જોઈએ. આ વાત મારા મનમાં ત્યારે આવી, જ્યારે બજારમાં મળતી ગોળ-કેરીના અથાણાની શીશી પર 'ગોર-કેરી' કે 'ગોડ-કેરી' એવું વાંચવામાં આવ્યું. વોકલ ફોર લોકલ કરવું હોય તો 'ળ' અને 'ણ' ને આપણે ભૂલવા ન જોઈએ. જો ગુજરાતીમાં પ્રીન્ટ કરવાનું હોય તો, 'પાણી-પુરી' કે 'ભેળ-પૂરી' ને 'પાની-પૂરી' કે 'ભેલ-પૂરી' શા માટે કહેવું? વાત નાની છે પણ તેની શક્તિ 'લોકલ' ને 'ગ્લોબલ' બનાવી શકશે. "વોકલ ફોર લોકલ" આપણે થયા નહીં તેને લીધે જે વસ્તુઓ આપણા લેખક-કવિઓએ વર્ણવી છે તે ક્યાં છે તે અથવા તે જગાઓ જોવાનું પણ આપણને કુતુહલ થતું નથી. તેથી જ તો તે તે સ્થળોનો પર્યટન-મથક તરીકે પણ વિકાસ થતો નથી. દાખલા તરીકે, જુનાગઢના જોવા લાયક ઐતિહાસિક સ્થળો જો ગુગલમાં શોધશો તો અડીકડીની વાવ કે નવઘણ કૂવો તમને નહીં મળે અને વઢવાણની માધાવાવ કે સતી રાણકદેવીનું મંદીર પણ નહીં મળે.  જુનાગઢના કવિ નરસિંહ મહેતા કે વઢવાણના કવિ દલપત રામ વગેરેએ તેમના સમયે ઐતિહાસિક રીતે અગત્યની સ્થાનિક વાતો સમેટીને કવિતાઓ લખી અને તે વાતો પ્રખ્યાત પણ થઈ. તેઓ લોકલ માટે વોકલ થયા. આજે પણ તેવું કરવાની જરુર છે. આપણા દેશમાં તો જ્યાં નજર પડે ત્યાં ઇતિહાસ પડ્યો છે, આપણે બસ જરુર થોડાક વોકલ-બોલતા થવાની જ છે.